app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

મળસ્કે પાંચ વાગે વંટોળ-વરસાદ બંધ પડી ગયા

Updated: Mar 15th, 2023


- વિશ્વમાં સૌ પ્રથમ અણુબોમ્બ ટેસ્ટિંગના સમય અગાઉ

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-5

- પરોઢિયે બરાબર 5.30 વાગે આંખો આંજી નાંખતા પ્રકાશ સાથે પ્રચંડ વિસ્ફોટ થયો

- જાપાન પર અણુબોમ્બ ઝીંકવા માટે અમેરિકાએ તખ્તો ગોઠવી દીધો

સતત વરસતા વરસાદમાં બોમ્બને ચિનગારી ચાંપવા માટેના વીજ વાયરના જોડાણમાં વિક્ષેપ સર્જાવાની પણ ધાસ્તી હતી.

આખી રાત ઓપનહેમર મગજ શાંત રાખવાની મથામણ કરતા રહ્યા. ડાઇનિંગ હોલમાં બેઠા બેઠા ક્યાંય સુધી તેઓ સિગરેટ અને બ્લેક કોફી પીતા રહ્યા.

રોબર્ટ ઓપનહેમર પાસે અત્યારે પૃથ્વી પર નર્ક ખડું કરવાની તાકાત હતી પણ સ્વર્ગ પર તેમની કોઇ સત્તા નહોતી. આથી જ તેઓ અત્યંત  અસ્વસ્થ હતા.

અચાનક જનરલ લેસ્લી ગ્રોવ્સ ત્યાં આવી પહોંચ્યા ''મેન હટન પ્રોજેક્ટ'' ના ચીફ એક્ઝિક્યુટિવ લેસ્લી આવી  વરસાદી વંટોળની સ્થિતિ વચ્ચે પણ ટેસ્ટિંગ મોકૂફ રાખવાના મુડમાં નહોતા, તેની પાછળનું કારણ રાજકીય હતું.

અમેરિકાથી દૂર જર્મનીના એક નાનકડા ટાઉન પોટ્સડેમમાં અમેરિકન પ્રમુખ હેરી ટ્રુમેન, રશિયન નેતા જોસેફ સ્ટાલિન અને બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ  વચ્ચે શિખર મંત્રણા  ચાલી રહી હતી. નિર્ધારિત સમય મળસ્કે ૪ વાગે જો  અણુ ધડાકાનું ટેસ્ટિંગ કરી દેવાય તો અમેરિકી પ્રમુખ ટ્રુમેનને વિજયના વધામણા જેવા આ ખબર આપી દેવાય અને આ ખબર રશિયાના સરમુખત્યાર જોસેફ સ્ટાલિન સાંભળે એટલે વાટાઘાટોમાં તેમનું પલ્લું આપોઆપ નીચું નમી જાય અને અમેરિકી પ્રમુખ ટ્રુમેનનો વટ વધી જાય.

૭૦ વર્ષ ના ચર્ચિલને તો છ-મ્ર્સમ પ્રોજેક્ટની ખબર હતી જ તેથી તેઓ ખુશ થાય, પણ સ્ટાલિન અણુબોમ્બનું સાંબળીને ભારે આઘાત પામે, કારણ કે અમેરિકા સાથેની ભવિષ્યની વાટાઘાટોમાં અમેરિકાનું પલ્લુ ભારે થઇ જાય.

બીજી તરફ અમેરિકાના ન્યૂ મેક્સિકો  સ્ટેટના લોસ આલામોસ નામના રણપ્રદેશમાં લેસ્લી અને ઓપનહેમરે વિચાર્યું કે આ રીતે અણુબોમ્બ સંશોધન લેબના ડાઇનિંગ હોલમાં બેસીને વાત કરવાનો કોઇ અર્થ નથી. એટલે બન્ને જણ કાર લઇ ચારેક માઇલ દૂરના કમાન્ડ સેન્ટર પર પહોંચ્યા, જયાં કેટલાક ટેકનિશ્યનો અને વૈજ્ઞાનિકો છેલ્લી મિનિટની કામગીરીમાં વ્યસ્ત હતા.

તેમની સાથે ટૂંકી ચર્ચા બાદ છેવટે ઓપનહેમર અને લેસ્લી ખચકાતા મને ટેસ્ટિંગ ફક્ત એકાદ કલાક મોકૂફ રાખવા સંમત થયા એટલે કે મળસ્કે ચારના બદલે પરોઢિયે પાંચ વાગે ટેસ્ટિંગનો ટાઇમ ગોઠવાયો. બીજીબાજુ અહીંથી ૫૦૦૦ માઇલ દૂર જર્મનીના પોટસડેમ ટાઉનમાં પણ વિશ્વના ત્રણ મોટા નેતાઓની મીટિંગ કોઇક કારણસર મોકૂફ રખાઇ હતી.

ઝરમર વરસાદ હજી ચાલુ હોવાથી ટેસ્ટિંગ ટાઇમ વધુ લંબાવવાની અનિવાર્યતા સર્જાતા પાંચના બદલે ૫.૩૦ વાગે અણુબોમ્બના ટેસ્ટિંગનો ફાઇનલ ટાઇમ નક્કી કરાયો.

બરાબર પાંચના ટકોરે ટેસ્ટિંગ સ્થળ ખાલી કરવાનું શરૂ કરી દેવાયું TRINITY-A- BOMB જ્યાં રખાયો હતો એ ૧૦૦ ફૂટ ઊંચા ટાવર પાસે ચોકી પહેરા માટે ઊભેલા પાંચ સશસ્ત્ર સૈનિકોને ત્યાંથી ઝડપભેર જીપમાં બેસાડી દૂરના બેઝ કેમ્પના સ્થળ તરફ મોકલી દેવાયા. રસ્તામાં કદાચ જીપ બગડે તો પણ દોડતા દૂર સુધી તેઓ જઇ શકે એટલે તેમને અડધો કલાક વહેલા જીપમાં રવાના કરી દેવાયા હતા.

વધારામાં બચાવ અને સાવચેતી માટે સૈનિકોને સૂચના અપાઇ હતી કે ન કરે નારાયણને તમારી જીપ બગડે અને તમે દોડતા હો, તે વખતે જ ટેસ્ટિંગનો ધડાકો સંભળાય તો તુરત ટેસ્ટિંગના સ્થળની દિશામાં પગ રાખી જમીન પર ઊંધા માથે સુઇ જવાનું, કોઇપણ સંજોગોમાં તમારે આંખો બંધ જ રાખવાની, ધડાકાથી સર્જાનાર પ્રકાશ તરફ નહીં જોવાનું,  કારણ કે પ્રકાશનો એ ઝબકારો એટલો તિવ્રહશે કે એ તરફ નજર કરવાથી તમને અંધાપો આવી જશે.

પરોઢના પાંચને પાંચ મિનિટ થઇ. વંટોળ અને વરસાદ લગભગ બંધ પડી ગયા હતા. વરસાદ માત્ર ઝરમર, ઝરમર છાંટારૂપે થોડો વરસી રહ્યો હતો.

બોમ્બ ધડાકાના સ્થળથી ૬ માઇલની દૂરી પર બે બન્કર વૈજ્ઞાનિકો માટે બનાવાયા હતા, જેમાં સુરક્ષિત રીતે બેઠા બેઠા વૈજ્ઞાનિકો ધડાકાની તિવ્રતા, ધડાકાથી છૂટી પડતી પ્રચંડ ઊર્જા, ગણત્રી અને ધારણા મુજબ ધડાકો થયો છે કે નહીં, તે મુદ્દાઓ વિશે વિગતો નોંધીને તેનું વિશ્લેષણ કરશે.

પણ આ બધું ધડાકો થાય તો જ શક્ય બનવાનું હતું. બોમ્બ વિસ્ફોટ જ ન થાય તો.? થોડા દિવસ પહેલા જ બોમ્બ વિસ્ફોટ કરવા માટેની ઇલેક્ટ્રોનિક સરકિટનું ટેસ્ટિંગ રખાયું હતું, પણ બોમ્બને ચિનગારી ચાંપનાર એ સરકિટ ચાલુ જ નહોતી થઇ. આવું બોમ્બ ટેસ્ટિંગના દિવસે થાય તો.?

પણ રોબર્ટ ઓપનહેમરના સંશોધક એન્જિનિયરોએ ખાતરી આપી હતી કે બોમ્બના ટેસ્ટિંગના દિવસે આવું નહીં જ થાય.

જો કે ઓપનહેમરે તેમના ફિઝિકલ કેમેસ્ટ્રિ એન્જિનિયર જ્યોર્જ કિસ્તીઆકોવસ્કી સાથે હળવા મુડમાં શરત લગાવી હતી કે TRINITY-A- BOMB  ના દિવસે સરકિટ ફેઇલ જ જવાની છે. હું તારી સાથે ૧૦ ડોલરની શરત લગાઉ છું.

અણુ બોમ્બની સાઇટ અમેરિકાના ન્યૂ મેક્સિકો સ્ટેટના રણ પ્રદેશમાં હતી અને આ સાઇટનું રણ ૧૮ માઇલ લાંબુ અને ૨૪ માઇલ પહોળાઇનું હતું.

જેમ જેમ સમય વીતતો જતો હતો તેમ ઓપનહેમરના મનમાં ચિંતા અને ઉચાટ વધતા જતા હતા.

ધડાકા વખતે ચોક્કસપણે શું થશે? તેની કોઇનેય, રોબર્ટ ઓપનહેમર સુધ્ધાને, ખબર નહોતી, કારણ દુનિયામાં આ સૌ પહેલો જ અણુ ધડાકો થનાર હતો.

લેબોરેટરી પરના લાઉડસ્પીકરમાંથી રણની શાંતિને ભેદતી એનાઉન્સમેન્ટ સંભળાઇ ઃ 

''ઝીરો માઇનસ ટ્વેન્ટી મિનિટ્સ''

રોબર્ટ ઓપનહેમરે બોમ્બના સ્થળ તરફ નજર કરી, અને સમય વીતે તેની રાહ જોતા ઊભા રહ્યા.

ટીક.. ટીક.. ટીક ફરી એનાઉન્સમેન્ટ સંભળાઇ ઃ ઝીરો માઇનસ ફાઇવ મિનિટ્સ.. (અર્થાત ૫.૨૫) બોમ્બના ટેસ્ટિંગને હવે કેવળ ૫ મિનિટ બાકી રહી હતી.

બોમ્બ ધડાકાના સ્થળથી ચારેક માઇલ દૂર રોબર્ટ ઓપનહેમરને લાગ્યું કે સમય જાણે બહુ ધીમી ગતિએ પસાર થઇ રહ્યો છે. કન્ટ્રોલ રૂમમાં બેઠા બેઠા ઓપનહેમરે ભગવાનને પ્રાર્થના કરી, ''હે લોર્ડ, મારા હાર્ટ પર આનું ભારણ વધી ગયું છે.''

આસપાસના વૈજ્ઞાનિકોએ જોયું તો ટેસ્ટિંગ માટેની જેમના માથે મોટી જવાબદારી છે એવા ઓપનહેમર છેલ્લી સેકન્ડોમાં  ખૂબ તાણ અનુભવતા હોય એવું એમના  ચહેરા પરથી સ્પષ્ટ લાગતું હતું. 

એટલામાં તો આકાશમાં પ્રચંડ ધડાકા સાથે આંખોને આંજી નાંખતો ભયંકર પ્રકાશ છવાઇ ગયો. જાણે આકાશમાં એક વિશાળ અગનગોળો ફેંકાયો. 

સફળ ટેસ્ટિંગ પછીના વીસમા દિવસે તા.૬ ઓગષ્ટ ૧૯૪૫ની સવારે ૮.૧૫ વાગે જાપાનના હિરોશીમા શહેર પર અમેરિકાએ અણુબોમ્બ ઝીંક્યો...

(સંપૂર્ણ)

Gujarat