- ચીનમાં એકહથ્થુ શાસન જમાવી દેવા માટે માઓએ સંખ્યાબંધ દમનકારી પેંતરા ઘડયા હતા...
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-9
- અપહરણ કરાવ્યાના ત્રીજા જ દિવસે યન્ગ માર્શલે રડતા રડતા ચિઆંગની માફી માગી
- અપહરણના બારમા દિવસે સોવિયેત યુનિયનના દબાણ હેઠળ ચિઆંગને મુકત કરવા પડયા
તા. ૧૪ મી ડિસેમ્બરે રશિયાએ અપહરણની ઘટનાને જાહેરમાં વખોડી કાઢતા યન્ગ માર્શલ ગભરાઈ ગયા, તેમને ડર લાગ્યો કે ચિઆંગનું અપહરણ મેં કરાવ્યું હોવાની સોવિયેત યુનિયનને ખબર પડી ગઈ હશે, એટલે હવે મારૃં આવી બનવાનું છે. આથી તેઓ તુરત અપહૃત ચિઆંગને જ્યાં રખાયા હતા ત્યાં તેમની સામે જઈને રડતા રડતા ચૂપચાપ ઊભા રહી ગયા.
ચિઆંગને ખ્યાલ આવી ગયો કે યન્ગ માર્શલને જબરો પસ્તાવો થઈ રહ્યો છે. યન્ગ માર્શલે અશ્રુભીની આંખે ચિઆંગને વિનંતીભર્યા સ્વરે કહ્યું તમારૃં અપહરણ કરાવવાનું મારું કૃત્ય ખૂબ મૂર્ખામીભર્યૂં છે. હું તમને છૂપી રીતે મુક્ત કરી દેવા માંગુ છું.
બીજીબાજુ રશિયાથી માઓ પર દબાણ વધી ગયું કે ચિઆંગને ગમે તે રીતે મુક્ત કરાવી દઈ પ્રશ્નનો સત્વરે શાંતિપૂર્ણ ઉકેલ લાવી દો.
તમામ જૂથોના પ્રતિનિધિઓ શિઆન આવી પહોંચ્યા. તા. ૨૩ ડિસેમ્બરે વાટાઘાટો શરૂ થઈ અને બપોરે ચિઆંગને મુક્ત કરાતા તેઓ પાટનગર નાનકિંગ જવા રવાના થયા. તે વખતે ચિઆંગની લોકપ્રિયતા ટોચે પહોંચી ચુકી હતી. હજારો લોકો તેમને આવકારવા રસ્તાઓ પર ઊમટી પડયા હતા અને આખી રાત શહેરમાં આતશબાજી અને ફટાકડાના ધૂમધડાકા ચાલુ રહ્યા હતા.
પણ આ બધી લોકપ્રિયતા બહુ થોડા વખતમાં ઓસરી ગઈ. માઓ તેમના પ્લાનમાં આગળ વધતા ગયા, તેમને અટકાવવાનું શક્ય ન બન્યું. અને નાનકડી ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (C.C.P.) વિસ્તરીને ચીનમાં એક મોટો વિરોધ પક્ષ બની ગઈ.
માઓને ઘણી સત્તા મળી અને સ્ટાલિને પણ માઓને સંપૂર્ણ ટેકો આપ્યો. ચિઆંગની સરકાર તરફથી માઓને સામ્યવાદી પક્ષના પ્રચાર, પ્રસાર માટે મોટું ફંડ પણ મળવાનું શરૂ થયું.
માઓની પ્રગતિ થતી જ રહી, કોઈ નેતા તેમની આગેકૂચમાં અવરોધ ન ઊભો કરી શક્યા. દાયકાઓ સુધી માઓએ ચીન પર એકચક્રી શાસન ચલાવ્યું. પોલિટબ્યૂરોમાં એકેય સામ્યવાદી નેતા તેમના નિર્ણય સામે હરફ સુધ્ધા ઉચ્ચારી શકતા નહોતા.
પણ થોડા વર્ષોમાં જ માઓ અને સ્ટાલિન વચ્ચે મોટી તિરાડ પડી ગઈ, માઓ ચીનને સુપર પાવર, મહાસત્તા બનાવવા માંગતા હતા, પણ સ્ટાલિન માઓને આગળ વધતા અટકાવતા હતા.
વર્ષ ૧૯૫૮ થી ૧૯૬૨ દરમિયાન માઓએ ''Great Leap Forward'' નામે એક ઔદ્યોગિક ઝુંબેશ શરૂ કરી. જેનો ઉદ્દેશ ચીનને કૃષિ સમાજમાંથી ઔદ્યોગિક સમાજમાં પરિવર્તિત કરવાનો હતો. ચીનને આધુનિક ઔદ્યોગિક રાષ્ટ્ર બનાવવાનો માઓનો આ પ્લાન નિષ્ફળ રહ્યો. આથી ઊલ્ટું ચીનમાં મોટા પાયે દુષ્કાળ અને ભૂખમરો થયો. એક અંદાજ મુજબ ૩ થી ૪.૫ કરોડ ચાઈનીઝ નાગરિકો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા.
સામ્યવાદી સરમુખત્યાર માઓ કેટલા ક્રૂર હતા તેના કેટલાક કિસ્સા આ પુસ્તકમાં લેખિકાએ ટાંક્યા છે. જે પૈકી ચીનના સંરક્ષણ પ્રધાન પેન્ગ અને માઓની પૂર્વ પત્ની ગુઇ-યુઆનની કહાની તો અત્યંત ટ્રેજિક છે.
સંરક્ષણ પ્રધાન પેન્ગ સ્પષ્ટ વકતા અને જરાય ખોટું ન ચલાવી લે તેવી પ્રકૃતિના હતા. શાસક સામ્યવાદી પક્ષમાં માઓનું એકચક્રી, એકહથ્થુ શાસન ચાલતું હોવા છતાં તેમનાથી સ્હેજ પણ ડર્યા વગર સંરક્ષણ પ્રધાન પેન્ગ ક્યારેક જાહેરમાં તેમની કડક આલોચના કરવામાં પાછી પાની નહોતા કરતા.
Great Leap Forward' (મહાન કૂદ કે મોટી છલાંગ) નામ હેઠળ માઓએ ચીનમાં એક બહું મોટું આર્થિક અને સામાજિક અભિયાન ચલાવ્યું હતું. તેનો ઉદ્દેશ ચીનનો ઝડપથી ઔદ્યોગિક વિકાસ કરી કૃષિ આધારિત અર્થતંત્રમાંથી ચીનને ઔદ્યોગિક સમાજમાં પરિવર્તિત કરવાનો હતો.
પોતાનો ઉદ્દેશ હાંસલ કરવા માઓ મરણિયા બન્યા હતા પરંતુ તેમનું આ અભિયાન નિષ્ફળ ગયું અને ચીનમાં પડેલા દુષ્કાળમાં કરોડો લોકો હોમાઇ ગયા હતા.
માઓના આ અભિયાનના પહેલા બે વર્ષ દરમિયાન ચીનના બધા નેતાઓ માઓના સમર્થનમાં જોડાયા હતા પણ સામ્યવાદી પક્ષના પોલિટ બ્યુરોમાં એક માત્ર પેન્ગ જ એવા નેતા હતા, જેઓ માઓની નીતિ વિરૂધ્ધ ઉચ્ચારણ કરતા રહેતા હતા.
એક ગરીબ ખેડૂત પરિવારમાં ઉછરીને મોટા થયેલા પેન્ગ બાળપણની ગરીબીની દશા ભૂલી શક્યા નહોતા. પાછળથી માઓએ જ્યારે તેમને જેલમાં પુરાવી દીધા તે દરમિયાન પેન્ગે લખેલી પોતાની જીવનકથામાં નોંધ્યું છે કે હું ગરીબો પ્રતિ કઠોર વર્તાવ ન કરી બેસું કે હું ભ્રષ્ટાચારી ન બનું, એટલા માટે હું મારા ગરીબીમાં અને ભૂખમરામાં વીતેલા બાળપણની સ્મૃતિઓ અવારનવાર મનોમન ઝંકોરતો રહેતો હતો.
પચાસના દાયકામાં પેન્ગે સામ્યવાદી પક્ષના ટોચના નેતાઓ સમક્ષ માઓની ભ્રષ્ટ અને રંગીન જીવનશૈલીની વાતો ખુલ્લી પાડી હતી. -- ચીનના જુદા જુદા પ્રાંતોમાં જઇ રંગરેલ, રંગબાજી કરવા માટે માઓએ પોતાના માટે ભવ્ય વિલાઓ બંધાવી હતી, જ્યાં માઓ માટે સુંદર છોકરીઓ લઇ આવવામાં આવતી હતી.
વર્ષો સુધી પેન્ગ માઓ વિરૂધ્ધ બોલતા રહ્યા હતા. ત્રીસીના દાયકામાં લશ્કરના કેટલાક કમાન્ડરો સાથે માઓએ જે કિન્નાખોરીભર્યૂં અપમાનજનક વર્તન કર્યૂં, તે અંગે પણ પેન્ગે પોતાની નારાજગી જાહેરમાં વ્યક્ત કરી હતી.
ચાલીસીના દાયકામાં માઓએ આખા દેશમાં પોતાની વ્યક્તિપૂજા શરૂ કરાવી. સર્વત્ર પોતાની પ્રશંસા અને વાહવાહીના નગારા વગાડાવા માંડયા.
માઓની વ્યક્તિપૂજાનો જોરદાર વિરોધ કરવા બદલ પેન્ગને છેવટે કારાવાસમાં ધકેલાયા હતા. પણ તે પહેલા માઓએ સામ્યવાદી પક્ષમાં પોતાનું એકચક્રી શાસન સ્થાપવા માટે જે પેંતરા રચ્યા તે જાણવા, સમજવા જરૂરી છે.
૧૯૪૦ના દશકા દરમિયાન માઓએ ચીનના સામ્યવાદી પક્ષ પર પોતાનું નિયંત્રણ મજબૂત કરવા માટે એક દમનકારી ચળવળ શરૂ કરી હતી. ચીનમાં યાન'આન ટેરર (Yan'an Terror) થી ઓળખાતી ચળવળ એ ખરેખર ૧૯૪૧થી ૧૯૪૫ દરમિયાન યાન'આન રેક્ટિફિકેશન મૂવમેન્ટ (Yan'an Rectification Movement) એટલે કે રાજકીય આંતરિક શુધ્ધિકરણ અભિયાન હતું.
આ અભિયાનની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ હતી.
- સત્તાનું કેંન્દ્રકરણ - આંદોલનનો મુખ્ય ઉદ્દેશ પાર્ટીના સભ્યોને માઓના નેતૃત્વ અને વિચારધારા પ્રત્યે સંપૂર્ણ વફાદાર બનાવવાનો હતો. આનાથી જ માઓ સત્તાના સર્વોચ્ચ સ્થાને પહોંચી શક્યા.
- દમન અને ભયનું વાતાવરણ : આ અભિયાન દરમિયાન માઓના વિરોધીઓ અથવા તો કહેવાતા અથવા તો પોતે ધારી લીધેલા ગદ્દાર સભ્યોને હાંસિયામાં ધકેલવા માટેના દમનકારી પેંતરા રચાતા હતા. વિરોધીઓને વીણી વીણીને માનસિક અને શારીરિક ભયંકર ત્રાસ અપાતો હતો. બળજબરીથી ખોટેખોટી કબૂલાત કરાવી પછી એ વિરોધીને જેલમાં ધકેલી દેવાની હતી. વિરોધીઓનું જાહેરમાં અપમાન કરી સમાજમાં તેમને હલકા ચિતરવાની અવનવી રાજરમતો રમાતી હતી.
(ક્રમશ:)


