- હજારો યહૂદીઓને સામૂહિકરીતે ગેસ ચેમ્બર્સમાં ધકેલી દેવાની પૂર્વ તૈયારીઓ
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-11
- પાણી અને ખોરાક વિના ટ્રાન્ઝિટ સેન્ટરમાં ટળવળતા હજારો પુરૂષો, સ્ત્રીઓને બાળકો
- ટ્રાન્ઝિટ સેન્ટરમાંથી ભાગવાની કોશિશ કરતા યહૂદીઓને પોલીસો મારી નાંખતા
રસ્તા પર ઊભી રાખેલી સંખ્યાબંધ ઘોડાગાડીઓમાં ઠાંસી ઠાંસીને યહૂદી પરિવારોને દંડાના જોરે બેસાડી દેવાતા હતા. એ બધી ઘોડાગાડીઓ પછી ''ટ્રાન્ઝિટ સેન્ટર'' હંકારી જવાની અને ત્યાંથી પછી બધાને ટ્રકોમાં ખીચોખીચ ભરીને અજાણી જગ્યાએ લઇ જવાયા.
યહૂદીઓનું આ સ્થળાંતર ઝડપથી કરવા જર્મનોએ એક લલચામણી ટ્રિક અજમાવી.
યહૂદીઓને લલચાવવા માટે જર્મનોએ વસાહતની દીવાલો પર ઠેર ઠેર પોસ્ટરો ચોંટાડયા, જેમાં લખ્યું'તું કે જે યહૂદી સ્વૈચ્છિક રીતે સત્વરે ટ્રાન્ઝિટ સેન્ટરમાં આવી જશે, તેને બ્રેડ અને જામ અપાશે અને આવા યહૂદીઓને પરિવારના સભ્યોથી અલગ નહીં કરાય.
જર્મનોની આ જાહેરાતનો ગજબનો પડઘો પડયો. મોટી સંખ્યામાં સ્વેચ્છાએ ટ્રાન્ઝિટ સેન્ટર તરફ જવા માટે યહૂદીઓ દોડાદોડ કરવા માંડયા, જેના બે કારણો હતા.
એક તો મોટાભાગના યહૂદીઓ ભૂખમરાથી પીડાતા હતા અને બીજું કે પરિવારથી અલગ નહીં થવાની સૌની લાલસા.
બીજી ઓગસ્ટની વહેલી સવારે ગેસ્ટાપો પોલીસોએ વસાહતમાં એનાઉન્સ કર્યૂં કે આજે સાંજ સુધીમાં નાની વસાહતોના બધા જ યહૂદીઓએ પોત પોતાના ઘર છોડીને ટ્રાન્ઝિટ સેન્ટરોમાં પહોંચી જવું.
સ્લિસ્કા સ્ટ્રિટના અમારા ફલેટમાંથી જરૂરી સામાન અમે ઝડપથી પેક કરી દીધો. મેં ઘરવખરી સાથે મારૃં વાયોલિન અને અત્યાર સુધીના મારા વાલોયિનવાદનના કાર્યક્રમોની સૂચિ પણ સાથે લઈ લીધી.
રસ્તામાં અમારી સાથે ઘણાં બધા યહૂદી પરિવારો ટ્રાન્ઝિટ સેન્ટર જવા માટે ચાલી રહ્યા હતા. એક નાની વસાહતના યહૂદી અનાથાશ્રમના ઘણાં બધા બાળકો પણ અમારી સાથે ચાલતા હતા.
બાળકો ગભરાઈ ન જાય અને કોઈ અનિચ્છનીય ઘટના હવે બનવાની છે, એવી કોઈ દહેશત કે ગભરાટ તેમના મનમાં ન વ્યાપે એટલા માટે અનાથાશ્રમના સંચાલકે સૌ બાળકોને સારી સારી વાતો કરી એ દિવસે સરસ કપડાં પહેરવાની સૂચના આપી હતી.
રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરીને આવેલા આ અનાથ બાળકો શિસ્તબધ્ધ રીતે બબ્બેની હરોળમાં ચાલતા હતા ્ને બધાની આગળ ગેસ્ટાપોનો જવાન ચાલતો હતો, જેને બાળકો બહુ પ્રિય હતા.
એક બાળકના હાથમાં વાલોયિન હતું, એ જોઈ ગેસ્ટાપો પોલીસે તેને પહેલી હરોળમાં આવી જવા ઈશારો કર્યો અને પછી તેને કહ્યું, તું વાલોલિન વગાડતો વગાડતો ચાલ, તેની સાથે બાળકો ગીત ગાતા આનંદોલ્લાસથી આગળ વધી રહ્યા'તા.
આ માસૂમ બાળકોને ક્યાં ખબર હતી કે તેમની હર્ષોલ્લાસભરી આ કૂચ તેમની આખરી કૂચ બની રહેવાની હતી, પણ દુનિયાદારીની પાશવી ગતિવિધિઓથી સાવ જ અજાણ એવા નિર્દોષ અનાથ બાળકોને અણસાર સુધ્ધા નહોતો કે ઝેરી ગેસ ચેમ્બરમાં ધકેલી દઈ ગૂંગળામણથી તેઓ બધા એક સાથે યમદ્વારે પહોંચી જવાના છે.
વસાહતના છેવાડે ટ્રાન્ઝિટ સેન્ટર હતું. બાજુમાં જ રેલવે સાઈડિંગ હતું. ખુલ્લી બાજુએ ફેન્સિંગ કરાઈ હતી અને ઠેકઠેકાણે ગેટ મુકી દેવાયા હતા.
આ સેન્ટરમાં લગભગ આઠેક હજાર માણસો એકઠા થયા હતા. કેટલાક યહૂદીઓ પીવાના પાણીની શોધમાં આમ તેમ ફાંફાં મારી રહ્યા હતા.
આ કમ્પાઉન્ડની એક તરફ જ્યાંથી રસ્તો આગળ જતો હતો, એ બાજુ કોઈ યહૂદી દેખાતો નહોતો. ત્યાં જાણે શાપિત જગ્યા હોય તેમ બધા ગભરાટભરી નજરે જોતા હતા.
ગઈરાતે કદાચ એ રસ્તેથી કમ્પાઉન્ડમાંથી ભાગવાની કોશિશ કરતા યહૂદીઓને પોલીસોએ ગોળીઓથી ઠાર માર્યા હશે. તેમની સંખ્યાબંધ લાશો ત્યાં ખડકાયેલી હતી.
એ લાશોના છેવાડે એક યુવાન વયની સ્ત્રી અને બે બાળકીઓના મૃતદેહો પડયા હતા. ત્રણેયની ખોપરીના ફુરચેફુરચા ઊડી ગયા'તા.
નજીકની દીવાલ લોહીના ડાઘાથી લાલ લાલ થયેલી દેખાતી હતી. નાના બાળકોને ક્રુરતાથી મારી નાંખવાની જર્મન પોલીસોની એક ''મનપસંદ'' રીત હતી. ભૂલકાઓને બે પગે પકડી જર્મન પોલીસો તેમને ગોળ ગોળ ઘુમાવી, તેમના માથા દીવાલ સાથે વારંવાર ભટકાડતા હતા...! બાળકોની ખોપરી ભાંગીને ભુક્કા થતી જતી અને દીવાલ લોહીના લાલ રંગે રંગાઈ જતી હતી.હજી વધુને વધુ લોકોનો પ્રવાહ આ કમ્પાઉન્ડમાં આવી રહ્યો'તો. હવે અહીંં ભીડ વધી ગઈ હતી.
બધા એકબીજાને એક જ સવાલ પૂછી રહ્યા'તાઃ આપણને હવે અહીંથી ક્યાં લઈ જવાશે ?
સ્ત્રીઓ તેમના નાના બાળકો સાથે પાણીના ટીપા માટે આમથી તેમ ભટકી રહી હતી. જર્મનોએ જાણી જોઈને આ ટ્રાન્ઝિટ સેન્ટરમાં પાણીનો સપ્લાય બંધ કરી દીધો હતો. નિસ્તેજ આંખોવાળા બાળકોની પાણી માટેની બૂમાબૂમથી કમ્પાઉન્ડમાં શોરબકોર મચી ગયો હતો.
છેલ્લા કેટલાક દિવસોના ભૂખમરાથી બાળકો સાવ હાડપિંજર જેવા થઈ ગયા'તા.
મારા પરિવારના સભ્યો કમ્પાઉન્ડની એક તરફ ટોળે વળીને બેઠા હતા, સાથે મારી માતાની સહેલી અને તેમના કુટુંબના સભ્યો બેઠા હતા, બાજુમાં એક ડેન્ટિસ્ટ બેઠા હતા. જેનું ક્લિનિક અગાઉ અમારા ફલેટની બાજુમાં જ હતું. આ ડોકટર સાહેબ બહુ નિરાશાવાદી હતા. તેમના મનમાં જર્મનો પ્રત્યે ભયંકર આક્રોશ હતો.
પોતાની અંદરનો ભારે ઊકળાટ ઠાલવતા તેઓ મારા પિતા સાથે વાત કરી રહ્યા હતા કે આપણા માટે બહુ અપમાન અને શરમજનક વાત છે કે ઘેટાંબકરાને કતલખાને લઈ જવાય તેમ આ જર્મનો આપણને સૌને ગેસ ચેમ્બરમાં લઈ જાય છે. અને આપણે ચૂપચાપ આ બધુ ચાલવા દઈએ છીએ.
બધી વસાહતોમાં મળીને આપણે લગભગ ૫ લાખ યહૂદીઓ છે. ભેગા મળીને બધા જર્મનો પર હુમલા કરીએ તો વસાહતમાંથી આપણે ભાગી શકીએ તેમ છીએ. અને ધારો કે ન ભાગી શકાય તો કમ-સે-કમ ખુમારીથી માનપૂર્વક મોતને તો ભેટી જ શકીએ.
મારા પિતા શાંતિથી આ ડોકટરની વાત સાંભળતા હતા.
હળવા સ્મિત સાથે પોતાના ખભા ઉલાળતા ધીમા સ્વરે તેમણે ડોકટરને સવાલ કર્યો, તમે ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકો કે જર્મનો આપણને બધાને મારી નાંખવા માટે અહીં લાવ્યા છે ?
બાજુમાં બેઠેલા બિઝનેસમેન પણ મારા પિતા સાથે સંમત થતા બોલ્યા, આપણમાંના હજારો યહૂદીઓ શ્રમકાર્ય કરી શકે તેવા છે. જર્મનો એટલા બધા મૂર્ખ નથી કે આપણને સૌને મોતના મુખમાં ધકેલી છે. ઘણાંને તેઓ શ્રમ છાવણીમાં લઈ જશે, જ્યાં તેઓ આપણી પાસે મજૂરી કરાવશે.
(ક્રમશઃ)


