Get The App

સ્લેજગાડીના ડ્રાયવરના પગ કપાવી નાંખવા પડયા..

- અલાસ્કાના નેનાના ટાઉનથી આગળના રસ્તે માઈનસ 50 ડિગ્રી ઠંડીમાં

- સારાંશ- વિનોદ ડી. ભટ્ટ

Updated: Jul 14th, 2020

GS TEAM

Google News
Google News

- સ્લેજ ડોગની વિરોચિત કહાની- ભાગ-15

- તમે જરા પણ કંટાળો, ધીરજ ગુમાવો કે ગાફેલ રહો તો મોત સાથે તમારો મેળાપ નિશ્ચિત

- ડ્રાયવરે રસ્તામાં ક્યાંય પણ રોકાયા વગર તેજ ગતિએ નેનાનાથી ટોલોવાના પહોંચવાનું હતું

સ્લેજગાડીના ડ્રાયવરના પગ કપાવી નાંખવા પડયા.. 1 - image

વર્ષોથી આવા વાતાવરણ વચ્ચે સ્લેજ ગાડી દોડાવવાનો તેને બહોળો અનુભવ હતો. પરંતુ ઠંડા પ્રદેશમાં તેના અનુભવની તેમજ ઠંડા પ્રદેશ વિશે તેણે પ્રાપ્ત કરેલા  જ્ઞાાનની આજે રાતે જબરી કસોટી થવાની હતી. 

વાઇલ્ડ બિલ ઘરેથી સ્લેજ ગાડી લઇ  નેનાના  સ્ટેશને જવા માટે નીકળ્યો તે વેળા જ તેને ખ્યાલ આવી ગયો કે ટેમ્પરેચર માઇનસ ૩૦ થી ૪૦ ડિગ્રી જેટલું હશે...આટલા નીચા ટેમ્પરેચરમાં જ્યારે કોઇ વ્યક્તિ શ્વાસ લે ત્યારે હવામાં તરતા બરફના રજકણો પણ તેના નાકમાં જતા હોવાથી આ 'આઇસ ક્રિસ્ટલ્સ' એટલે કે બરફના નાના-નાના કણો વ્યક્તિના નોસ્ટ્રિલમાં   અર્થાત તેના નસકોરાની નાજુક ચામડીમાં 'પિન્ચ' કરે છે, ડંખે છે, અદ્દલ મધમાખીના ડંખ જેવો આ ડંખ હોય છે. 

આવી ભયાનક ઠંડીમાં ઘરેથી સ્લેજ ગાડી હંકારીને સ્ટેશને આવેલો વાઇલ્ડ બિલ ઝડપથી સ્ટેશનના વેઇટિંગ રૂમના ખૂણામાં જઇને બેસી ગયો. 

અલાસ્કાના સ્લેજ ગાડીના મોટાભાગના ડ્રાયવરો સામાન્ય રીતે એક નિયમનું પાલન કરે છે;  જે   'ઇેની ર્ક ારી ૪૦જ'   અથવા તો '૪૦નો નિયમ' તરીકે ઓળખાય છે. માઇનસ ૪૦ ડિગ્રીથી ઓછા અથવા તો ૪૦ ડિગ્રીથી વધારે ટેમ્પરેચરમાં સ્લેજ ગાડી ચલાવવા સામે ડ્રાયવરોને ચેતવણી આપતા આ નિયમનું  ડ્રાયવરો  સામાન્ય રીતે પાલન કરે છે, અલબત્ત ક્યારેક ''ઇમર્જન્સિં'' માં ડ્રાયવરો અત્યંત ખરાબ  હવામાનમાં પણ સ્લેજ ગાડી હંકારવાનું જોખમ ઉઠાવતા હોય છે. 

૪૦  ડિગ્રી કે તેથી ઉપરના ટેમ્પરેચરમાં સ્લેજગાડીના  ડોગ્સ ''ડિહાઈડ્રેશનથી'' પીડાય છે. અને માઈનસ  ૪૦ ડિગ્રી કે તેથી નીચેના ટેમ્પરેચરમાં તો અમેરિકન આર્મીના જવાનોને પેટ્રોલિંગ માટે પણ બહાર નીકળવા પર પ્રતિબંધ મુકી દીધો હતો.

જયારે  આજે રાતનું ટેમ્પરેચર તો ઝીરોની નીચે માઈનસ ૫૦ ડિગ્રી જેટલું નીચું હતુ. માઈનસ ૫૦ ડિગ્રી હવામાનમાં અલાસ્કા જાણે કોઈ અલગ જ વિશ્વ બની જતું 'તું. આવા વાતાવરણમાં કોઈ થુંકે તો એ થુંક જેવું મોઢામાંથી બહાર પડે કે તુરત  ઠરીને બરફ થઈ જતું હતુ.

માઈનસ ૪૦ કે માઈનસ ૫૦ ડિગ્રી ઠંડાગાર હવામાનમાં સ્લેજ ગાડીના ડ્રાઈવર સામે જાનનું જોખમ ખૂબ જ વધી જાય છે. ન કરે નારાયણને એ ડ્રાયવર ચાલુ સ્લેજ ગાડીમાંથી જો નીચે ગબડી પડે તો રોડ પર જામી ગયેલા બરફના થરમાં ઠરીને ઠીકરું જ થઈ જાય.

ઠંડુગાર હવામાન અવગણીને કે હાડ ગાળી નાંખે તેવી અતિશય ઠંડીની ઐસી કી તૈસી કરીને સ્લેજગાડી હંકારનાર કેટલાક ડ્રાયવરોની કેવી   બૂરી દશા થઈ છે, તેની ઘણી વાતો  અલાસ્કાના ગામે ગામ ચર્ચાતી રહે છે.  હિમ ઝંઝાવાત અને હિમ વર્ષામાં હિંમત કરીને બહાર નિકળનાર સ્લેજગાડીના    ડ્રાયવરોએ હિમડંખના કારણે  હાથ કે પગ કપાવી નાંખવા પડયા હોવાના કમનસીબ કિસ્સા  અલાસ્કામાં બન્યા છે.

એક ડ્રાયવરના કહેવા મુજબ માઈનસ ૫૦ ડિગ્રી ટેમ્પરેચરમાં ભૂલે  ચૂકેય કોઈ ડ્રાયવરના હેન્ડગ્લોવ્સ (હાથમોજા) રસ્તામાં ક્યાંક નીકળીને પડી જાય તો સમજી લેવાનું કે ઠંડીમાં એ ડ્રાયવરનો હાથ ખોટો પડી જ જાય, અર્થાત એ ડ્રાયવરનો હાથ લાકડા જેવો થઈ જાય.

આખા રસ્તે બરફના થર જામી ગયેલા હોવાથી ખૂબ જ ટાઢાબોળ બની ગયેલા માર્ગ પર સ્લેજગાડી હંકારનારની માનસિક ક્ષમતાની અહીં કઠોર કસોટી થતી રહે છે. માઇનસ ૫૦ ડિગ્રી વાતાવરણમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત તકેદારી રાખવી પડે છે.

શરીરના બધા જ અંગો ગાળી નાંખે એવી ઠંડી વચ્ચે જીવતા રહેવા સતત સંઘર્ષ કરતા રહેવું પડે છે. જરા જેટલા ઢીલા પડયા તો સમજો કે તમે કામથી ગયા. અહીં લાંબા અંતરના બરફીલા રસ્તા પર થાકવાનું, કંટાળવાનું કે ધીરજ ગુમાવવાનું કોઇને જ પાલવે નહીં. તમે  સ્હેજ સરખી ધીરજ ગુમાવો કે તમે જરા જેટલા કંટાળો, અને તકેદારી રાખવામાં સ્હેજ ગાફેલ રહ્યા તો મૃત્યુ સાથે તમારો મેળાપ નિશ્ચિત થઇ જાય છે. 

વાઇલ્ડ બિલ શાનોન સિરમના પેકેટસ લઇને જે રસ્તે જવાનો હતો એ રસ્તા પર થોડા વર્ષો અગાઉ એક ગંભીર ઘટના બની હતી. સ્લેજગાડીનો એક ડ્રાયવર નામે મેયર્સ એ રસ્તેથી સ્લેજગાડી હંકારતો પસાર થઇ રહ્યો'તો ત્યારની આ વાત છે. મિન્ટો નામની એક નાનકડી વસાહતનું ટેલિગ્રાફ સ્ટેશન માંડ હવે દોઢેક માઇલ દૂર હતું, તેવામાં મેયર્સ અચાનક સ્લેજગાડીમાંથી નીચે ગબડી પડયો. ચોતરફ બરફના થર થયેલા હતા અને  ટેમ્પરેચર માઇનસ ૫૦ ડિગ્રી જેટલું નીચું હતું. મેયર્સ ગભરાઇ ગયો. ગજવામાંથી  મેચબોક્સ કાઢી દીવાસળી પણ તે ના સળગાવી શક્યો.

તેનું આખું શરીર ઠંડીથી ભયંકર રીતે ધુ્રજવા માંડયું.  તેના પગ ઠંડા પડી ગયા. થોડીવારે હિંમત એકઠી કરી ઢોળાવ ઊતરીને ટેલિગ્રાફ સ્ટેશન તરફ જવા તેણે ડગ માંડયા. એના પગ જાણે બહેર મારી ગયા હતા. પગ લાકડા જેવા થઇ ગયા હતા. પગમાંથી 'સેન્સેશન', સંવેદના ગાયબ થઇ ગઇ હતી. માંડ માંડ પગ ઢસડતો એ ડ્રાયવર ટેલિગ્રાફ સ્ટેશને પહોંચીને ફરી પાછો ગબડી પડયો. મેયર્સનો જીવ તો બચી ગયો, પણ તેના બન્ને પગ કપાવી નાંખવા પડયા...!

થોડા વર્ષો અગાઉ માઇનસ ૫૦ ડિગ્રી ટેમ્પરેચરમાં જે રસ્તે મેયર્સના આ હાલ થયા હતા તે રસ્તે જવા માટે આજે વાઇલ્ડ બિલ તૈયારી કરીને બેઠો હતો. નેનાના સ્ટેશને બેસીને તે ટ્રેન આવવાની રાહ જોતો હતો.  વિકટ યોગાનુયોગ એ હતો કે આજે પણ એટમ્પરેચર માઈનસ ૫૦ જ હતું..!

મેયર્સ જે રસ્તે ગયો, માત્ર એટલું જ અંતર વાઇલ્ડ બિલે નહોતું કાપવાનું. એનાથીય આગળ બીજા બાવન માઇલ આગળ સુધી બિલે જવાનું હતું. મેયર્સ માંડ માંડ અધમૂઇ હાલતમાં જે ટેલિગ્રાફ સ્ટેશને પહોંચ્યો હતો તેનાથી આગળનો રસ્તો તો આથીય વધારે ખરાબ હતો.

માર્ગમાં આવતી નદી ઠંડીમાં થીજીને ઠરી ગઇ હતી અને તેના પરથી વાઇલ્ડ બિલે સ્લેજગાડી હંકારવાની હતી.  તે પછી ઢોળાવ પરના નદી કાંઠાથી આગળ ટોલોવાના ટાઉન સુધી બિલે પહોંચવાનું હતું, જ્યાં બીજો ડ્રાયવર તેની સ્લેજગાડી લઇને ઊભો હશે.  તેને દવાના પેકેટસ આપ્યા પછી વાઇલ્ડ બિલ છુટ્ટો, પછી એ પેકેટસ આગળ લઇ જવાની જવાબદારી નવા ડ્રાયવરની. આ રીતે  સ્લેજગાડીની રિલે રેસ નેનાના ટાઉનથી શરૂ કરી ૬૭૪ માઇલ દૂરના નોમ ટાઉન કે જ્યાં ડિપ્થેરિઆની દવા પહોંચાડવાની હતી, ત્યાં સુધી ચાલવાની હતી. 

સામાન્ય સંજોગોમાં નેનાનાથી ટોલોવાના સુધી સ્લેજગાડી પહોંચતા બે દિવસનો સમય લે છે, કારણ કે નેનાનાથી  નીકળેલી સ્લેજગાડીનો ડ્રાયવર રસ્તામાં મિન્ટો વસાહત પાસેના આશ્રયસ્થાનમાં રાત્રી રોકાણ કર્યા બાદ બીજા દિવસે સવારે સ્લેજગાડી આગળ  હંકારે છે. 

પણ આજના સંજોગો સામાન્ય નહોતા, આજની સ્થિતિ અસાધારણ હતી.  ડિપ્થેરિઆની દવા શક્ય તેટલી  વહેલી તકે નોમ ટાઉન પહોંચાડવાની હતી. નોમમા ડિપ્થેરિઆનું  સંક્રમણ વધતું અટકાવવા માટે આ દવાનો જથ્થો ત્યાં જેમ બને તેમ વહેલો પહોંચાડવો અત્યંત  જરૂરી હતો, કારણ કે ઘણા બધાના જીવન મરણનો સવાલ હતો.. એટલે વાઇલ્ડ બિલને સ્પષ્ટ સૂચના અપાઇ હતી કે નેનાનાથી તું દવા લઇને નીકળે તો રસ્તામાં તારે  ક્યાંય જરા જેટલું પણ રોકાવાનું નથી. નેનાનાથી સ્લેજગાડી દોડાવીને માર્ગમાં ક્યાંય આરામ કર્યા વગર સીધું ટોલોવાના પહોંચવાનું છે, ત્યાં પહોંચ્યા પછી તારી જવાબદારી પુરી.

Tags :