- દક્ષિણ ધ્રુવની સાહસયાત્રાએ નીકળેલા સાહસવીર અર્નેસ્ટ શેકલટનની ગણત્રી મુજબ
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-4
- દક્ષિણ ધ્રુવનો વેડેલ સમુદ્ર બહુ જ ખતરનાક અને અત્યંત જોખમી છે
- વેડેલ દરિયામાં એક પછી એક જાણે ગોઠવીને મુકી હોય તેવી ઘણી બધી હિમશિલાઓ હતી
વળી, શેકલટન કાંઈ પેસેન્જર ક્રુઝમાં સહેલગાહે નહોતા નીકળ્યા, પરંતુ South Sea Islands ની જોખમી અને કઠિન સાહસયાત્રાએ નીકળ્યા હતા, જેમાં જાનનું જોખમ હતું.
દક્ષિણ અમેરિકાના દેશ આર્જેન્ટિનાના પાટનગર બુએનોસ આઈરેસ સુધીની સાગર સફર તો કોઈપણ જાતની તકલીફ વગર સરળ રહી. તારીખ ૨૬ ઓક્ટોબરે અમે ત્યાંથી સાઉથ જ્યોર્જિયા જવા માટે આગળ વધ્યા-બ્રિટિશ સામ્રાજ્યનું આ છેક દક્ષિણ તરફનું થાણું હતું. અહીં અમે આખરી તૈયારી માટે લગભગ એકાદ મહિનો રોકાયા.
અમે બુએનોસ આઈરેસ પોર્ટ છોડયું તે વખતે અમને મહાયુધ્ધના છેલ્લા ન્યૂઝ જાણવા મળ્યા મુજબ રશિયન લશ્કરનું સ્ટિમરોલર આગળ વધી રહ્યું'તું. ત્યાં અમને એવી ખબર પણ ઘણાં પાસેથી જાણવા મળી કે આ વિશ્વયુધ્ધ લગભગ છએક મહિનામાં ખતમ થઈ જશે.
અમે દેશસેવામાં જોડાઈ ન શકવાના ખેદ સાથે આગળ વધવા માટે તૈયાર થયા. પણ સાથોસાથ અમને મનોમન ગૌરવ હતું કે અમારા દેશનું સન્માન વધે એવી સાહસયાત્રાએ અમે જઈ રહ્યા છે.
તા. ૧૫ ડિસેમ્બરે સાઉથ જ્યોર્જિયા છોડવાનું અમે નક્કી કર્યૂં. એ સમયગાળા દરમિયાન અમે અહીંથી વેડેલ સમુદ્ર વિશે સારી એવી જાણકારી મેળવી લીધી. વેડેલ સમુદ્રમાં જવાનો સૌથી શ્રેષ્ઠ સમય ફેબુ્રઆરીના અંતમાં અથવા માર્ચની શરૂઆતમાં છે. અગાઉ વેડેલ સમુદ્રમાં જઈ આવેલા સાહસિકો પાસેથી અમને એ સમુદ્રની ખાસિયતો અને એ સમુદ્રમાં ક્યારે બરફની શી સ્થિતિ હોય છે, કે ગ્લેસિયર ક્યારે તૂટતા હોય છે, એની ઘણી બધી જાણકારી અમને મળી ગઈ.
આ તમામ માહિતીના આધારે અમે અમારા જહાજમાં બળતણ માટે પુરતા પ્રમાણમાં કોલસાનો જથ્થો ભરી દીધો.
વેડેલ સમુદ્રમાં પહોંચતા શિયાળો શરૂ થઈ જવાનો હતો. પરંતુ આ સમયગાળામાં અમારૂં જહાજ લાંગરવા માટે સલામત હાર્બર શોધવાનું કામ જરા મુશ્કેલ હતું.
જો ત્યાં અમને સલામત હોય એવું હાર્બર ન મળવાનું હોય તો બહેતર છે કે આખો શિયાળો અમે સાઉથ જ્યોર્જિયામાં રોકાઈએ.
તાલીમ પામેલા અમારા ડોગ્સ રોજના ૧૫ થી ૨૦ માઈલ બરફાચ્છાદિત દક્ષિણ ધ્રુવમાં સ્લેજગાડીઓ ખેંચી શકે એટલા સશક્ત હતા.
આવી બધી રીતે ગણત્રી મુકતા અમને લાગ્યું કે દક્ષિણ ધ્રુવ ખંડને અમે ૧૨૦ દિવસમાં પાર કરી શકીશું, સિવાય કે રસ્તામાં કોઈ અણધારી મુસીબત ટપકી પડે.
વેડેલ સમુદ્ર બહુ જ ખતરનાક અને જોખમી છે. એ સમુદ્રનો પ્રવાસ ખૂબ કઠિન બની રહે તેવો છે અને ત્યાં કોઈ હાર્બર પર જહાજ લાંગરવાનું કાર્ય પણ બહુ મુશ્કેલ છે.
ખલાસીઓ, સાહસિકો અને વૈજ્ઞાનિક સંશોધકો માટે વેડેલ સમુદ્રનો પ્રવાસ ઘણી બધી મુશ્કેલીઓ સર્જે એવો છે. આ સમુદ્રમાં પવનની ગતિ સરખામણીમાં ઓછી હોય છે, પણ પરિણામ એ આવે છે કે એ વિસ્તારમાં ગ્રીષ્મ ઋતુ દરમિયાન પણ બરફના ચોસલા જામતા રહે છે. વેડેલ સીમાં ભારે પવન નહીં ફૂંકાતા હોવાથી અહીં બરફના થરના થર એક જગ્યાએ મોટી સંખ્યામાં ભેગા થતા રહે છે.
પછી થાય છે એવું કે જંગી માત્રામાં જામેલા બરફના આ થર દરિયાઈ પ્રવાહમાં ખેંચાતા ખેંચાતા પૂર્વીય કાંઠા વિસ્તાર તરફ ઢસડાય છે. અને વેડેલ સમુદ્રના ઉપસાગરમાં કે કાંઠા વિસ્તારનો વળાંક બરફની હિમનદીથી લગભગ બ્લોક થઈ જાય છે.
છેવટે સાઉથ જ્યોર્જિયાથી નીકળવાની ઘડી આવી પહોંચી. ૧૯૧૪ ની પાંચમી ડિસેમ્બરે સવારે ૮.૪૫ વાગે જહાજનું લંગર છોડવાનો મેં આદેશ આપ્યો. ખલાસીઓએ અમારા ''Endurance '' જહાજનું લંગર છોડયું ને એ સાથે જ વિકસિત સંસ્કૃતિ સાથેની અમારી લિન્ક કપાઈ ગઈ. કહેવાનો મતલબ કે અમે હવે સંપૂર્ણ બરફાચ્છાદિત અને જ્યાં કોઈ માનવ વસ્તી નથી વિકસી એવા નિર્જન ખંડ તરફ જઈ રહ્યા છે.
સવારનો સમય વાદળછાયો અને ડલ હતો, વચ્ચે વચ્ચે પવનના સૂસવાટા સાથે ક્યારેક બરફ વર્ષા થતી હતી. પણ જહાજમાં અમે બધા હળવા મુડમાં હતા. એક વર્ષથી થતી તૈયારીઓ બાદ હવે સાહસયાત્રાની ખરી શરૂઆત થઈ રહી હતી.
અમને આશા હતી કે ઉત્તર તરફથી આવતી એકાદ સ્ટિમરના માણસો પાસેથી અમને મહાયુધ્ધની કોઈકને કોઈક ખબર મળશે પણ બીજા દિવસે સાંજે મળેલી સ્ટિમરમાંથી અમને ઝાઝા કોઈ ન્યૂઝ ન મળ્યા. એ સ્ટિમરના કેપ્ટન અને ખલાસીઓ જર્મન તરફી લાગ્યા.
બપોરના સમયગાળામાં ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે સતત વરસાદ વરસતો રહ્યો, પણ તે પછી વાતાવરણ ચોખ્ખું થઈ ગયું, વાદળો વિખેરાઈ ગયા. દૂરથી અમને સાઉથ જ્યોર્જિયાનો દરિયાકાંઠો દેખાઈ રહ્યો હતો. અમારૂં જહાજ દક્ષિણ પૂર્વ દિશા તરફ આગળ વધતું'તું.
લાંબો અને જોખમી પ્રવાસ હોવાથી ''એન્ડયુરન્સ'' માં બળતણ તરીકે અમે પુરતા પ્રમાણમાં કોલસાનો જથ્થો ઠાંસોઠાંસ ભર્યો હતો, તે ઉપરાંત બરફાળ પ્રદેશમાં સ્લેજ ગાડી ખેંચવા માટે અમે અમારા જહાજમાં સંખ્યાબંધ Dogs પણ લીધા હોવાથી તેમના ખોરાક માટે એકાદ ટન જેટલું વ્હેલનું માંસ પણ લઈ ગયું હતું.
રાત્રે ઉત્તર તરફથી તાજી હવાના સુસવાટા ફૂંકાતા હતા. દરિયાઈ મુસાફરીમાં વચ્ચે વચ્ચે બે મોટી હિમશિલાઓ અમે પસાર કરી. માર્ગમાં સંખ્યાબંધ હિમખંડો અને કાંઈ કેટલાય બરફના ચોસલાઓ પસાર કરતું ''એન્ડયુરન્સ'' આગળ વધી રહ્યું હતું.
અમારે સેન્ડર્સ આઈલેન્ડ અને કેન્ડલ માસ વોલ્કેનો વચ્ચેથી પસાર થવાનું હતું. સાતમી ડિસેમ્બરે સવારે છ વાગે દરિયો, જે આગલા આખા દિવસ દરમિયાન લીલાશ પડતા પાણીવાળો હતો, તે અચાનક ઘેરા ભૂરા રંગનો થઈ ગયો.
વેડેલ સી થોડો તોફાની હોવા છતાં અમારૂં જહાજ સલામત રીતે આગળ વધતું રહ્યું. જહાજના સ્ટાફના કેટલાક માણસો ડેક પરથી કોલસાનો જથ્થો નીચે બન્કરોમાં ટ્રાન્સફર કરી રહ્યા હતા.
બપોર થતા સુધીમાં અમને સેન્ડર્સ આઈલેન્ડ અને કેન્ડલમાસ વોલ્કેનો નજરે પડવા માંડયા અને ઢળતી સાંજના છ વાગ્યા દરમિયાન અમારૂં જહાજ, એ બેની વચ્ચેથી પસાર પણ થઈ ગયું.
જહાજના કેપ્ટન વર્સલિના નિરીક્ષણ મુજબ સેન્ડર્સ આઈલેન્ડ અમારા જહાજથી પૂર્વમાં અંદાજે ત્રણ માઈલ અને ઉત્તરે પાંચેક માઈલ દૂરી પર હતો.
ટાપુઓની પૂર્વમાં એક પછી એક જાણે ગોઠવીને મુકી હોય તેવી ઘણી બધી હિમશિલાઓ દરિયામાં દ્રષ્ટિગોચર થતી હતી, તે પૈકીની કેટલીક હિમશિલાઓ પર એક કોષિય શેવાળના થર જામી ગયા હતા એટલે તે લીલાશ પડતી હોવાનો ભાસ ઊભી કરતી હતી.
(ક્રમશઃ)


