For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આઇન્સ્ટાઇને અમેરિકી પ્રમુખ રૂઝવેલ્ટને તાકીદનો પત્ર પાઠવ્યો

Updated: Feb 15th, 2023


- બીજા વિશ્વયુધ્ધનો અંત લાવનારી મહત્ત્વની ઘટનાની ભીતરની વાત...

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-૧

- અમેરિકી લશ્કરની ખુવારી અટકાવવા અમેરિકાએ જાપાન પર અણુબોમ્બ ઝીંકયા

- બીજા વિશ્વયુધ્ધનો વહેલી તકે અંત લાવવા અમેરિકાની અણુબોમ્બ નીતિ

પૃથ્વી પરના દરેકે દરેક માણસ સામે આજે એક સમાન જોખમ ઝળુંબી રહ્યું છે : અણુબોમ્બથી વિનાશ. આજે દુનિયામાં જેટલા અણુશસ્ત્રો છે, તેની તુલનામાં અમેરિકાએ બીજા વિશ્વ યુધ્ધમાં જાપાન પર ઝીંકેલા બે અણુબોમ્બ તો વિનાશક ક્ષમતાની દ્રષ્ટિએ  સાવ જ વામણા ગણાય.

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધને આ ૨૪મી ફેબુ્રઆરીએ બરાબર એક વર્ષ પુરૃં થશે. તે દરમિયાન વચ્ચે વચ્ચે એવી અતિ ગંભીર સ્થિતિ સર્જાતી રહી છે કે ગમે તે ઘડીએ રશિયા, યુક્રેન પર કદાચ અણુશસ્ત્રોનો પણ ઉપયોગ કરી દે તો નવાઇ નહી !

બીજા વિશ્વયુધ્ધમાં દુનિયાને અણુબોમ્બની કારમી ભીષણતાનો મહા આઘાતજનક પરિચય મળી ચૂક્યો છે. અમેરિકાને જ્યારે લાગ્યું કે જાપાનના ખમીરવંતા લશ્કરને પછાડવાનું કામ અત્યંત કઠિન બની રહ્યું છે, અને આ લડાઇ જો લાંબી ચાલશે તો મોટા પ્રમાણમાં અમેરિકન સૈનિકોનો ભોગ લેવાઇ જશે, એટલે જાપાનને શરણે આવી જવાની ફરજ પાડવા તેમજ વિશ્વયુદ્ધનો વહેલી તકે અંત લાવવા માટે અમેરિકાએ જાપાન પર અણુબોમ્બ ઝીંકવાનો નિર્ણય લીધો.

આ અગાઉ દુનિયામાં ક્યારેય કોઇ યુધ્ધમાં, કોઇ દેશે અણુબોમ્બનો ઉપયોગ કર્યાની એકેય વિનાશક ઘટના ઘટી નહોતી, એટલે અમેરિકાએ અણુશસ્ત્રના ઉપયોગમાં પહેલ કરવાનો નિર્ણય તો લઇ લીધો, પણ એ માટેનો સરંજામ તેની પાસેય નહોતો.

બીજા વિશ્વયુધ્ધમાં અમેરિકાએ જાપાનને કઇ રીતે હરાવ્યું તે મુદ્દો સમજવો જરૂરી છે, કારણ એ મહાયુધ્ધના ઘણાં પાસાઓ વિશે આજે પણ દુનિયાભરમાં ક્યાંકને ક્યાંક રિસર્ચ થઇ રહી છે, ક્યાંક એ અંગેના સેમિનારો પણ યોજાઇ રહ્યા છે.

આપણે જે સમયમાં હાલ જીવી રહ્યા છે, તે જાણે અગાઉના કરતા વધુ વેગીલી ગતિએ પસાર થઇ રહ્યો છે. અને આજનો સમય વિશ્વાસઘાત, અને છળકપટનો બની ગયો છે એટલે કોઇપણ મોટી ઘટના પાછળનું સત્ય પ્રમાણવું ને જાણવું મહત્વનું બની ગયું છે.

બીજા વિશ્વયુધ્ધમાં જાપાનને હરાવવા માટેની અમેરિકાની વ્યૂહરચના પાછળની ખતરનાક ઘટનાઓની પુરેપુરી ઝલક 'કિલિંગ ધ રાઇઝિંગ સન' નામના રસપ્રદ પુસ્તકમાં વાંચવા મળે છે. (જાપાન ઉગતા સૂર્યના દેશ તરીકે ઓળખાય છે. કારણ એશિયા ખંડના દેશો પૈકી જાપાનમાં સૌ પહેલાં સૂર્યોદય થાય છે. આ ઉગતા સૂર્યના દેશનો અમેરિકાએ જે રીતે ખાત્મો બોલાવ્યો તેના તમામ પાસાનો અત્યંત રોચક શૈલીમાં આ પુસ્તકમાં ઉલ્લેખ કરાયો છે, એટલે લેખકે પુસ્તકનું નામ આપ્યું છે. "Killing The Rising Sun". 

વાતની શરૂઆત થાય છે વર્ષ ૧૯૩૯ થી.

ખતરનાક સરમુખત્યાર હિટલરના નાઝી જર્મનીએ પોલેન્ડ પર હુમલો કરી વિશ્વના ઇતિહાસમાં બીજા વિશ્વયુધ્ધ તરીકે ઓળખાનાર મહાયુધ્ધની શરૂઆત કર્યાના લગભગ છ અઠવાડિયા વીતી ચુક્યા હતા. એ દરમિયાન જર્મનીના નાઝી સૈનિકોએ ઝેકોસ્લોવેકિઆની એક મહત્વની યુરેનિયમ ખાણ પર પુરેપરો કબ્જો કરી લીધો હતો. અને બર્લિનમાં જર્મનીના ટોચના વૈજ્ઞાાનિકોએ આ યુરેનિયમનો ઉપયોગ કરી અત્યાર સુધી ન બન્યો હોય એવો વિનાશક બોમ્બ બનાવવાના પ્રયાસ શરૂ કરી દીધા હતા.

અમેરિકાના મહાન વૈજ્ઞાાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનને આ વાતની ખબર પડતા જ તેઓ ચોંકી ઉઠયા. અમેરિકી પ્રમુખ રૂઝવેલ્ટ વર્ષોથી તેમના મિત્ર હતા એટલે આઇન્સ્ટાઇને રૂઝવેલ્ટને એક અર્જન્ટ પત્ર લખ્યો. અને આ પત્ર તેમણે પ્રમુખના આર્થિક બાબતોના સલાહકાર અલેકઝાન્ડર સાસ દ્વારા મોકલાવ્યો.

આઇન્સ્ટાઇન સારીરીતે જાણતા હતા કે અલેક્ઝાન્ડર રૂબરૂમાં પ્રમુખ રૂઝવેલ્ટને મળીને આ પત્ર આપતી વખતે પરિસ્થિતિની ગંભીરતાનો સચોટ રીતે ચિતાર આપી શકે તેવા છે, જેથી રૂઝવેલ્ટ એ મહાયુધ્ધમાં અમેરિકાએ કઇ વ્યૂહરચના અપનાવવી તે વિશે સત્વરે નિર્ણય લઇ શકશે.

રૂઝવેલ્ટને લખેલા તાકીદના એ પત્રમાં આઇન્સ્ટાઇને પ્રમુખને ચેતવતા લખ્યું હતું કે યુરેનિયમના મોટા જથ્થામાં ન્યુક્લિયર ચેઇન રિએક્શન શરૂ કરવાનું શક્ય છે.. અને આમાંથી અત્યંત શક્તિશાળી નવા પ્રકારનો બોમ્બ બનાવી શકાશે.

આઇન્સ્ટાઇનનો કહેવાનો અર્થ એ હતો કે જર્મનોએ ઝેકોસ્લોવેકિયાની યુરેનિયમની ખાણ કબ્જે કરી લીધી છે, તેમાંથી યુરેનિયમ- બહાર કાઢી જર્મન વૈજ્ઞાાનિકો મહા વિનાશક બોમ્બ બનાવી દેશે, તો દુનિયામાં ઘડીનાં છઠ્ઠા ભાગમાં મોટો માનવ સંહાર તેઓ કરી દેશે.

અલેક્ઝાન્ડરે આઇન્સ્ટાઇનનો બે પાનાના પત્ર પ્રામુખ રૂઝવેલ્ટને વાંચી સંભળાવી આનાથી આવનારા ગંભીર પરિણામોથી પ્રમુખને વાકેફ કર્યા.

અલેક્ઝાન્ડરની વાત સાંભળીને ઊંડા વિચારમાં પડી ગયેલા પ્રમુખ રૂઝવેલ્ટે તુરત તેમના પર્સનલ સેક્રેટરી 'એડવિન'  મા' વોટ્સનને બોલાવ્યા. એડવિન અગાઉ અમેરિકન લશ્કરના જનરલ હતા.

રૂઝવેલ્ટે તેમને આઇન્સ્ટાઇનનો પત્ર બતાવ્યો અને એટમબોમ્બ બનાવવા માટે કોને, કેટલી જવાબદારી સોંપવી તે વિશે વિગતવાર સૂચનાઓ આપી.

બ્રિગેડિયર જનરલ લેસ્લી ગ્રોવ્સને બોમ્બ બનાવવાના પ્રોજેક્ટનું સુપરવિઝન રાખવાની ફરજ સોંપાઇ. આ અત્યંત ગુપ્ત-ટોપ સિક્રેટ પ્રોજેક્ટનું નામ ''મેનહટન પ્રોજેક્ટ'' અપાયું હતું.

અણુ બોમ્બ બનાવવાની અત્યંત મહત્વની ફરજ માટે અમેરિકાના તેજસ્વી ભૌતિકશાસ્ત્રી જે. રોબર્ટ ઓપનહેમર પર પસંદગી ઊતારાઇ વૈજ્ઞાાનિક તરીકે ઓપનહેમર બેશક અત્યંત મેઘાવી પ્રતિભા હતા, પણ સ્વભાવે તેઓ એક્સેન્ટ્રિક અર્થાત ચંચળ, વિચિત્ર અને તરંગી હતા. તેમને જ્યારે મહાવિનાશક A-BOMB બનાવવાનું કામ સોંપાયું ત્યારે તેમની ઉંમર હતી ૪૧ વર્ષની. કેટલાક વૈજ્ઞાાનિકોએ ટકોર કરી હતી કે ઓપનહેમરની આ નિમણૂંક વ્યાજબી નથી. એક ભૌતિકશાસ્ત્રીએ તો કહ્યું, એટમબોમ્બ માટે ઓપનહેમરની વરણી કરાઇ એ બહુ મોટા આશ્ચર્યની વાત છે.

પણ પ્રમુખ રૂઝવેલ્ટે તો અણુબોમ્બ બનાવવાની લેબોરેટરિ માટે ઝડપભેર કાર્યવાહી શરૂ કરાવી દીધી. ૪.૪૦ લાખ  ડોલરના ભાવે ૮૯૦૦ એકર  જમીન નવી લેબ. માટે સરકારે ખરીદી. આ જગ્યામાં ૨૫ વર્ષથી ચાલતી  એક સ્કૂલનું બિલ્ડિંગ પણ હતું. લોસ આલ્મોસ નામની આ સ્કૂલ આસપાસ  સલામતિ માટે તારની ઊંચી ફેન્સિંગ પણ ઊભી કરી દેવાઇ અને આ વિસ્તારના રક્ષણ માટે ત્યાં કડક લશ્કરી ચોકી પહેરો ગોઠવી દેવાયો.

અણુ બોમ્બ બનાવવા અહીં સંશોધન થઇ રહ્યું હોવાના ન્યૂઝ જર્મની અને સોવિયેત યુનિયન સુધી ના પહોંચે તે માટે ચુસ્ત લશ્કરી બંદોબસ્ત ઉપરાંત ઓપનહેમરની લેબ.માં સંશોધન કાર્ય સાથે સંકળાયેલા તમામ વૈજ્ઞાાનિકોની તમામ હિલચાલ પર સૈનિકો સુક્ષ્મ નજર રાખી રહ્યા હતા.

લેબ ના કેમ્પસમાં કામ કરતા અન્ય તમામ કર્મચારીઓ પર પણ કડક જાસૂસી થતી હતી.

રોબર્ટ ઓપનહેમરે ૧૨૦૦ ચો.ફૂટની તેમની સ્ટોન અને વુડની બનેલી કોટેજમાં વિશ્વના અગ્રણી વૈજ્ઞાાનિકોની એક ખાનગી બેઠક યોજી હતી.

(ક્રમશઃ)

Gujarat