ગામના બધા બાળકોનો ડિપ્થેરિઆએ ભોગ લીધો હતો..
વર્ષ 1735માં યુરોપમાં ફાટી નીકળેલી મહામારીએ કેટલાક
- સારાંશ - વિનોદ ડી. ભટ્ટ
- સ્લેજ ડોગની વિરોચિત કહાની- ભાગ-7
- વેક્સિન વગર 285 વર્ષ અગાઉ જેવી નિઃસહાયતા આજે પણ યથાવત...!
- જે તે વિસ્તારની મૂળ પ્રજાને બહારથી આવતા પ્રવાસી કે વેપારીઓ ચેપ લગાડે છે
એન્ટિટોકિસન શોધાયા પહેલા અમેરિકામાં ડિપ્થેરિઆ આના કરતાંય વધુ સંખ્યામાં અમેરિકનોનો ભોગ લેતો હતો. અમેરિકામાં તે સમયગાળામાં મૃત્યુનું સૌથી મોટું કારણ ડિપ્થેરિઆ હતુ. અને તે મોટાભાગે માસુમ બાળકોનો ભોગ લેનાર રોગ ગણાતો હતો.
યુરોપ અને મિડલ ઈસ્ટમાં ડિપ્થેરિઆએ લાખો લોકોનો ભોગ લીધો હતો. વર્ષ ૧૭૩૫માં યુરોપના કેટલાક નગરોમાં તો સ્થિતિ એ હદે ગંભીર બની હતી કે કોઈ નગરમાં બાળકોની સંખ્યા ધારો કે ૧૦૦૦ જેટલી હોય તો તેમાંથી ૫૦ ટકા એટલે કે ૫૦૦ બાળકો ડિપ્થેરિઆના જીવલેણ ભરડામાં હોમાઈ ગયા હતા. કેટલાક ગામો તો બાળકોના કિલ્લોલ વિહોણા બની ગયા હતા. અર્થાત ગામના બધા જ બાળકોને ડિપ્થેરિઆ ભરખી ગયો હતો.
યુરોપના દેશોમાં અવારનવાર ફાટી નિકળતા ડિપ્થેરિઆના રોગચાળાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. એ જમાનામાં એક તો મેડિકલ ક્ષેત્ર એટલું બધુ વિકાસ પામેલું ન હોતું, રોગના નિદાન માટે બ્લડટેસ્ટ, હાર્ટ, બ્રેન કે લંગ્સના રોગોનું સચોટ નિદાન કરાવામાં સહાયરૂપ થતાં એકસ-રે, સીટી-સ્કેન, ઈ.સી.જી., સોનોગ્રાફી માટેના આધુનિક મશીનો પણ એ સમયગાળામાં નહોતા.
વળી બીજી એક અતિ ગંભીર વાત એ હતી કે તે જમાનામા ખુદ ડોક્ટરો માટે એક વાત સમજવી બહુ મુશ્કેલ હતી કે બહારથી સાજોસમો અને એકદમ તંદુરસ્ત લાગતો માણસ પણ વાયરસ ફેલાવતો હોઇ શકે છે. ડોક્ટરની પરિભાષામાં આવા માણસને ''ેહેલ્ધિ કેરિઅર'' ( Healthy Carrier) કહેવાય છે.
હાલની કોરોના મહામારીમાં પણ આ જ મુદ્દો અત્યંત ગંભીર અને મહત્વનો બની ગયો છે. બાહ્ય રીતે તંદુરસ્ત અને કોરોનાના એકપણ લક્ષણ જેવા કે શરદી, ખાંસી અથવા તાવ ન હોવા છતાં એ માણસમાં કોરોનાના વાયરસે અડિંગો જમાવેલો હોય છે. અને આવો માણસ (હેલ્ધિ કેરિઅર) બીજા જેટલા માણસોના સંપર્કમાં આવે તે પૈકીના ઘણાને કોરોના વાયરસનો ચેપ લગાડી શકે છે. આ યુગમાં વિજ્ઞાાને હરણફાળ ભરી હોવાથી ડોક્ટરો અને વૈજ્ઞાાનિકો ''હેલ્ધિ કેરિઅર'' ના જોખમ સામે સાવચેતી રાખી સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરવા કહે છે.
પરંતુ અઢારમી સદીમાં ''હેલ્ધિ કેરિઅર''ની પરિકલ્પના કોઇ કરી શકતું ન હોવાથી જ્યારે તમામ પ્રકારની અન્ય સાવચેતી, અને ઇશ્વરની પ્રાર્થના પણ નિષ્ફળ જતી ત્યારે યુરોપના કેટલાક પવિત્ર પણ રૂઢિચુસ્ત સજ્જન લોકો ડિપ્થેરિઆની મહામારીને ઇશ્વરનો પ્રકોપ ગણી માણસને તેના પાપ કર્મની સજા મળી હોવાનું માનતા હતા.
એ સમયગાળા પછીના લગભગ બે દાયકા સુધી નાના બાળકોના માતા-પિતા તેમજ ડોક્ટરોના મનમાં ફરી ગમે ત્યારે જીવલેણ ડિપ્થેરિઆનો રોગચાળો ફાટી નીકળવાની ફડક રહ્યા કરી હતી. ઘણાં બધા શહેરોમાં અવારનવાર આ રોગચાળો તેનો ઘાતક પંજો ફેલાવતો રહ્યો હતો. ડોક્ટરો અને સંશોધકો ડિપ્થેરિઆને ફેલાતો અટકાવવાના ઉપાયો વિશેના સંશોધનોમાં રચ્યાપચ્યા રહેતા હતા. પણ ઘણી બધી મથામણ છતાં ડિપ્થેરિઆ સામેની અસરકારક રસી તેઓ શોધી શક્યા નહોતા.
દુનિયાના ઘણાં બધા દેશોની મોટી મોટી હોસ્પિટલોમાં કે ડોક્ટરોના કન્સલ્ટિંગ રૂમોમાં જ્યારે પેરેન્ટસ તેમના બાળકને ગળામાં દુઃખાવાની ફરિયાદ લઇ આવે ત્યારે અચૂક પણે ડોક્ટરના મનમાં ડિપ્થેરિઆનો ધ્રાસકો પડીજતો હતો, જેમ કે આજે કોઇને જરા જેટલી સામાન્ય શરદી કે ખાંસી થાય કે તુરત તેને કોરાનાનો ચેપ લાગ્યો હોવાની પરિવારના સભ્યોને ફડક પેસી જાય છે.
આજે કોરોના વાયરસની જેટલી ફડક દુનિયાભરના સેંકડો દેશોના કરોડો લોકોમાં પેસી ગઇ છે, તેવી જ રીતે ૧૮મી સદીમાં ડિપ્થેરિઆની ફડક પેસી ગઇ હતી.
અલાસ્કાના નોમ ટાઉનના ડોકટર વેલ્ચ મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયા 'તા. એક તો તેમની પાસે ડિપ્થેરિઆની કોઇ દવાનો સ્ટોક નહોતો અને બીજુ કે શિયાળાના સાત મહિના દરમિયાન આ દવાનો સ્ટોક સત્વરે ક્યાંકથી મંગાવવાની વ્યવસ્થા કરવાનું પણ લગભગ અસંભવ હતું, અને આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે નોમમાં બાળકો ટપોટપ મરવા માંડતા ડોકટર વેલ્ચના મનમાં ડિપ્થેરિઆની મોટી ફાળ પડવી સ્વાભાવિક વાત હતી. આ રોગ ઘણો ચેપી છે; ઝડપભેર તેનો ચેપ એક સામટા સંખ્યાબંધ બાળકોને તેના ભરડામાં ભીંસી નાંખવા સક્ષમ હતો.
આજે જેવી રીતે કોરોના વાયરસ ટેબલ ટોપ પર; ખુરશીના હાથા પર અથવા દર્દીએ અડકેલી બીજી કોઇ ચીજ-વસ્તુ પર ચોંટી જાય છે, અને એ ચીજ-વસ્તુને બીજી કોઇ તંદુરસ્ત વ્યક્તિ અડકે તો તેના દ્વારા ચેપ ફેલાય છે. તે જ રીતે સદી અગાઉ ડિપ્થેરિઆના બેકટેરિઆ ખાવા-પીવાની કોઇ ચીજ પર, કે ટેબલ ટોપ અથવા ખુરશીના હાથા પર ચોંટીને પછી બીજી વ્યક્તિને તેનો ચેપ ફેલાતો હતો.
ડિપ્થેરિઆના રોગવાળી વ્યક્તિ છીંક કે ખાંસી ખાય તો તેના નાક કે મોઢા વાટે રોગના બેકટેરિઆ બહારની હવામાં આવી જાય અને તેની સાથે વાત કરવા ઊભેલી સામેની વ્યક્તિના શ્વાસ દ્વારા તેને પણ આ બેકટેરિઆનો ચેપ લાગી જાય છે.
નોમ ટાઉનના ખૂણે ખૂણે ચોંટીને ડિપ્થેરિઆના બેકટેરિઆએ અડ્ડો જમાવી દીધો હતો. - જેમ કે બારી પર કે બારણાના આગળા અથવા હેન્ડલ પર, બાળકોના પુસ્તકો કે બાળકોના દફતર પર, જે કોઇ બાળક આ ચીજ-વસ્તુને અડકે એટલે તેને બેકટેરિઆનો ચેપ લાગી જાય, જેમ આજે કોરોના વાયરસનો ચેપ લાગી જવાના ડરથી સૌ કોઇ ભયભીત થઇ ગયા છે, તેમ એ જમાનામાં ડિપ્થેરિઆના જીવલેણ બેકટેરિઆએ ભયંકર ફફડાટ ફેલાવી દીધો હતો.
વેલ્ચ ખુદ ડોકટર હોવાથી તેમને તો ખ્યાલ આવી જ ગયો 'તો કે ડિપ્થેરિઆનો આ રોગચાળો બહુ ઝડપથી ફેલાઇ જશે અને નોમ ટાઉનની ભાગોળ વળોટીને દરિયા કાંઠા વિસ્તારના બીજા સંખ્યાબંધ ગામોમાં તેનો ઘાતક પંજો ફેલાવતો ખૂબ આગળના વિસ્તારો સુધી પહોંચી જશે.
અમેરિકાની પબ્લિક હેલ્થ સર્વિસના કામચલાઉ આસિસ્ટન્ટ સર્જન અને નોમ પ્રદેશના આસિસ્ટન્ટ હેલ્થ કમિશ્નરની હેસિયતથી ડો. વેલ્ચના માથે ઉત્તરપૂર્વીય અલાસ્કા વિસ્તારના લગભગ ૧૦,૦૦૦ લોકોના આરોગ્યની જવાબદારી હતી.
નોર્થવેસ્ટર્ન (ઉત્તર પશ્ચિમી) અલાસ્કા વિસ્તારમાં મોટા ભાગે એસ્કિમો જાતિની પ્રજા રહેતી હતી. અને આ લોકો સામે રોગચાળાનું સૌથી મોટુ જોખમ હતું, કારણકે બેક્ટેરિઆ કે વાઇરસથી થતા રોગોનો પ્રતિકાર કરવાની નૈસર્ગિંક ક્ષમતા આ લોકોમાં એટલા માટે ખૂબ ઓછી હતી કે અહીની મૂળ પ્રજા ક્યારેય બેક્ટેરિઆ કે વાઇરસથી થતા રોગોનો શિકાર બની નહોતી તેમના માટે બેક્ટેરિઆ અને વાઇરસથી થતા રોગો સાવ જ અજાણ્યા હતા.
પરંતુ આ વિસ્તારના દરિયાકાંઠેથી સોનાના ગઠ્ઠા મળતા હોવાની વાત ફેલાતા દરિયાઇ માર્ગે નોમમાં આવતા સંશોધકો કે વેપારીઓ અને સોનાની ખાણોના ખાણિયાઓ બહારના પ્રદેશોમાંથી બેક્ટેરિઆ કે વાઇરસનો ચેપ અહીં લઇ આવતા હતા અને અહીની મૂળ એસ્કિમો પ્રજા કે જેઓ કુદરતના સાનિધ્યમાં તદ્દન નૈસર્ગિંક જીવન જીવતા હતા, તેને ચેપ લગાડતા હતા.
છેલ્લા દોઢસો વર્ષથી યુરોપિયનો અને બીજી પ્રજાના લોકોની અલાસ્કામાં આવન-જાવન શરૂ થવાથી અહીની મૂળ પ્રજા એસ્કિમો જાતિના લોકો ઓરી-અછબડા, ટી.બી. અને ફ્લુનો શિકાર બનવાની શરૂઆત થઇ હતી.
વર્ષ ૧૯૧૮-૧૯ થી ડો. વેલ્ચે અલાસ્કાના આ વિસ્તારમાં અવારનવાર ફ્લુની મહામારી ફેલાતી જોઇ છે અને આ ઘાતક રોગચાળાની મહામારીમાં ક્યારેક તો આખાને આખા ગામો કે વસાહતો નામઃશેષ થઇ ગયા હોવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બનતી ડો. વેલ્ચે જોઇ હતી.
આ વિસ્તારમાં ઓરી, ટી.બી. અને ફ્લુ ઉપરાંત શીતળા (એક ગંભીર ચેપી રોગ જેમાં ચામડી પર કાયમ માટે ચાઠા રહી જાય છે), ટાઇફોડ અને તાવનો પણ વારંવાર વાવર ફેલાતો હતો, આના કારણે એસ્કિમો જાતિના લોકો પ્રદેશ છોડીને બીજે ભાગી જતા હતા.