app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

વિશ્વના ટોચના ધારાશાસ્ત્રીઓ પૈકીના એક : નાની પાલખીવાલા

Updated: Jan 11th, 2023


- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ. ભાગ-1

- અત્યંત ટૂંકા સમયગાળામાં કોર્ટ રૂમમાં ડંકો વગાડી દેનાર

- કોર્ટરૂમ જિનિયસ નાની પાલખીવાલાનું બહુમુખી પ્રતિભા ધરાવતું વ્યક્તિત્વ

- પ્રેક્ટિસના 3 જ વર્ષમાં નાનીની વાર્ષિક આવક રૂા.60,000 હતી, જે  આજના રૂા.60 લાખ થાય

સુપ્રીમ કોર્ટના બાહોશ ધારાશાસ્ત્રી અને દેશના પૂર્વ એટર્ની-જનરલ સોલી જે.સોરાબજીએ નાની પાલખીવાલા વિશે લખેલા અતિ રસપ્રદ અને માહિતી પ્રચુર પુસ્તકનું નામ છે- નાની પાલખીવાલાઃ કોર્ટરૂમ જિનિયસ.

નાની પાલખીવાલાના જીવનના કેટલાક રોચક પ્રસંગો આ પુસ્તકમાં લખાયા છે.

એક સમયના તેમના જૂનિઅર અને તે પછી તો ટેક્સ મેટરમાં સિનિયર કાઉન્સેલ તરીકે જેમની દેશવ્યાપી ખ્યાતિ પ્રસરી એવા દિનેશ વ્યાસે તેમના સિનિયર નાની પાલખીવાલા વિશે સચોટ ટિપ્પણી કરતા લખ્યું છે કે, અવિરત કઠોર પરિશ્રમ એ તેમની ખાસિયત હતી. સતત કામ કરતા રહેવાની તેમનામાં અમર્યાદ આંતરિક શક્તિ હોય એવું અમને લાગતું હતું. સોલિસિટર્સ અને એડવોકેટસ સાથેની તેમની મીટિંગો ઘણી વખત તો છેક મધરાત સુધી ચાલતી રહેતી હતી.

દેશના એક અગ્રગણ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બંસી મહેતાએ પણ નાની પાલખીવાલા વિશેનો એક પ્રસંગ પુસ્તકમાં વર્ણવ્યો છે.

''દિલ્હીની એક પાર્ટીને તેના એક કેસમાં નાની પાલખીવાલાનો અભિપ્રાય અર્જન્ટ જાણવો હતો. વાત એમ હતી કે એ પાર્ટીએ બીજે દિવસે સરકારી ખાતામાં લ્હેણા પેટે મોટી રકમ ભરવી પડે તેમ હતું; કારણ એ દિવસે પૈસા ભરવાની છેલ્લી તારીખ હતી.

એ પાર્ટીએ એપોઇન્ટમેન્ટ માંગતા, પાલખીવાલાએ કહ્યું, સારૂં આવતીકાલે આવજો...પણ બીજે દિવસે તો પાર્ટીએ સરકારમાં પૈસા ભરી દેવા પડે તેમ હતા, જેથી પાલખીવાલા બીજે દિવસે એપોઇન્ટમેન્ટ આપે તો તેનો કોઇ અર્થ જ રહેતો નહોતો. એટલે પછી બંસી મહેતાએ પાલખીવાલાને કેસની અર્જન્સી વિશે વાત કરતા કહ્યું કે આ મેટર બહુ અર્જન્ટ છે અને જો તમે એવી સલાહ આપો કે પાર્ટીએ પૈસા ભરવા જ પડશે તો પાર્ટીએ બીજે દિવસે દિલ્હી જઇને પૈસા ભરવા પડે, આમ પાર્ટી પાસે કાલ સુધી રાહ જોવાનો સમય નથી.

બંસી મહેતાની વાત સાંભળી પાલખીવાલાએ કહ્યું, સારૂં મેટર આટલી અર્જન્ટ છે તો તમે એ પાર્ટીને લઇ રાત્રે ૧૨.૩૦ વાગે મારી ઓફિસે આવી જજો. 

રાત્રે એ પાર્ટીના કેસ વિશે વિગતે ચર્ચા ચાલી. પાલખીવાલાએ બંસી મહેતાએ કરેલી ગણતરીમાં થોડા ફેરફારો કરી પાર્ટીએ ભરવાની રકમ વિશે અભિપ્રાય આપ્યો. એ પાર્ટીએ બીજે દિવસે દિલ્હી પહોંચીને પાલખીવાલાની સલાહ મુજબના પૈસા ભરી દીધા.

પાલખીવાલાનું રોજનું શેડયૂલ એટલું તો ભરચક રહેતું હતું કે વચ્ચે અચાનક જો કોઇ અર્જન્ટ મેટર આવી જાય તો તેના માટે સમય કઇ રીતે ફાળવવો એ તેમના માટે અત્યંત કપરૂં કામ બની જતું. પરંતુ અગાઉ દિનેશ વ્યાસે કહ્યું તેમ પાલખીવાલામાં કામ કરવાની એટલી તો અમર્યાદ તાકાત હતી કે તેઓ ગમે તે રીતે ગમે ત્યારનો સમય એડજસ્ટ કરી દેતા હતા.

આ વાત છે સાંઇઠના દાયકાની. જમ્મુ કાશ્મીરની સરકારે બક્ષી ગુલામ મહમ્મદની અટકાયત કરી હતી અને બક્ષીએ જમ્મુ-કાશ્મીરની હાઇકોર્ટમાં રીટ પીટીશન કરીને તેમની અટકાયતને પડકારી હતી.

તે વખતની જમ્મુ-કાશ્મીરની સરકાર બક્ષી ગુલામ મહમ્મદની અટકાયત લંબાવ્યે રાખવા માંગતી હતી. રવિન્દ્ર નારાયણે સૂચન કર્યૂં કે સરકાર જો અટકાયત લંબાવવા જ ઇચ્છતી હોય તો સરકાર  તરફે હાઇકોર્ટમાં જે કાઉન્ટર એફિડેવિટ રજૂ કરવાની થાય તે પાલખીવાલા પાસે જ તૈયાર કરાવવી જોઇએ.

કાઉન્ટર એફિડેવિટ રજૂ કરવા માટે એક દિવસનો જ સમય અપાયો હતો. આથી જશવંતસિંઘ અને રવિન્દ્ર નારાયણ પાલખીવાલાની સલાહ લેવા તાબડતોબ મુંબઇ પહોંચ્યા.

પરંતુ પાલખીવાલા એટલા બધા વ્યસ્ત હતા કે રાત્રે ૧૦.૩૦ પહેલા તેમને સ્હેજેય ટાઇમ મળે તેમ નહોતો, આથી જશવંતસિંઘને તેમણે રાતે ૧૦.૩૦ વાગે ઓફિસે આવવાનો ટાઇમ આપ્યો. 

જશવંતસિંઘ અને રવિન્દ્ર નારાયણ રાતના સાડા દશના સુમારે પાલખીવાલાની ઓફિસે પહોંચ્યા અને ત્રણે જણે મોડી રાત સુધી ચર્ચા-વિચારણા કર્યા પછી પાલખીવાલાએ તેમને કાઉન્ટર એફિડેવિટ તૈયારી કરી આપી ત્યારે મળસ્કાના ૪.૩૦ વાગી ગયા હતા...!

પાલખીવાલા એ બન્ને નેતાને પોતાની કારમાં બેસાડી તેમની હોટલમાં છોડવા ગયા હતા. હોટલમાં ગયા પછી સુવાનો તો ટાઇમ જ રહ્યો નહોતો. બન્ને નેતા તેમની બેગ પેક કરી તુરત એરપોર્ટ જવા નીકળી ગયા. દિલ્હી પહોંચીને તેમણે કાઉન્ટર એફિડેવિટની સાઇકલોસ્ટાઇલ નકલો કઢાવી બપોરે ૧.૩૦ની ફલાઇટમાં તેઓ જમ્મુ પહોંચ્યા અને સાંજે ૪.૩૦ વાગે હાઇકોર્ટમાં કાઉન્ટર એફિડેવિટ ફાઇલ કરી - પાંચ વાગે કોર્ટ બંધ થવાના માત્ર અડધો કલાક પહેલા જ સરકાર તરફે કાઉન્ટર એફિડેવિટ ફાઇલ થઇ.

યુવા પેઢીના યુવાનો અને ખાસ કરીને જૂનિયર એડવોકેટ્સ કે જેમને નાની પાલખીવાલા વિશે ઝાઝી માહિતી નથી, તે સૌને પાલખીવાલાના જીવનના આ પ્રસંગો પરથી ખ્યાલ આવશે કે પાલખીવાલા વકીલાતની તેમની પ્રેકિટસમાં કેટલા બધા વ્યસ્ત રહેતા હતા અને આથીય વધારે અગત્યનો પોઇન્ટ એ છે કે મોટા મોટા કેસોમાં સરકાર કે અગ્રણી બિઝનેસમેનોનો છેવટનો સહારો માત્ર પાલખીવાલા જ હતા...!

વર્ષો સુધી પાલખીવાલાના સેક્રેટરી તરીકે કામ કરનાર થ્રીટી ડોલીકુકાએ જૂની એક ઘટના યાદ કરી છે. ઃ એક વખત એક જણને અર્જન્ટ એપોઇન્ટમેન્ટ જોઇતી હતી, તેને મળસ્કે ૩.૩૦ વાગ્યાની એપોઇન્ટમેન્ટ તેમના ઘરની અપાઇ હતી. આવા કસમયની એપોઇન્ટમેન્ટ એટલા માટે અપાઇ કે મોડી રાત સુધી પાલખીવાલાનું શેડયૂલ ખૂબ જ ટાઈટ હતુ અને તે પછી પરોઢિયે ૪ વાગે પાલખીવાલાને એરપોર્ટ જવા નીકળવાનું હતું...! એટલે વચ્ચેના અડધો કલાકનો ટાઈમ અસીલને અપાયો હતો.. ! 

ઇન્કમટેક્સના કેસોમાં પણ પાલખીવાલાની માસ્ટરી હતી. મુંબઇ હાઇકોર્ટમાં પ્રેકિટસ શરૂ કર્યાના માત્ર ત્રણ વર્ષમાં જ પાલખીવાલાની વાર્ષિક આવક રૂા.૬૦,૦૦૦ હતી. આજે આપણને આ સાવ જ નજીવી રકમ લાગે પણ આજની ગણત્રીએ ત્યારના રૂા.૬૦,૦૦૦ની કિંમત આજે રૂા.૬૦ લાખ કરતાંય વધારે થાય.

સુપ્રીમ કોર્ટની એક નોંધ મુજબ વર્ષ ૧૯૪૦માં મહિને રૂા.૧૨નું ભાડું વર્ષ ૧૯૯૬ની ગણત્રીએ રૂા.૮૦૦ થાય. વર્ષ ૧૯૪૦ અને વર્ષ ૧૯૯૬ના સમયગાળા દરમિયાન જથ્થાબંધ ભાવાંકમાં (હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ) ખાસ્સો ૬૬ ગણો વધારો થઇ ગયો છે. વર્ષ ૧૯૪૦માં ચાંદીનો ભાવ કિલોએ રૂા.૨૨ હતો જે વધીને તા.૩૧ ડિસેમ્બર ૧૯૯૬ના દિવસે કિલોના રૂા.૭૦૦૦ ભાવ થઇ ગયો હતો.


Gujarat