For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઘ્રુજી ઉઠેલી દેખાવડી દુઆને નજર સામે મોત દેખાયું

Updated: Oct 5th, 2022

Article Content Image

- એક રાત પ્રેમી સાથે ભાગી ગયેલી યુવતી દુઆને સજા-એ-મોત ફરમાવાઈ

- સારાંશ - વિનોદ  ડી. ભટ્ટ

- ભાગ-1

- આફ્રિકા અને એશિયાના કેટલાક દેશોમાં સ્ત્રીઓ છોકરીઓ પર ગુજારાતા બેરહમ અત્યાચારો

- હાફ ધ સ્કાય...પુસ્તક વાંચ્યા પછી દિવસો સુધી તમારી નીંદ હરામ થઈ જશે

હાફ ધ સ્કાય પુસ્તકમાં આફ્રિકા અને એશિયાના કેટલાક દેશોમાં છોકરીઓ તેમજ સ્ત્રીઓ પર ગુજારાતા બેરહમ અત્યાચારોની કમકમા ઉપજાવે તેવી દર્દનાક ઘટનાઓ વાંચકના મનોવિશ્વમાં ખળભળાટ સર્જી દે તેવી છે. ન્યૂયોર્ક ટાઇમ્સના વરિષ્ઠ પત્રકાર દંપતી નિકોલસ ડી, ક્રિસ્ટોફ અને તેમના પત્ની શેરિલ લિખિત 'હાફ ધ સ્કાય - હાઉ ટુ ચેન્જ ધ વર્લ્ડ'  એક  અલગ જ પ્રકારનું પુસ્તક છે, કે જ્યાં વાંચ્યા પછી કેટલાય દિવસ સુધી તમે ચેનથી સૂઇ નહીં શકો,  તમારી નીંદ હરામ થઇ જશે.

વિજ્ઞાાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં આધુનિક માણસે જબ્બર હરણફાળ ભરી છે. ચંદ્રની ભૂમિ પર પગરણ માંડયા પછી હવે માણસ મંગળ પર પગ મુકવાની તૈયારી કરી રહ્યો છે, ભૌતિકવાદમાં માણસ આગળને આગળ વધે છે, પણ માનવીય આદર્શો, મૂલ્યો કે નીતિમત્તાના ક્ષેત્રે તેનું સતત ધોવાણ થઇ રહ્યું છે.

પુસ્તક પુરૂં કર્યા પછી, ૨૧મી સદીમાં પણ આવી કારમી અને કલંકિત ઘટનાઓ બની શકે ખરી? એવો સવાલ, મોટો પ્રશ્નાર્થ બનીને સતત તમારા મનમાં ઘુમરાયા કરશે.

વાંચનારને મનોમન ઘ્રુજાવી દે તેવી અત્યાચારી ઘટનાઓ આ પુસ્તકમાં આલેખાઇ છે, પણ સાથોસાથ આવા ભયંકર અતિરેકો વચ્ચે પણ અસાધારણ હિંમત દાખવનાર મજબૂત મનોબળવાળી સ્ત્રીઓની પ્રેરણાદાયી વાતો પણ પુસ્તકમાં વાંચવા મળે છે.

હોલિવુડની સ્ટાર એકટ્રેસ એન્જેલીના જોલીએ આ પુસ્તક વાંચીને લખ્યું છે કે જીવન એકદમ અકારૂં લાગે અને જીવનમાં તદ્દન ભાંગી પડાય એવી વિકટ પરિસ્થિતિ સર્જાઇ હોય છતાં આવી દારૂણ સ્થિતિમાં હતાશ થઇ ભાંગી પડવાને બદલે જુસ્સાથી જીવનમાં આગળ વધતી સ્ત્રીઓની લોખંડી હિંમતની વાતો આ પુસ્તકમાં છે. હાથમાંથી નીચે મુકવાનું મન ન થાય એવું આ પુસ્તક છે.

'હાફ ધ સ્કાય' ની કેટલીક કાળજુ  કંપાવતી વાતો....

ઉત્તરીય ઇરાકમાં કુર્દીશ કોમની એક સ્વરૂપવાન યુવતી નામે દુઆ આસ્વદ યૌવનના ઉંમરે ડગ દેતાની સાથે જ એક સુન્ની આરબ યુવાનના પ્રેમમાં પડી ગઇ. દુઆ આસ્વદે તેના બોયફ્રેન્ડ સાથે એક રાત બહાર વીતાવી. જો કે આ પ્રેમી યુગલે તે મધુર રાતે સંયમની મર્યાદા ઓળંગી છે કે નહીં તેની ખાતરી કર્યા વગર દુઆના પરિવારજનોએ માની લીધું કે આ દેખાવડી છોકરી નક્કી ન કરવાનું કરી બેઠી છે.

બીજા દિવસે સવારે પ્રેમીથી છૂટા પડીને ઘેર પાછી ફરેલી દુઆએ બધાના મોં પર ભયંકર ગુસ્સાના ભાવ જોયા. એ ગભરાઇ ગઇ. ફફડી ઊઠેલી દુઆ બચવા માટે ગામના એક વડીલના ઘરમાં દોડી ગઇ.

પણ કુંવારી જોબનવંતી છોકરી કોઇ યુવાન સાથે રાતભર બહાર રહી આવે, એ વાત છોકરીના પરિવારને કે સમાજને જરા પણ સ્વીકાર્ય નહોતી.

દુઆના કુટુંબીજનો અને ગામના ધર્મગુરૂ પેલા વડીલના ઘર પાસે પહોંચ્યા અને જાહેર કર્યૂં કે આ છોકરીને હવે જીવવાનો કોઇ અધિકાર નથી.

આઠ હટ્ટાકટ્ટા માણસો, દુઆએ જ્યાં આશરો લીધો હતો એ ઘરમાં ઘૂસી ગયા. દુઆને તેઓ બધા રસ્તા વચ્ચે ઢસડી લાવ્યા. તમાશાને  તેડું ન હોય. વાત વાયુવેગે ગામમાં ફરી વળતા ગામ આખું ત્યાં ટોળે વળી ગયું.

ઇરાકની કુર્દીસ્તાન પ્રાંતમાં 'ઓનર કિલિંગ' ગેરકાનૂની કૃત્ય છે, તેમ છતાં ત્યાં આ અધમ કૃત્ય પોલીસની હાજરીમાં થાય છે.

૧૦૦૦ માણસોના ટોળા વચ્ચે નિઃસહાય દુઆ બચવા માટે બે હાથ જોડી બધાને આજીજી કરતી રહી પણ કોઇએ તેની કાકલૂદી ધ્યાનમાં ન લીધી. બે-ચાર જણે તેને જોરદાર ધક્કો મારી ભોંય પર પાડી દીધી.

એક 'મરદ' માણસે આ સ્વરૂપવાન યુવતીને ૧૦૦૦ના ટોળા વચ્ચે નિર્વસ્ત્ર કરવાના નિર્લજ આશયથી તેનંય સ્કર્ડ ફાડી નાંખ્યું. શરમની મારી દુઆ બેબાકળી બની ગઇ.

ઊભી થઇ ભાગવાનો દુઆએ પ્રયાસ કરતા જ બીજા એક ગ્રામજને તે જાણે ફૂટબોલ હોય એ રીતે તેને જોરથી લાત ફટકારી. દુઆ ઘ્રુજી ઊઠી.

ગભરાયેલી હરણીની જેમ નાજુક દુઆએ બચવા માટે, ચારે તરફ અશ્રુભીની આંખે, આશાભરી નજર દોડાવી કે ટોળામાંથી કોઇ એકાદ હિંમતવાન દયાળુ માણસ આ નરપિશાચોથી તેને બચાવવા આગળ આવે.

આ દરમિયાન કેટલાક જુવાનિયાઓએ આસપાસથી પથરા અને ઇંટોના ટૂકડા ભેગા કરી નજીકમાં ઢગલો ખડકી દીધો. દુઆને હવે નજર સામે મોત દેખાવા માંડયું.

સમાજના કહેવાતા બંધન તોડવાનો દુઆએ અક્ષમ્ય અપરાધ કર્યો હતો. ઉશ્કેરાયેલા ગામ લોકોએ દુઆ પર પથ્થરો અને ઇંટોના ટૂકડાઓનો વરસાદ વરસાવવા માંડયો. દર્દનાક ચીસો વચ્ચે દુઆનું નાજુક-નમણું શરીર લોહીલુહાણ થઇ ગયું. બે-ચાર મોટા પથરાએ દુઆનું માથું ફાડી નાખ્યું. અડધા કલાકમાં રીબાઇ રીબાઇને દુઆએ આખરી શ્વાસ છોડયો. 

યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના એક અંદાજ મુજબ 'ઓનર કિલિંગ'ના વિશ્વમાં વર્ષે ૫૦૦૦ કિસ્સા બને છે. વર્ષ ૨૦૦૩માં પાકિસ્તાનમાં ઓનર કિલિંગના ૧૨૬૧ કિસ્સા બન્યા હોવાનો ખુદ પાક સરકારનો અંદાજ છે.

દુનિયાભરમાં ઓનર કિલિંગના ઘણાં બધા કિસ્સા - અકસ્માત કે આપઘાતમાં ખપાવી દેવાય છે.

ઉલ્લેખનીય છે કે ખુદ આપણા દેશમાં પણ ઓનર કિલિંગના કિસ્સા નોંધાયા છે. કોઇ પરિવારની યૌવનમાં ડગ દેતી યુવતી, કહેવાતી  ઊતરતી જ્ઞાાતિના કે પછી ઓછું ભણેલા અથવા ઓછુ કમાતા તેના ગરીબ પ્રેમી યુવાન સાથે ભાગી જાય તો યુવતીના સગા-સંબંધીઓ એ યુવતીની કે તેના પ્રેમીની અથવા તો એ બન્નેની હત્યા કરાવી નાંખે છે. યુવતીના પરિવારજનો  મધ્યયુગની એવી ખોટી વિચારધારા ધરાવતા હોય છે કે છોકરીએ કહેવાતી હલકી વરણના યુવાન સાથે ભાગી જઇને ગામમાં અને સમાજમાં કુટુંબની આબરૂને બટ્ટો લગાડી દીધો છે; માટે મોભાદાર કુટુંબની આબરૂ બચાવવાનો હવે એકમાત્ર ઉપાય, એવી છોકરીને નામશેષ કરી નાંખવાનો છે.

ખાસ કરીને ઉત્તરપ્રદેશ, બિહાર અને ક્યારેક ખુદ રાજધાની દિલ્હીમાં ઓનર કિલિંગની ઘટનાઓ નોંધાઇ છે.

આફ્રિકાના ગરીબ દેશ સુદાનમાં લગભગ ૪૦ વર્ષ સુધી આંતર વિગ્રહ ચાલ્યો હતો. તે દરમિયાન ત્યાંના ડારકુર પ્રદેશમાં સરકાર પ્રેરિત 'જાન્જાવીડ નાગરિક દળ' ના સૈનિકોએ બેફામ રીતે છોકરીઓ અને સ્ત્રીઓ પર બળાત્કાર ગુજાર્યા હતા.

(ક્રમશઃ)

Gujarat