- વેડેલ સમુદ્રમાં ક્યાંક દરિયાઈ ઊંડાઈ 2694 ફૂટ જેટલી હતી..
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-9
- જીવલેણ વ્હેલ અને સીલ વચ્ચેની લડાઈમાં બરફના ચોસલા ફંગોળાતા રહ્યા..
- વેડેલે સમુદ્ર વચ્ચે અતિશય ઠંડીમાં ટેમ્પરેચર માઈનસ બે ડિગ્રી થઈ ગયું..
અમે હવે લુઈટપોલ્ડ લેન્ડ નજીકના જંકશન લગોલગ આવી પહોંચ્યા હતા. સમગ્ર કિનારા તરફ દૂર સુધી નજર નાંખતા અમને ક્યાંય કોઈ ખડક કે ખુલ્લી જમીન નજરે નહોતી પડતી.
તા. ૧૮મી જાન્યુઆરીની સવારે ૮ વાગ્યા સુધી અમારૃં જહાજ ત્યાં જ ફસાયેલું રહ્યું.
હવે વંટોળની ગતિ જરા ધીમી પડી ગઈ હતી અને છેલ્લા બે દિવસ દરમિયાન આગળના ગ્લેશિયરમાં મોટી તિરાડ પડવાના કારણે જળમાર્ગ ખુલ્લો થઈ ગયો હતો. એ જંગી તિરાડ વચ્ચે રસ્તો કરતા કરતા અમે ધીમે ધીમે આગળ વધ્યા. લગભગ ૨૪ માઈલ જેટલો ખુલ્લો જળમાર્ગ પસાર કરી અમે આગળ વધ્યા ત્યાં આગળ ફરી કઠણ બરફના જંગી જથ્થાએ અમારો માર્ગ અવરોધતા દિશા બદલી વાયવ્ય તરફ આગળ વધવાની અમને ફરજ પડી. અમે લગભગ દસેક માઈલ સુધીનો પ્રવાસ ખેડયો, ત્યાં ફરી અમને ત્યાં જ રોકાઈ જવાની સ્થિતિ સર્જાઈ. આગળનો જળમાર્ગ રોકીને બરફના જંગી ચોસલા આડા પડેલા હતા.
તા. ૧૯મી જાન્યુઆરીની સવારે તો અમારી સ્થિતિ વધારે વિકટ બની ગઈ હતી. હવામાન તો સારૃં હતું, પણ અમારાથી જરા જેટલું ય આગળ વધી શકાય તેમ નહોતું. આગલી આખી રાત દરમિયાન અમારા જહાજની ચારેબાજુએ નક્કર બરફના ચોસલાએ ભારે જમાવટ કરી દીધી હતી અને જહાજના ડેક પરથી કોઈપણ દિશામાં અમે જોઈએ તો ખુલ્લો જળમાર્ગ એકેય દિશામાં નજરે નહોતો પડતો.
અહીં દરિયાઈની ઊંડાઈ લગભગ ૧૮૭૨ ફુટ જેટલી હતી...! અહીંનાં રોકાણ દરમિયાન અમારી સાથેના વૈજ્ઞાાનિકો અને ભૂસ્તર શાસ્ત્રીઓએ આગળના સંશોધન માટે જુદા જુદા નમૂનાઓ એકઠા કરી લીધા.
સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી અમારાથી સ્હેજ પણ આગળ વધી શકાય તેમ નહોતું. અમે હજી વધુ બે દિવસ સુધી અહીં જ રોકાયેલા રહ્યા. જહાજ પરના અમારા સૌની ચિંતા સતત વધતી જતી હતી.
જહાજ આસપાસના બરફની હિલચાલ કે ગતિના કારણે જહાજનું રડર (Rudder- સુકાન)જામ થઈ જવા પામ્યું હતું. જેથી બરફની છીણી કે બરફ તોડવાના અન્ય સાધનથી અમારે એ બરફ તોડવો પડયો.
તા. ૨૨મીએ સવારે અમને લગભગ ૧૬ માઈલની દૂરી પર પૂર્વ અને દક્ષિણમાં જમીન નજરે પડી.આગળના ભાગનો બરફ હવે અમારૃં જહાજ વિંધી શકે તેવો નરમ, પોચો હતો. એન્ટાર્કટિક વિસ્તારમાં ચોક્કસ અંતર કે ઊંચાઈનો અંદાજ લગાવવો બહુ મુશ્કેલ છે.
આ સમયગાળામાં દરિયાઈ બરફ ખૂબ નક્કર થઈ ગયો હતો અને હવે દક્ષિણના તોફાની પવનો ફૂંકાઈને કઠણ બરફના ચોસલાને અમારા જળમાર્ગ વચ્ચેથી થોડા આઘા હડસેલી ન દે ત્યાં સુધી ધીરજપૂર્વક રાહ જોયા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ ન હતો. પણ સદ્નસીબે મધરાતના થોડા સમય પહેલા જ અમારા જહાજની લગભગ ૫૦ વારની દૂરી પરના કઠણ બરફના જંગી ચોસલામાં પાંચ વાર પહોળાઈની અને એકાદ માઈલ લાંબી ફાટ પડી ગઈ. તા. ૨૫મી જાન્યુઆરીની સવારના ૧૦ વાગ્યા સુધીમાં બરફમાં પડેલી ફાટ પાંચ વારથી વધીને એક ચતુર્થાંસ માઈલ જેટલી પહોળી થઈ ગઈ.
હવે અમે જહાજ ચાલુ કર્યૂં અને ખુલ્લા જળમાર્ગની વચ્ચેથી જહાજને આગળ વધારવાની મથામણ શરૂ કરી. જહાજ માંડ માંડ ધીમી ગતિએ થોડું આગળ વધતું હતું.
જહાજના બોઈલરમાં વરાળનો પુરતો જથ્થો રાખવા માટે આખા દિવસ દરમિયાન લગભગ અડધો ટન કોલસો બાળવો પડતો હતો. જહાજના બન્કરોમાં કોલસાનો જથ્થો માત્ર ૬૭ ટન જેટલો બચ્યો હતો. અમે હિસાબ માંડયો તો આ જથ્થો ૩૩ દિવસ ચાલે એટલો હતો. હવે અમને બળતણનો જરા જેટલોય વેડફાટ પોષાય તેમ નહોતો.
તારીખ ૨૬મીએ અમારૃં જહાજ જ્યાં હતું ત્યાં દરિયાની ઊંડાઈ ૨૧૬૦ ફૂટ અને તા. ૨૯મીએ ઊંડાઈ વધીને ૨૬૯૪ ફૂટ જેટલી હતી.
તા. ૩જી ફેબ્રુઆરીએ આગળની બરફની ચાદરમાં લગભગ ચાર માઈલ જેટલી લંબાઈની મોટી તિરાડ પડી ગઈ. પણ તે પછી પાંચમીની વહેલી સવારે અચાનક ઈશાની ઝંઝાવાત ફૂંકાતા ઘનઘોર પવનથી નક્કર ખૂબ જાડો બરફ (Thick Snow) ખેંચાઈ આવ્યો.
છઠ્ઠી તારીખે ઈશાની ઝંઝાવાતનું સ્થાન હળવા પશ્ચિમી પવનોએ લઈ લીધું પણ જાડો બરફ વધુને વધુ નક્કર થતો ગયો હતો. ચોતરફ છેક ક્ષિતિજ સુધી વચ્ચે કોઈ તિરાડ કે ફાટ વગર સળંગ રીતે બરફ જ બરફ પથરાયેલો પડયો હતો.
તે પછીના દિવસો દરમિયાન તાપમાનમાં ઘટાડો થવાથી અમારી સ્થિતિ વધારે વિકટ બની ગઈ. સાતમી ફેબ્રુઆરીની રાતે તો ટેમ્પરેચર ઝીરો થઈ ગયું. આઠમીએ તેમાં વધારે ઘટાડો થઈ તાપમાન શૂન્યથી નીચે માઈનસ બે ડિગ્રી થઈ ગયું.
ગ્રીષ્મની વચ્ચે આવો અતિશય ઠંડો સમયગાળો અમારી દ્રષ્ટિએ તો બહુ કમનશીબ ગણાય, કારણ આવા પુષ્કળ ઠંડા વાતાવરણમાં છૂટાછવાયા બરફના ચોસલા પણ એકમેક સાથે ગંઠાઈને જાડા બની જતા હોય છે. અને જહાજની ચોતરફ બરફના આ જાડા થર દબાણ વધારી દે છે.
નવમીની સવારે અગિયાર વાગ્યાના સુમારે અમારી સામે પથરાયેલી બરફની ચાદરમાં પૂર્વ અને પશ્ચિમ એમ બંને બાજુ દૂર દૂર સુધીની લાંબી-પહોળી તિરાડ પડતા જળમાર્ગ ખુલ્લો થયેલો દેખાયો.
મેં જહાજને જરા ઝડપથી ચલાવવા આદેશ આપ્યો, પણ થોડા આગળ વધ્યા ત્યાં જહાજની નીચેના ભાગે અતિશય કઠણ બરફ હોવાના કારણે જહાજ અટકી ગયું.
તા. ૧૧ ફેબ્રુઆરીએ અમે ફરી આગળ વધવા પ્રયાસ કર્યો. આજે પણ ટેમ્પરેચર તો શૂન્યથી નીચે માઈનસ બે ડિગ્રી જેટલું નીચું હતું.
ફેબ્રુઆરીના પાછલા ૧૫ દિવસ દરમિયાન પણ અમારી સ્થિતિમાં ઝાઝો કોઈ ફેરફાર ના થયો.
આગળના થોડા ખુલ્લા જળમાર્ગમાં ક્યારેક આક્રમક અને જીવલેણ વ્હેલ તેમજ સીલ એકમેક પર હુમલા કરતા જોવા મળે છે. એક વખત અમે જોયું તો અત્યંત ઘાતક એવી વ્હેલે મેલ સીલ (Male Seal) નો શિકાર કરતા જહાજ આસપાસનું દરિયાઈ જળ લોહીથી લાલલાલ થઈ ગયું'તું.
વ્હેલ અને સીલ વચ્ચેની આ લડાઈમાં ઘણી વખત બરફના મોટા ચોસલા આમથી તેમ ફંગોળાતા હતા અને ક્યારેક બરફની જાડી ચાદરમાં મોટા બાકોરા પડી જતા અમે જોયા હતા.
તા. ૨૨મીની મળસ્કે બે વાગ્યાના સુમારેનું હવામાન જોઈ હું મનોમન ગભરાયો. આજના વાતાવરણ પરથી મને નિશ્ચિતપણે ખાતરી થઈ ગઈ કે આખો શિયાળો અમારૃં જહાજ હવે અહીં જ અટકી રહેશે. જળચર-સ્થળચળ પ્રાણી સીલ દરિયામાંથી અદ્રશ્ય થઈ રહ્યા'તા અને પક્ષીઓ પણ હવે આકાશમાં નજરે નહોતા પડતા.
દૂર ક્ષિતિજ પર ચોખ્ખા આકાશમાં હજી ક્યારેક જમીન દેખાઈ જતી હતી પણ એ ભૂમિ સુધી અમેે પહોંચી શકીએ તેમ નહોતા. હવે વાતાવરણ સુધરે ત્યાં સુધી એટલે કે વસંત ઋતુ સુધી રાહ જોયા વિના અમારી પાસે કોઈ વિકલ્પ જ નહોતો.
(ક્રમશ:)


