Get The App

દમનકારી અભિયાનમાં 10,000 લોકો માર્યા ગયા

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
દમનકારી અભિયાનમાં 10,000 લોકો માર્યા ગયા 1 - image

- આખા ચીનમાં એકહથ્થુ શાસન માટે માઓએ ચલાવેલા

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-10

- વિરોધમાં પડેલા સંરક્ષણ પ્રધાન પેન્ગની સત્તા પર માઓએ કાતર ફેરવી દીધી

- માઓએ પેન્ગને ધમકી આપી કે હવે તમે નરકમાં સબડવાની તૈયારી રાખજો

- સંપૂર્ણ સત્તા પોતાના હાથમાં લઇ લેવા માઓએ જે દમનકારી અભિયાન ચલાવ્યું, તે દરમિયાન હજારો કહેવાતા વિરોધીઓને ખતમ કરી દેવાયા. અન્ય સેંકડો લોકોના કુટુંબ જીવન બરબાદ કરાયા અને સેંકડોને દૂર દૂરની જેલોમાં ધકેલાયા. આ યાન'આન ટેરર દરમિયાન લગભગ ૧૦,૦૦૦ લોકો માર્યા ગયા હોવાનો ઇતિહાસકારોનો મત છે.

આ ચળવળમાં પેન્ગને પણ માઓએ બરાબરના અડફટે લઇ લીધા હતા. સામ્યવાદી પક્ષની મીટિંગોમાં ''ચેરમેન માઓ અમર રહો'' જેવા સૂત્રોચ્ચાર બધાએ ફરજિયાત ઉચ્ચારવા પડતા હતા. તે ઉપરાંત માઓ વિશેનું સ્તુતિગાન પણ દરેક કાર્યક્રમમાં અચૂકપણે ગવડાવવાનું ફરમાન પણ બધાને અપાયું હતું.

પેન્ગે આનો ઉગ્ર વિરોધ કર્યો હતો. માઓની આ રીતની વ્યક્તિપૂજા માટેની ઝુંબેશ સામે પક્ષના એકેય નેતા હરફ સુધ્ધા ઉચ્ચારી શકતા નહોતા, પણ એકમાત્ર પેન્ગ માઓની વ્યક્તિપૂજાની ટીકા કર્યા કરતા હતા.

માઓને આંખના કણાની જેમ પેન્ગ ખૂંચતા હતા. છતાં ત્રણ-ત્રણ દાયકા સુધી પેન્ગ તેમનો વિરોધ કરતા રહ્યા.

માઓએ વર્ષ ૧૯૫૮માં પેન્ગને પરેશાન કરી મુકવા માટે એક નવી જ તરકીબ અમલમાં મુકી. લશ્કરના અધિકારીઓ ખુલ્લેઆમ એકમેકની ટીકા કરે તેવી મીટિંગો યોજવાનું માઓએ ફરમાન બહાર પાડયું હતું. પછી પોતાના મળતિયા અફસરોને ખાનગીમાં સૂચના આપી કે મીટિંગોમાં તમારે પેન્ગ વિરૂધ્ધ ગમે તે આક્ષેપ કરી તેમની ભયંકર ટીકા કરવાની તમને છૂટ છે. કોઇ ચિંતા તમારે નહીં રાખવાની.

પેન્ગ આવી મીટિંગોથી વાજ આવી ગયા 'તા. એક તબક્કે તેઓ એટલા ત્રાસી ગયા કે તેમણે સંરક્ષણ પ્રધાનપદેથી રાજીનામું આપી દેવાની ઓફર કરી. પરંતુ પિશાચી વૃત્તિના માઓ તેમના વિરોધીઓને એકદમ જતા કરે તેવા નહોતા. પેન્ગને વધારેમાં વધારે બદનામ કરી, વધુમાં વધુ પરેશાન કર્યા પછી તેમની હકાલપટ્ટી કરવાનો માઓનો કદાચ હલકટાઇભર્યો પ્લાન હશે, એટલે તેમની રાજીનામાની ઓફર માઓએ ફગાવી દીધી.

પેન્ગને અપમાનિત કરવા માટે માઓએ તેમના એક ચમચા માર્શલ લિન બિઆઓને સામ્યવાદી પક્ષના વાઈસ-ચેરમેન (ઉપાધ્યક્ષ) બનાવી દીધા. આથી થયું એવું કે પક્ષમાં તેમજ લશ્કરમાં લિન બિઆઓ, પેન્ગના ઉપરી બની ગયા.

૧૯૫૮ ના ડિસેમ્બરની શરૂઆતમાં વુહાન શહેરમાં (કે જ્યાંથી ફેલાયેલા કોરોના વાયરસે ૨૦૧૮-'૧૯ માં દુનિયાભરમાં હાહાકાર ફેલાવી દીધો હતો) સામ્યવાદી પક્ષની યોજાયેલી એક કોન્ફરન્સમાં પેન્ગ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં ચેરમેન માઓએ ઘોષણા કરી હતી કે ચીનમાં ૧૯૫૭ માં સૌથી સારો પાક થયો હતો. પરંતુ આ વર્ષે ૧૯૫૮ માં તો ૧૯૫૭ ની તુલનામાં બે ઘણો વધારે પાક થયો છે. 

પેન્ગે કહ્યું આવું શક્ય જ નથી, ત્યારે ત્યાં હાજર કૃષિ ખાતાના વડાએ તેમને ચૂપ કરી દઈ કહ્યું, તમારા કરતા અમને વધારે ખબર છે.

વાસ્તવમાં ખેડૂતો પાસે ખેતરોમાં કારમી મજૂરી કરાવવામાં આવતી હતી. સામ્યવાદી પક્ષના નીચેના લેવલના કાર્યકરો, ખેડૂતોની પીટાઈ પણ કરતા હતા. ઘણી વખત ખેડૂતો બેહોશ થઈને ઢળી પડતા હતા. ખેડૂતો તેમને સોંપાયેલું કામ પુરૃં ન કરે, કે સવારે ખેતરે મોડા પહોંચે અથવા તો કોઈ ચેરમેન માઓની આવી શોષણખોર કૃષિ નીતિ વિશે બોલે તો કાર્યકરો આવા ખેડૂતોની બરાબર ધોલાઈ કરતા હતા.

મહિલા ખેડૂતો પર પણ આવા જ અત્યાચારો ગુજારતા હતા.

માઓના કૃષિ મેનેજરો અને પોલિટ બ્યૂરોના સભ્યો પણ સાચી વાત શું છે ? તે જાણતા હતા. કહેવાનો મતલબ કે તેમને બધાને ખબર હતી કે ગયા વર્ષ કરતા આ વર્ષે કૃષિ ઉપજ ઘણી ઓછી થઈ હતી. પરંતુ ચેરમેન માઓ પાક ઉત્પાદન ડબલ થયાની બડાશો હાંકતા રહેતા હતા.

 પેન્ગે જ્યારે બો-યી-બો નામના એક મેનેજરને કહ્યું કે ચાલો, આપણે બન્ને માઓને સંયુક્ત રીતે ટેલિગ્રામ પાઠવી આ સાચી વાતની તેમને જાણ કરીએ ત્યારે બો-યી-બોએ પેન્ગને ચોખ્ખી ના પાડી દીધી. કારણ બધા માઓથી ગભરાતા હતા. પણ એ પછી પેન્ગે ગભરાયા વિના પોતે એકલાએ જ માઓને તાર કરી કૃષિ ઉત્પાદનના આંકડા ખોટા હોવાનું ખુલ્લેઆમ લખ્યું હતું. 

પેન્ગ પોતે ચીનના સંરક્ષણ મંત્રી હતા. પરંતુ બીજા દેશોના સંરક્ષણ પ્રધાન જેવી સત્તાઓ તેમને અપાઈ નહોતી. લશ્કર પર પણ સંપૂર્ણ નિયંત્રણ માઓનું હતું. માઓની સ્પષ્ટ પરવાનગી વગર પેન્ગ લશ્કરની બટાલિયનોને એકથી બીજા મોરચે ખસેડી નહોતા શકતા.

પેન્ગને એક વખત પૂર્વીય યુરોપના દેશોની મુલાકાત લેવા માટેનું આમંત્રણ મળ્યું હતું. આ દેશોમાં જવા માટે પેન્ગે મોસ્કો થઈને જવું પડે તેમ હતું. આથી પેન્ગ પૂર્વીય યુરોપના દેશોની મુલાકાતનું આમંત્રણ ન સ્વીકારે તેવી માઓની ઈચ્છા હતી. પરંતુ પેન્ગે તેમની વિદેશયાત્રા માટે માઓ મંજૂરી આપે તે માટે દબાણ ચાલુ રાખતા છેવટે ૨૮ ફેબુ્રઆરી ૧૯૫૯ ના દિવસે માઓએ તેમને પૂર્વીય યુરોપના દેશોની મુલાકાતે જવા માટે કમને મંજૂરી આપી.

અતિ ચકોર માઓને ખ્યાલ આવી ગયો કે વાયા મોસ્કો થઈ પૂર્વ યુરોપ જવા પાછળ પેન્ગની જરૂર કોઈ ચાલબાજી હશે. પેન્ગની વિદેશ મુલાકાતના થોડા દિવસ પહેલા તા. ૫ એપ્રિલે સામ્યવાદી પક્ષની એક બેઠકમાં માઓનો પેન્ગ વિરૂધ્ધનો ગુસ્સો જાહેરમાં ફાટી પડયો. મોટા અવાજે તેમણે સવાલ કર્યો ઃ શું કોમરેડ પેન્ગ આ બેઠકમાં ઉપસ્થિત છે ? મને ખબર છે, તમે તો હું મરી જઉં એ હદ સુધી મને ધિક્કારો છો.

આટલું કહ્યા પછી આજ સુધીમાં ક્યારેય ગુસ્સે ન થયા હોય એટલી ચરમસીમાએ માઓનો પેન્ગ વિરોધી આક્રોશ ભભૂકી ઊઠયો. 

ખૂબ ક્રોધિત સ્વરે માઓ પેન્ગને ઉદ્દેશી બરાડી ઉઠયા, 'આપણે બન્ને પરસ્પર ઉગ્ર રીતે શાબ્દિક જંગ ખેલી રહ્યા છે. પણ મારો એક સિધ્ધાંત છે ઃ તમે મારી આડે ન આવો, તો હું તમારી આડે નહીં આવું, પણ જો તમે મારા રસ્તાની આડે આવશો તો લખી રાખો કે તમારે નરકમાં સબડવાની નોબત આવી જશે.'

એ રાતે પેન્ગ ખૂબ જ પરેશાન હાલતમાં મોડે સુધી ઓફિસમાં આમથી તેમ આંટા માર્યા કરતા દેખાયા હતા.

પેન્ગની ધારણા વિરૂધ્ધ પૂર્વીય દેશોની મુલાકાતમાં તેમને જોઈએ તેટલો ટેકો ન મળ્યો. એકેય દેશના પ્રધાને કે વડાએ માઓ વિરૂધ્ધની પેન્ગની વાતમાં ઝાઝો રસ ન દાખવ્યો, પછી પેન્ગને માઓ વિરૂધ્ધના અભિયાનમાં સહકાર આપવાની વાત જ ન રહી.

વિદેશયાત્રા દરમિયાન પેન્ગ સાથે ગયેલા ડેલિગેશનમાં માઓએ પોતાના જાસૂસોને મોકલ્યા હતા, જેમના દ્વારા માઓને રજેરજની ખબર મળતી ગઈ કે પેન્ગને વિદેશમાં કોઈએ જરાય જેટલો ટેકો નથી આપ્યો.

(ક્રમશઃ)