Get The App

બીજા વિશ્વયુધ્ધમાં રશિયા પર જર્મન આક્રમણની કંપાવનારી કહાની

Updated: Dec 4th, 2024

GS TEAM


Google News
Google News
બીજા વિશ્વયુધ્ધમાં રશિયા પર જર્મન આક્રમણની કંપાવનારી કહાની 1 - image


- મહા સંહારક ત્રીજા વિશ્વયુધ્ધના ભારેખમ ભણકારા વચ્ચે

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-1

- રશિયા અને જર્મનીના લાખ્ખો સૈનિકોનો એ મહા વિનાશક યુધ્ધમાં ભોગ લેવાયો હતો

- યુક્રેન હાલ રશિયાના હાથે ખુવાર થાય છે, બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીએ ખુવાર કર્યૂં હતું

પહેલા વિશ્વયુધ્ધને લગભગ ૧૦૬ વર્ષ પુરા થયા અને મહા વિનાશક બીજા વિશ્વયુધ્ધ પર અમેરિકન એટમબોમ્બે પડદો પાડવાની ફરજ પાડતાં બીજું વિશ્વયુધ્ધ પુરૂ થયે ૭૯ વર્ષ થયા છે. પહેલા વિશ્વયુધ્ધ પછી લગભગ ૨૧ વર્ષના સમયગાળા બાદ બીજુ વિશ્વયુધ્ધ ફાટી નીકળ્યું હતું.

સદ્નસીબે બીજા પછી ત્રીજુ વિશ્વયુધ્ધ હજી સુધી તો ફાટી નીકળ્યું નથી પણ ત્રીજા વિશ્વયુધ્ધના ભણકારા વાગી રહ્યા હોવાનો ભાસ થઈ રહ્યો છે.

હાલમાં દુનિયામાં બે સ્થળે લોહીયાળ યુધ્ધો ચાલી રહ્યા છે. (૧) રશિયા-યુક્રેન અને (૨) ઈઝરાયલ-પેલેસ્ટાઈન. તે ઉપરાંત સુદાન, મ્યાંમાર, હૈતી, બાંગ્લાદેશ જેવા કેટલાક નાના દેશોમાં ભારે હિંસાખોરી કે આંતરવિગ્રહો ચાલતા રહે છે.

આ બધા પ્રાદેશિક યુધ્ધો કે આંતરવિગ્રહોના તણખામાંથી ક્યારેક ત્રીજું વિશ્વયુધ્ધ ફાટી નીકળવાની દહેશત ફેલાતી રહે છે.

પેલેસ્ટાઈન-ઈઝરાયલ મહાયુધ્ધ ઈરાન અને લેબેનોન સુધી વિસ્તરી ચૂકયું છે. જયારે રશિયા-યુક્રેન યુધ્ધમાં એક તરફ રશિયા છે, જેને ચીન અને અન્ય કેટલાક દેશો ટેકો આપી રહ્યા છે. જયારે સામી બાજુ અમેરિકા અને યુરોપના દેશો યુક્રેનને ખુલ્લેઆમ શસ્ત્રો તેમજ આર્થિક સહાય પુરી પાડી રહયા છે.

આ ચિનગારીમાંથી શું એકાદ મોટો ભડકો કયાંક વિશ્વયુધ્ધ ફાટી નીકળવામાં નિમિત્તરૂપ બનશે ? તે આજે વિશ્વ સમુદાય સામે એક મહાપ્રશ્ન બની રહ્યો છે.

અમેરિકાના વિદાય લેતા પ્રમુખ જો બાઈડેને જતા જતા યુક્રેન-રશિયા યુધ્ધમાં એક મોટો પલિતો ચાંપ્યો છે. બાઈડેને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને કહ્યું કે, તમે અમેરિકાની લોન્ગ રેન્જ મિસાઈલનો ઉપયોગ રશિયા સામેના યુધ્ધમાં કરી શકો છો.

ઝેલેન્સ્કીએ લાંબો વિચાર કર્યા વગર જ અમેરિકન મિસાઈલો રશિયા પર છોડી. આથી ખૂબ જ છંછેડાયેલા રશિયન પ્રમુખ પુતિને ગર્જના કરી કે, અમે હવે ગમે ત્યારે પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરીશું.

પુતિનની આ મહાગર્જનાથી વિશ્વભરમાં ભારે ફફડાટ ફેલાયો. રશિયાના સરમુખત્યાર પુતિન જો એકાદ એટમબોમ્બ યુક્રેન પર ઝીંકી દે તો મહાવિનાશક ત્રીજા વિશ્વયુધ્ધના નિશ્ચિતપણે મંડાણ થઈ જાય, કારણ પછી તો યુક્રેનના બચાવમાં અમેરિકા અને યુરોપના દેશો ઝુકાવી જ દે... તો સામા પક્ષે રશિયા તરફે ચીન, નોર્થ કોરિઆ અને અન્ય દેશો જોડાઈ જશે...

આવા હિંસક માહોલ વચ્ચે બીજા વિશ્વયુધ્ધની કેટલીક વાતો યાદ કરવા જેવી છે અને આવા મહાયુધ્ધમાં કેટલી ખાનાખરાબી થાય છે, તેના આંકડા વાંચતા જ ભલભલાને કંપારી છૂટી જાય છે.

રશિયામાં  બીજા વિશ્વયુધ્ધ દરમિયાન રણમોરચે જઈ રશિયન સશસ્ત્ર દળોના અખબાર માટે અખબારી અહેવાલો લાવનાર વાસિલિ ગ્રોેસમેન નામના યુધ્ધ સંવાદદાતાએે ‘‘A WRITER AT WAR '' નામનું વિશ્વવિખ્યાત પુસ્તક લખ્યું છે. આ બેસ્ટ સેલર પુસ્તકના લેખક વાસિલિ ગ્રોસમેનનો જન્મ ૧૯૦૫માં યુક્રેનના બર્ડિચેફ નગરમાં થયો હતો. ૩૬ વર્ષની ઉંમરે વર્ષ ૧૯૪૧માં તે રશિયાના રેડ આર્મીના અખબાર'' ‘‘Red Star  ''નો યુધ્ધ સંવાદદાતા બની ગયો.

હિટલરે સોવિયેત યુનિયન પર ૨૨ જૂન ૧૯૪૧ની વહેલી સવારે આક્રમણ કર્યું. આ જંગી લશ્કરી આક્રમણમાં   જર્મનીએ લગભગ ૨૯ લાખ સૈનિકોને યુધ્ધ મેદાનમાં ઉતાર્યા હતા. ૩૩૫૦ થી ૩૭૯૫ જેટલી ટેન્કો, ૫૨૦૦ હવાઈ દળના લડાકુ વિમાનો અને ૬૦૦,૦૦૦ અશ્વો સાથેના મોટા લાવલશ્કરે રશિયા પર ચઢાઈ કરી ત્યારે સામ્યવાદી સરમુખત્યાર સ્ટાલિનની આંખ ઉઘડી.

આ આપખુદશાહી શાસકને આક્રમણ અગાઉના થોડા મહિનાઓ દરમિયાન બે-પાંચ વાર નહીં પણ જુદા જુદા ૮૦ સ્ત્રોતમાંથી ચેતવણીઓ મળી હતી. ખુદ બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે સ્ટાલિનને માથે તોળાઈ રહેલી હિટલરની આક્રમક લશ્કરી ચઢાઈ વિશે ચેતવ્યા હતા. પરંતુ જેમની રગેરગમાં સરમુખત્યારશાહી પ્રસરી ચૂકી હતી, એવા સ્ટેલિને આમાંની એકેય ચેતવણી ગણકારી નહીં, પરિણામે દુનિયાના બે ક્રૂર સરમુખત્યારો સામસામે ટકરાયા.

બે સરમુખત્યારોના લશ્કરો વચ્ચેના આ મહાહિંસક જંગમાં ૪૦ લાખ જેટલા રશિયન સૈનિકો કાંતો યુધ્ધ કેદી બન્યા કે ઈજાગ્રસ્ત થયા અથવા મોટાભાગનાના મોત નિપજ્યા.  સામે જર્મન લશ્કરના ૬૦ લાખ જેટલા સૈનિકો કાંતો પકડાયા, માર્યા ગયા કે ઘાયલ થયા.

આટલી મોટી ખુવારી ભાગ્યે જ કોઈ યુધ્ધમાં થઈ છે.

---***---***----

ટ્રેનમાં યુધ્ધ મોરચે જવા નીકળેલા વાસિલિ ગ્રોસમેન સાથે બીજા બે સાથીદારો હતા. બ્રિઆન્સ્ક શહેરના રેલવે સ્ટેશનેે ત્રિપુટીએ એક રાત ગુજારી. પ્લેટફોર્મ રેડ આર્મીના સૈનિકોથી ભરચક હતું. જો કે ઘણાં સૈનિકોના ગણવેશના ઠેકાણા નહોતાં. કેટલાક તો ઉઘાડપગા હતા...

વાસિલિ ગ્રોસમેને તેમના પુસ્તકમાં લખ્યંુ છે કે, અમારે આખી રાત ઉભડક જીવે બેસવું પડયું હતું. સ્ટેશન પર રાતભર જર્મન હવાઈ દળના વિમાનો ચક્કર લગાવતા હતા. લડાકુ વિમાનોની ઘરઘરાટીથી બધાએ સતર્ક અને ફફડાટમાં રાત ગુજારી.  

અમે પ્લેટફોર્મથી શક્ય તેટલે દૂર ખેતરાળ વિસ્તારમાં જતા રહ્યા. સદભાગ્યે જર્મનોએ અમારા વિસ્તારમાં એકેય બોમ્બ ના ફેંકયો, પણ લડાકુ વિમાનોએ અમારી ઊંઘ હરામ કરી નાંખી હતી.

સવારે અમે મોસ્કો રેડિઓ સાંભળ્યો. સોવિયેત ઈન્ફર્મેશન બ્યૂરોના વડા લોઝોવસ્કીની પત્રકાર પરિષદનો અહેવાલ પ્રસારિત કરાતો હતો. જો કે પ્રસારણમાં ઘર...ર...ઘર... એવો વિક્ષેપકારક અવાજ બહુ આવતો હોવાથી કશું ખાસ સ્પષ્ટ ન સંભળાયું. લોઝોવસ્કીએ જો કે અમારા મનને શાતા વળે એવું કશું કહ્યું નહોતું.

સવાર પડતાં અમે પાછા પ્લેટફોર્મ પર આવીને ટ્રેનની રાહ જોતા બેઠા. એટલામાં એક ટ્રેન આવી પણ એ તો ઉનેેચા જતી હોસ્પિટલ ટ્રેન હતી. જેમાં મહ્દઅંશે તબીબો, નર્સોે અને તબીબી  સાધન સામગ્રી હતી. અમને એ ટ્રેનમાં બેસાડી દેવાયા. અમે હજી ટ્રેનમાં બેઠા ન બેઠા ત્યાં તો ભારે દોડધામ-કોલાહલ મચી ગયો. જર્મનોએ રેલવે સ્ટેશન પર મશીનગનથી ધડાધડ ફાયરિંગ શરૂ કર્યું હતું. 

અમે માંડ માંડ બચીને ઉનેચા  પહોંચ્યા ત્યાંથી અમે એક ગુડ્સ ટ્રેનમાં બેસી ગયા. રેલવે ટ્રેકની આસપાસના વિસ્તારોમાં બોમ્બબારાના કારણે મોટા મોટા ખાડા પડેલા દેખાતા હતા. વળી બોમ્બ વિસ્ફોટોના કારણે ઘણાં ઝાડ-પાન બળીને કાળા પડી ગયા હતા.

(ક્રમશ:)

Tags :