FOLLOW US

વિશ્વમાં A-BOMB ના સૌ પ્રથમ ટેસ્ટિંગ અગાઉ વંટોળ શરૂ થયો....

Updated: Mar 8th, 2023


- બ્રહ્મા, વિષ્ણુ, મહેશના નામ પરથી A-બોમ્બનું નામ અપાયું TRINITY-A, BOMB

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-4

- અણુબોમ્બના જનક ઓપનહેમર મળસ્કે ઊઠીને લેબમાં આંટાફેરા મારતા હતા

- વરસાદ, વીજળીના કડાકા ભડાકાઅને કલાકે ૩૦ માઇલની ઝડપે પવન ફુંકાતો હતો

આટલી દેખીતી અને સ્પષ્ટ ગણત્રી છતાં જનરલ ડગલાસ મેકઆર્થર, નેવી અને એરફોર્સના વડાઓના મંતવ્ય સાથે સંમત નહોતા. તેમનો વિરોધી અભિપ્રાય એવો હતો કે જાપાનને ચારે બાજુએથી ઘેરી લેવાથી એ આર્થિકરીતે પડી ભાંગશે ને પરિણામે અમેરિકાને શરણે આવી જશે એ વાતમાં દમ નથી.

જનરલ મેકઆર્થરને આ યુધ્ધમાં માન-પાન, કીર્તિ અને ખ્યાતિ દેખાતા હતા, બીજાને આમાં સૈનિકોનાં મોત દેખાતા હતા.

હવે આ સમયગાળામાં જાપાનની દશા કેવી હતી, તેનો ચિતાર જોઇએ.

રાજધાની ટોકિયોમાં તેમના વિશાળ રાજમહેલના સુરક્ષિત વાતાવરણમાં બેઠા બેઠાં જાપાનના રાજા હિરોહિટો વિચારતા હતા કે અમેરિકન લશ્કર ટોકિયો પર ચઢાઇ કરે તે પૂર્વે મારી  વધુ સારી સુરક્ષા માટે ટોકિયોથી દૂર એક પર્વતમાળામાં બનાવેલા ગુપ્ત ભેદી કિલ્લામાં મારે રહેવા જતા રહેવું કે પછી અહીના પેલેસમાં જ રહેવું...?

જાપાનના ઘણાં બધા શહેરોનો વિનાશ થઇ ચૂક્યો હતો. હજારો શહેરીજનો બેઘર બની ગયા હતા. રાજા હિરોહિટોનું ઇમ્પિરિઅલ જાપાની નેવી પણ લગભગ નામઃ શેષ થઇ ચૂક્યુ હતું. દેશ ભૂખે મરી રહ્યો હતો. લશ્કરને અનાજ વિતરણમાં અપાતી અગ્રીમતા સામે ભૂખ્યાજનોનો રોષ વધી રહ્યો હતો.

આવી સ્થિતિ વચ્ચે પણ રાજા હિરોહિટો અમેરિકાને શરણે જવાનું વિચારતા નહોતા. તેઓ તો એવા ખ્યાલમાં જ રાચતા હતા કે જાપાની લશ્કરી અધિકારીઓ જાપાન પરના સંભવિત આક્રમણને ચોક્કસ મારી હટાવશે. આ યુધ્ધમાં જો લાંબો સમય ટકી ગયા તો અમારી જીત નિશ્ચિત છે.

હવે ત્રીજી તરફ ઓકિનાવા ટાપુ પર ચાલતો જંગ જોઇએ.

ઓકિનાવા ટાપુ પર અમેરિકન નૌકાદળના જવાનો અને જાપાની સૈનિકો વચ્ચે ભીષણ યુધ્ધ શરૂ થઇ ચૂક્યું હતું. સંખ્યાબંધ અમેરિકન જવાનોનો ભોગ લેવાઇ ચૂક્યો હતો. ડો. ડેસ્મોન્ડ ડોસ બહાદૂરીપૂર્વક ઇજાગ્રસ્ત સૈનિકોની સારવારમાં લાગી રહ્યા હતા.

જાપાની સૈનિકોની સતત ગોલાબાજીની પરવા કર્યા વગર ડો.ડેસ્મોન્ડની સેવાસુશ્રુતાની અવિરત કામગીરી વિશે ફર્સ્ટ લેફ્ટેનન્ટ સેસિલ ગોન્ટનોએ આશ્ચર્ય ચકિત થઇ કોમેન્ટ કરી હતી કે રણમેદાનમાં અત્યાર સુધી મેં ડો. ડેસ્મોન્ડ જેટલી શૂરવીરતા ક્યારેય જોઇ નથી.

જાપાની સૈનિકોના આક્રમણ વચ્ચે કામ કરતા ડો. ડેસ્મોન્ડની મહાનતા તો જુઓ, વિશ્વયુધ્ધ સમાપ્તિ પછીના વર્ષમાં  એક અખબારના રિપોર્ટરના પ્રશ્નનો જવાબ આપતા આ વિનમ્ર ડોક્ટરે સરસ મઝાનું દ્રષ્ટાંત આપતા કહ્યું, યુધ્ધમાં હું કાંઇ 'હીરો' બનવાનો પ્રયાસ નહોતો કરતો. આ આખી ઘટનાને હું જુદા જ એંગલથી વિચારતો હતો, કે કોઇ એક ઘરમાં આગ ફાટી નીકળી હોય અને માનું બાળક ઘરમાં રહી ગયું હોય તો આગ વચ્ચેથી તેને બચાવી લાવવા માટે મા કેમ સળગતા ઘરમાં દોડી જાય છે ? પોતે જ પ્રશ્ન કરી પોતે જ જવાબ આપતા ડોક્ટર કહે છે, માનો પ્રેમ તેને સળગતા ઘરમાં દોડી જવા માટે  પ્રેરણાબળ આપે છે. તેવી જ રીતે મારા સૈનિકો માટે મને પ્રેમ હતો અને તેમને મારા માટે. મા જેમ બાળકને સળગતા ઘરમાં ન જ રહેવા દે તેમ હું મારા ઇજાગ્રસ્ત સૈનિકોને ત્યાં જ પડતા મુકી ન રાખું, તેમની સારવાર માટે યુધ્ધ મોરચે મારે દોડવું જ પડે.

અમેરિકન સૈનિકો અને ડો.ડેસ્પોન્ડ જેવાની ભારે હિંમત અને શૂરવિરતાના કારણે છેવટે તા.૨૩ મી જૂન ૧૯૪૫ ના દિવસે ઓકિનાવાના ભીષણ યુધ્ધમાં  અમેરિકનોની જીત થઇ. ઓકિનાવાથી મેઇનલેન્ડ જાપાન ખૂબ નજીક હોવાથી હવે જાપાન પર આક્રમણ કરવા માટે અમેરિકન લશ્કર માટે આ મુખ્ય મથક બની ગયું.

ઓકિનાવાનો જંગ ૮૨ દિવસ ચાલ્યો હતો.

અમેરિકા આ મહાયુધ્ધમાં કાંઇ પોતાની પસંદગીથી નહોતું જોડાયું. પર્લ હાર્બર પર જાપાનીઓના આક્રમણનો બદલો લેવા માટે અમેરિકન લશ્કરે આ યુધ્ધમાં ખેંચાવું પડયું હતું. જાપાન હારે નહીં ત્યાં સુધી વિશ્વ સલામત નથી તેમ અમેરિકનો માનતા થઇ ગયા હતા.

આમ તો અત્યાર સુધીમાં જાપાનની હાર થઇ જ ચૂકી હતી. જાપાનીઝ શહેરોમાં વિનાશ વેરાઇ ચૂક્યો હતો. ભૂખમરો વધી ગયો હતો. લાખ્ખો જાપાનીઓ બેઘર બની ગયા હતા છતાં જાપાનના રાજા હિસેહિટો અમેરિકાને શરણે જવાનું વિચારતા નહોતા.

છતાં બીજી તરફ એક જુદો જ સિનારિયો આકાર લઇ રહ્યો હતો. જાપાનના રાજાની જાણમાં સુધ્ધા ન હોય અને તેમણે ક્યારેય અનુભવ ન કર્યો હોય  એવા ભયંકર શક્તિશાળી શસ્ત્રનો આ યુધ્ધમાં ઉપયોગ થવાની ઘડીઓ ગણાઇ રહી હતી.

અણુયુગની ભયંકરતા બરાબર ૪૪ માં દિવસે શરૂ થવાની હતી.

આજે જુલાઇ ૧૬, ૧૯૪૫

સમય: મળસ્કે  ૧ વાગ્યાનો

એક હાથમાં ગરમ કોફીનો મગ અને બીજા હાથમાં સિગરેટ સાથે રોબર્ટ ઓપનહેમર લેબ.માં આંટાફેરા મારી રહ્યા હતા. સોમવારની સવાર પડવાની તૈયારીમાં હતી. બહાર ભારે વરસાદ વરસી રહ્યો હતો. વિજળીના કડાકાભડાકા વચ્ચે કલાકે ૩૦ માઇલની ઝડપે ઠંડો પવન ફૂંકાતો હતો.

જયાં બેચેની અને અજંપાભરી સ્થિતિમાં ઓપનહેમર આંટાફેરા મારી રહ્યા હતા ત્યાંથી બરાબર ૧૦ માઇલની દૂરી પરના સ્થળે ત્રણેક કલાકમાં TRINITY-A-Bomb નું ટેસ્ટિંગ થવાનું હતું. ટેસ્ટિંગ ટાવરના સ્થળે પાંચ  સશસ્ત્ર ચોકિયાતો ખડે પગે ચોકી કરતા હતા, જેથી છેલ્લી ઘડીમાં A-Bomb  સાથે કોઇ ચેડા ન કરી જાય.

બોમ્બ વિસ્ફોટના અડધો કલાક પહેલા આ ચોકિયાતો જીપમાં બેસીને શક્ય તેટલી ઝડપે દૂર જતા રહેશે. કારણ આ પ્રકારના અણુશસ્ત્રનો અગાઉ ક્યારેય વિસ્ફોટ કરાયો ન હોવાથી એની વિનાશકતાનો કોઇને જ અંદાજ નહોતો. ખુદ મહાન વૈજ્ઞાાનિક ઓપનહેમરને પણ આ અણું વિસ્ફોટની વિનાશકતા કેવી અને કેટલી હશે તેનો ચોકક્સ ખ્યાલ ન હતો.

પણ વરસાદી વંટોળ બંધ ન થાય ત્યાં સુધી અણુ ધડાકો થઇ શકે તેમ નહોતો. અણુ વિસ્ફોટથી ઘાતક રેડિઓએક્ટિવ પાર્ટિકલ્સ હવામાં પ્રસરનાર હોવાનું વૈજ્ઞાાનિકોની જાણમાં હતું. 

આ રેડિઓએક્ટિવ પાર્ટિકલ્સ માણસ સહિત તમામ સજીવો માટે ભારે જોખમી   હોય છે વેગીલો પવન ફૂકાવાનું ચાલુ રહે તો આ નુકસાનકર્તા પાર્ટિકલ્સ રણ પ્રદેશથી દૂર શહેરી માનવ વસ્તી સુધી પવન સાથે પ્રસરી જવાની સંભાવના વધી જાય.

Gujarat
News
News
News
Magazines