For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઓલિમ્પિક રનર ઝમ્પેરિનિ રોમહર્ષણ જીવનકથા

Updated: Jul 14th, 2021

Article Content Image

- બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધકેદી તરીકે બેહદ અત્યાચાર ભોગવનાર

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- લુઈની રોમાંચક જીવનકથા- ભાગ-1

- બાળપણમાં જબરો મસ્તીખોર અને તોફાની ઝમ્પેરિનિ દોડમાં અવ્વલ નંબરે

- 'અનબ્રોકન' પુસ્તક પરથી ઉતરેલી 'અનબ્રોકન' ફિલ્મને સંખ્યાબંધ એવોર્ડસ મળ્યા હતા

નામ એનું લુઇ ઝમ્પેરિનિ

માત્ર ૧૯ વર્ષની નાની વયે ઓલિમ્પિકની ૫૦૦૦ મીટર ટ્રેકના દોડવીર તરીકે અમેરિકામાં આજે પણ લુઇનો રેકોર્ડ કોઇ તોડી શક્યું નથી. ઇ.સ. ૧૯૩૬માં જર્મનીના પાટનગર બર્લિનમાં યોજાયેલી ઓલિમ્પિકમાં અમેરિકા તરફથી લુઇ ઝમ્પેરિનિએ ભાગ લીધો હતો.  ઓલિમ્પિકમાં ભલે તે મેડલ મેળવી શક્યો નહોતો, પણ એ પછી બીજા વિશ્વયુધ્ધમાં અમેરિકન એરફોર્સના બોમ્બર તરીકે તેણે દાખવેલા શૌર્ય અને બહાદુરી બદલ ઝમ્પેરિનિને સંખ્યાબંધ મેડલ્સ એનાયત કરાયા હતા. 

બીજા વિશ્વ યુધ્ધમાં દુશ્મન સૈન્ય પર બોમ્બમારો કરવા જતા ઝમ્પેરિનિનું ફાઇટર પ્લેન દરિયામાં તૂટી પડયું હતું. પાયલોટ સહિત લગભગ સાતેક જણ મોતના મુખમાં ધકેલાઇ ગયા, પણ ઝમ્પેરિનિ અને તેના બીજા બે સાથીદારો સદ્નશીબે બચી ગયા. તરાપાના સહારે આ ત્રણ જણ પુરા ૪૭ દિવસ સુધી દરિયાના મોજા વચ્ચે અથડાતા-કુટાતા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા એક ટાપુ નજીક જઇ ચઢ્યા, જ્યાં જાપાની સૈનિકોએ તેમને પકડીને યુધ્ધકેદીની છાવણીમાં ધકેલી દીધા. લગભગ બે વર્ષ સુધી યુધ્ધકેદીની છાવણીમાં ઝમ્પેરિનિ પર ભયંકર અત્યાચાર ગુજારાયો, તે દરમિયાન અમેરિકામાં એવી ખબરપહોંચી કે ઝમ્પેરિનિનું યુધ્ધ મોરચે લડતા લડતા મોત નિપજ્યું છે. તે વખતના અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટે વર્ષ ૧૯૪૪માં ઝમ્પેરિનિના પિતાને દિલસોજીનો સત્તાવાર સંદેશો પણ પાઠવી દીધો.

વર્ષ ૧૯૪૫માં બીજા વિશ્વયુધ્ધનો અંત આવ્યો ત્યારે એટલે કે ઝમ્પેરિનિના મૃત્યુના ખબરના લગભગ એક વર્ષ પછી સાચી ખબર બહાર આવી કે ઝમ્પેરિનિ મરી નથી ગયો, તે તો જીવતો છે...!

કોઇ એ-ગ્રેડની થ્રિલર ફિલ્મી પટકથાને પણ ટપી જાય તેવી  ઝમ્પેરિનિની જીવનકથા પરથી હોલિવુડમાં ''અનબ્રોકન'' નામની સુંદર ફિલ્મનું નિર્માણ કરાયું હતું. અમેરિકન લેખિકા લૌરા હિલનબ્રાન્ડે લખેલા બેસ્ટ સેલર પુસ્તક 'અનબ્રોકન' પરથી ફિલ્મ 'અનબ્રોકન'ની પટકથા લખાઇ હતી. 

જીવનમાં  આવી પડતા નજીવા નાના-નાના દુ:ખો કે ક્યારેક આવી પડતી બે-ત્રણ નાની-મોટી સમસ્યાઓથી નાસીપાસ થઇને,  જીવન હવે જીવવા લાયક નથી રહ્યું, એવી મનમાં ગ્રંથિ બાંધીને માથે હાથ દઇ બેસી જનારા લોકોએ  ઝમ્પેરિનિની 'અનબ્રોકન' જીવનકથા ખાસ વાંચવા જેવી છે. 

બાળપણથી જ ગરીબીમાં સંઘર્ષમય જીવન જીવનાર ઝમ્પેરિનિના જીવનમાં એક પછી એક સમસ્યાઓની વણઝાર  આવતી ગઇ અને છેલ્લે યુધ્ધ કેદી તરીકે તેણે સહન કરેલા અત્યાચારની વાત તો વાંચનારને કંપાવી મુકે તેવી છે. 

ઝમ્પેરિનિની જીવનકથા પર આધારિત  'અનબ્રોકન' પુસ્તકનો સારાંશ...

એનું નામ લુઇ ઝમ્પેરિનિ.

તેના પિતા એન્થનીનું બાળપણ સંઘર્ષમય વીત્યું હતું. ૧૪ વર્ષની સગીર વયે તો એન્થની તેના પિતાથી અલગ થઇને સ્વતંત્ર રહેવા જતો રહ્યો હતો.  શરૂઆતમાં તે કોલસાની ખાણમાં ખાણિયા તરીકે મજૂરી કામે લાગ્યો હતો, પણ આમાં તેને પુરતી આવક નહીં થતા તેણે ખાણની મજૂરી છોડીને બોક્સિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું. તેમાંય તેને ઝાઝા દામ કે નામના નહીં મળતા નવા બંધાતા મકાન પર મજૂરી કામ કરવાની નોબત આવી પડી હતી. 

લુઇ ઝમ્પેરિનિની માતાનું નામ હતું લુઇસ. નાનકડી ઢીંગલી જેવી લુઇસે ૧૬ વર્ષની નાજુક વયે પ્રભુતામાં પગલાં માંડી દીધા અને ૧૮મા વર્ષે તો તેણે લુઇને જન્મ આપ્યો. એ દિવસ હતો ૨૬મી જાન્યુઆરી, ૧૯૧૭.

એન્થનીના પરિવારમાં  એક સભ્યનો વધારો થયો, પણ તેની આવકમાં કોઇ વધારો નહીં થતા દીકરા લુઇના જન્મના બે વર્ષ પછી તે ન્યૂયોર્ક છોડીને પરિવાર સાથે કેલિફોર્નિયા સ્ટેટના ટોરેન્સ નામના નાનકડા ગામમાં રહેવા જતો રહ્યો.  ગામની વસ્તી માંડ ૧૮૦૦ની હતી. ત્યાં  એન્થનીને રેલ્વેમાં ઇલેકિટ્રશ્યન તરીકે નોકરી મળી ગઇ. ટોરેન્સમાં એન્થની તેના નાનકડા પરિવાર સાથે એક ઝૂંપડામાં રહેતો હતો; જેના છાપરામાંથી ચોમાસામાં સતત વરસાદી પાણી ટપકતું હોવાથી નીચે ડોલ મુકી રાખવી પડતી હતી. 

આવા કંગાળ વાતાવરણમાં ઉછરતો લુઇ પાંચ વર્ષની નાની ઉંમરમાં જ સિગરેટ પીવાના અવળે રસ્તે ચઢી ગયો.  બાપાની આવક ઓછી અને લુઇની ઉંમર નાની; એ ઉંમરે સિગરેટ ખરીદવાના પૈસા તો એની પાસે ક્યાંથી હોય...? એટલે બાળ મંદિરમાં જતી વખતે નાનકડો લુઇ રસ્તામાં પડેલા સિગરેટના ઠૂંઠા ઉઠાવીને ધુમાડા કાઢવાની તે મોજ માણતો 'તો.

આઠેક વર્ષની વયે તો એ ભાઇએ દારૂ પણ પીવા માંડયો. એક દિવસ લુઇ બેઠો બેઠો જ વાઇનના ઉપરા-છાપરી ત્રણ પેગ ગટગટાવી ગયો. ભાન ભૂલીને લથડિયા ખાતો નાનકડો લૂઇ ઘર પાછળના વાડામાં ઝાડી-ઝાંખરા નજીક પહોંચ્યો અને ત્યાંજ એ ઢળી પડયો.

નાની વયમાં જ દારૂ પીને સિગરેટના ઠૂંઠા ફૂંકતો લુઇ અડોશ-પડોશના ઘરમાંથી ચોરીછૂપીથી કેક અને બ્રેડ ચોરીને ખાઇ જતો હતો. 

લુઈનો મોટોભાઈ પીટે ઝમ્પેરિનિ તેનાથી દોઢેક વર્ષ મોટો હતો. બંને ભાઈઓમાં જો કે ખાસ્સો તફાવત હતો. 

પીટે ઝમ્પેરિનિ ગામ લોકોમાં પ્રિય છોકરો હતો. દેખાવે સોહામણો અને સ્વભાવે શાંત, વિનમ્ર તથા ઠરેલ હતો. નાની ઉંમરમાં જ તેની વ્યવહાર દક્ષતા અને પરિપકવતા બધાના ધ્યાનમાં આવી ગઈ હતી. સરખે સરખી ઉંમરની છોકરીઓ સાથે પીટે બહુ શાલીનતાથી વર્તતો હતો. ઘરના નાના-મોટા કામમાં તે હંમશા માને મદદ કરતો રહેતો હતો.

પીટેનો અવાજ ખૂબ સુરીલો હતો. તેના સુંદર ગીતો સાંભળવા માટે પડોશીઓ ભેગા થઈ જતા હતા. પીટે જબરો શૂરવીર પણ હતો. એક વખત ગામના તળાવમાં ડૂબતી છોકરીને બચાવવા તે ક્ષણનોય વિલંબ કર્યા વગર તળાવમાં કુદી પડયો હતો. 

મોટાભાઈ પીટે નાનાભાઈ લુઈ અને બે નાની બહેનો સિલ્વીઆ તથા વર્જિનિઆની સારી રીતે દેખરેખ રાખતો હતો.

લુઈ માટે તો તેનો મોટોભાઈ પીટે આદર્શરૂપ પ્રેરણામૂર્તિ બની ગયો હતો અને પીટે પણ સ્કૂલમાં નાનાભાઈ લુઈનું ખૂબ ધ્યાન રાખતો હતો.   (ક્રમશ:)

Gujarat