નોમ ટાઉનમાં ટોટલ લોક ડાઉન જાહેર કરાયુ હતું...
- આજથી 95 વર્ષ અગાઉ અમેરિકાના અલાસ્કા રાજયના
- સારાંશ- વિનોદ ડી. ભટ્ટ
- સ્લેજ ડોગની વિરોચિત કહાની- ભાગ-9
- તાવ અને ગળામાંં દુઃખાવાવાળા દર્દીને ઘરમાં 'કવોરેન્ટાઇન' કરી દેવાતા હતા
માંદા માણસોની સારવાર કરનાર કોઈજ નહોતું. જે લોકો નશીબજોગે તંદુરસ્ત હતા, તેઓ વાયરસનો ચેપ લાગીને મરી જવાની વિનાશક શકયતાથી એટલી હદે ડરી ગયા'તા કે તેઓ કોઈ માંદા માણસની સારવાર કરવાનું તો બાજુએ રહ્યું,તેઓ દર્દીની નજીક જવાનું પણ ટાળતા હતા. ટૂંકમાં માંદા માણસની સારવારમાં મદદે ઊભા રહેનાર પણ કોઈ નહોતું.
કેટલાય એસ્કિમોના આખાને આખા પરિવાર ફલૂની મહામારીમાં યમદ્વારે પહોંચી ગયા.
એક ઘરમાં તો ઘરના મોભી ખુરશીમાં બેઠેલી હાલતમાં જ પરલોક સીધાવી ગયા અને ચારેક દિવસ સુધી કોઈ ત્યાં નહી આવતાં એમનો મૃતદેહ અતિશય ઠંડીના લીધે ખુરશીમાં જ થીજીને ઠરી ગયો હતો.
કેટલાક ઘરમાં તો પરિવારના એકાદ - બે સભ્યોની નગ્ન લાશો પડી હતી. તત્કાલીન ડોકટરની નોંધ મુજબ આ લોકોને ફલૂના કારણે તાવ એટલો બધો વધી ગયો હશે કે તાવની ગરમીથી ત્રાસેલા એ દર્દીઓએ પોતે જાતે જ પોતાના બધા કપડા કાઢી નાંખ્યા હશે, પરંતુ પછી સારવારના અભાવે તેઓ રિબાઈને એ જ હાલતમાં મરણને શરણ થઈ ગયા હશે.
એક તબક્કે નગરમાં સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ'તી કે ગામમાં ઘેર ઘેર માંદગીના ખાટલા હોવાથી સ્લેજગાડીના ડોગ્સને ખાવાનું આપવાની શક્તિ પણ કોઈનામાં નહી રહેતા, છેવટે ભૂખ્યા થયેલા કેટલાક ડોગ્સ માણસોને બચકા ભરી પેટની આગ ઠારતા હતા... !
થોડા જ દિવસોમાં ફલૂનો વાયરસ સમગ્ર નોર્થવેસ્ટ અલાસ્કામાં ફેલાઈ ગયો હતો. નોમથી ૫૦ માઈલની દૂરી પરના એક ગામમાં ચર્ચના મિશનરીની નોંધ મુજબ એક જ દિવસમાં ૪૦ જેટલા ગ્રામજનો ફલૂના વિનાશક ભરડાથી મોતના મુખમાં ધકેલાઈ ગયા'તા.
નોમ ટાઉનમાં તો સારવારના અભાવે લોકોને ટપોટપ મરતા જોઈને બહુ જ હેબતાઈ ગયેલા બે નગરવાસીઓએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધા હતા.
નોમ અને તેની આસપાસના ગામોમાં મળીને વાયરસે લગભગ ૧૦૦૦ લોકોને પોતાના શિકાર બનાવી દીધા હતા. ૩૦૦ બાળકો અનાથ બની ગયા જે પૈકીના ૯૦ બાળકો તો એકલા નોમ ટાઉનના હતા.
વાયરસનો પ્રકોપ જરાતરા શાંત પડતાં કેટલાક હિંમતવાન સ્વયંસેવકોએ મૃતદેહોની દફનવિધિનું કામ શરૂ કર્યૂં. સ્લેજ ગાડીમાં મૃતદેહો મુકી ટાઉનના એક અવાવરૂ કે અવડ ઘરમાં પહેલા તો તેના ઢગલા કરાયા. કારણ એ હતુ ંકે એ સમયે નોમના આખા પ્રદેશમાં શિયાળો હતો અને આ વિસ્તારમાં શિયાળો એટલે ચોતરફ ભારે માત્રામાં થીજેલા બરફના થર જામી ગયા હતા. જેથી આટલા બધા મૃતદેહો માટે કબર ખોદવાનું કામ અશક્ય હતું. જોરદાર રીતે થીજેલા બરફમાં ખાડા ખોદવાની કોઇની તાકાત નહોતી રહી એટલે ઘણા વર્ષોથી અવડ પડી રહેલા ઘરમાં લાશોના ઢગલા કરીને રખાયા અને શિયાળો પુરો થયા બાદ બરફ ઓગળવા માંડયો એટલે ગામના રહ્યાસહ્યા થોડા જુવાનિયાઓએ એક મોટો ખાડો ખોદીને બધી લાશોની સામુહિક દફનવિધિ કરી હતી.
સાત વર્ષ અગાઉ ફ્લૂની ફાટી નીકળેલી એ મહાભયાનક મહામારીની કાળજુ કંપાવતી જૂની વાતોનુ સમાપન કરતા મેયર જયોર્જ મેનાર્ડે અનુરોધ કર્યો કે આજની આ ગંભીર પરિસ્થિતિમાં ડોક્ટર વેલ્ચે સમગ્ર જવાબદારી પોતાના હાથમાં સંભાળી લેવી જોઇએ.
પરંતુ ડોક્ટર વેલ્ચે મેયરના આ અનુરોધનો વિનમ્રરીતે અસ્વીકાર કરતાં સૂચન કર્યું કે મહામારીના આ સમયગાળા દરમિયાન ટાઉન કાઉન્સિલને પૂછવાની રાહ જોયા વગર સ્વતંત્ર રીતે નિર્ણય લઇ શકે તેવા ટેમ્પરરી બોર્ડ ઓફ હેલ્થની રચના કરવી જોઇએ.
કાઉન્સિલે ડોક્ટરના આ વ્યવહારુ સૂચનને આવકારી તેનો સ્વીકાર કર્યો અને બોર્ડ ઓફ હેલ્થની રચના પણ તત્કાળ કરી દીધી, જેના મુખ્ય સભ્યો તરીકે મેયર જ્યોર્જ, ડોક્ટર વેલ્ચ અને હેમોન ગોલ્ડ ફિલ્ડસના સુપ્રિન્ટેન્ડન્ટ માર્કસ સમર્સની સર્વાનુમતે વરણી કરી દેવાઇ.
તે પછી બોર્ડ ઓફ હેલ્થે કડક નિર્ણય લીધો ઃ તત્કાળ સમગ્ર નોમ ટાઉનમાં લોક ડાઉન જાહેર કરી દેવું.
યાદ રહે કે આ વાત છે આજથી ૯૫ વર્ષ પહેલાની. વર્ષ ૧૯૨૫માં ડિપ્થેરિઆની મહામારીના કારણે અલાસ્કાના નોમ વિસ્તારમાં લોક ડાઉન જાહેર કરવાની ફરજ પડી હતી.
અત્યારે આપણા દેશ સહિત સંખ્યાબંધ અન્ય દેશોમાં એક પછી એક લોક ડાઉનો જાહેર કરાયા છે. આપણા પૈકીના ઘણાંને આ લોક ડાઉન શબ્દ નવો લાગતો હશે. પણ જેમણે ભૂતકાળમાં ફેલાયેલી મહામારીઓની દારૂણ ઘટનાઓ વિષે વાંચ્યું હશે, તેમને જરૂર ખ્યાલ હશે કે અગાઉ પણ અત્યારના જેવા લોક ડાઉન જાહેર કરી ચુકાયા છે; જેમ કે નોમમાં ડિપ્થેરિઆના સંક્રમણને સમાજમાં વ્યાપક રીતે ફેલાતો અટકાવવા માટે નોમ ટાઉનના બોર્ડ ઓફ હેલ્થે સત્વરે લોકડાઉન જાહેર કરી દીધું હતું.
ડોકટર વેલ્ચે બોર્ડ મીટિંગમાં સૂચન કર્યૂં કે તમામ સ્કૂલો, ચર્ચ, મુવી થિયેટરો, અને લોજો આજથી જ બંધ કરી દેવાનો હુકમ જાહેર કરી દેવો જોઇએ. ઘરની બહાર નીકળવા પર પણ કડક નિયંત્રણો લાદી દો, જેથી લોકો મહદ અંશે ઘરમાં જ રહે, પરિણામે ડિપ્થેરિઆ વાયરસના સંક્રમણ પર આપોઆપ બ્રેક લાગી જશે.
કાઉન્સિલના એક સભ્યને અચાનક યાદ આવતા તેમણે કહ્યું કે ટાઉનના પાયોનિયર હોલમાં અત્યારે એક પાર્ટી ચાલી રહી છે, તો અત્યારે જ કોઇકને ત્યાં મોકલીને પાર્ટી બંધ કરાવી દેવી જોઇએ.
મેયરે સંપૂર્ણ ક્વોરેન્ટાઇન માટે પણ ચૂચન કરી તે માટેની ગાઇડલાઇન તૈયાર કરવાનું કામ ડોકટરને સોંપ્યું.
આટલી ચર્ચા-વિચારણાના અંતે મીટિંગ બરખાસ્ત કરાઇ પરંતુ જયા સુધી ડિપ્થેરિઆ વાયરસના સંક્રમણનું જોખમ પુરેપુરૂં ટળી ના જાય ત્યાં સુધી રોજ સાંજે હેલ્થ બોર્ડની મીટિંગ યોજવાનો હેલ્થ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો હતો. મીટિંગમાંથી ઘેર જતા પહેલા ડોક્ટર વેલ્ચ રસ્તામાં આવતી રેડિઓ ટેલિગ્રાફ ઓફિસે ગયા અને અલાસ્કા પ્રદેશના ગવર્નર તેમજ તમામ મોટા ટાઉન હેડને વિનંતી કરતો ટેલિગ્રાફ મોકલ્યો કે નોમ ટાઉનમાં ડિપ્થેરિઆની મહામારી ફેલાઇ હોવાથી જે ટાઉનના હેલ્થ ડિપાર્ટમેન્ટ પાસે સિરમનો જથ્થો હોય તેમણે તાબડતોબ નોમની હોસ્પિટલમાં મોકલી આપવો. તે પછી તેમણે એક ટેલિગ્રાફ રાજધાની વોશિંગ્ટનના પબ્લિક હેલ્થ સર્વિસના હેડને મોકલ્યો ઃ ''અહી નોમમાં ડિપ્થેરિઆની મહામારી છે. મારે ડિપ્થેરિઆ એન્ટી ટોક્સિનના ૧૦ લાખ યુનિટની અર્જન્ટ જરૂર છે. મેં આ એન્ટી ટોક્સિન માટે અલાસ્કાના હેલ્થ કમિશ્નરને પણ તાર કર્યો છે.''
થોડા દિવસમાં તો અમેરિકાના તમામ અખબારોમાં નોમની આ મહામારી અને દવાનો સ્ટોક નહીં હોવા અંગેના સમાચારો પ્રસિધ્ધ થઇ ગયા.
નોમમાં જે લોકોને ગળામાં દુઃખાવો થાય કે થોડો તાવ આવે કે તુરત તેમને ક્વોરેન્ટાઇન થઇ જવાની કડક તાકીદ કરી દેવાનું શરૂ કરાયું. નોમના થિયેટરને અચોક્કસ મુદત સુધી બંધ જાહેર કરાયું અને તમામ સામાજિક મેળવડા તેમજ સમારંભો પર કડક પ્રતિબંધ લાદી દેવાયો.
શાળાઓને પણ અચોક્કસ મુદત સુધી તાળાબંધી કરી દેવાઇ. એ વેળા પ્રાથમિક શાળામાં ભણતી જીન સમર્સવુલ્ફને તો તેના નોમ ટાઉનમાં શું થઇ રહ્યું છે, તેની કશી જ ઝાઝી ગતાગમ નહોતી. પણ તેને એટલી સમજ કોઇક વડિલે આપી હતી કે જે ઘર આગળ મોટા લાલ અક્ષરે 'ક્વોરેન્ટાઇન' નું બોર્ડ માર્યૂ હોય તે ઘર નજીક જવાનું નહીં, એટલે જીન અને તેની સરખે-સરખી ઉંમરની સહેલીઓ જે ઘર પાસે દૂરથી આ બોર્ડ જુએ કે તુરત ત્યાંથી મુઠ્ઠીઓ વાળીને દોડવા માડતી.. નાની ઉંમરની છોકરીઓને ડિપ્થેરિઆની મહામારીની ગંભીરતાનો બહુ એહસાસ નહોતો, પણ આપણા ટાઉનમાં કાંઇક અજુગતું કે કશુંક ખરાબ થઇ રહ્યું હોવાનો ભય તેમને સતત પીડતો રહેતો હતો.
ટાઉનના મેયર જ્યોર્જ મેનાર્ડ મીટિંગમાંથી સીધા તેમના અખબાર 'નોમ નગિટ'ની ઓફિસે ગયા અને બીજા દિવસના અખબાર માટે મહામારીના ન્યૂઝ લખી નાંખ્યા. બીજે દિવસે નોમના અખબારમાં મોટા અક્ષરે ખબર છપાઇ ઃ ''નોમમાં ડિપ્થેરિઆની મહામારી ફાટી નીકળી છે.