Get The App

મોસ્કો પર હાઈડ્રોજન બોમ્બ ફેંકવાનો વિનાશક પ્લાન

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
મોસ્કો પર હાઈડ્રોજન બોમ્બ ફેંકવાનો વિનાશક પ્લાન 1 - image


- બીજા વિશ્વયુધ્ધ પછીના પંદરમાં વર્ષે અમેરિકામાં યોજાયેલી એક ગુપ્ત બેઠકમાં ઘડાયો

- સારાંશ-વિનોદ  ડી. ભટ્ટ

- ભાગ-4

- મોસ્કો મહાનગર પર 40 મેગા ટન ક્ષમતાના હાઈડ્રોજન બોમ્બ ઝીંકવાનો સુચિત પ્લાન

- હિરોસીમા પર ફેંકાયેલા અણુબોમ્બ કરતા 4000 ગણો વધારે વિનાશક હાઈડ્રોજન બોમ્બ

સ્ટેજ ખૂબ લાંબુ-પહોળું હતું. સ્ટેજની પાછળની દીવાલ ૧૫૦ ફૂટ લંબાઇની હતી, જેના પર એક મોટો નકશો લગાડેલો હતો. નકશામાં સોવિયેત યુનિયન, ચાઇના અને આસપાસના દેશો દર્શાવેલા હતા. નકશામાં સોવિયેત યુનિયનના પાટનગર મોસ્કો શહેર પર સંખ્યાબંધ નાના-નાના કાળા ટપકા કરેલા હતા. મોસ્કો શહેરમાં જે જે લક્ષ્યાંકો પર અણુ વિસ્ફોટ કરવાના હતા, તે સ્થળોને કાળા ટપકાથી નિર્દેશિત કરાયા હતા.

ભૂગર્ભ બંકરમાં એકત્રિત થયેલા ટોચના લશ્કરી અફસરો, સંરક્ષણ સચિવ અને નાયબ સચિવના બનેલા શ્રોતાગણ સમક્ષ એક આર્મી અફસરે સોવિયેત યુનિયન પર અમેરિકાના સંભવિત અણુ હુમલાની વિગતો આપતા કહ્યું, જાપાનના ઓકિનાવા ટાપુ નજીકના અમેરિકી નૌકા મથક પરના વિમાન વાહક જહાજમાંથી ઉડેલા અમેરિકન જેટ ફાઇટર વિમાનો સોવિયેત યુનિયન પર સૌ પ્રથમ હુમલા શરૂ કરશે.

વાંચકોની જાણ માટે જાપાનનો આ ઓકિનાવા ટાપુ પેસિફિક સમુદ્રમાં આવેલો છે.

અમેરિકી ફાઈટર વિમાનો દરિયાઈ મોજાની જેમ એક પછી એક રશિયા પર આક્રમણ કરવા ઉડતા જ રહેશે. લાંબા અંતર સુધી એકધારા ઉડી શકે તેવા B-52 ફાઈટર વિમાનો ના ''બોમ્બ બે''  (Bomb Bay) માં સંખ્યાબંધ થર્મોન્યુક્લિઅર વેપન્સ (પરમાણુ શસ્ત્રો) ભરીને આ વિમાનો પછી રશિયા પર, અને ખાસ કરીને તેના પાટનગર મોસ્કો મહાનગર પર ધૂંઆધાર આક્રમણ કરશે.

ફાઈટર વિમાનમાં Bomb Bay એટલે વિમાનનો મધ્યસ્થ ભાગ કે જેના છેક નીચેના ભાગમાં બોમ્બ કે અન્ય અણુશસ્ત્રો મુકી દેવાય છે, અને તેની નીચેના ભાગમાં ખુલે એવો દરવાજો હોય છે, ફાઈટર વિમાનમાં બેઠેલા લશ્કરના અફસરો, વિમાન જેવું  તેના લક્ષ્યાંક પર આવે, બરાબર તે વેળા Bomb Bay નો નીચેનો દરવાજો ઓટોમેટિક સ્વિચથી ખોલી નાંખે છે, એટલે તેમાં મુકેલા શસ્ત્રો ધડામ્ દઈને લક્ષ્યાંક પર ઝીંકાય છે.

લોન્ગ રેન્જના બોઈંગ B-52 બોમ્બર પ્લેનમાં જે થર્મોન્યુક્લિઅર વેપન્સ મુકાયા છે, તેની ક્ષમતા, બીજા વિશ્વ યુધ્ધમાં જાપાનના હિરોસીમા અને નાગાસાકી પર ફેંકાયેલા એટમબોમ્બની વિનાશક ક્ષમતા કરતા ૧૦૦૦ ગણી વધારે છે.

સ્ટેજ પરનો લશ્કરી અફસર આ બધી વિગતો બંકરમાં બેઠેલા અફસરો સમક્ષ કહી રહ્યો હતો, એ દરમિયાન સ્ટેજ પરના બે સહાયકો મોસ્કો મહાનગરનો જુદા જુદા વિસ્તારો દર્શાવતો નકશો ખોલીને દીવાલ પર ટીંગાડતા હતા, એક પછી એક બોમ્બર વિમાનો મોસ્કો પર અણુશસ્ત્રોથી આક્રમણ કરે તેમ તેમ સ્ટેજની દીવાલ પર મોસ્કોના નકશા બદલાતા જતા હતા, જેમાં મોસ્કોના અગાઉના નકશાની સરખામણીમાં શહેરના કેટલાય વિસ્તારોનો સંપૂર્ણ સફાયો થયેલો દર્શાવાતો હતો.

એ બેઠકમાં જે તે સમયે સહભાગી બનેલા જ્હોન રૂબેલને અત્યંત આઘાતજનક વાત એ લાગી હતી કે, માત્રને માત્ર એકલા મોસ્કો મહાનગર પર ૪૦ મેગા ટન ક્ષમતાના બોમ્બ નાંખવાની યોજના ઘડાઈ હતી. ૪૦ મેગા ટન બોમ્બ એટલે કેટલા ? વાચકોને ખ્યાલ આવે અને અંદાજ લગાવી શકે એટલે લખવાનું કે હિરોસીમા પર અમેરિકાએ જે સૌ પહેલો અણુબોમ્બ ફેંક્યો હતો તેની સરખામણીમાં આ ૪૦ મેગા ટન બોમ્બ્સની વિધ્વંસક ક્ષમતા લગભગ ૪૦૦૦ ગણી વધારે ગણાય.

બીજી રીતે સરખામણી કરવી હોય તો એવી કરી શકાય કે બીજા વિશ્વ યુધ્ધના ચાર વર્ષના લાંબા સમયગાળા દરમિયાન સાથી રાષ્ટ્રોએ વિરોધી દેશો પર જેટલા સાદા બોમ્બ (અર્થાત બિન-અણુબોમ્બ) ફેંક્યા તેના કરતા ત્રીસેક ગણી વધારે ક્ષમતાના બોમ્બ મોસ્કો પર ફેંકવાનું અતિ વિનાશક આયોજન એ બેઠકમાં ઘડાયું હતું.

 વર્ષ ૧૯૬૦ માં યોજાયેલી એ બેઠકમાં જ્હોન રૂબેલ પોતે ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ બેઠક દરમિયાન તેઓ કશું બોલ્યા નહોતા, શાંત જ બેસી રહ્યા હતા. બેઠક પુરી થયા બાદના ૪૮ વર્ષ સુધી તેઓ આ બેઠકમાં થયેલી ચર્ચા વિચારણા વિશે એક શબ્દ સુધ્ધા ના બોલ્યા. પણ આ સમગ્ર સમયગાળા દરમિયાન તેમને સતત થઈ રહેલા પસ્તાવાના પરિણામે બેઠકના ૪૮ મા વર્ષે તેમણે બેઠકમાં ચર્ચાયેલી જે વિગતો જાહેર કરી તે અત્યંત ચોંકાવનારી અને આઘાતજનક છે. બેઠકમાં હાજર રહેનાર અન્ય લશ્કરી કે સનદી અધિકારી પૈકી કોઈએ એક પણ હરફ જાહેરમાં ઉચ્ચારવાની હિંમત નથી કરી, સિવાય જ્હોન રૂબેલ.

વર્ષ ૧૯૬૦ ની એ બેઠકની વિસ્તૃત વિગતો ન કેવળ ચોંકાવનારી છે, પણ વાંચનારના મનમાં દુ:ખ, વ્યથા, પીડા અને આઘાતની તીવ્ર લાગણી જગાડે તેવી છે. ભવિષ્યમાં ક્યારેક મોસ્કો પર અણુશસ્ત્રોથી હુમલો કરવાની અચાનક નોબત આવી પડે, તેની અમેરિકાએ આગોતરી તૈયારી ૧૯૬૦ ની એ બેઠકમાં કરી રાખી છે. મોસ્કો પરનો એ સુચિત અણુ હુમલો એક પ્રકારે કોઈ આખી જાતિનો કે પ્રજાનો પ્રયોજિત મૂલોચ્છેદ અથવા આખી કોમના ઈરાદાપૂર્વકના નિકંદનનો પ્લાન જ ગણાય.

હિરોસીમા પર ફેંકાયેલા અણુબોમ્બ  કરતાં ૪૦૦૦ ઘણા વધુ વિનાશક વિસ્ફોટો મોસ્કો પર ભવિષ્યમાં ક્યારેક કરવાના અમેરિકાના આ અતિ ઘાતક આયોજનની શું કોઈ કલ્પના સુધ્ધા કરી શકે છે ? કોઈનાય મગજમાં આ વાત પુરેપુરી સમજમાં આવી શકે તેવી છે ખરી ?

આના કરતાંય વધારે મહત્વનો સવાલ એ છે કે આવું કાંઈ ન થાય તેવા માનવીય અભિગમથી દોરવાઈને મોટાપાયે માનવ સંહારનો આ પ્લાન કોઈ રોકી શકે તેમ છે ?

વર્ષ ૧૯૪૫ ના ઓગસ્ટ મહિનામાં અમેરિકાએ બીજા વિશ્વયુધ્ધમાં અણુબોમ્બનો પહેલી જ વાર ઉપયોગ કર્યો, તે પછી દુનિયા આખીને અણુબોમ્બની અત્યંત ઘાતક વિનાશકતાનો તાગ મળી ગયો, એટલે અમેરિકાના અણુ વિજ્ઞાાનીઓએ તેમજ સંરક્ષણ ખાતાના અફસરોએ, બીજા વિશ્વયુધ્ધ પછી ભવિષ્યમાં ક્યારેક ત્રીજું વિશ્વયુધ્ધ ફાટી નીકળે તો હિરોસીમા કરતાંય વધુ વિનાશક અને તેનાથી ય વધારે નવા પ્રકારના અણુશસ્ત્રો બનાવવાના પ્લાન અમલમાં મુકવાની તૈયારી કરવા માંડી. નવા પ્રકારના (હાઈડ્રોજન બોમ્બ સહિતના) અણુશસ્ત્રો ભવિષ્યના મહાયુધ્ધમાં વપરાશે ત્યારે તેના મહા ભયંકર વિસ્ફોટથી ઓછામાં ઓછા ૬૦ કરોડ લોકો મોતના મુખમાં ધકેલાઈ જવાની ગણત્રી અમેરિકી વિજ્ઞાાનીઓએ મુકી છે.

 ૧૯૪૫ ના ઓગસ્ટમા જાપાન પર બે અણુબોમ્બ ફેંકાયા તે સમયે અમેરિકા પાસે ત્રીજો અણુબોમ્બ, કોઈ વિરોધી દેશના શહેર પર ફેંકવા માટે તૈયાર હતો એટલું જ નહીં પણ એ વર્ષના ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ચોથો અણુબોમ્બ તૈયાર કરવા જેટલી અણુ સામગ્રી તેના શસ્ત્ર ભંડારમાં પડેલી હતી.

(ક્રમશ:)

Tags :