For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુદાનમાં કુંવારી છોકરી પર દુષ્કર્મ થાય તો વાંક છોકરીનો..!

Updated: Oct 12th, 2022

Article Content Image

- સુદાનની સરકારે ગેન્ગરેપના કિસ્સા છુપાવવા અધમ રસ્તો અપનાવ્યો...!

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-2

- નાગરિક સંરક્ષણ દળના જવાનોનો હાવા નામની વિદ્યાર્થિની પર ગેન્ગરેપ

- બળાત્કારનો ભોગ બનેલી વિદ્યાર્થિનીને સૈનિકોએ જેલમાં ધકેલી લીધી...

વધુમાં સૈનિકોની હેવાનિયત તો એ હતી કે સ્ત્રી પર બળાત્કાર ગુજાર્યા પછી આ હવસખોરો એ સ્ત્રીના કાન કાપી નાંખતા હતા, જેથી તે જોઇને બીજા બધાને ખ્યાલ આવી જાય છે આ બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી છે..! આથી તે જ્યાં પણ જાય, બદનામી તેનો પીછો ન છોડે.

સેંકડો સ્ત્રીઓ પર બળાત્કાર ગુજારી નાગરિક દળના સૈનિકોએ તેમની જિંદગી બરબાદ કરી નાંખી હતી. વિધિની વક્રતા જુઓ કે આંતર વિગ્રહના કપરા સમયમાં શાંતિ અને સલામતી સ્થાપવાની જેમને જવાબદારી સોંપાઇ હતી એ ''જાન્જાવીડ નાગરિક દળ''ના સૈનિકો જ સત્તાના મદમાં ભાન ભૂલીને અધમ કૃત્ય આચરતા હતા.

ખુદ સુદાનની સરકારે સામૂહિક બળાત્કારના કિસ્સાઓ છુપાવવા માટે ઓર એક અધમ રસ્તો અપનાવ્યો હતો. જે સ્ત્રી કે છોકરી બળાત્કાર પછી પોલીસમાં ફરિયાદ નોંધાવવા જાય કે પુરાવા માટે સરકારી દવાખાનામાં સારવાર લેવા માટે જાય તો સરકાર આવી સ્ત્રીઓને જેલમાં ધકેલતી હતી..!

ડારકુર નગરમાં આંતર વિગ્રહના શરણાર્થીઓને આશ્રય આપવા માટે અલગ છાવણીઓ ઊભી કરાઇ હતી. 

કાલમા કેમ્પ  નામની એક મોટી છાવણી બહાર જાન્જાવીડ સૈનિકોએ હાવા નામની એક આફ્રિકન વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો અને આટલું ઓછું હોય તેમ આ કલંકિત કૃત્ય આચર્યા બાદ તેની જાહેરમાં પીટાઇ કરીને પિશાચી આનંદ માણ્યો.

શયતાનોના દુષ્કર્મનો ભોગ બનેલી આ વિદ્યાર્થિનીને તેની બહેનપણીઓ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગઇ. હોસ્પિટલમાં ફરજ બજાવતી બે ફ્રેન્ચ નર્સોએ હાવાની સારવાર શરૂ કરી એટલામાં તો ત્રણ-ચાર લશ્કરી ટ્રકો લઇને સંખ્યાબંધ સૈનિકો હોસ્પિટલમાં ઘુસી આવ્યા.

ફ્રેન્ચ નર્સોએ સૈનિકોને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે બે-ચાર સૈનિકોએ નર્સોને બાવડેથી પકડી ધક્કો મારીને બાજુએ હડસેલી દીધા બાદ વિદ્યાર્થિની હાવાને હોસ્પિટલના બેડ પરથી નીચે નાંખીને પછી હાથ પકડીને ઢસડવા માંડી. બળાત્કારથી હેબતાઇને સાવ જ નંખાઇ ગયેલી હાવાને હોસ્પિટલમાંથી ઢસડીને સૈનિકોએ બહાર ઊભેલી લશ્કરી ટ્રકમાં ફંગોળી. ટ્રકને આ નરપિશાચો પછી જેલમાં લઇ ગયા, જયાં તેના હાથે-પગે સાંકળ બાંધીને પછી ખાટલા પર સુવડાવ્યા બાદ ખાટલા સાથે સાંકળથી બાંધી દીધી.

કયા ગુના હેઠળ સૈનિકોએ હાવાને જેલમાં પુરીં? નિર્દોષ હાવાનો વાંકગુનો શું? તો તેનો જવાબ ત્યાં એવો મળ્યો કે તે કુવારી હોવા છતાં તેણે શારીરિક સંબંધ બાંધ્યો એ તેનો ગુનો..!

સુદાનમાં જે અવળા પ્રકારનો કાયદો હતો તેની આ વિચિત્ર ટ્રેજેડી હતી.- ગુનો કરનારને કોઇ સજા નહીં, પણ ગુનાનો ભોગ બનનાર સજા ભોગવે.

આ ટ્રેજેડીના બે વાહિયાત પ્રકારના મુદ્દા છે. (૧) હાવા પર સૈનિકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો તેની વેદના અને પીડાથી કણસતી વિદ્યાર્થિની હાવાને તેની બહેનપણીઓ સારવાર માટે હોસ્પિટલ લઇ ગઇ, ત્યાં બળાત્કારના ગુનાની નોંધ થઇ એટલે તેનો અર્થ એ થયો કે હાવા કુંવારી હોવા છતાં પુરૂષ સાથે તેનો શારીરિક સંબંધ બંધાયો (૨) સુદાનમાં બીજો એક વિચિત્ર અને વાહિયાત નિયમ એવો છે કે બળાત્કાર પુરવાર કરવાની જવાબદારી જેના પર આવું અધમ કૃત્ય થયું હોય એ યુવતીની છે અને બળાત્કાર પુરવાર કરવા એ યુવતીએ ચાર પુખ્ત વયના પુરૂષ સાક્ષીઓ લાવવા પડે કે જેમણે આ ઘટના નજરોનજર નિહાળી હોય.

સૈનિકોએ જેના પર ગેન્ગરેપ કર્યો હોય, એવી યુવતીને બચાવવા આગળ કોણ આવે? વળી બળાત્કારની ઘટના કોઇ જાહેરમાં થોડી કરે કે જેમાં ચાર સાક્ષી મળી આવે?

ઉપરોક્ત વિચિત્ર કાનૂનનો આધાર લઇ સૈનિકોએ કુંવારી વયે શરીર સંબંધ બાંધ્યાનો હાવા વિરૂધ્ધ ગુનો નોંધી જેલમાં  ધકેલી દીધી હતી.

પાકિસ્તાનમાં પણ છોકરીઓની આવી અત્યંત વ્યથાભરી કેટલીય દાસ્તાન છે. કરાચીના એક જાણીતા ગાયનેકોલોજિસ્ટ શેરશાહ સૈયદ કહે છે, ગરીબ ઘરની સ્વરૂપવાન યુવતીઓ બળાત્કાર પછી મારી પાસે સારવાર લેવા માટે આવે છે. સુખી સંપન્ન પરિવારના નબીરાઓ આવા નાપાક કૃત્યો કરે છે. જે ગરીબ છોકરી પર બળાત્કાર થયો હોય એ છોકરી જો આપઘાત ન કરી લે તો તેના પરિવારના બીજા સભ્યોનું જીવવું દુષ્કર થઇ જાય છે.બળાત્કાર કરનાર શાહજાદાઓ છોકરીના મા-બાપ કે ભાઇને સતત ધાકધમકી આપતા રહે છે. જેથી કોઇ પોલીસ ફરિયાદ કરવાની હિંમત ના કરે.

પોલીસની ભૂમિકા તો સાવ જ બદતર હોય છે એમ કહેતા ડો. સૈયદ ઉમેરે છે કે, હું જ્યારે દુષ્કર્મનો ભોગ બનેલી છોકરીની સારવાર કરૂ છું એ વેળા તે છોકરીને પોલીસમાં ન જવાની સલાહ આપું છું કારણ એ છોકરી જો પોલીસ મથકે જાય તો ત્યાં સત્વરે તેની ફરિયાદ નોંધવાના બદલે પોલીસ સૌથી પહેલું કામ એ છોકરી પર બળાત્કાર ગુજારવાનું કરે છે.

દુનિયાના કેટલાય દેશોમાં સ્ત્રીઓ અને કુંવારી છોકરીઓ પર આવા બેરહેમ અત્યાચારો ગુજારવાની કલંકિત ઘટનાઓ બનતી જ રહે છે. આફ્રિકાના કોંગો દેશનો પૂર્વીય વિસ્તાર તો વિશ્વમાં બળાત્કારના પાટનગર તરીકે ઓળખાય છે.

હાફ ધી સ્કાય પુસ્તકમાં સ્ત્રીઓ, યુવતીઓ અને ખુદ નાની ઉંમ્મરની છોકરીઓ પર ગુજારાતા અત્યાચારોની દર્દનાક વ્યથા ભરેલી વાતો છે તો સાથે સાથે આવી પીડાદાયક સ્થિતિ વચ્ચે પણ ગજબનાક આંતરિક તાકાતથી અત્યાચારીઓનો સામનો કરનાર સ્ત્રીઓની પ્રેરણાદાયી વાતો પણ છે. આવી એક ગજબનાક પ્રેરણાદાયી વાત મુખ્તાર  નામની એક હિમ્મતવાન પાકિસ્તાની યુવતીની છે. પાક.ના પંજાબ પ્રાંતના મીરવાલા ગામના ખેડૂત પરિવારની આ છોકરી ગામમાં નિશાળ નહીં એટલે આખો દિવસ ઘરકામમાં જ વીતાવે. એક દિવસ એના નાનાભાઇ શકુરને એનાથી ઊંચી ગણાતી માશ્તોઈ જાતિના યુવાનો ઉઠાવી ગયા. આ વાત છે ઇ.સ. ૨૦૨૨ ના જુલાઇ માસની. બાર-તેર વર્ષના શકુર પર પેલા યુવાનોએ ભારે અત્યાચાર ગુજાર્યો.

કેટલાકે તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું પણ પછી એ યુવાનો ગભરાયા કે પકડાઇ જઇશું તો સજા થશે, એટલે એ લોકોએ એવી વાત ઉપજાવી કાઢી કે શકુરે માશ્તોઇ જાતિની સલમા નામની એક કિશોરી પર બળાત્કાર કર્યો છે.

Gujarat