- બીજા વિશ્વયુધ્ધની શરૂઆતના દિવસોમાં પોલેન્ડના પાટનગર વોર્સો ફરતે
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-4
- વોર્સો શહેર પર જર્મન તોપચીઓએ તોપગોળાનો જાણે વરસાદ વરસાવ્યો
- વોર્સોના કેટલાક રસ્તા પર સડેલા હજારો મૃતદેહોના ઢગલા કરાયા હતા..
પણ એ પછીના થોડા દિવસ સદ્ભાગ્યે પ્રમાણમાં શાંતિ જળવાઇ રહી. સરકાર તરફથી લોકોને નહીં ગભરાવા માટે અને શહેરીજનોને પોત પોતાના ઘર છોડીને નહીં ભાગવા માટેની અપીલો કરાતી હતી. જર્મનો તરફથી શહેર તરફ તોપગોળા છોડવાનું લગભગ બંધ કરાયું હતું.
તોપગોળાના બદલે હવે વોર્સો શહેર પર હવાઇ હુમલા વધારી દેવાયા હતા. કોઇ પણ પ્રકારની ચેતવણી વગર જર્મન હવાઇ દળના લડાકુ વિમાનો વોર્સો શહેર પર બોમ્બમારો કરતા હોવાથી અમારૃં શહેર જાણે લકવાગ્રસ્ત થઇ ગયું 'તું. લગભગ એક-એક કલાકે જર્મનો વોર્સો પર હવાઇ હુમલા કરતા હતા તેની સામે પોલેન્ડના તોપચીઓ વિમાન વિરોધી ભારે તોપગોળા છોડી દુશ્મનોના હુમલા નાકામિયાબ કરવાની ભારે કોશિશ કરતા રહેતા હતા. આથી વોર્સોનું આકાશ થોડો સમય ધૂમાડાના ગોટેગોટાથી છવાઇ જતુ હતું.
હવાઇ હુમલાથી બચવા અમે સૌ ઝડપભેર આશ્રયસ્થાનો તરફ દોડી જતા હતા. આખા શહેર પર જર્મનો બોમ્બમારો કરતા રહેતા હતા.
જર્મનોના લડાકુ વિમાનો આક્રમણ કરે તે સમયે આશ્રયસ્થાનોની દીવાલો અને ભોંયતળિયા સુધ્ધા હચમચી જતા હતા. શહેરમાં આખો દિવસ એમ્બ્યુલન્સોના તીણા હોર્ન વાગ્યા કરતા હતા.
રસ્તા પર પડેલા મૃતદેહો કે ઇજાગ્રસ્ત નાગરિકોને લઇ જવા માટે શહેરની સિવિક બોડીના વાહનો ઉપરાંત ઘોડા જોડેલા વાહનોની અવરજવર સતત ચાલુ રહેતી હતી.
જર્મન ટેન્કોની આગેકૂચ રોકવા માટે શહેર ફરતે ઊંડી ખાઇઓ ખોદવા માટે શહેરીજનોને સૂચના અપાતા ખાસ કરીને ઊર્જાવાન યુવા વોર્સોવાસીઓએ ખાઇઓ ખોદવાનું કામ શરૂ કરી દીધું.
અમે બધા પણ ખાઇઓ ખોદવાના કામમાં જોતરાઇ ગયા. અમારા ફલેટની સાફસફાઇ માટે તેમજ રસોઇ બનાવવા માટે પરિવારની કેવળ માતા જ ખોદકામમાં જોડાઇ નહોતી.
આશ્ચર્યની વાત એ હતી કે ખાઇ ખોદવાના કામમાં શહેરના ઘણાં વૃધ્ધો પણ દેશપ્રેમના ઉત્સાહભેર જોડાયા હતા.
ભારે હવાઇ હુમલાની સાથોસાથ જર્મન લશ્કરે અમારા શહેર પર ફરી તોપમારો શરૂ કર્યો. શરૂઆતમાં તો પરા વિસ્તારોમાં ધડાધડ સેંકડો તોપગોળા ઝીંકાયા અને તે પછી તો વોર્સોના મધ્ય વિસ્તારોમાં પણ તોપગોળાનો વરસાદ વરસવા માંડયો. રાતના અંધારામાં અગન જવાળાઓથી આકાશ લાલ લાલ થઇ જતું હતું અને ઘરોના બારીબારણા સળગવાથી હવામાં બળેલા લાકડાની વાસ ફેલાઇ જતી હતી.
બધાના ઘરમાં ખાધા-ખોરાકીની સામગ્રી પણ ખૂટવા માંડી હતી. નાગરિકો ઉપરાંત અમારા લશ્કરી જવાનો માટેની ખાધા-ખોરાકીનો પણ સિવિક બોડીએ ઇંતજામ કરવા કમર કસી હતી.
તારીખ ૧ સપ્ટેમ્બરે યુધ્ધની ઘોષણા થઇ અને તે પછીના વીસમા દિવસે અમારા આખા પરિવારે સ્લીસ્કા સ્ટ્રિટ પરનો અમારો ફલેટ છોડી પાલસ્કા સ્ટ્રિટ પરના અમારા મિત્રના પહેલા માળના ફલેટમાં સ્થળાંતર કર્યૂં, કારણ ત્રીજા માળના ફલેટમાં રહેવાનું હવે મુશ્કેલ બન્યું હતું.
અમારા મિત્રના ફલેટમાં અમારા પહેલાથી જ બીજા કેટલાક પરિચિતોએ આવીને ધામા નાંખ્યા હતા, વધારામાં અમારો પરિવાર ત્યાં પહોંચી જતા, મિત્રનો ફલેટ ભરચક થઇ ગયો. અમારે બધાએ ભોંયતળિયે સુવાની નોબત આવી હતી.
જર્મનોએ વોર્સો શહેરને ચોમેરથી ઘેરી લીધું હતું. રસ્તા પર ઠેકઠેકાણે બોમ્બમારાથી માર્યા ગયેલા લોકોના મૃતદેહો પડયા હતા. અમારા બિલ્ડિંગમાંથી થોડે દૂર પાણી લેવા ગયેલી એક સ્ત્રી પાણી લઇને પાછી આવતી હતી, તેવામાં અચાનક હવાઇ હુમલા શરૂ થયા અને એ સ્ત્રીનું પણ બોમ્બમારામાં મોત નિપજ્યું. તેનું માથું ધડથી અલગ થઇ ગયું 'તું અને એક હાથ કપાઇને દૂર જઇ પડયો હતો.
સાંજ ઢળતા જ તોપમારો અને હવાઇ હુમલા વધી ગયા. રસ્તાઓ સૂમસામ થઇ ગયા હતા અને બારીમાંથી નજર બહાર કરીએ ત્યારે સર્વત્ર આગના ભડકાથી લાલઘૂમ થયેલું આકાશ નજરે પડતું હતું.
ફૂટપાથ અને રસ્તા જર્મનોએ ફેંકેલી સફેદ રંગની પત્રિકાઓથી છવાઇ ગયા હતા. તા.૨૭ સપ્ટેમ્બરે વોર્સોએ જર્મનો સમક્ષ શરણાગતિ સ્વીકારી...
રસ્તાઓ પર ઘણી જગ્યાએ સડેલા મૃતદેહોના ઢગલા કરાયા હતા. ભૂખમરાથી ભારે અશક્તિના કારણે ઘણાં લોકો રસ્તા પર ઢળી પડીને સબડી રહ્યા હતા. બોમ્બમારાના કારણે ઘણાં એપાર્ટમેન્ટોમાંથી હજી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા.
થોડા દિવસો પછી જર્મન અને પોલીશ (પોલેન્ડની ભાષા), એમ બન્ને ભાષામાં લખાયેલ પોસ્ટરો ઠેર ઠેર દીવાલો પર ચોંટાડેલા જોવા મળ્યા. જર્મન કમાન્ડન્ટના નામથી લખાયેલા આ પોસ્ટરમાં વોર્સોવાસીઓને શાંતિપૂર્ણ માહોલ પુરો પાડવાની હૈયા ધરપત અપાઇ હતી. વોર્સોના શહેરીજનોનું જીવન ફરી ઝડપભેર રાબેતા મુજબનું થઇ જાય તે માટેની ખાતરી પણ અપાઇ હતી. યહૂદીઓને પણ સલામતીની ગેરન્ટી સાથે તેમની માલ મિલ્કતના રક્ષણની પણ પુરેપુરી ખાતરી અપાઇ હતી.
વોર્સોની શરણાગતિ પછી મહદઅંશે શાંતિ છવાતા અમે સ્લીસ્કા સ્ટ્રિટ પરના અમારા ફલેટમાં પાછા આવી ગયા. સદનશીબે અમારા ફલેટને કોઇ નૂકસાન થયું નહોતું.
અમારા વિસ્તારના બીજી બિલ્ડિંગોને પણ ઝાઝું નૂકસાન નહોતું થયું. અમારા સગા અને પરિચિતોના હાલ કેવા છે એ જોવા અમે શહેરમાં નીકળ્યા તો, જેટલું અમે ધાર્યૂં હતું એટલા મોટા પ્રમાણમાં શહેરમાં કોઇ નુકસાન થયું નહોતું. અલબત્ત ઠેર ઠેર કેટલાક એપાર્ટમેન્ટોની દીવાલો પર મોટી તીરાડો પડી ગયેલી દેખાતી હતી.
અમને તો એવી દહેશત પણ હતી કે શહેરમાં લાખ્ખો લોકો તોપમારામાં કે બોમ્બમારામાં માર્યા ગયા હશે પણ પછી અમને જાણવા મળ્યું કે યુધ્ધના ૨૭ દિવસો દરમિયાન વોર્સોમાં વધારેમાં વધારે ૨૦,૦૦૦ જેટલા નાગરિકો મોતને ભેટયા હશે.
માર્યા ગયેલામાં કેટલાક મારા મિત્રો અને પરિચિતો પણ હતા, જેઓ હજી થોડા દિવસ પહેલા તો જીવતા હતા. કોસ્ઝીકોવા સ્ટ્રિટમાં રહેતા, મારી બહેન રેગીનાના બે સહકાર્યકરો જે બિલ્ડિંગમાં રહેતા હતા, તે તૂટી પડતા એ બેનું મોત નિપજ્યું હતું. એ બિલ્ડિંગ પાસેથી પસાર થતી વેળા તમારે નાક પર હાથ રૂમાલ ઢાંકવો પડતો હતો. કારણ એ મકાનમાં આઠેક જેટલા શબ સડી રહ્યા હોવાથી ભારે દૂર્ગંધ ફેલાઇ ગઇ હતી.


