નહેરૂ-સરદાર વચ્ચેના મતભેદો દબાઈ ગયા..!


- નવી દિલ્હીમાં 1948ની 30મી જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીની હત્યાના પગલે

- સારાંશ- વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-2

- અમ્રીતા કૌરના મતે ગાંધીજીની હત્યા ન થઈ હોત તો સ્થિતિ કાંઈક અલગ હોત

- એ જમાનામાં સ્વીડનના વડાપ્રધાન ત્રણ રૂમના ફ્લેટમાં રહેતા હતા...

રફી અહમદ કિડવાઇની બીજી એક રમત પણ એમ.ઓ. મથ્થાઇએ આ પુસ્તકમાં ખુલ્લી પાડી છે.

''રફી અહમદ એક વખત સરદાર પટેલને મળવા ગયા અને વડાપ્રધાનપદેથી નહેરૂને દૂર કરી દેવા જે કોઇ મદદ જોઇએ તે સહાય પુરી પાડવાની સરદાર સમક્ષ ઓફર મુકી. રફી અહમદ સરદારને આવી વાત કરીને ગયા પછી રફીના ગુ્રપના જ બીજા નેતા મહાવીર ત્યાગી સરદાર પાસે ગયા અને તેમણે પણ કાંઇક આવા જ પ્રકારની સરદાર વલ્લભભાઇ પટેલને વાત કરી.

સરદાર અત્યંત કુશાગ્ર બુધ્ધિપ્રતિભાવાળા રાજપુરૂષ હતા. આમેય આ બન્ને જણ - રફી અને મહાવીર ત્યાગી - તેમને દીઠાય ગમતા નહોતા. સરદાર આ બન્ને જણને રાજકીય સિધ્ધાંત કે નીતિમત્તા વગરના નેતાઓ ગણતા હતા. નહેરૂને ઊથલાવવાની રફીની ઓફર સ્વાભાવિક રીતે જ સરદારને પસંદ નહોતી આવી.

રફી અહમદને બહુ મોડે મોડે જ્ઞાાન થયું કે તેમણે ધાર્યા કરતા સરદાર વલ્લભભાઇ બહુ દીર્ધદ્રષ્ટા અને શાણા હતા. 

આ વાત છે વર્ષ ૧૯૩૫ ના ડિસેમ્બર મહિનાની. કમલા નહેરૂ તે સમયગાળામાં જર્મનીના બાડનવાઇલા હેલ્થ રિસોર્ટમાં હતા. ફેમિલિ ફ્રેન્ડ એ સી.એન. નામ્બિઆરની ઉપસ્થિતિમાં કમલા નહેરૂએ તેમના પતિ જવાહરલાલ નહેરૂ સાથે તેમની પુત્રી ઇન્દિરાના ભવિષ્ય વિશે વાત છેડી હતી.

આ સમયગાળામાં કમલા નહેરૂની તબિયત સારી નહોતી. બે જ મહિનામાં તેમનું અવસાન થયું હતું.

કમલા નહેરૂએ તેમના પતિ જવાહરલાલ સમક્ષ દીકરી ઇન્દિરાના ભવિષ્ય વિશે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ફિરોઝ ગાંધી સાથે ઇન્દિરા લગ્ન કરે તેની સામે મારો સખત વિરોધ છે.

કમલા નહેરૂના મતે ફિરોઝ ગાંધી સ્થિર મનનો યુવાન નહોતો.

આટલી વાત કરતા અત્યંત ભાવુક થઇ ગયેલા કમલા નહેરૂ માત્ર એટલુ જ બોલી શક્યા કે મારી દીકરી આખી જિન્દગી દુ:ખી થાય એવું હું નથી ઇચ્છતી.

કમલા નહેરૂને સાંત્વન આપતા નહેરૂએ દ્રઢતાથી કહ્યું આ પ્રશ્ન તું મારા પર છોડી દે. એટલું કહી નહેરૂ બહાર ગયા પછી કમલા નહેરૂએ એ.સી. એન. નામ્બિયારને કહ્યું તમે સાંભળ્યું ને, તેમણે શું કહ્યું, પણ વાસ્તવિકતા એ છે કે ઇન્દુ   મારા સિવાય કોઇનું કશું સાંભળે તેવી નથી. હું હળવેથી ઇન્દુને ફિરોઝ તરફથી પાછી વાળી શકું તેમ છું, પણ મારો અંત સમય હવે નજીક છે. જવાહર ઇન્દુને વાળી નહીં શકે. આખરે તો ઇન્દુ તેના જીવનની મોટી ભૂલ કરી બેસશે.

વર્ષ ૧૯૩૬ ના ફેબુ્રઆરીની તા.૨૮મીએ કમલા નહેરૂનું નિધન થયું, તે વખતે ઇન્દુ ઈંગ્લેન્ડ અભ્યાસ માટે ગઇ હતી.

પણ પછી મમ્મી કમલા નહેરૂ જે નહોતી ઇચ્છતી, તે જ ઇન્દુએ કર્યું. ઇન્દિરા નહેરૂમાંથી ઇન્દિરા ગાંધી બની ગયા પછીનો ઘટનાક્રમ બધાને જ ખબર છે.

વર્ષ ૧૯૪૮ ના ધારા-ધોરણ મુજબ કેન્દ્રીય કેબિનેટ પ્રધાનનો પગાર રૂા.૩૦૦૦ હતો અને તેમને મહેમાનોની સરભરા માટે દર મહિને રૂા.૫૦૦ નું ભથ્થુ અપાતું હતું. પરંતુ જવાહરલાલ નહેરૂ અને તેમના મંત્રીઓએ સ્વૈચ્છિક રીતે પગારમાં કાપ મુકી રૂા.૩૦૦૦ માં ઘટાડો કરી રૂા.૨૨૫૦ પગાર લેવાનું નક્કી કર્યૂં હતું અને તે પછી આમાં પણ ઘટાડો કરી પગાર મહિને રૂા.૨૦૦૦ કરી દીધો હતો.

જો કે તે પછી તો રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થઇ જતાં પ્રધાનોના પગારમાં વધારો કરવાની જરૂર ઊભી થઇ હતી.

નહેરૂ યુગના સંસ્મરણો પુસ્તકમાં એમ.ઓ. પથ્થાઇએ તે સમયગાળામાં કેટલાક યુરોપીયન દેશોના વડાપ્રધાનોના  નિવાસસ્થાન કેવા હતા તેની કેટલીક રસપ્રદ વિગતો પણ આપી છે.

બ્રિટનના વડા પ્રધાનના ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ પરના નિવાસ સ્થાનમાં વડાપ્રધાન અને તેમના પરિવાર માટે તો થોડા જ સ્યૂટ રૂમ્સ હતા. બાકીના રૂમોમાં ઓફિસો હતી.

એ જમાનામાં યુરોપના ધનાઢ્ય દેશ તરીકે જેની ગણના થતી હતી એ સ્વીડનના ૨૩ વર્ષ સુધી વડાપ્રધાન પદે રહેલા ટાગે અરલેન્ડર ત્રણ રૂમના ફ્લેટમાં રહેતા હતા. તેમના પત્ની ટિચર હતા.

એમ.ઓ. પથ્થાઇ ને આ દંપતીનો સારો પરિચય હતો. સ્વીડનની સરકારે વડાપ્રધાનને કારની સુવિધા પણ નહોતી આપી, વડાપ્રધાન પાસે તેમની પોતાની એક સસ્તી નાની કાર હતી, જે તેઓ પોતે ચલાવતા હતા, કારણ કે ડ્રાયવરનો પગાર તેમને પોષાતો નહોતો. એ જ રીતે ઓસ્ટ્રેલિયાના લેબર પાર્ટીના વડાપ્રધાન જોસેફ ચીફલી તેમની ઓફિસ નજીકની એક સેકન્ડ ક્લાસ હોટલની બે રૂમોમાં રહેતા હતા. વડાપ્રધાન જોસેફને પણ કારની સવલત અપાઇ ન હોવાથી તેઓ હોટલથી નજીકમાં આવેલી તેમની ઓફિસે ચાલતા જતા હતા. એમ.ઓ. મથ્થાઇ તેમને લંડનમાં કેટલીકવાર મળ્યા હતા. જોસેફ અત્યંત વિનમ્ર અને પ્રેમાળ વ્યક્તિ હતા.

ઇન્ડિયન  એક્સપ્રેસ અખબારી જૂથના માલિક રામનાથ ગોએન્કાજીએ નેશનલ હેરાલ્ડના એસોસિએટેડ જર્નલ્સ લિ.ને રૂા.૧.૭૫ લાખનું પ્રિન્ટિંગ મશીન ભેટમાં આપ્યું હતું.

એક વખત રાજકુમારી અમ્રિતા કૌરે એમ.ઓ. મથ્થાઇએ કહ્યું કે ગાંધીજી તેમની આખરી પ્રાર્થના સભામાં મોડા આવવાનું કારણ એ હતું કે તેઓ સરદાર પટેલ સાથે એક અત્યંત ગંભીર વિષય પર વાતચીત કરવામાં વ્યસ્ત હતા.

તા.૬ જાન્યુઆરી, ૧૯૪૮ ની નહેરૂએ લખેલી એક નોંધ અંગે ચર્ચા કરવામાં ગાંધીજી અને સરદારને મોડું થઇ ગયું હતું. નહેરૂની એ દિવસની નોંધની નકલ માત્ર ગાંધીજી અને સરદાર પટેલ સિવાય બીજા કોઇને અપાઇ નહોતી.

નહેરૂએ લખેલી એ નોંધ એમ.ઓ. મથ્થાઇએ તેમના પુસ્તકના પરિશિષ્ટમાં આપેલી છે.

સરદાર વલ્લભભાઇ પટેલ સાથે નહેરૂને જે કોઇ મતભેદો હશે, તેની કોઇ વાત તેમણે ક્યારેય લોર્ડ માઉન્ટબેટન સાથે કરી નહોતી.

રાજકુમારી અમ્રીતા કૌરે એમ.ઓ. મથ્થાઇને કહ્યું હતું કે એ દિવસે (૩૦ જાન્યુઆર, ૧૯૪૮) જો ગાંધીજીની હત્યા થઇ ન હોત તો એ પછીના દિવસે ગાંધીજીએ મોટા ભાગે સરદારને કેબિનેટમાંથી રાજીનામુ આપી તેમની સાથે આવી જવાની સલાહ આપી હોત.

ગાંધીજીની હત્યાની ઘટનાના પગલે નહેરૂ અને સરદાર વચ્ચેના મતભેદો દબાઇ ગયા અને એ પછી આ બન્ને દિગ્ગજ રાજપુરૂષોએ સાથે મળીને દેશસેવાનું કામ આગળ ધપાવ્યું.

City News

Sports

RECENT NEWS