તાઓનો એક અર્થ છે પથ, જે સીમિત કે બંધિયાર નથી

Updated: Dec 7th, 2022


- તાઓનો માર્ગ સમતુલિત, આદર્શ જીવનનો માર્ગ છે

- સારાંશ-વિનોદ  ડી. ભટ્ટ

- ભાગ-2

- બહુ ગરીબી ખરાબ છે, તો બીજી તરફ બહુ સમૃધ્ધિ પણ ખરાબ જ છે...

- જીવનમાં સમતોલપણું ગુમાવશો તો તમે હાથે કરીને જીવનમાં નરક સર્જશો...

જેઓ શબ્દો કે શાસ્ત્રો દ્વારા નહીં પણ સ્વયં જીવન જીવીને જાણી ચૂક્યા છે એવા જૂજ મહાનુભાવોમાંના એક લાઓત્સુ છે. તાઓ એક અનોખો શબ્દ છે. તાઓના અનેક અર્થ છે. ચીજ જેટલી વધુ ગહન હોય છે એટલી એ વધારે બહુઅર્થી બની જાય છે.

તાઓનો એક અર્થ છે પથ, માર્ગ. સામાન્ય રીતે તમામ પથ બંધિયાર કે નિશ્ચિત હોય છે, પરંતુ તાઓ, ચીલાચાલુ અર્થમાં હોય તેવો પથ નથી.

જે રીતે પક્ષી આકાશમાં ઉડે છે ત્યારે જેમ પથ નિર્મિત થાય છે. એવો આ પથ છે, જે સીમિત અથવા બંધિયાર નથી.

પક્ષીના ઉડ્ડયનના પથ પર તેના પગના કોઇ ચિહ્ન કે માર્ગમાં કોઇ નિશાન નથી હોતા, તેમ તાઓ આકાશમાં ઉડતા પક્ષીઓના ઉડવાના માર્ગ જેવો માર્ગ છે.  જેના પર કોઇ નિશાની હોતી નથી અને પાછળ આવનારને ચાલવામાં કોઇ સરળતા રહેતી નથી, કારણકે આગળ માર્ગ પર કોઇના પદચિન્હો નથી હોતા.

આથી જો એ ધ્યાનમાં રાખીએ કે જે પથ નિર્મિત થયેલો નથી, જેના પર કોઇના પાદ ચિહ્નો નથી, જે બંધાયેલો નથી, જેને કોઇ બીજું તમારા માટે તૈયાર કરી શકતુ નથી- એ પથ તાઓ છે.

પથનો બીજો અર્થ એ છે કે જે દ્વારા કયાંક પહોંચી શકાય જે આપણને મંઝિલે પહોંચાડે પરંતુ તાઓ એવો માર્ગ પણ નથી. જ્યારે આપણે મર્ગ પર ચાલીએ છીએ અને એ માર્ગ આપણને મંઝિલ પર પહોંચાડે છે ત્યારે માર્ગ અને મંઝિલ બન્ને  અક થઇ જાય છે. બન્ને જોડાઇ જાય છે. ખરેખર તો મંઝિલ માર્ગનો અંતિમ છેડો છે. માર્ગ અને મંઝિલ બે અલગ-અલગ નથી, બન્ને સંયુક્ત છે, જોડાયેલા છે. માર્ગ વિનાની મંઝિલ ન હોઇ શકે અને મંઝિલ વિનાનો માર્ગ ન હોઇ શકે.

પરંતુ તાઓનો અર્થ છે, એવો માર્ગ, જે મંઝિલ સાથે જોડાયેલો ન હોય. જ્યારે કોઇ માર્ગ મંઝિલ સાથે જોડાયેલો હોય છે, ત્યારે તમારે મંઝિલે પહોંચવા માટે એટલો જ માર્ગ કાપવો પડે છે.

તાઓ એક એવો અનોખો માર્ગ છે, કે તમે જયાં ઉભા હો, એ જ સ્થળે તમે ઉભા ઉભા જ મંઝિલ પ્રાપ્ત કરી શકો છો. એટલે તાઓને એવો માર્ગ પણ ના કહી શકાય જેના પર ચાલી શકાય. આપણે જયાં ઉભા છીએ એ જ સ્થળે એ જ સ્થાન ઉપર ઉભા ઉભા મંઝિલ પ્રાપ્ત થઇ શકે એવો એ માર્ગ છે.

સંભવ એ પણ છે કે, આપણે જન્મોજન્મ ચાલતા રહીએ છતાં પણ મંઝિલ ના મળે. આથી તાઓ કોઇ બીજા જ પ્રકારનો માર્ગ છે. તાઓ માર્ગ એ ગહન માર્ગ છે.

તાઓનો બીજો અર્થ છે ધર્મ. પરંતુ ધર્મનો પરંપરાગત આપણે સમજીએ કે જાણીએ છીએ એવા અર્થમાં આ ધર્મ નથી. અહીં ધર્મનો અર્થ મઝહબ નથી કે રિલીજન નથી. તાઓ કોઇ સંપ્રદાય કે મજહબના અર્થમાં, ઇસ્લામ, જૈન, હિન્દુ, કે બૌધ્ધ જેવા ધર્મના અર્થમાં નહીં પરંતુ જીવનના પરમ સિધ્ધાંતના રૂપમાં એ ધર્મ છે. માનવ જીવનના શાશ્વત નિયમોના રૂપમાં તાઓ ધર્મ છે.

બીજું કે તમામ નિયમો સીમિત હોય છે. પરંતુ તાઓ એવો નિયમ છે જેની કોઇ સીમા નથી. કહેવાનો અર્થ એ છે કે તાઓ કોઇ સીમિત અર્થમાં ધર્મ નથી.

તાઓ એક એવો નિયમ છે, જેનો વિસ્તાર અનંત છે. જે અનંત, અસીમને સ્પર્શી શકવા સમર્થ છે.

આ જીવનમાં બધું જ નિયમ મુજબ નથી સંભવતું, નહીંતર જીવન બે કોડીનું બની જાય. આ જીવનમાં એવું કંઇક છે જે નિયમને છોડીને સંભવે છે. સાચુ તો એ છે કે આ જીવનમાં જે કાંઇ મહત્વપૂર્ણ છે, એ બધુ નિયમ છોડીને જ સંભવે છે. આ જીવનની જે કોઇ ગહન અનુભૂતિઓ છે, તે બધી નિયમ મુજબ નથી સંભવતી, એ તો અકારણ, અનાયાસ જ દરવાજે આવીને ટકોરા મારે છે.

આચાર્ય રજનીશે તાઓ વિશેના તેમના પુસ્તક  ‘Absolute Tao'  માં સુંદર રીતે તાઓની જીવન ફિલોસોફી વિશે વિગતે વાત લખી છે.

દરેક માણસે મર્યાદામાં રહેવું જોઇએ દરેકે સમતુલિત (Balanced) રહેવું જોઇએ. બહુ ગરીબી ખરાબ છે, તો વધુ પડતી સમૃધ્ધિ પણ ખરાબ જ છે. ટૂંકમાં કોઇપણ વસ્તુનો અતિરેક ખરાબ છે. વાસ્તવમાં લાઓત્સુના મતે દરેક વાતમાં 'અતિ' એ જ પાપ છે. કાંઇ પણ વધુ પડતું ના કરો, કાંઇપણ અતિ ના કરો, જીવનને ઝરણાંની જેમ સરળતાથી, સાતત્યપૂર્ણ વહેવા દો, તો જ જીવન નીતિમત્તાપૂર્ણ બનશે.

તમે સદાય સમતુલિત રહો, તો તમે હંમેશા શાંત, સુખી અને સ્વસ્થ રહી શકશો, તમારા જીવનમાં સુખ-શાંતિ હશે તો સ્વાભાવિક રીતે જ તમે સ્વર્ગમાં હોવાની અનુભૂતિ માણતા રહેશો.

જીવનમાં તમે સમતોલપણુ ગુમાવ્યું તો માનો કે તમે જાતે જ તમારા માટે જાણે નરક સર્જી દીધું.

તમારા જીવનમાં સ્વર્ગ સર્જવુ કે નરક ઊભું કરવું એ તમારા ખુદના હાથની વાત છે, બીજું કોઇ તમારા માટે એનું સર્જન નથી કરતું.

લાઓત્સુના પથ પર કોઇ ભગવાન કે કોઇ ઇશ્વર નથી. એમાં માત્ર તાઓ જ છે. તાઓ માત્ર કાયદો છે, નિયમ છે, જે યુનિવર્સલ છે. જો તમે આ પથ પર ચાલશો તો તમે સુખી થશો, અને જો તમે તાઓ પથની વિરૂધ્ધમાં ચાલશો, તો દુઃખી થશો.

હકીકતમાં દુઃખ કે સુખ એ તો કેવળ લક્ષણ છે, તમે તાઓના માર્ગ પર છો કે તેનાથી વિપરીત માર્ગ પર છો, તેનું લક્ષણ માત્ર છે. તાઓના માર્ગ પર સુખ છે, આનંદ છે. અહીં દરેક પળે ઉલ્લાસ છે. જીવન એક કવિતા જેવું બની જાય છે.

તાઓનો માર્ગ સમતુલિત જીવનનો માર્ગ છે. પણ તમે જો તાઓ માર્ગથી વિચલિત થશો તો સુખ અદ્રશ્ય થઇ જશે. તમે દુઃખી અને ઉદાસ થઇ જશો. જીવનમાં નરક સર્જાશે. નરક એ પણ કેવળ લક્ષણ છે. તેની સામે સંઘર્ષ ન કરો, એના બદલે તમે માત્ર એ વિચારો કે તમે જીવનમાં તાઓ માર્ગથી કયાં વિપરીત ચાલ્યા છો? બસ આટલું વિચારવું જ પર્યાપ્ત છે, પછી પાછા યોગ્ય માર્ગ પર આવી જઇને જીવનની સમતુલા પુનઃ પ્રાપ્ત કરી લો.

કોઇ વેળા તમે ઉદાસ હો, ત્યારે તે સ્થિતિ બદલવાનો સંઘર્ષ ના કરતા, ઉદાસિનતા એ પણ એક લક્ષણ છે, જે દર્શાવે છે કે કયાંક તમે ''યુનિવર્સલ લો''ની ખિલાફ ગયા છો. તમે એ વિશે વિચારો તો સ્વયંમ તમે પાછા જીવનનું સમતુલન પ્રાપ્ત કરી શકશો. ત્યારે કદાચ એક ''વળાંક'' ની જરૂર છે. તમારે કદાચ ડાબી કે જમણી બાજું થોડું ઝુકવાની જરૂર છે. જેથી કરીને તમે ફરી સમતુલા મેળવી શકો. જીવનમાં આ પ્રક્રિયા સતત ચાલતી રાખવાની છે.

    Sports

    RECENT NEWS