- પોલેન્ડના પાટનગર વોર્સો શહેરમાં વર્ષ 1940 થી 1942 દરમિયાન જર્મન
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-8
- ગીચોગીચ યહૂદીઓથી ઊભરાતી વસાહતોમાં ટાઈફસ નામનો ઘાતક રોગચાળો ફેલાઈ ગયો
- વસાહતમાં ફરતા રહેતા ભિખારીઓના ટોળાં ભીખ માંગવા રાહદારીને ઘેરી વળતા હતા
આ પછી ટૂંકમાં જ બે મોટી ઘટના બની.: (૧) એક તો જર્મનોએ (અમારા સાથી દેશ) ઈંગ્લેન્ડ પર હવાઈ હુમલા વધારી દીધા અને બીજું (૨) યહૂદીઓની વસાહતોના પ્રવેશદ્વારો પર મોટા ચેતવણી સૂચક બોર્ડ લાગી ગયા કે આ વિસ્તારોમાં કોઈએ જવું નહીં, અહીં ટાઈફસ નામનો રોગચાળો ફેલાયો છે. પ્રચાર એવો થવા માંડયો કે યહૂદીઓ વોર્સો શહેરમાં ટાઈફસ ફેલાવી રહ્યા છે. આથી યહૂદીઓએ તેમની અલગ વસાહતમાં અલગ એપાર્ટમેન્ટસમાં રહેવું, જેની આજુબાજુ દીવાલો ચણી દેવાશે. જેથી ટાઈફસ જેવો રોગચાળો શહેરના બીજા વિસ્તારોમાં ન ફેલાય.
અમે નશીબદાર હતા કે અમારો વિસ્તાર અને અમારૂં એપાર્ટમેન્ટ યહૂદી વસાહતમાં જ હતા, જેથી અમારે બીજો નવો ફલેટ શોધવાની જરૂર નહોતી, પણ બીજા હજારો યહૂદીઓ એવા હતા કે જેઓ વસાહતની બહારના વિસ્તારમાં રહેતા હતા, તેમણે હવે ઓકટોબરના આ છેલ્લા અઠવાડિયામાં યહૂદી વસાહતોના વિસ્તારમાં નવો ફલેટ, નવા ઘર શોધવાની નોબત આવી પડી. જેમને વસાહત વિસ્તારમાં નવા ઘર ન મળ્યા, તેવા યહૂદીઓએ બદનામ વસ્તીવાળા ગંદા વિસ્તારોમાં રહેવા જવું પડયું.
વસાહતોમાં રહેતા બધા યહૂદીઓએે ઘરની બહાર નીકળતી વખતે હાથે સફેદ રંગના હાથ પટ્ટા (છસિમચહગ ) બાંધીને જ નીકળવાનો જર્મનોએ કડક નિયમ બનાવ્યો હતો.
જેમને હજી મકાનો મળ્યા નહોતા એવા યહૂદીઓના પરિવારોની સ્ત્રીઓ અને બાળકો રસ્તા પર ગંદકી વચ્ચે બેસીને રડી રહ્યા'તા....વરસતા વરસાદમાં તેમની ઘરવખરી અને બેગ...બિસ્તરા ભીના થઈ જતા હતા.
શહેરના લગભગ ૫ લાખ જેટલા યહૂદીઓને અલગ યહૂદી વસાહતોના વિસ્તારમાં હજી રહેવા માટે ઘર નહોતા મળ્યા. આવી વસાહતોમાં માત્ર એકાદ લાખ યહૂદીઓ રહી શકે એટલા જ મકાનો હતા. બધી વસાહતો યહૂદીઓથી ગીચોગીચ ઊભરાઈ ગઈ હતી.
અમારી અંધારીયા સ્ટ્રીટના છેક આગળના ભાગમાં લાકડાનો દરવાજો હતા, જેની પેલી તરફ લાઈટો ઝળહળા થતી હતી. એ મુક્ત વિસ્તાર હતો, જ્યાં યહૂદી સિવાયના બીજા વોર્સોવાસીઓ રહેતા હતા, તેમના માટે મોકળાશભરી જગ્યા ઉપલબ્ધ હતી. તેઓ મુક્ત મને શહેરમાં હરીફરી શકતા હતા, પણ યહૂદીઓને વસાહત બહાર નીકળવા પર કડક નિયંત્રણો લદાયેલા હતા.
વોર્સો શહેરમાં નવેમ્બર ૧૯૪૦થી જુલાઇ ૧૯૪૨ના લગભગ પોણા બે વર્ષ દરમિયાન યહૂદી વસાહતમાં રહીને મને જે અનુભવો થયા તેની અત્યંત પીડાદાયક, દુઃખદ અને કડવાશભરી યાદો હજી મારા મનમાં ઘુમરાયા કરે છે.
વોર્સોમાં બે પ્રકારની યહૂદી વસાહતો હતી: (૧) મોટી વસાહત અને (૨) નાની વસાહત.
વોર્સોના સમગ્ર ઉત્તરીય વિસ્તારમાં મોટી વસાહત હતી, જેમાં સંખ્યાબંધ નાની-નાની અને દુર્ગંધ ફેલાવતી ગલીઓ હતી. જેમાં ખૂબ ગીચોગીચ રીતે યહૂદીઓ ગરીબાઇમાં અને ગંદકીમાં સબડતા રહેતા હતા. નાની વસાહતો મોટી જેટલી ગીચ નહોતી. અહીં એક રૂમમાં માત્ર ત્રણ કે ચાર જણ જ રહેતા.
મોટી વસાહતમાં તમે રસ્તામાં ભૂલેચૂકેય કોઇ રાહદારી સાથે ભટકાઇ જાવ તો, મોટો ઝઘડો થવાની નોબત આવી પડતી હતી. નાની વસાહતમાં આવું એટલા માટે નહોતું થતું કે ત્યાં મોટાભાગે બુધ્ધિજીવી અને સમૃધ્ધ મધ્યમ વર્ગના યહૂદીઓ રહેતા હતા. નાની વસાહતમાં ગંદકી પણ ઓછી હોવાથી રોગચાળાની દહેશત નહોતી.
વસાહતોની બહાર નીકળવું, યહૂદીઓ માટે હંમેશા જોખમરૂપ બની જતું. જર્મન પોલીસોની હેરાનગતિ વધી જતી હતી.
બહારથી વસાહતમાં કોઇ કામે આવતા લોકો શક્ય તેટલી ઝડપે આવીને ફટાફટ કામ પુરૂં કરીને વસાહતમાંથી બહાર નીકળી જતા હતા. કારણ વસાહતના ટ્રામ સ્ટેશને ઊતરીને ત્યાંની કોઇ દુકાનમાં ખરીદી કે ધંધા માટે જાય અથવા ત્યાંની કોઇ ઓફિસમાં મળવા જાય, એ દરમિયાનના રસ્તા પર સંખ્યાબંધ ભિખારીઓ તેમને ઘેરી વળતા. કોઇ કોઇ તો વળી રાહદારીનું શર્ટ ખેંચી ભિખ આપવા માટે તેમને મજબૂર કરતા હતા.
આખી વસાહતના રસ્તા અને ચોક ગંદા-ગોબરા ભિક્ષુકોથી ઊભરાતા. સમગ્ર વસાહતમાં વસ્તી એટલી બધી ગીચોગીચ હતી કે વસાહતના વચ્ચેના ચોક વિસ્તારમાં કોઇને અથડાયા વગર જવાનું લગભગ અસંભવ હતું. ફાટેલા ગંદા વસ્ત્રો પહેરેલા ગરીબ વસાહતીઓ નજીક ખૂબ જ દુર્ગંધ ફેલાતી હતી; તેમાં ઘણાં રોગીષ્ટ યહૂદીઓ રસ્તા પર ગમે ત્યાં થુંકતા અને ગળફા કાઢતા હોવાથી ચીતરી ચઢે તેવા દ્રશ્યો સર્જાતા હતા.
માનવ વસ્તીથી રીતસર ઊભરાતી વસાહતોમાં જરાક જેટલી ગેરસમજ કે અફવા ફેલાય તેવા સમયે ગભરાયેલા યહૂદીઓના ટોળેટોળા ગલીના એક છેડેથી બીજા છેડે બૂમો પાડતા, એક બીજાને ધક્કા મારતા ભાગતા રહેતા હતા. ખાસ કરીને કાર્મેલિકા સ્ટ્રીટ ખૂબ જોખમી સ્થળ હતું.
અહીં આખો દિવસ જેલના વાહનોની અવર-જવર રહેતી હતી. વસાહતોમાં દંગલ કરતા કે ચોરીઓ કરતા યહૂદીઓને જર્મન પોલીસો પકડીને જેલના વાહનોમાં ધકેલી દઇ ગેસ્ટાપો (છૂપી પોલીસના) સેન્ટરોમાં લઇ જતા હતા, અને ત્યાં તેમની ખૂબ બૂરી રીતે પીટાઇ કરાતી - જર્મન પોલીસો તેમના ગાલે થપ્પડો મારતા, બરડે અને પેટ પર જોરથી લાતો મારતા અને વધારામાં દંડાબાજીથી તેમને ખોખરા કરી નાંખતા.
ઘણાંના હાડકાં બેફામ મારથી ભાંગી જતા. આવા અધમૂઆ થયેલા કેદીઓને જેલના વાહનોમાં પોલીસો પાછા મુકી જતા હતા. પૂછપરછ દરમિયાન પોલીસો યહૂદીઓની હાલત બગાડી મુકતા હતા. જેલના વાહનમાં સશસ્ત્ર પોલીસો હોવા છતાં, એ વાહનની આગળ-પાછળના એસ્કોર્ટ વાહનોના પોલીસો કોઇને પણ જેલના વાહન નજીક ફરકવા દેતા નહોતા. અજાણતામાં કે બેધ્યાનપણે જો કોઇ યહૂદી જેલ વાહનની નજીક આવી જાય તો છૂપી પોલીસના જવાનો તેના પર બેરહમીપૂર્વક તૂટી પડતા હતા.
છૂપી પોલીસોના દંડા, સામાન્ય રીતે બીજા પોલીસો પોતાના હાથમાં રાખે છે, તેવા સાદા દંડા નથી હોતા. તેમના દંડા પર લોખંડના તીક્ષ્ણ ખીલા અને રેઝર બ્લેડસ લગાડેલી હોય છે..એટલે જે યહૂદીને આવા માત્ર બે જ દંડા પડે તો પણ એ લોહીલુહાણ થઇ જતો હતો.
સાંજનું વાળુ અમે પરિવારના બધા સભ્યો સાથે બેસીને કરીએ, એવો માતાનો આગ્રહ રહેતો હતો અને જમતી વખતે કોઇએ નાખુશીવાળી દુઃખદ કે યુધ્ધને લગતી કોઇ વાતો નહીં કરવાની માતાની અમને સૌને સૂચના હતી.
(ક્રમશઃ)


