ઈરાકથી મીગ-21 પ્લેન ઉઠાંતરીનો મોસાદનો ગજબનાક પ્લાન
- આખી દુનિયામાં નંબર વન ગણાતી ઈઝરાયલની ખુફિયા એજન્સીના સનસનાટીભર્યા કારનામા
- સારાંશ- વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-3
- મોસાદનું ઓપરેશન થન્ડરબોલ્ટ, જાસૂસી જગતની દંતકથા જેવું બની ગયું છે..
- ઈઝરાયલી એરફોર્સના વડાએ મોસાદના વડા સમક્ષ માંગણી મૂકી : ગેટ મી વન મીગ-21
દુનિયામાં સુપરપાવર ભલે અમેરિકા ગણાય છે. પણ વિશ્વભરના ઘરખમ દેશોની જાસૂસી સંસ્થાઓમાં નંબર વનનું સ્થાન ઇઝરાયલની સ્પાય એજન્સી ''મોસાદ''ને ફાળે જાય છે. અમેરિકાની જાસૂસી સંસ્થા ભૈંછ કે રશિયાની ણય્મ્ ના જાસૂસોને પણ ટક્કર મારે તેવા ખૂંખાર મોસાદના જાસૂસોએ ભૂતકાળમાં જે કેટલાક દિલધડક 'ઓપરેશન' પાર પાડયા છે, તેનો કોઇ જોટો જડે તેમ નથી.
મોસાદનું 'ઓપરેશન થન્ડર બોલ્ટ' જાસૂસી જગતના ઇતિહાસમાં અશક્ય વાતને શક્ય બનાવી દે તેવું દંતકથારૂપ ઓપરેશન બની ગયું છે.
તારીખ ૨૭ જૂન ૧૯૭૬ના દિવસે એર ફ્રાન્સનું પ્લેન ઇઝરાયલના પાટનગર તેલ અવિવના એરપોર્ટથી ૨૪૬ પ્રવાસીઓ અને પાયલોટ સહિત ૧૨ સ્ટાફ કર્મચારીઓ સાથે પેરિસ જવા રવાના થયું. સૌથી પહેલા આ પ્લેને ગ્રીસના એથેન્સ એરપોર્ટ પર ઊતરાણ કર્યૂ, જ્યાંથી બીજા ૫૮ પ્રવાસીઓ પ્લેનમાં ચઢ્યા હતા, જેમાં ૪ હાઇજેકરો પણ હતા. બપોરે ૧૨.૩૦ વાગ્યે એથેન્સથી પેરિસ જવા પ્લેને ઉડાણ ભરી તેની થોડીક જ મિનિટોમાં હાઇજેકરો પ્લેન હાઇજેક કરીને યુગાન્ડાના એન્ટેબિ એરપોર્ટ પર લઇ ગયા. પેલેસ્ટાઇનની આઝાદી માટે લડતા સંગઠનના બે પેલેસ્ટાઇની ક્રાંતિકારીઓએ પ્લેન હાઇજેક કર્યૂં હતું.
એન્ટેબિ એરપોર્ટ પરથી ઇઝરાયલી પ્રવાસીઓને હાઇજેકરોના સકંજામાંથી છોડાવવા માટે મોસાદે દિલધડક પ્લાન ઘડયો, જેના ભાગરૂપે ઇઝરાયલી લશ્કરના ૧૦૦ જેટલા કમાન્ડો સાથેના ૪ પ્લેન તારીખ ૩ જી જુલાઇની મોડીરાતે ૧૧.૩૦ વાગે એન્ટેબિના એરપોર્ટ પર ઊતરાણ કર્યૂં.
ઇઝરાયેલ અને એન્ટેબિ એરપોર્ટ વચ્ચે લગભગ ૪૦૦૦ કિલોમીટરનું અંતર છે. વચ્ચે ઇજીપ્ત, સુદાન, સાઉદી અરેબિયાના હવાઇ દળના રડારથી બચીને ઇઝરાયલી વિમાનોએ આગળ વધવાનું હતું. આ અત્યંત જોખમી પ્લાન હતો, કારણ કોઇ વિરોધી દેશના રડારમાં ઇઝરાયલી કમાન્ડોના પ્લેન આવી જાય તો એન્ટેબિ પહોંચતા પહેલા જ ''મોસાદ''નું આ દિલધડક ઓપરેશન ફલોપ જવાની પુરી સંભાવના હતી.
પણ મોસાદે સલામતીના આ સઘળા પાસાનો એટલો ઝીણવટભર્યો અભ્યાસ કરીને જડબેસલાક પ્લાન ઘડયો હતો કે બીજા કોઇ દેશના લશ્કરી રડારમાં આવ્યા વિના ૧૦૦ કમાન્ડોને લઇને ઇઝરાયલના પ્લેનોએ સફળતાપૂર્વક એન્ટેબિ એરપોર્ટ પર મોડીરાતે ઊતરાણ કર્યૂં અને ત્યાં ૧૦૦ કમાન્ડોએ ઝડપભેર પ્લેનમાંથી ઊતરીને હાઇજેકરોના કબ્જામાંથી ઇઝરાયલના લગભગ ૧૦૦ જેટલા પ્રવાસીઓને ૯૦ મિનિટમાં જ છોડાવી લીધા. આ ખતરનાક ઓપરેશનમાં માત્ર ૩ ઇઝરાયલી પ્રવાસી અને એક સિનિયર કમાન્ડોનું મોત નિપજ્યું હતું. જ્યારે સામા પક્ષે તમામ હાઇજેકરો ઉપરાંત યુગાન્ડાના ૪૫ સૈનિકોનો કમાન્ડોએ ખાત્મો બોલાવી દીધો હતો.
ઇઝરાયલી કમાન્ડોએ યુગાન્ડા એરફોર્સને રશિયાએ વેચેલા ૧૧ જેટલા મીગ-૧૭ અને મીગ-૨૧ ફાઇટર પ્લેનોનો પણ નાશ કરીને પોતાના ખુન્નસ અને ઝનૂનનો પરચો દેખાડી દીધો હતો.
દુશ્મન દેશની ધરતી પરથી એક આખેઆખા મીગ-૨૧ ફાઇટર પ્લેનની ઉઠાંતરી કરવા માટે મોસાદે ઘડેલા અત્યંત જોખમી 'ધ બ્લુ-બર્ડ, ઓપરેશન ડાયમન્ડ' પ્લાનની વાત વાંચીએ ત્યારે ખ્યાલ આવે કે મોસાદના જાસૂસોએ એક અશક્ય લાગતી વાત કેટલી હોંશિયારીપૂર્વક અને ખૂબ ચાલાકીથી કઇરીતે શક્ય કરી બતાવી.
વાત છે તા.૧૬ ઓગસ્ટ, ૧૯૬૬ ની. આ દિવસે મોસાદના ખતરનાક જાસૂસોએ અશક્ય લાગતી વાત શક્ય બનાવીને ઇરાકી હવાઇદળના મીગ-૨૧ ની ઉઠાંતરી કરીને ઇઝરાયલના એરફોર્સના વિમાની મથકે લઇ આવ્યા હતા.
ઇઝરાયલમાં મીગ-૨૧ ના ઊતરાણની વાત ફેલાતા જ સમગ્ર વિશ્વના લશ્કરી દળોમાં અને ખાસ કરીને રશિયા તેમજ આરબ દેશોના હવાઇ દળોમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો.
યાદ રહે કે એ સમયગાળામાં રશિયન બનાવટના મીગ-૨૧ ફાઇટર પ્લેનની સંહારક ક્ષમતા ગજબની ગણાતી હતી, પણ રશિયા ઇઝરાયેલને એ લડાકુ વિમાન આપતું ન હોવાથી ઇઝરાયલે નજીકના આરબ દેશમાંથી એ વિમાનની ઉઠાંતરી કરવાનો પ્લાન ઘડયો હતો.
મીગ-૨૧ લડાયક વિમાનની વિદેશમાંથી ઉઠાંતરી કરાવવા માટે ઇઝરાયલની ખુફિયા એજન્સી મોસાદે ઘડેલા સનસનાટીભર્યા પ્લાનના બીજ માર્ચ-૧૯૬૩ માં રોપાયા હતા. એ સમયગાળામાં આખા વિશ્વમાં મીગ-૨૧ ફાઇટર પ્લેન સૌથી વધુ ખતરનાક હોવાનો રશિયાનો દાવો હતો.
આ એ સમયની વાત છે જ્યારે રશિયા પણ સુપરપાવર ગણાતું હતું અને ત્યારે રશિયાનું નાના-નાના દેશોમાં વિભાજન થયું નહોતું. દુનિયાના નંબર વન સુપરપાવર ગણાતા અમેરિકા સાથે તેને સતત 'કોલ્ડ વોર' ચાલુ રહેતી હતી. ઇઝરાયલ, અમેરીકાનું સાથી રાષ્ટ્ર હોવાથી રશિયા તેને કોઇ શસ્ત્ર સરંજામ આપતું નહોતું. આથી ઉલ્ટું તે ઇઝરાયેલ વિરોધી આરબ દેશોની પડખે રહેતુ હતું. તેથી રશિયાએ પોતાના અત્યાધુનિક મીગ-૨૧ ફાઇટર પ્લેન ઇઝરાયલના કટ્ટર દુશ્મન દેશો સિરીયા, ઇજિપ્ત અને ઇરાકને આપ્યા હતા.
તારીખ ૨૫મી માર્ચ ૧૯૬૩ ના રોજ મોસાદના વડા તરીકે મીર અમિતની નિમણૂંક કરાઇ.
મીરે ઇઝરાયલી પાયદળ અને હવાઇદળના વરિષ્ઠ અફસરો સાથે શ્રેણીબધ્ધ મીટિંગો યોજવાનું શરૂ કર્યું અને તેમની સાથે ચર્ચાની શરૂઆતમાં જ મોસાદના વડા મીર અફસરોને બે પ્રશ્નો પૂછતા (૧) ઇઝરાયલની સુરક્ષા અને સલામતી માટે મોસાદ પાસે તમારા બધાની શું અપેક્ષા છે? અને (૨) દેશની લોખંડી સુરક્ષા માટે મોસાદે જાસૂસીનાં કેવા પ્રકારના નવા નવા પ્લાન ઘડવાં જોઇએ?
શ્રેણીબધ્ધ મીટિંગોના દોર વચ્ચે એક મીટિંગમાં મોસાદના વડા મીરે ઉપરોક્ત બે પ્રશ્ન દોહરાવ્યા ત્યારે ઇઝરાયલી એરફોર્સના કમાન્ડર જનરલ મોરદેકલ હોદે કહ્યું, મિસ્ટર મીર, મોસાદ પાસેથી અમારી એક મોટી અપેક્ષા એ છે કે તમે એક એવો મોટો જોરદાર પ્લાન ઘડો કે તમારા એજન્ટો ગમે ત્યાંથી મને એક મીગ-૨૧ ફાઇટર પ્લેન લાવી આપે, જેથી મારા પાઇલોટો એ લડાકું વિમાનની ખૂબીઓ અને ખામીઓ જાણીને પછી દુશ્મન દેશોના દાંત ખાટા કરી શકે.
(ક્રમશઃ)