Get The App

લીંપણના લીધે આખા ઘરમાં ગાયના ગમાણ જેવી ગંધ આવતી હતી

Updated: May 14th, 2025

GS TEAM


Google News
Google News
લીંપણના લીધે આખા ઘરમાં ગાયના ગમાણ જેવી ગંધ આવતી હતી 1 - image


- અબ્દુલ ખાડાની પત્નીએ તેમનો શયનખંડ રહેવા માટે મને ફાળવી દીધો

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-8

- રસોડાની બધી દીવાલો ચુલાના લાકડાના રોજના ધુમાડાથી કાળી પડી ગઈ હતી..

- પરિવારના સભ્યોને ભોંય પર ચટાઈપાથરી ગોળાકારમાં જમવા બેઠેલા જોઈ મને વિચિત્ર લાગ્યું

ઘરમાં સ્ત્રીઓ એકલી હોય ત્યારે બુરખો ન પહેરે તો ચાલે. વળી પુરૂષોની ગેરહાજરીમાં સ્ત્રીઓ તેમના વાળ થોડા ખુલ્લા રહે એ રીતે દુપટ્ટો રાખીને પણ ફરી શકે. 

પણ સ્ત્રીઓ જ્યારે બીજે ગામ જતી હોય કે રસ્તા પર ચાલતી જાય તે વેળા ચહેરો પુરેપુરો ઢંકાય એ રીતે બુરખો પહેરવો ફરજિયાત હતો.

ઘરમાં પ્રવેશીએ તો જાણે કોઈ ગુફામાં દાખલ થતા હોય એવું લાગતું હતું. મને ખ્યાલ આવી ગયો કે આ તો ઘેટા બકરા રાખવાની જગ્યા છે. અમારી આસપાસ થોડા મરઘા પણ ફરતા દેખાતા હતા. અંધારામાં જોકે મને કશું સ્પષ્ટ દેખાતું નહોતું.

આ જગ્યાએથી પછી પથ્થરના પાંચેક પગથિયા ચઢીને ઉપરનાં માળે જવાતુ હતું, જ્યાં અબ્દુલ ખાડાનો પરિવાર રહેતો હતો. મકાનની દીવાલો પથ્થરની હતી અને ભોંયતળીયે પણ પથ્થરો બેસાડેલા હતા.

ગાયના છાણમાં રેતી મીક્સ કરીને પથ્થરો વચ્ચેના સાંધા પુરવામા આવ્યા હોવાથી આખા ઘરમાં ગાયની ગમાણ જેવી ગંધ આવી રહી હતી.

પથ્થરના પાંચ પગથિયા ચઢીએ, એટલે શરૂઆતમાં એક મોટો હોલ હતો, જેના એક ખૂણામાં બેસવા માટે ગાદલા અને તકિયા મુકેલા હતા. આ દીવાનખંડમાંથી પછી અંદરના અલગ અલગ ખંડમાં જવાના ઘણા સાંકડા દ્વાર હતા.

 હું જાણે આદરપૂર્ણ મહેમાન હોઉં તે રીતે ઘરમાં મારી સરભરા કરાતી હતી. અબ્દુલ ખાડાની પત્નીએ મને તેમનો શયનખંડ રહેવા આપી દીધો. બીજા કોઈ રૂમમાં નહીં, પણ આ એક જ રૂમમાં ભોંયતળીયે ચટાઈ પાથરેલી હતી. આ રૂમની એક દીવાલ પર બે અને બીજી દીવાલ પર ત્રણ નાની બારીઓ હતી.બારી પર કોઈ પ્રકારના પરદા નહોતા. આથી આ રૂમમાંથી બંને તરફનો પર્વતીય વિસ્તાર દેખાતો હતો. 

છત પર એક ફાનસ લટકાવેલું હતું. રોજ સંધ્યાકાળના સમયે ફાનસ સળગાવાતું હતું, શયનખંડના એક ખૂણાના ટેબલ પર નાનકડું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી મુકેલું હતું. અહીં ઈલેક્ટ્રિસિટી તો નહોતી. એટલે અબ્દુલ ખાડા કારની બેટરીથી ટીવી ચલાવતા હતા. તેમણે ખાસ મારા માટે આ વ્યવસ્થા કરી હતી, જેથી હું અહીં ''બોર'' ન થાઉં. પણ એક જ દિવસમાં  મને ખ્યાલ આવી ગયો કે આ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવીમાં માત્ર આરબ ચેનલો જ આવતી હતી, જેમાં મને કશી જ સમજ નહોતી પડતી. તેમાં મને રસ પડે તેવા કોઈ કાર્યક્રમો પણ નહોતા, વધારામાં ભાષાનો પ્રશ્ન તો મોટા અવરોધરૂપ હતો જ.

જો કે મને તો ઘરમાં રહેવાનું ગમતું જ નહોતું. મોટાભાગે તાજી અને ચોખ્ખી હવામાં સૂરજના પ્રકાશમાં બહાર ખુલ્લામાં ફરવાનું-રહેવાનું મને ગમતું.

મારા માટે ફાળવાયેલા શયનખંડમાં લોખંડનો સીંગલ બેડ હતો, જેના પર એક પાતળુ ગોદડું પાથરેલું હતું. એક તરફ ઓશિકું અને પગ બાજુએ એક બ્લેન્કેટ મુકેલું હતું.

 બાજુની દીવાલને અડીને ૬ઠ૩ ફૂટની બેસવા માટેની એક બેન્ચ જેવુ બનાવ્યું હતું પણ તે લાકડાની પાટલી નહીં, ગાયના છાણ સાથે રેતી ભેળવીને બનાવી હતી.

શયનખંડમાં જ્યારે સુવુ ન હોય ત્યારે બેસવા માટે આ બેન્ચ જેવું બનાવ્યું હતું. મુખ્ય દ્વારની બહાર ઓસરીમાં પણ ગાયના છાણમાં રેતી મીક્સ કરીને આવી લાંબી બેન્ચ બનાવી હતી, જેના પર ચટાઈ પાથરીને મોટા ભાગે પરિવારના વડીલો બેસતા હતા.

આ જ ફલોર પર દાદા-દાદી માટેનો એક રૂમ હતો અને બીજો રૂમ અબ્દુલ ખાડાના પુત્ર મોહમ્મદ અને તેના પરિવાર માટેનો હતો.

 બહારના ભાગમાં પથ્થરનો બનેલો દાદર હતો. જેના પરથી ધાબા પર જવાતું હતું. દાદર તરફના ભાગે ખૂણામાં નાનકડું રસોડું હતું. ચુલા પર ખાવાનું બનતું હોવાથી રસોડાની દીવાલો, ચુલાના લાકડાના ધુમાડાથી કાળી પડી ગઈ હતી. ચુલાની બાજુમાં સ્ટવ હતો. પાણી ગરમ કરવા અને કશુંક તળવા માટે સ્ટવનો ઉપયોગ કરાતો હતો. રસોડાની બાજુમાં બાથરૂમ હતું.

 અબ્દુલ ખાડાને મેં ટોઈલેટ વિશે પૂછતાં તેમણે મને સાંકડા પેસેજમાંથી આગળ જઈ એક નાનકડું નીચું બારણું ઈશારાથી બતાવ્યું. બારણું ખોલી મારે નીચા નમી અંદર જવું પડયું. અંદર અંધારૃં હતું. એક દીવાલ પર પાડેલા નાના બાકોરામાંથી સૂરજનું કિરણ ટોઈલેટમાં થોડો પ્રકાશ ફેંકતું હતું. ટોઈલેટની છત એટલી નીચી હતી કે ટોઈલેટમાં સીધા તો ઊભા રહી શકાય તેમ જ નહોતું. ટોઈલેટ ખૂબ સાંકડું પણ હતું.

 દેશી સ્ટાઈલના ટોઈલેટમાં મને બેસતા પણ ફાવતું નહોતું. બાજુમાં નાનકડી ડોલમાં પાણી હતું અને ડોલની બાજુમાં નાનું ડબલું હતું.

અબ્દુલ ખાડાના ઘરમાં એ પહેલી સાંજે મને ખાસ ભૂખ જ નહોતી લાગી. ઘરમાં બધું એટલું તો વિચિત્ર અને અજુગતું લાગતું હતું કે મને ઊબકા આવતા હતા. બહારની ઓસરીમાં બધા જમવા બેઠા ત્યારે હું તો મારા રૂમનું બારણું ખુલ્લું રાખી રૂમમાં જ બેસી રહી. 

અબ્દુલ ખાડાના પરિવારના બધા સભ્યો ઓસરીમાં ચટાઈ પાથરીને ગોળાકારમાં જમવા બેઠા હતા. વચ્ચેના ભાગમાં જમવાની વાનગીઓના મોટા બાઉલ્સ મુકેલા હતા. તેમાંથી બધા પોતાની થાળીમાં કે બાઉલમાં લઈને મજાકમસ્તીથી વાતો કરતા કરતા ખાઈ રહ્યા હતા.

બેડરૂમમાંથી મને આ બધુ દેખાતું હતું. ભોંય પર બેસીને આ રીતે હું ક્યારેય જમી ના શકું. મને આ રીતે જમવા બેસવાનું બહુ જુદુ અને વિચિત્ર લાગતું હતું. એ લોકો અરેબિકમાં વાતો કરતા હોવાથી મને કશી સમજ નહોતી પડતી પણ બધા ખુશીની આનંદની વાતો કરતા હશે એવું લાગતું હતું. કારણ કે કુટુંબના બધા સભ્યો વચ્ચે વચ્ચે જોર જોરથી હસી પડતા હતા.

માનવંતી મહેમાન તરીકે તેઓ મને ગણતા હોવાથી મારા આગમનની ખુશીમાં તેમજ અબ્દુલ ખાડા અને તેમનો દીકરો મોહમ્મદ પણ વર્ષો બાદ ઈંગ્લેન્ડથી વતન યેમેન આવ્યા હોવાથી તેઓ વિમ્ટોની બોટલો લઈ આવ્યા હતા. પશ્ચિમમાં જેમ સારા અવસરે અને પાર્ટીઓમાં કોકાકોલા અને એવા પ્રકારના અન્ય કોલ્ડ્રિન્ક્સ પીવાય છે તેમ યેમેન અને મધ્ય પૂર્વના દેશોમાં વિમ્ટો નામનું ડ્રિન્ક પ્રખ્યાત અને લોકપ્રિય છે. વિમ્ટો એક પ્રકારનું ફ્રૂટ ડ્રિન્ક છે, જે ખાસ કરીને મુસ્લિમ સમુદાયના પવિત્ર રમઝાન માસમાં વધારે પીવાય છે. 

મને ખ્યાલ આવી ગયો કે ઘણા વર્ષો ઈંગ્લેન્ડ રહ્યા પછી અબ્દુલ ખાડા તેમના યુવાન દીકરા સાથે પાછા વતનમાં આવ્યા હોવાથી પરિવારમાં તેઓ બધાના આકર્ષણનું કેન્દ્ર બની ગયા હતા. મોટા ભાગે અબ્દુલ ખાડા જ વધારે વાતો કરતા હતા અને બધા આદરપૂર્વક તેમની વાત  સાંભળતા હતા.

બધા જમીને ઊભા થયા અને પછી મારી રૂમમાં આવીને બેઠા. વળી પાછા તેઓ વાતોએ વળગ્યા. મને સારૂ લાગ્યું. ઈંગ્લેન્ડ ગયા પછી આ પરિવાર વિશે હું ઘણી વાતો કરી શકીશ, એવું વિચારતી હું બેસી રહી. 

થોડો સમય પછી વાતો બંધ કરી બધા પોતપોતાના રૂમમાં સુવા જવા માટે ઊઠયા. 

(ક્રમશઃ)

Tags :