સતત જાગૃતિ એજિંગ પ્રોસેસમાં પરિવર્તન લાવી શકે છે


- માણસે તેની શારીરિક અને બૌદ્ધિક ક્ષમતાનો શક્ય તેટલો વધુ ઉપયોગ કરતાં રહેવું જોઈએ

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-2

- મોટા ભાગના લોકો નિવૃત્તિ પછી બેઠાડું જીવન જીવતા હોવાથી રોગના ભોગ બને છે

- વાતે વાતે વાંધા-વચકા કાઢવા કે અફસોસ કર્યા કરવાની ટેવ નૂકસાનકારક છે

હજાર જાતના જજનાના-મોટા આ ફેરફાર છેવટે શરીરમાં વૃધ્ધત્વની ભરતી લાવી મુકે છે.

પરંતુ હકીકત એ છે કે તમારા શરીરની અંદર જે કુલ ફેરફાર થતા રહે છે, તેમા વયવૃધ્ધિનો  તો વર્ષે માત્ર ૧  ટકા જેટલો જ હિસ્સો હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો તમારૂ શરીર કે જે એનર્જી અને ઇન્ટેલિજન્સનું બનેલું છે તેના ૯૯ ટકા તો એજિંગ પ્રોસેસથી અલિપ્ત જ રહે છે.

એટલે ૧ ટકાની આ વયવૃધ્ધિની પ્રોસેસની તમે જો બાદબાકી કરી શકો તો એજિંગ પ્રોસેસને તમે તમારા જીવનમાંથી હટાવી શકો, અને પુરેપુરી ન હટાવી શકો તો છેવટે તમે વયવૃધ્ધિને ધીમી તો ચોક્કસ પણે પાડી શકો.

પણ વયવૃદ્ધિ કે એજિંગની આ પ્રોસેસની બાદબાકી કઇ રીતે કરી શકાય? એ માટે શરીરમાં વય વધતા જે સંખ્યાબંધ પ્રકારના ફેરફારો થાય છે, તેની કન્ટ્રોલ સ્વિચ કયાં છે? તે દિશામાં તમારે શોધ કરવી પડે.

આઇન્સ્ટાઇને શોધ્યું છે કે બીજી અન્ય ભૌતિક વસ્તુઓની જેમ આપણું ભૌતિક શરીર પણ એક ઇલ્યૂઝન- ભ્રમણા, આભાસ છે. (આપણા ધર્મગ્રંથોમાં સાચું જ કહેવાયું છે કે આ જગત મિથ્યાં છે.) અને જે નથી દેખાતું નથી તે વિશ્વ જ સાચું વિશ્વ છે. એટલે આપણા ભૌતિક શરીરના ઊંડાણના સ્તરની આપણે શોધ કરીએ તો મૂળમાં જે પ્રચંડ સર્જનાત્મક મૌલિક ક્ષમતા પડેલી છે, તેને આપણે ઉપયોગમાં લઇ શકીએ.

તમારા શરીરની ચામડી દર એક મહિને બદલાતી રહે છે. દર પાંચ દિવસે તમારા સ્ટમકની (હોજરી, જઠર) લાઇનિંગ બદલાય છે, લિવરમાં (યકૃત) દર છ અઠવાડિયે ફેરફાર થતા રહે છે અને દર ત્રણ મહિને તમારા સ્કેલેટનમાં (હાડ પિંજર) પરિવર્તન આવતું રહે છે. નરી આંખે જોઇએ તો આ બધા અંગોમાં આપણને બાહ્યરીતે લગભગ કશો ફેરફાર દેખાતો નથી, પણ આ બધા અંગોમાં સતત કાંઇને કાંઇ ફેરફાર થતો જ રહેતો હોય છે. વર્ષના અંતે તમારા શરીરમાં ૯૮ ટકા અણુઓના સ્થાને નવા અણુઓ આવી જાય છે.

શરીરના દરેક કોષમાં પ્રતિ સેકન્ડે ૬ ટ્રિલિયન જેટલી રસાયણિક પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે. જ્યારે માણસના મગજમાં દર સેકન્ડે ૧ લાખ જેટલી રાસાયણિક પ્રક્રિયા થાય છે. માનવ શરીરની રચના એટલી બધી કોમ્પ્લેક્સ અર્થાત જટિલ છે કે આજ સુધી શરીરની રચનાની સર્વાંગ સંપૂર્ણ જાણકારી વૈજ્ઞાાનિકો પણ નથી મેળવી શક્યા.

જાગૃતિ અથવા સભાનતા કે સાવધાની એક એવું નક્કર પરિબળ છે કે જેનામાં એજિંગ પ્રોસેસમાં (વયવૃધ્ધિની પ્રક્રિયા) પરિવર્તન લાવવાની ક્ષમતા છે.

અમેરિકાના ખ્યાતનામ મનોચિકિત્સક ડો.એરિક ફાઇફર અમેરિકાના વૃધ્ધ લોકો વિશેના લાંબા-ગાળાના અભ્યાસ અંગેના એક પ્રોજેક્ટના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા હતા. આ વિષય પર તેમના બે-ત્રણ સંશોધન પેપર પણ પબ્લિશ થયા છે.

માણસ તેની શારીરિક અને બૌધ્ધિક ક્ષમતાનો શક્ય તેટલો વધુ ઉપયોગ કરતો રહે તો તેના વૃધ્ધાવસ્થાના વર્ષો સારીરીતે પસાર થાય છે, તેમ ડો. એરિકનું કહેવું છે. કહેવાનો મતલબ એ છે કે ૫૮ કે ૬૦ વર્ષે રિટાયર થયા પછી માણસ એદી થઇને  પડયો રહે કે પછી આખો દિવસ બેઠા બેઠા ગામ-ગપાટામાં અથવા અન્ય લોકોની નિંદા-કૂથલીમાં જ રચ્યોપચ્યો રહે તો એ વૃધ્ધાવસ્થામાં તન-મનથી તંદુરસ્ત નહીં રહી શકે.

માણસે તનની તંદુરસ્તી માટે શારીરિક રીતે અને મનની તંદુરસ્તી માટે સારા પુસ્તકોનું વાંચન, તેમજ બૌધ્ધિક ચર્ચામાં પ્રવૃત્ત રહેવું જોઇએ.

વૃધ્ધો વિશે લાંબા ગાળાના અભ્યાસ પછી ડૉ. અરિકનું તારણ એવું છે કે જે લોકો વૃધ્ધાવસ્થામાં તન-મનથી 'ફિટ' હતા એ લોકો તેમની પુખ્તવયથી જ નિયમિત રીતે કસરત કે પછી અન્ય શારીરિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતા હતા. તે ઉપરાંત એ લોકો બૌધ્ધિક પ્રવૃત્તિમાં પણ સક્રિય રહેવાની સાથોસાથ સામાજિક સંબંધો જાળવવા માટે પણ સમય ફાળવતા હતા.

સજીવોમાં માત્ર માણસ જ એક એવું પ્રાણી છે, જે મનથી સૌ પહેલા વૃધ્ધ થાય છે, જેથી વૃધ્ધ થવાની પ્રક્રિયા માણસે માણસે આગવી હોય છે. ડૉ. એરિક દાખલો આપતા કહે છે ૨૦ વર્ષની ઉંમર પછી કોઇપણ ડોગ એ ઘરડો ડોગ છે, ૩ વર્ષ બાદ ઉંદર ઘરડો થાય છે, ૧૦૦ વર્ષ બાદ કોઇપણ બ્લ્યુ વ્હેલ ઘરડી બ્લ્યુ વ્હેલ ગણાય છે. આ બધા સજીવોમાં ઉંમર એ માત્ર નંબરનો ખેલ છે. જ્યારે માણસમાં આ વાત જરા જુદી છે. તમે ઘણાએ જોયું હશે કે ક્યારેક ૮૦ વર્ષનો માણસ જુવાન જેઓ હોય છે, જ્યારે ૨૫ વર્ષનો  જુવાન પણ ઘરડા જેવો દેખાતો જોવા મળે છે.

યુરોપના નવજાગરણ (રેનેસાન્સ) સમયગાળાના ઇંગ્લેન્ડના ખ્યાતનામ ફિલોસોફર અને સ્ટેટસમેન સર ફ્રાન્સિસ બેકોને વૃધ્ધ વિશેનો તેમનો આગવો અને અનોખો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમના મતે વૃધ્ધ એટલે એવી વ્યક્તિ જે, 'દરેક બાબતમાં વાતે વાતે વાંધા-વચકા કાઢે, કોઇની સાથે લાંબી લાંબી સલાહ -મસલત કર્યા કરે, બહુ ઓછું સાહસ ખેડે, અને વારંવાર બહુ જલ્દીથી પસ્તાવો કે અફસોસ કર્યા કરે.''

મોટા ભાગે બધા જ લોકો આ પ્રકારનું ઘડપણ ના આવે તેવું ઇચ્છતા હોય છે. માણસનું સદભાગ્ય એ છે કે કોઇ આપણા પર આવું ઘડપણ ઠોકી બેસાડતું નથી.

તમે ઘડપણ ના ઇચ્છતા હોય તો એ પણ શક્ય છે. તમે ઘડપણની પ્રક્રિયા ધીમી પણ પાડી શકો છો.

લેખક ડો. દિપક ચોપરાએ આ પુસ્તકમાં તેમના એક દર્દીની વાતનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે મારી એક દર્દી નામે બેલિન્ડાની ઉંમર ૮૦ વર્ષની છે.

ન્યૂ હેમ્પશરના લાંબા શિયાળા અને ખડકાળ ખેતરો વચ્ચે તેનો ઉછેર થયો હતો, તેના માતા-પિતા ૮૦ વર્ષની ઉંમર સુધી કામગરા રહ્યા હતા, જાણે વૃધ્ધ થવાનો તેમની પાસે સમય જ નહોતો..! માતા-પિતાએ દીકરી બેલિન્ડામાં આત્મનિર્ભરતા, વિશ્વાસ- ભરોસો, પ્રમાણિકતા અને પરિવાર પરાયણતા/ કુટુંબ પ્રેમના ગુણોનું સિંચન કર્યૂં હતૂં. બેલિન્ડાને વૃધ્ધત્વની કોઇ તકલીફ કે વૃધ્ધાવસ્થાની કોઇ બીમારી નહોતી. તેને બી.પી. કે ડાયાબિટિસ પણ નહોતા.

આ કોઇ યોગાનુયોગ નહોતો. તમે આજે જે કાંઇ કરશો એટલે કે યુવાનીમાં તમે જે પ્રકારની આદતો પાડી જીવન જીવશો તેની ૩૦ કે ૪૦ વર્ષ પછી તમને અસર દેખાશે.

City News

Sports

RECENT NEWS