Get The App

બરફાચ્છાદિત રસ્તે દિવસો સુધી માણસ નથી દેખાતો

- અલાસ્કાના નેનાના ટાઉનથી નોમ ટાઉન સુધીના ૬૭૪ પાઈલના

- સારાંશ- વિનોદ ડી. ભટ્ટ

Updated: Jul 7th, 2020

GS TEAM

Google News
Google News

સ્લેજ ડોગની વિરોચિત કહાની- ભાગ-14

- નેનાનાથી નોમના રસ્તે સ્લેજના ડ્રાયવરે સંખ્યાબંધ જોખમોનો સામનો કરવો પડે છે

- નેનાના સ્ટેશને સ્લેજનો ડ્રાયવવાઈલ્ડ બિલ દવાના પાર્સલની રાહ જોતો બેઠો હતો

બરફાચ્છાદિત રસ્તે દિવસો સુધી માણસ નથી દેખાતો 1 - image

વર્ષ ૧૯૨૫ના સમયગાળામાં અલાસ્કામાં ટ્રાન્સપોર્ટેશન માટે હજી ટ્રેન, બસ કે પ્લેન સર્વિસ ખાસ શરૂ થઇ ના હોવાથી દાયકાઓથી જે સિસ્ટમ અલાસ્કાના મૂળ રહેવાસીઓ એવા એસ્કિમોએ વિકસાવી હતી, તે સ્લેજ ગાડીનો જ  ઉપયોગ કરવાનું અલાસ્કાના ગવર્નરને યોગ્ય લાગ્યું.

ડિપ્થેરિઆની મહામારીમાં સપડાયેલા નોમ પ્રદેશના રહીશો માટે હાલના આ વિકટ સંજોગોમાં તો ડોગ્સ ટીમ જ એક આશાના કિરણરૂપ હતી. એસ્કિમો માટે ડોગ્સ 'સિકસ્થ સેન્સ' છે. ડોગ્સ તેમના વધારાના નાક, કાન અને આંખો છે.  અલાસ્કાના બરફાળ પ્રદેશમાં એસ્કિમો માટે ડોગ્સે જ જીવન શક્ય બનાવ્યું છે. અલાસ્કામાં સાત- સાત મહિના જેટલા ઠંડાગાર લાંબા શિયાળામાં એસ્કિમો ડોગ્સના સહારે જીવે છે.  આ પ્રદેશમાં માણસનું અસ્તિત્વ ડોગ્સને આભારી છે કે ડોગ્સનું અસ્તિત્વ માણસને આભારી છે, તે નક્કી કરવાનું અઘરૂં છે, પણ એક  વાત નિશ્ચિત છે કે અહીં બન્નેએ   એકમેકના સહારે પોત-પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. એસ્કિમો એક ગામથી બીજે ગામ જવા માટે અને સામાનની હેરાફેરી માટે સ્લેજ ગાડીનો ઉપયોગ કરે છે, અને સ્લેજ ગાડીએ જોતરવા માટે સારા ડોગ્સ અનિવાર્ય છે. તે ઉપરાંત એસ્કિમો ડોગ્સની સુંવાળી રૂંવાટીવાળા ચામડામાંથી અતિશય ઠંડીમાં રક્ષણ માટે કોટ બનાવે છે. વળી તેઓ ડોગ્સનું માંસ પણ ખાય છે. બરફીલા પ્રદેશમાં સીલના શિકાર માટે એસ્કિમો ડોગ્સને સાથે લઈ જાય  છે  કારણ કે ડોગ્સને દૂરથી જ સીલની ગંધ આવી જતાં તે  એ તરફ દોડે છે. આમ ડોગ્સ એસ્કિમો માટે અત્યંત ઉપયોગી પ્રાણી બની ગયું છે.

નેનાના ટાઉનથી ૬૭૪ માઇલ દૂરના નોમ ટાઉન જવા માટે નેનાના સ્ટેશનેથી નીકળીને પછી તનાના નદીના કિનારે  કિનારે પશ્ચિમ દિશામાં ૧૩૭ માઇલનું અંતર કાપ્યા પછી તનાના નદી યુકોન નદીને જ્યાં મળે છે, તે તનાના ગામ આવે છે. ત્યાંથી યુકોન નદીના કિનારે કિનારે ૨૩૦ માઇલની દૂરી પર કાલટેગ ગામ  આવે છે. તે પછી ઊંચી ભેખડો પરનો રસ્તો બેરિંગ સમુદ્રને સમાંતર આગળ વધીને છેક નોમ ટાઉન સુધી જાય છે.

નોમ ટાઉન સુધીનો લાંબો આ બરફીલો માર્ગ એવો છે કે ઘણી વખત દિવસો સુધી તમને રસ્તામાં એકેય માણસ જોવા ન મળે. કુદરતની આ અનોખી લીલા છે, જયાં માણસને દિલના ઊંડાણથી સાચેસાચ અહેસાસ થઇ જાય કે કુદરત આગળ કાળા માથાનો માનવી તો સાવ જ વામણો છે.

તનાના અને યુકોન, એ બે નદીઓ અલાસ્કાના ઊંડાણના ગ્રામ્ય વિસ્તારો સુધી વિસ્તરેલી છે. અલાસ્કાના 'ેહાર્ટ સમો' આ બરફીલો વિસ્તાર ચમકીલા સફેદ મૌનનો અફાટ દયાહીન વિસ્તાર છે. દયાહીન એટલા માટે કે અહીં લગભગ તમામ હિલચાલ જાણે સ્થગિત થઇ ગઇ છે. અને માણસની નાનકડી ભૂલ કે જરા જેટલી બેદરકારી તેને તત્કાલ મોતને ઘાટ ઊતારી દે છે. આકાશ એકદમ સફેદ અને ચોખ્ખું છે. આવા તદન નિઃશબ્દ વાતાવરણમાં જરા જેટલો અવાજ કરવો એ આ પવિત્ર પ્રદેશમાં ગંભીર પાપ કરવા સમાન છે.

ચોતરફ પથરાયેલી બરફની જાડી ચાદર  પર ટાંકણી પડે તો પણ અવાજ થાય એવા આ બરફના અફાટ રણમાં માણસ ખુદ પોતાના અવાજથી પણ ભડકી ઊઠે એવી પરમ શાંતિ સર્વત્ર પથરાયેલી છે. આસપાસ  ચોપાસ બરફના જાડા જાડા થર જામી ગયેલો આ વિસ્તાર જાણે ''મૃત વિશ્વ'' હોય એમ દિસે છે, જ્યાં સ્લેજ ગાડીના ડ્રાયવર જેવો કોઇ માણસ જાનનું જોખમ ખેડીને જાય તો ખરો, પણ આ વિસ્તારમાં આવ્યા પછી એ જાંબાઝ માણસ ધુ્રજી ઊઠે  છે, અને તેને સાચા અંતઃકરણથી અહેસાસ થઇ જાય છે કે પ્રચંડ કુદરત આગળ તો પોતે એક મગતરા કે ક્ષુદ્દ જંતુથી વિશેષ કશુ જ નથી..

કાલટેગ ગામથી થોડે આગળ યુકોન નદી બેરિંગ સમુદ્રમાં ભળી જાય છે, અને અહીંથી પહાડી રસ્તો શરૂ થાય છે.  દરિયાઇ સપાટીથી ઊંચા આ પર્વતીય વિસ્તારમાં વચ્ચે જંગલ પણ આવે છે. દરિયા કાંઠાને સમાંતર આ રસ્તો હોવાથી ઘણી વખત સ્લેજ ગાડીના ડ્રાયવરે તોફાની દરિયાનો પણ સામનો કરવાની નોબત આવી પડે છે. દરિયા કાંઠાના રસ્તે જામી ગયેલો બરફ વધુ પડતો ઠંડો અને 'હાર્ડ'  હોય છે. પછીનો ૨૦૮ માઇલનો રસ્તો આનાથીય વધારો જોખમી છે. 

ટૂંકમાં નેનાનાથી નોમ સુધીનો ૬૭૪ માઇલ લાંબો રસ્તો અનેક જોખમોથી ભરેલો છે. સ્લેજ ગાડીનો ડ્રાયવર જો જરા જેટલો પણ ગાફેલ રહે અથવા તો જો એ તમામ પ્રકારની પુરતી તૈયારી વગર આ રસ્તે નીકળ્યો હોય તો માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા થવાનું કે યમદ્વારે પહોંચી જવાનું મોટું જોખમ ઊભું થઈ જાય છે.

મોટે ભાગે પોસ્ટ ખાતાની મેલ ટીમના ડ્રાયવરો જ આ રસ્તે આવવાનું જોખમ ઉઠાવે છે, જ્યાં બીજા કોઈ, આવતા ડરે છે. મેલ ટીમના ડ્રાયવરો હિમ ઝંઝાવાત અને હિમ વર્ષાથી તેમજ ભયંકર ઠંડી સામે ઝઝુમવાથી ટેવાઈ ગયા છે.

એટલે જ છૂટી છવાઈ વસાહતોમાં કે નાના નાના ગામો અને નગરોમાં રહેતા લોકો સ્લેજ ગાડીના ડ્રાયવરોને ખૂબ  માન આપે છે, કારણ વિષમ ઠંડી વચ્ચે પણ તેઓ ટપાલ પહોંચાડવાનું કામ કરે છે. ગામલોકો મેલ ટીમના ડ્રાયવરોની સારી સરભરા કરવા ઉપરાંત ગામની ધર્મશાળા અને રસ્તા વચ્ચેના આશ્રયસ્થાનોમાં તેમને પહેલો ઊતારો આપે છે. અને તેમને રહેવાની  સારી સગવડ કરી આપે છે. એટલું જ નહીં સ્લેજ ગાડીના ડોગ્સને પણ સારૂં ખાવાનું આપી તેમને સુવા માટે સુકા ઘાસની મજાની પથારી પણ કરી આપે છે.

સ્લેજ ગાડીના ડ્રાયવરોની જેમ ગાડીના ડોગ્સ પણ જોખમો ઊઠાવે છે અને ગામ લોકોને સુપેરે ખબર છે કે હિંમતબાજ ડ્રાયવર અને  તાકતવર ડોગ્સ વગર આખા અલાસ્કામાં બીજુ  કોઈ તેમને ટપાલ પહોંચાડી શકે તેમ નથી. 

અલાસ્કાના એન્કરેજ ટાઉન સ્ટેશનેથી ડો. જ્હોન બ્રેડલી બિસને તા.૨૬મી જાન્યુઆરીને સોમવારે રાત્રે નવ વાગ્યાની ટ્રેનમાં સિરમનો જથ્થો બરાબર પેક કરીને રવાના કર્યો હતો. દવાનું આ પાર્સલ ૨૦ પાઉન્ડ વજનનું હતું.

એન્કરેજથી રવાના થયેલી ટ્રેનને નેનાના ટાઉન પહોંચતા લગભગ ૨૪ કલાકનો સમય લાગે છે. એટલે તા.૨૭ જાન્યુઆરીને મંગળવારે રાત્રે ૯ વાગ્યાના આરસામાં વાઇલ્ડ બિલ શાનોન તેની સ્લેજગાડી લઇ નેનાના સ્ટેશને ટ્રેનની રાહ જોતો બેઠો હતો. એન્કરેજથી ટ્રેન જેવી નેનાના સ્ટેશને આવે કે તુરત ડો. જ્હોન બ્રેડલી બિસને એન્કરેજથી મોકલેલું સિરમનું પાર્સલ લઇ વાઇલ્ડ બિલે તેની સ્લેજગાડી નોમ ટાઉનના રસ્તે તેજ ગતિએ દોડાવી મુકવાની હતી.

વાઇલ્ડ બિલ, એકવડિયા બાંધાનો લંબૂશ યુવાન હતો. અલાસ્કાની મેલ ટીમનો એ જાંબાઝ ડ્રાયવર ગણાતો હતો. તેની પાસે આ વિસ્તારમાં સૌથી તીવ્ર ગતિએ દોડતા ડોગ્સની ટીમ હતી. બરફાળ માર્ગ પર હિમ ઝંઝાવાત વચ્ચે પણ જાનનું જોખમ લઇ તે સ્લેજ ગાડી દોડાવતો હોવાથી ડ્રાયવર બિલ શાનોનનું નામ વાઇલ્ડ બિલ પડી ગયું હતું અને બધા લોકો હવે તેને વાઇલ્ડ બિલના નામે જ ઓળખતા હતા.

હિમ ઝંઝાવાત વચ્ચે હિમ વર્ષા શરૂ થાય, એવા વિકટ સંજોગોમાં પણ તેજ ગતિએ સ્લેજ ગાડી હંકારવામાં વાઇલ્ડ બિલની માસ્ટરી હતી. ભયંકર ઠંડીમાં પણ ડોગ્સને દોડાવતા રહેવાનું કામ બહુ કપરૂ હોય છે, પણ વાઇલ્ડ બિલ આ બધી જ બાબતોમાં નિપુણ હતો. 

Tags :