Get The App

કોંગ્રેસમાંથી રાજીનામું આપવા માટે ધમકી અપાઇ

Updated: May 15th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસમાંથી રાજીનામું આપવા માટે ધમકી અપાઇ 1 - image


- સાઉથ આફ્રિકાના ગોરા શાસકો દ્વારા ANCના પ્રમુખને

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-7

- અમારા પ્રમુખ લુથુલિએ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની ગોરાઓને ધરાર ના પાડી દીધી

- ગોરાઓની સરકાર ANC ને ગેરકાયદે જાહેર કરે તેવા ભણકારા વાગવા માંડયા

એ સમયગાળામાં હું એમ જ માનતો કે જેમાં ANC  નું નેતૃત્ત્વ હોય એવી ઝુંબેશો/આંદોલનોમાં જ ANC  એ જોડાવું જોઇએ. વળી હું  આંદોલન સફળ થશે કે નહીં એનો વિચાર કર્યા વગર આંદોલનની 'ક્રેડિટ' કોને મળશે તેનો પહેલા વિચાર કરતો હતો.

કહેવાનો મતલબ બીજા જૂથોએ અમારી સાથે આંદોલનમાં જોડાવું હોય તો વાંધો નહીં, પણ બધાએ ANC  ના બેનર હેઠળ જ ઝુંબેશ ચલાવવી જોઇએ.

આમ ઇન્ડિયનો અને અન્ય જૂથો સાથેના આંદોલનમાંથી આફ્રિકન નેશનલ કોંગ્રેસ ખસી ગઇ હોવા છતાં ટ્રાન્સવાલ રિજીયનના પ્રમુખ રામોહેનોએ આંદોલનમાં જોડાવા માટે આફ્રિકનોને હાકલ કરતું બીજા દિવસે અખબારી નિવેદન આપ્યું હતું.

આતો ટ્રાન્સવાલ એક્ઝિક્યૂટિવ કમિટિના ઠરાવનો ખુલ્લેઆમ અનાદર કે અવગણના કર્યાનું ગણાય. કમિટિ આવી અવજ્ઞાા સ્હેજ પણ સાંખી ન લે.

આ વિવાદ ઉકેલવા માટે મળેલી મીટિંગમાં, અવજ્ઞાા કરનાર પ્રમુખ રામોહેનો વિરૂધ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મુકવાનું કામ મને સોંપાયું..

હું ખરેખરનો ધર્મ સંકટમાં મુકાઇ ગયો.

એક બાજુ મારી ફરજ હતી, બીજી તરફ રામોહેનો માટેની મારી વ્યક્તિગત વફાદારી હતી. એક બાજુ ANC  સંસ્થા તરફની મારી જવાબદારી હતી, તો બીજી તરફ મારા મિત્ર પ્રત્યેની મારી જવાબદારી હતી.

મારે શું કરવું...? રામોહેનોની પ્રમાણિકતા અને કર્તવ્યનિષ્ઠા સામે ક્યારેય કોઇ સવાલ ઊઠયા નહોતા. સ્વતંત્રતાની લડતમાં મારા કરતા રામોહેનોની સમર્પિતતા અને તેમણે આપેલો ભોગ ઘણો બધો વધારે હતા.

રામોહેનોએ કરેલી હાકલ ખરેખર તો એક ઉમદા કાર્ય જ હતું. ઇન્ડિયન બ્રધર્સને તેમની લડતમાં આફ્રિકનોએ સાથ આપવો જોઇએ, એમ તેઓ માનતા હતા.

પણ રામોહેનો એક્ઝિક્યૂટિવ કમિટિના ઠરાવ વિરૂધ્ધ ગયા હોવાથી તેમની સામેનો વિરોધ વધતો ગયો હતો. વ્યક્તિગત વફાદારી કે સંબંધ કરતા સંસ્થા તરફની વફાદારી મહત્વની છે.

આથી પ્રમુખ રામોહેનોની હાકલને વખોડતો ઠરાવ મેં રજૂ કર્યો. મીટિંગમાં જબરો ઊહાપોહ થયો. એક બાજુ પ્રમુખ રામોહેનોના સમર્થકો અને બીજીબાજુ એક્ઝિક્યૂટિવ કમિટિના ટેકેદારો વચ્ચે ભારે ધમાચકડી મચી ગઇ.

સામસામા આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને ધમાલ વચ્ચે કમિટિની મીટિંગ બરખાસ્ત કરવી પડી.

વર્ષ ૧૯૫૨ના અંતમાં ANC  ની વાર્ષિક સભામાં નવા પ્રમુખ આલ્બર્ટ લુથુલિની વરણી થઇ. ANC  ના બંધારણ મુજબ ટ્રાન્સવાલ રિજીયનનો હું પ્રમુખ હોવાથી ચાર પૈકીના એક ડેપ્યૂટી પ્રેસિડન્ટ તરીકે મારી વરણી થઇ. વધારામાં નેશનલ એક્ઝિક્યૂટિવ કમિટિએ મારી ફર્સ્ટ ડેપ્યૂટી પ્રેસિડન્ટ તરીકે વરણી કરી. 

આફ્રિકન નેશનલ કોંગ્રેસની વાર્ષિક સભાના થોડા જ મહિનાઓ અગાઉ ગોરી સરકારે લુથુલિને  પ્રિટોરિઆ (અંગ્રેજોના શાસન વખતે પ્રિટોરિઆ શહેર સરકારી વહીવટી તંત્રનું મુખ્ય મથક હતું.) બોલાવી અલ્ટિમેટમ આપ્યુંં હતું ઃ તમે ANC  નું સભ્યપદ છોડી દો અને સરકાર વિરૂધ્ધની ઝુંબેશને ટેકો આપવાનું બંધ કરી દો. જો આમ નહીં કરો તો ટ્રાઇબલ વડા તરીકેની તમારી પોઝિશનમાંથી તમને બરતરફ કરી દેવાશે. એ જમાનામાં ટ્રાઇબલ વડાને સરકાર વેતન પણ ચુકવતી હતી.

લુથુલિ મૂળે શિક્ષક, અને ચુસ્ત ક્રિશ્ચિયન હતા. સાઉથ આફ્રિકાની ઝુલુ આદિવાસી કોમના વડા હોવાનું તેમને અદકેરૂ ગૌરવ હતું. આ બધા કરતાંય વધારે તો રંગભેદ વિરૂધ્ધની લડતને તેઓ પુરેપુરા સમર્પિત હતા.

આથી લુથુલિએ આફ્રિકન નેશનલ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની ધરાર ના પાડી દીધી. સરકારે અલ્ટિમેટમ મુજબ તેમને ઝુલુ ટ્રાઇબલના વડા તરીકેની પોસ્ટ પરથી બરતરફ કરી દીધા.

ચુસ્ત ક્રિશ્ચિયન એવા લુથુલિએ પોતાના સિધ્ધાંતોને અભિવ્યક્ત કરતું જોરદાર નિવેદન આપ્યું કે, '્રી ઇર્ચગ ર્ા ખિીીર્ગસ ૈજ પૈચ ારી ભર્જિજ.'

(સાઉથ આફ્રિકના સ્વાતંત્ર્યનો  રોડ વાયા ક્રોસ થઇને જાય છે. કહેવાનો મતલબ કે  ભગવાન ઇશુ ખ્રિસ્ત જેમ ધર્મ માટે  ક્રોસ પર ચઢી ગયા હતા, તેમ દેશની સ્વતંત્રતાનો રોડ વાયા ક્રોસ થઇને જાય છે, બધાએ બલિદાન માટેની તૈયારી રાખવી પડશે)

આ ઘટના પછી એવી વાત વહેતી થઇ કે ગોરી સરકાર હવે ANC  ને ગેરકાયદે સંસ્થા જાહેર કરશે. એટલે મેં કોંગ્રેસની એક્ઝિક્યૂટિવમાં સૂચન કર્યૂં કે સરકાર આવું કોઇ આત્યંતિક પગલું  લે તે પહેલાં આપણે કોઇક સચોટ ઇમરજન્સિ વૈકલ્પિક પ્લાન ઘડી કાઢવો જોઇએ કે જેથી આફ્રિકન નેશનલ  કોંગ્રેસની પ્રવૃત્તિઓ બંધ ન પડી જાય. ભૂગર્ભમાંથી પણ સરકાર વિરોધી આપણી ઝુંબેશ ચાલુ રહે એવું કાંઇક આપણે વિચારી લેવું જોઇએ.

એક્ઝિક્યૂટિવે મને જ આવો પ્લાન ઘડી કાઢવા માટેની જવાબદારી સોંપી. મેં તૈયાર કરી આપેલી વ્યૂહરચના મન્ડેલા-પ્લાન કે ટૂંકમાં M-Plan તરીકે જાણીતી થઇ. 

એક તરફ ANC  ની વાર્ષિક કોન્ફરન્સ યોજવાની તૈયારીઓ ચાલી રહી હતી, એવા સંજોગોમાં કોન્ફરન્સની તારીખના થોડા દિવસ પહેલા જ ANC  ના બાવન (૫૨) જેટલા નેતાઓ છ મહિના સુધી કોઇપણ કોન્ફરન્સ, મીટિંગ કે ગેધરિંગમાં ભાગ ન લઇ શકે તેવા પ્રતિબંધ ગોરા શાસકોએ લાદી દીધા. જે બાવન  નેતાઓ પર પ્રતિબંધ લદાયા તેમાં મારો પણ સમાવેશ થઇ ગયો હતો. છ મહિના સુધી જોહાનિસબર્ગ જિલ્લાની બહાર જવા પર મને મનાઇ ફરમાવી દેવાઇ હતી.

મીટિંગોમાં હાજર રહી ન શકાય તેવો મારા પર જે પ્રતિબંધ મુકાયો હતો, તેમાં માત્ર રાજકીય મીટિંગો જ નહીં, પણ સામાજિક મેળાવડા અને ફેમિલિ ગેધરિંગમાં પણ મારાથી હાજર ન રહી શકાય એવો પ્રતિબંધ હતો. દાખલા તરીકે હું મારા દીકરાની બર્થ ડે પાર્ટીમાં પણ સામેલ ન થઇ શકું.

રંગભેદ નીતિ વિરૂધ્ધ લડત ચલાવતા મારા જેવા નેતાઓને ચૂપ કરી દેવાની તેમજ અમને હેરાન-પરેશાન કરી દેવાની આ ગોરા શાસકોની પધ્ધતિસરની ચાલબાજી હતી. 

મારા M-Plan ના ભાગરૂપે આફ્રિકન નેશનલ કોંગ્રેસે દેશભરમાં સભ્યો માટે રાજકીય લેકચર્સનો એક પ્રાથમિક કોર્સ શરૂ કર્યો હતો. આ પ્રકારના લેકચર્સનો મુખ્ય આશય કાર્યકરોને રાજકીય રીતે પ્રશિક્ષિત કરવાનો તો હતો જ પણ સાથે સાથે સંગઠન મજબૂત બની રહે તેવો પણ આશય હતો.

(ક્રમશઃ)

Saransh

Google NewsGoogle News