Get The App

બ્રિટન અને ફ્રાન્સે જર્મની સામે યુદ્ધની ઘોષણા કરી

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
બ્રિટન અને ફ્રાન્સે જર્મની સામે યુદ્ધની ઘોષણા કરી 1 - image

- જર્મનીના આપખુદ શાસક હિટલરે પોલેન્ડ પર આક્રમણ કર્યાના ત્રીજા જ દિવસે

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-3

- પોલેન્ડના પાટનગર વોર્સોમાં યુદ્ધની દહેશત વચ્ચે શહેરમાં અંધારપટ

- બ્રિટનની એલચી કચેરી બહાર હર્ષઘેલા વોર્સોવાસીઓના ડાન્સ અને દેખાવો

જોત જોતામાં બપોર થઇ ગઇ. રેડિઓ પર મારૂં પિયાનોવાદન ચાલુ હતું, પરંતુ રોજના સમયપત્રક પ્રમાણે નહીં.

બપોરના લંચ માટે અમે બહાર નીકળ્યા. નજીકની એક રેસ્ટોરન્ટમાં ગયા. ત્યાં મેનુમાંની ઘણી આઇટમો તો આજે ઉપલબ્ધ જ નહોતી. કેટલીક આઇટમો મળતી હતી. તેના ભાવ રોજના કરતા ડબલ કે ત્રણ ઘણા કરી દેવાયા હતા.

રેસ્ટોરન્ટમાં લોકો લડાઇની વાતો જ કરતા હતા. પોલેન્ડની તરફેણમાં બ્રિટન અને ફ્રાન્સ ટૂંક સમયમાં જ યુધ્ધમાં જોડાવાની જાહેરાત કરનાર હોવાના મુદ્દે જ મોટાભાગે ચર્ચા થઇ રહી હતી. થોડા ઘણા નિરાશાવાદીઓ સિવાય મોટાભાગના એ મતના હતા કે હવે ટૂંકમાં ગમે તે ઘડીએ ફ્રાન્સ અને બ્રિટન આપણી એટલે કે પોલેન્ડની તરફેણમાં યુધ્ધમાં ઝંપ લાવશે. અમારા પૈકીના કેટલાક તો ત્યાં સુધી કહેતા 'તા કે અમેરિકા પણ જર્મની સામે જંગ છેડશે. પહેલા વિશ્વ યુધ્ધના બનાવોનો આધાર લઇ કેટલાક લોકો દલીલો કરતા હતા.

બે દિવસ પછી એટલે કે ત્રીજી સપ્ટેમ્બરે અપેક્ષા પ્રમાણે ફ્રાન્સ અને બ્રિટને જર્મની સામે યુધ્ધની ઘોષણા કરી. છેલ્લા થોડા દિવસથી પોલેન્ડ રેડિઓ પરના સંગીતના કાર્યક્રમો બંધ કરાયા હોવાથી હું ઘરમાં જ બેઠો હતો તે દરમ્યાન બીન અગત્યનો કાર્યક્રમ બંધ કરાયો અને રેડિઓ પરથી બ્રિટન-ફ્રાન્સે જર્મની વિરૂધ્ધ શરૂ કરી દીધેલા યુધ્ધની એનાઉન્સમેન્ટ કરાઇ.

આ સાંભળીને મારી માતાની આંખમાંથી દડ...દડ આંસુની ધારા વહેવા માંડી. પિતાજી પણ નર્વસ થઇ ગયા.

બ્રિટને જર્મની વિરૂધ્ધ યુધ્ધની ઘોષણા કરતા વોર્સોની બ્રિટિશ એલચી કચેરી બહાર મોટી સંખ્યામાં શહેરીજનો બ્રિટન તરફનો પોતાનો હર્ષોલ્લાસ અભિવ્યક્ત કરવા એકઠા થયા હતા. મારા પિતા પણ દેખાવોમાં ભાગ લેવા ત્યાં જવા માટે તૈયાર થયા. યુધ્ધના માહોલ વચ્ચે પિતા ત્યાં જાય એવું મારી મા નહોતી ઈચ્છતી. માએ ઘણી ના પાડી પણ તેની ધરાર અવગણના કરી પિતા એલચી કચેરીએ ગયા.

એલચી કચેરી બહાર આનંદોત્સવના દેખાવોમાં ભાગ લઈ ભારે ઉત્સાહપૂર્વક પિતા પાછા ફર્યા. ભારે ધક્કામુક્કી કરતા ટોળામાં સામેલ થઈને આવ્યા હોવાથી પિતાના કપડાં લઘરવઘર થઈ ગયા'તા. તેઓ થોડા થાકેલા પણ દેખાતા હતા.

એલચી કચેરી બહાર તેમણે અમારા વિદેશ પ્રધાન સાથે બ્રિટન અને ફ્રાન્સના રાજદૂતોને પણ જોયા. બધા સાથે મારા પિતાએ પણ હર્ષનાદો કરી ગીત ગાયા હતા. પણ તે પછી હવાઈ હુમલાની સંભાવનાને કારણે એલચી કચેરી બહાર જમા થયેલા મોટા લોકટોળાને શક્ય તેટલી વહેલી તકે ઘર ભેગા થઈ જવાની ચેતવણી સૂચક સૂચના અપાઈ હતી.

ટોળા વચ્ચે ભીંસાઈ ગયેલા મારા પિતા માંડ માંડ તેમાંથી બહાર નીકળી ઝડપથી ઘેર આવી ગયા હતા. ભીડમાં તેઓ થોડીવાર માટે ગુંગળાઈ પણ ગયા હોવા છતાં તેઓ ખુશખુશાલ દેખાતા હતા.

પણ અમારો આ આનંદ થોડો સમય જ ટક્યો. યુધ્ધ મોરચેથી વધુ ચિંતાજનક ખબરો આવી રહી હતી. સાતમી સપ્ટેમ્બરે સૂર્યોદય થવાની થોડી જ વાર અગાઉ અમારા ફલેટના બારણે કોઈએ જોરશોરથી ટકોરા માર્યા. 

મેં દરવાજો ખોલ્યો, તો સામે અમારી પડોશમાં રહેતા ડોકટર લશ્કરી ગણવેશ પહેરીને ઊભા હતા...! તેઓ બહુ ઉતાવળમાં હોય તેમ લાગતું હતું. તેઓ અમને માહિતી આપવા આવ્યા હતા કે જર્મનો વોર્સો શહેર તરફ આગળ વધી રહ્યા છે અને શહેરના દરેક સશક્ત નાગરિકે વોર્સો છોડીને વિસ્તુબા નદીથી દૂરના સ્થળે જવું, જ્યાં સંરક્ષણ માટેની નવી હરોળ ઉભી કરાનાર છે. 

પહેલા તો અમને કોઈને એ ડોકટરની વાત પર ભરોસો ન બેઠો. મેં બીજા મારા પડોશી પાસેથી માહિતી મેળવવાનું વિચાર્યૂં, એટલામાં મારા ભાઈ હેનરિકે રેડિઓ ચાલુ કર્યો, પણ રેડિઓ 'મૌન' હતો...! રેડિયો સ્ટેશન જ બંધ હોવાનું લાગ્યું.

પછી આજુબાજુના પડોશીઓને હું મળવા ગયો... પણ ચોંકી ઉઠવાનો વારો મારો હતો...આસપાસના ઘણાં બધા ફલેટોના દરવાજા પર તાળા લટકતા હતા, જે થોડા ફલેટ ખુલ્લા હતા તેમાં નજર નાંખી તો ઘરની સ્ત્રીઓ બેગ-બિસ્તરા પેક કરીને ફલેટ છોડવાની તૈયારીમાં પડી હતી. કશુંક ભયાનક બનવાની દહેશતથી તેમની આંખોમાં આંસુ સરતા પણ મેં દીઠા. હવે મને ખાતરી થઈ ગઈ કે પેલા ડોકટરે અમને યુધ્ધની જે વાત કરી એ સાચી જ હશે.

આવી વિકટ સ્થિતિ વચ્ચે પણ અમારા પરિવારે ઘર છોડીને અન્યત્ર ભાગી જવાના બદલે ફલેટમાંજ રહેવાનો સામૂહિક નિર્ણય લીધો.

લગભગ આઠેક વાગ્યાના સુમારે હું બહાર નીકળ્યો... મારૂં આ શહેર ઓળખાય એવું જ નહોતું રહ્યું... થોડા કલાકોમાં જ વોર્સોમાં આટલો બધો ફેરફાર થઈ ગયો...? બધી જ દુકાનો બંધ હતી. રસ્તા પર એકેય ટ્રામ નજરે નહોતી પડતી... રસ્તાઓ પર માત્ર કારો જ દોડતી હતી. બધી જ કારો પ્રવાસીઓ અને સામાનથી ભરચક હતી અને તમામ કાર વેગીલી ગતિએ એક જ દિશામાં દોડતી હતી... વિસ્ટુલા નદી પરના બ્રિજો તરફની દિશામાં

વોર્સોની મેઈન સ્ટ્રીટ પર લશ્કરી જવાનો દેશભક્તિના ગીતો ગાતા, પરેડ કરતા આગળ વધતા હતા. જોકે તેમની પરેડ જોઈએ એટલી શિસ્તબધ્ધ નહોતી. સૈનિકોના માથા પરની ટોપીઓ પણ વાંકીચુંકી દેખાતી હતી.

ગઈકાલ સુધી ઈસ્ત્રી ટાઈટ અવનવા સુંદર વસ્ત્રો પહેરીને ફરતા શહેરીજનો આજે ઉતાવળમાં ઘરમાં જ પરિધાન કરાતા વસ્ત્રો પહેરીને બહાર નીકળી પડયા હતા. 

લગભગ બધાના હાથમાં બેગ-બિસ્તરા હતા. રસ્તા પરના તમામ લોકોના મોઢા પર ઉતાવળના હાવભાવ હતા.

ગઈકાલ સુધી ચોખ્ખાચણાક દેખાતા માર્ગો પર આજે સર્વત્ર કચરો અને ધૂળ છવાઈ ગયા હતા. હું ઝડપભેર બ્રોડકાસ્ટિંગ મથક પહોંચવા રીતસર દોડવા માંડયો. રેડિઓ પરથી કોઈ જાહેરાત કેમ નથી થતી ? લોકો આટલી મોટી સંખ્યામાં શહેર છોડી રહ્યા છે છતાં કોઈ જાતની જાણકારી કેમ નથી અપાતી ?

રેડિઓ સ્ટેશન પહોંચ્યો ત્યારે ખબર પડી કે બંધ છે... અંદર બેઠેલો કેશિયર રેડિઓ કર્મચારીઓ અને આર્ટિસ્ટોને ત્રણ મહિનાનો પગાર ચુકવી રહ્યો હતો.

 બધાને વિના નોટિસે છૂટા કરવાના હોવાથી સ્ટાફને ૩ મહિનાનો પગાર આપી છૂટા કરાતા હતા. મેં વિચાર્યૂં કે હવે અમે બધા શું કરીશું ?

વોર્સોએ જાણે તેનું ગૌરવ ગુમાવી દીધું, જે ફરી ક્યારેય પ્રસ્થાપિત નહીં થાય. બધા શહેરમાંથી ભાગી રહ્યા છે, જાણે કે અમે બધાએ હાર સ્વીકારી લીધી છે ...!

હતાશ ચહેરે હું ઘેર પાછો ગયો.

બીજે દિવસે સાંજના સુમારે અમારા ફલેટની બરાબર સામે આવેલા લક્કડપીઠામાં જર્મન સૈનિકની તોપમાંથી વછૂટેલો પહેલો તોપગોળો ઝીંકાયો. 

(ક્રમશઃ)