For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સત્તામાં કોઈનીય હિસ્સેદારી મસ્કના સ્વભાવમાં નથી

Updated: Feb 14th, 2024

Article Content Image

- કંપનીના CEO સાથે Power Sharingનો અભિગમ મસ્કને માફક નથી આવતો...

- સારાંશ- વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-4

- મસ્કના સ્વભાવની આ ખાસિયત Asperger's Syndromeના કારણે હોવાનું મનાય છે

- સામા માણસની સંવેદના અથવા લાગણી સમજવાનું કદાચ મસ્કના સ્વભાવમાં નથી

સહકર્મચારીઓ સાથે સુમેળ અને સહકારથી, મૈત્રીપૂર્ણ રીતે કામ કરવાનું મસ્કના સ્વભાવમાં જ નથી, સાથીદારના સૂચનો કે તેમની ઇચ્છાનો આદરપૂર્વક અમલ અથવા સ્વીકાર કરવાનું પણ મસ્કના સ્વભાવમાં નથી. સત્તાની વહેંચણી તેમને ગમતી જ નથી. (He does not like to share Power). 

પણ મસ્ક સાથે જે કેટલાક કર્મચારીઓના સારા સંબંધ રહ્યા છે, તેમાંની એક વ્યક્તિ છે : વિની શોટવેલ. વર્ષ ૨૦૦૨માં વિની SpaceX કંપનીમાં નોકરીએ જોડાઇ અને છેલ્લે તે કંપનીની વાઇસ પ્રેસિડન્ટ બની ગઇ. સ્પેસ-એક્સના લોસ એન્જેલસ ખાતેના હેડ ક્વાર્ટરમાં મસ્કની કેબિનની બાજુમાં જ વિનીની કેબિન હતી. મસ્ક સાથે તેણીએ બીજા કોઇ કર્મચારી કરતાં સૌથી વધારે વર્ષ - ૨૦ કરતાં વધુ વર્ષ કામ કર્યૂં છે.

કોઇ ઉપરીનો આદરભંગ ન થાય કે કોઇને ખોટું ન લાગે તે રીતે, પણ સાથે સાથે અત્યંત સ્પષ્ટતાપૂર્વક - બોલ્ડલિ વાત કરવાનું કૌશલ્ય વિનીમાં છે. મસ્કને ખરાબ ન લાગે એ રીતે મોઢા મોઢ ચોખ્ખે ચોખ્ખી વાત કરવામાં વિની માહેર છે.

મસ્ક સાથે સુમેળતાથી કામ કરવામાં વિનીની કોઠાસૂઝ બહુ કામ આવતી હતી. વિનીના પતિને ઓટિઝમ - સ્પેક્ટ્રમ ડિસોર્ડર નામની બીમારી હતી. આ બીમારી મોટેભાગે એસ્પરગર્સ (Asperger's Syndrome) સિન્ડ્રોમ તરીકે જાણીતી છે. 

ઉલ્લેખનીય છે કે મહાન વૈજ્ઞાાનિક ન્યૂટન અને આલ્બર્ટ આઇન્ટાઇન આ બીમારીથી પીડાતા હતા. અમેરિકાની ટોપ ફેશન મોડલ હિથર કુઝમિને તથા ન્યૂઝિલેન્ડમાં સંગીત ક્ષેત્રે જેનું મોટું નામ છે તે ફિલિમા માર્ગારેટ બ્રાઉન (જે લેડીહોક તરીકે જાણીતી છે)

તે પણ એસ્પરગર્સથી પીડાયા છે. માઇક્રોસોફટના બિલ ગેટસને પણ એસ્પરગર્સની અસર છે.

વિની શોટવેલે મસ્કની પ્રકૃતિ વિશે વાત કરતા કહ્યું છે કે એસ્પરગર્સ સિન્ડ્રોમની અસરવાળા ઇલોન મસ્ક તેમના સ્ટાફ સાથે કે અન્ય લોકો સાથે સુમેળતાથી સંબંધ રાખવામાં તકલીફ અનુભવે છે. તેઓ સામી વ્યક્તિના હાવભાવ, સંકેત કે ઇશારા યોગ્યરીતે સમજી શકતા નથી.  પોતે બીજાને જે કાંઇપણ કહે, તેની એ વ્યક્તિ પર કેવી અસર પડશે, એ વ્યક્તિને કેવું લાગશે, એની લાગણીને ભારી ઠેસ તો નહીં પહોંચેને? આવું બધુ મસ્ક જેવા માણસ સહજતાથી વિચારી શકતા નથી.

ઇલોન મસ્ક સામા માણસની પર્સનાલિટિ, તેનું વ્યક્તિત્વ, તેની આવડત કે કુશળતા બરાબર સમજીને પ્રમાણી શકે છે, પણ સામા માણસની લાગણીઓને, કે જે સામાન્ય રીતે બીજી વ્યક્તિ સરળતાથી સમજી જાય છે, તેવી સમજ એસ્પરગર્સ ડિસોર્ડરવાળી મસ્ક જેવી પ્રતિભાવાન વ્યક્તિ પણ સમજી શકતી નથી. 

એસ્પરગર્સ ડિસોર્ડરવાળી વ્યક્તિમાં જાણે કોઇના માટે સહાનુભૂતિ કે સંવેદના નથી એવું આ વ્યાધિવાળી વ્યક્તિની આસપાસના કે નિકટના પરિચિતોને લાગવા માંડે છે.

વિની શોટવેલ વધુમાં ઉમેરે છે કે ઇલોન મસ્ક કાંઇ મૂર્ખ નથી, છતાં ક્યારેક ક્યારેક તે એવું બોલે છે કે સામા માણસને તે મૂર્ખામીભર્યૂં કે તિરસ્કારભર્યૂં લાગે. મસ્ક પોતે જે કાંઇ બોલે તેની સામા માણસ પર શું અસર પડશે, તે વિશે વિચારતા જ નથી. 

અથવા તો કહો કે એસ્પરગર્સ ડિસોર્ડરના કારણે એ વિચારી નથી શકતા અથવા તો એ પ્રકારે વિચારવા માટે તેઓ અક્ષમ છે, મસ્ક તો બસ, તેમનું મિશન પાર પાડવાની ધૂનમાં જ સતત મગ્ન રહેતા હોય છે.

વિની કહે છે મેં, ક્યારેય મસ્કને સુધારવાની કે બદલવાની કોશિશ નથી કરી. હું તો મસ્કના શબ્દોથી ''હર્ટ'' થયેલા, કે મસ્કના શબ્દોથી આઘાત પામેલા સ્ટાફ મેમ્બરને સાંત્વન આપવાનું કામ મારી ફરજની સાથોસાથ કરતી રહેતી હતી.

કંપનીના CEO સાથે પાવર શેરિંગ, સત્તાની વહેંચણીનો અભિગમ મસ્કના સ્વભાવને અનુકૂળ આવતો નહોતો, છતાં પોતે ટેસ્લાના CEO બનવાનું કેટલાક વર્ષો સુધી તેમણે ટાળ્યું હતું. પાંચ મોટી કંપનીઓના તેઓ પોતે જાતે ચિફ બનીને કાર્યભાર સંભાળતા હતા, પણ વર્ષ ૨૦૦૭માં તેમને લાગ્યું કે પોતે આટલી બધી કંપનીઓમાં એક સાથે CEO તરીકે કામ કરવાના બદલે મોટાભાગના બીજા CEO ની જેમ કોઇપણ એકજ કંપનીના CEO તરીકે કામ કરવું જોઈએ. 

આવા વિચારથી તેઓ SpaceX કંપનીના CEO તરીકે ચાલુ રહ્યા અને ટેસ્લા કંપની માટે કંપનીના જ એક ઇન્વેસ્ટર માઇકલ માર્કસને વચગાળાના  CEO તરીકે નીમ્યા.

માર્કસ પોતે અગાઉ Flextronics કંપનીના CEO હતા. એ સમયગાળામાં માકર્સે ફલેકસટ્રોનિક્સ કંપનીને ખૂબ નફાકારક કંપની બનાવી દીધી હતી. મસ્કને કંપની ચલાવવાની માર્કસની વ્યૂહરચના ગમી જતાં તેમણે માકર્સને ટેસ્લાના વચગાળાના CEO બનાવ્યા હતા. 

શરૂઆતમાં તો માકર્સ અને મસ્ક વચ્ચે સારો મનમેળ રહ્યો પણ થોડા વખત પછી માકર્સ એવા ખોટા ખ્વાબમાં રાચતા થયા કે અહીં ટેસ્લા કંપનીમાં માત્ર મસ્કની ઇચ્છા પ્રમાણે જ કામ કરવાના બદલે પોતે પણ સ્વતંત્ર રીતે કંપની ચલાવી શકવા સક્ષમ છે.

માકર્સની આ વિચારસરણીના કારણે મસ્ક સાથે તેમને ઘર્ષણ શરૂ થયું.

વાત એમ હતી કે મસ્ક વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં રાખ્યા વગર જ કેટલાક માલનો ઓર્ડર આપતા હતા. દાખલા તરીકે નજીકના ટૂંકા સમયગાળામાં કાર બનાવવા માટે જે માલ-સામાનની જરૂર પડવાની જ નહોય એવા માલ-સામાનનો પણ અગાઉથી ઓર્ડર આપી દેવા માટે મસ્ક મેનેજરોને સૂચના આપતા હતા. મસ્કનું બંધું સમયપત્રક અર્થાત શેડયૂલ વાસ્તવિકતા સાથે મેળ બેસે એવું નથી હોતું.

એટલે માર્કસે કંપનીની એક મિટિંગમાં એવો સવાલ કર્યો કે આપણે આ બધો માલ-સામાન કેમ મંગાવી રાખીએ છીએ? એક મેનેજરે જવાબમાં કહ્યું, 'મસ્કે કહ્યું છે કે જાન્યુઆરીમાં તો આપણે ટેસ્લા કારનું શિપિંગ કરવાનું છે.'

માર્કસને ખબર હતી કે જાન્યુઆરી સુધીમાં ટેસ્લાનું ઉત્પાદન શરૂ થઇ શકવાનું નથી એટલે જાન્યુઆરી મહિનામાં તેનું શિપિંગ થવાની કોઇ સંભાવના જ નહોતી. આટલો બધો માલ-સામાન એડવાન્સમાં મંગાવી રાખવાથી ટેસ્લા કંપનીના ''કેશ ફલો''માં મોટા ગાબડા પડવાની શક્યતાને ધ્યાનમાં રાખી માર્કસે મોટાભાગના માલ-સામાનના ઓર્ડરો કેન્સલ કરી નાંખ્યા.

સ્ટાફ સાથે મસ્ક અત્યંત કડકાઇથી વાત કરતા હતા. આથી વિપરીત માર્કસ તો કંપનીના નાનામાં નાના કર્મચારીથી માંડીને ટોપ એક્ઝિક્યૂટિવ્સ સાથે અત્યંત માનપૂર્વક અને વિનમ્રતાથી વાત કરતા હતા.

(ક્રમશ:)

Gujarat