- વર્ષના છ મહિના જ્યાં સતત અંધારપટ રહે છે, તેવા બરફાચ્છાદિત
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-1
- પૃથ્વી પરના સૌથી ઠંડા પ્રદેશ ગણાતા એન્ટાર્કટિકાની અવનવી વાતો
- સાહસવીર અર્નેસ્ટ શેકલટનની રોમાંચક અને દિલધડક સાહસયાત્રા
ઓગણીસમી સદીના વચગાળાના વર્ષોની આ વાત છે, જ્યારે દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ સાહસિક તથા જાંબાઝ સંશોધકો માટે અત્યંત સર્વોચ્ચ લક્ષ્ય બની ગયા હતા. બારે માસ બરફાચ્છાદિત આ ધ્રુવ પ્રદેશોમાં ૯ ફૂટથી લઇને ૮૫૦૦ ફૂટ જેટલી જંગી જાડાઇના બરફના થર જામેલા રહે છે.
શૂન્યથીય નીચે ભયંકર માઇનસ ટેમ્પરેચરવાળા ઉત્તર અને દક્ષિણ ધ્રુવના સેંકડો કિલોમીટરના વિસ્તારમાં ઉપર આકાશ અને નીચે ચારેબાજુ બરફ જ બરફ....વિશ્વના ''ૈંબી મ્ર્ટ'' તરીકે ઓળખાતા આ અતિશય ઠંડા પ્રદેશો તદ્દન નિર્જન છે; આ ભેંકાર પ્રદેશ વળોટીને છેક ધ્રુવ સુધી પહોંચવા માટે અસાધારણ મક્કમ મનોબળ અને હૃદયમાં સાહસનો પ્રચંડ ધોધ વહેતો હોવો અનિવાર્ય છે. તેમાંય પાછું ઇન્ટરનેટ, મોબાઇલ કે અન્ય આધુનિક સાધનો વગરના એ જમાનામાં બરફના આ વિશાળ રણ પ્રદેશમાં કે જ્યાં અગાઉ એકેય માનવીએ પગ ન મુક્યો હોય, તેવા ભેંકાર અને પુષ્કળ ઠંડીમાં ઠરી જવાય તેવા પ્રદેશમાં સેંકડો માઇલનો પ્રવાસ ખેડવાની કલ્પના સુધ્ધા સામાન્ય જનને કંપાવી મુકે છે.
દક્ષિણ ધ્રુવીય ખંડ એન્ટાર્કટિકાને સમુદ્રથી સમુદ્ર સુધી પાર કરવાના અજોડ સાહસનું બીડું બ્રિટનના સાહસિક અર્નેસ્ટ શેકલટને વર્ષ ૧૯૧૪માં ઝડપ્યું હતું.
એન્ટાર્કટિકા ખંડને સમુદ્રથી સમુદ્ર સુધી પાર કરવાનો અર્થ એન્ટાર્કટિકા ખંડના એક કિનારે સમુદ્રથી શરૂ કરીને વચ્ચે સાઉથ પોલ થઇને બીજા કિનારે બીજા સમુદ્ર સુધી પહોંચવાનું સાહસ.
એન્ટાર્કટિકાના નિર્જન બરફાળ પ્રદેશમાં દક્ષિણ ધ્રુવ પર સૌ પ્રથમ પગ મુકવાનું શ્રેય નોર્વેના સાહસવીર રોઆલ્ડ એમન્ડસનના ફાળે જાય છે. શરીરના અંગે અંગ ધુ્રજાવતી અને હાડ ગાળી નાંખે તેવી અતિશય ઠંડીમાં ભયંકર તોફાની સામુદ્દિક પ્રવાસ ખેડીને દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવાનું સાહસ એવરેસ્ટ શિખર સર કરવા કરતાંય કઠિન સાહસ છે.
આ સાહસિક ટુકડીની હિંમતને દાદ એટલા માટે આપવી પડે કે જે સમયગાળામાં સંદેશા વ્યવહારના આજના જેવા અત્યાધુનિક એકેય સાધન ઉપલબ્ધ નહોતા, એ જમાનામાં એમન્ડસને આ સાહસ કરી બતાવ્યું.
બ્રિટનના એક સાહસવીરનું નશીબ બે ડગલાં પાછળ હતું. રોબર્ટ ફાલ્કન સ્કોટ અને અન્ય ચાર જાંબાઝોની ટુકડીએ તા.૧૭ જાન્યુઆરી ૧૯૧૨ના દિવસે દક્ષિણ ધ્રુવ સર કર્યો હતો.- નોર્વેના એમન્ડસને દક્ષિણ ધ્રુવ પર પગ મુક્યો તેના બરાબર ૩૪ દિવસ બાદ...!
પણ રોબર્ટ સ્કોટ તેની આ સાહસિક સફળતાનો આનંદ સ્વદેશ પાછો ફરી દેશવાસીઓ સાથે ન માણી શક્યો. દક્ષિણ ધ્રુવ પર પગ મુકીને પાછા વળતા ભૂખ અને પુષ્કળ ઠંડીના લીધે સ્કોટ સહિત તેની આખી ટુકડીના પાંચેય જાંબાઝો બરફાળ પ્રદેશમાં મૃત્યુની ગોદમાં સમાઇ ગયા 'તા...
વિશ્વના કુલ સાત ખંડો પૈકી એન્ટાર્કટિકા જ એક માત્ર એવો ખંડ છે, જ્યાં કાયમી માનવ વસવાટ નથી. જોકે ત્યાં કેટલીક એવી વસાહતો છે, જ્યાં વૈજ્ઞાાનિકો અને સહાયક સ્ટાફ વર્ષના અમુક મહિનાઓ દરમિયાન સંશોધન માટે રહેતા હોય છે, ક્યારેક સંશોધન માટે તેઓ ધ્રુવ પ્રદેશમાં ફરતા પણ રહે છે.
નોર્વેના એમન્ડસને સૌ પ્રથમ દક્ષિણ ધ્રુવ પર પગ મુક્યો તે પછીના ૩૪ મા દિવસે બ્રિટનના રોબર્ટ સ્કોટે ત્યાં પગ મુક્યો એટલે બ્રિટનના બીજા એક સાહસવીર અર્નેસ્ટ શેકલટનને જુદા જ પ્રકારનું સાહસ કરવાનો વિચાર સ્ફૂર્યો,
શેકલટને આખા એન્ટાર્કટિકા ખંડનો પ્રવાસ કરવાનો જડબેસલાક પ્લાન ઘડયો. પ્રવાસ વેડેલ સમુદ્રના (Weddell Sea) કિનારે આવેલા ફિચર આઈસ શેલ્ફથી શરૂ કરીને રોસ આઈસ શેલ્ફ (Ross Ice Shelf) એટલે કે રોસ ટાપુ સુધી કરવાનો હતો.-- ટૂંકમાં દક્ષિણ ધ્રુવના એક તરફના મહાસાગરથી શરૂ કરી વચ્ચે દક્ષિણ ધ્રુવ થઈને બીજી તરફના મહાસાગર સુધીની કઠિન સફર.
કાળા માથાના માનવીના સીનામાં રહેલા જોમ-જુસ્સા અને હિંમતની જબરદસ્ત કસોટી કરે એવા શેકલટનના એ પ્રવાસની કાળજું ધુ્રજાવી દેતા સાહસિક પ્રવાસની વાત શરૂ કરતા પહેલા દક્ષિણ ધ્રુવ પ્રદેશ વિશેની રોમાંચિત અવનવી વાતો જાણવા જેવી છે.
આખા દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં બરફની જે ચાદર સદીઓથી છવાયેલી છે, એ બરફિલી ચાદરની વધુમાં વધુ અર્થાત મહત્તમ જાડાઈ તો દક્ષિણ ધ્રુવની આસપાસમાં છે, જે અ...ધ...ધ... ૯૦૦૦ ફૂટ જેટલી છે.
તેમાં વળી આશ્ચર્યની વાત એ છે કે બરફની આ ચાદર દર વર્ષે સરેરાશ ૧૦ મીટર (૩૩ ફૂટ) જેટલી વેડેલ દરિયા તરફ ખસતી રહે છે, એટલે સ્વાભાવિક રીતે જ દક્ષિણ ધ્રુવનો પોઈન્ટ દર વર્ષે એટલા પ્રમાણમાં ખસતો રહે છે, જેથી પ્રતિ વર્ષ નૂતન વર્ષના દિવસે ભૌગોલિક સાઉથ પોલનો નિર્દેશ કરતા પ્રતિકરૂપ થાંભલાનું સ્થળ બદલતા રહેવું પડે છે...!
એન્ટાર્કટિકાનો ૯૮ વિસ્તાર બરફની ચાદરથી ઢંકાયેલો છે, જે સરેરાશ ૧.૯ કિ.મી. જાડી બરફની ચાદર છે. વિશ્વનો ૯૦ ટકા બરફ આ ખંડમાં છે. જેના કારણે દુનિયાના લગભગ ૭૦ ટકા તાજા પાણીનો સંગ્રહ આ વિસ્તારમાં છે.
શિયાળા દરમિયાન (મેથી ઓગસ્ટ) ચારે ચાર મહિના દક્ષિણ ધ્રુવમાં સૂરજદાદાના દર્શન અલભ્ય છે. આ ચાર મહિના અહીં સંપૂર્ણ અંધારપટ છવાયેલો રહે છે, સિવાય કે ચંદ્રનો આછો ઉજાસ.
ઉત્તર ધ્રુવની તુલનામાં દક્ષિણ ધ્રુવ વધારે પડતો ઠંડો પ્રદેશ છે.
કચ્છમાં જેમ રેતીનું રણ છે, તેમ દક્ષિણ ધ્રુવ બરફનું રણ છે. અહીં ચોતરફ બરફ જ બરફ પથરાયેલો છે.
એન્ટાર્કટિકા એ પૃથ્વી પરનું ઠંડામાં ઠંડુ સ્થળ છે. અહીં પવન પણ સૌથી વધુ ફૂંકાતા રહે છે, સ્વાભાવિક છે કે આ પવનો અતિ ઠંડા હોય છે.
એન્ટાર્કટિકામાં સૌથી નીચું ટેમ્પરેચર વર્ષ ૧૯૮૩ માં -૮૯.૬ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. એન્ટાર્કટિકાના તત્કાલીન સોવિયેત વોસ્ટોક સ્ટેશન પર નોંધાયેલું આ ટેમ્પરેચર પૃથ્વી પરનું સૌથી ઓછું કુદરતી તાપમાન ગણાય છે.
પૃથ્વી પરનો અતિશય ઠંડો પ્રદેશ ગણાતો પૂર્વીય એન્ટાર્કટિકામાં સોવિયેત યુનિયને વૈજ્ઞાાનિક સંશોધન માટે જે મથક ઊભુ કર્યૂં તેનું નામ વોસ્ટોક સ્ટેશન હતું.
એન્ટાર્કટિકામાં લગભગ તારીખ ૨૧મી સપ્ટેમ્બરે સૂર્યોદય થાય છે અને સૂરજદાદા છ મહિના સુધી આકાશમાં ફરતા રહીને છ મહિના બાદ એટલે કે લગભગ ૨૨મી માર્ચના દિવસે અસ્ત પામે છે. અહીં છ મહિનાનો દિવસ અને એ પછી છ મહિનાની અંધારી રાત ચાલતી રહે છે.
(ક્રમશઃ)


