ટ્રેક રેસમાં ઝમ્પેરિનિ ખુદના રેકોર્ડ તોડતો ગયો
- 16 વર્ષના લુઈ ઝમ્પેરિનિએ બે માઈલની દોડ સ્પર્ધામાં કોલેજના યુવાન દોડવીરોને હરાવી દીધા..
- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
- લુઈની રોમાંચક જીવનકથા- ભાગ-4
- 1 માઈલની દોડ સ્પર્ધા પહેલી વખત 5:03, બીજી વખત 4:58 અને છેલ્લે 4:42 માં પુરી કરી
- અમેરિકાનો સૌથી ઝડપી રનર ગ્લેન કનિંગહામ, લુઈનો રોલ મોડલ હતો
ક નિંગહામ દોડવીર તરીકે આખા દેશમાં લોકપ્રિય બન્યો તે અગાઉ તેના શાળા જીવન દરમિયાન એવી એક કરૂણ ઘટના બની ગઇ કે તે વખતે બધાને એમ લાગતું હતું કે આ છોકરો આખી જિન્દગી હવે ચાલી જ નહીં શકે.
ગ્લેન કનિંગહામ પ્રાથમિક શાળામાં હતો ત્યારની આ દુર્ઘટના છે. ચાલુ સ્કૂલે એક દિવસ કોઇક કારણસર ભયંકર વિસ્ફોટ થયો હતો. આ વિનાશક ધડાકામાં કનિંગહામનો ભાઇ મોતના મુખમાં ધકેલાઇ ગયો હતો, અને ધડાકાની અગનજવાળામાં કર્નિંગહામખાસ કરીને બન્ને પગે ગંભીરરીતે દાઝી ગયો હતો. શરીરના અન્ય કેટલાક અંગોની ચામડી પણ આગમાં બળી ગઇ હતી.
હોસ્પિટલમાં લાંબી સારવાર પછી દોઢ મહિને નાનકડો કનિંગહામ માંડ પથારીમાં બેઠો થઇ શકતો હતો. પણ હજી તેનાથી બે પગે ઊભું તો થઇ શકાતુ જ નહોતું. બે-ત્રણ મહિનાની વધુ ઘનિષ્ઠ સારવાર પછી તે માંડમાંડ થોડો વખત ઊભો રહી શકતો થયો હતો. ડગુમગુ લંગડાતી ચાલે તે બે-પાંચ ડગલા ચાલીને બેસી જતો હતો.
તેને ચાલતો-દોડતો કરવા માટે કોઇકે તેને એક વિચિત્રરીતે તાલીમ આપવાનું શરૂ કર્યું. કર્નિંગહામના પરિવાર પાસે એક ઘોડો હતો. એ ઘોડો ખૂબ ડાહ્યો ડમરો અને ધીમી ચાલે ચાલતો હતો. પરિવારના એક સભ્ય રોજ સવારે કર્નિંગહામને ઘોડાની પૂંછડી પકડીને ઊભો રાખતા અને પછી ઘોડાને હળવી ચાલે ઘર નજીકની વિશાળ જગ્યામાં ચલાવતા. ઘોડાની પૂંછડી પકડી કર્નિંગહામ લંગડાતી ચાલે આગળ વધતો હતો.
થોડા દિવસો આ રીતે ચલાવ્યા બાદ પરિવારના સભ્યએ ઘોડાને જરા વધારે વેગથી ચલાવવા માંડયો. ઘોડાની ચાલ થોડી ઝડપી બનતા પૂંછડી પકડીને પાછળ પાછળ ચાલતા કનિંગહામે પણ તેની ચાલવાની ઝડપ મને કે કમને વધારવી પડી. શરૂઆતમાં તેને પગમાં બહુ જ દુઃખાવો થતો હતો. છતાં તેની આ કસરત ચાલુ જ રખાઇ.
આમને આમ મહિનાઓ વીતી ગયા. કર્નિંગહામને હવે ઘોડાની પૂંછડી પકડયા વગર જાતે જ દોડતા ફાવી ગયું. પગનો દુઃખાવો પણ ગાયબ થઇ ગયો. શાળાની દોડ સ્પર્ધામાં તે એક પછી એક ઇનામો જીતતો ગયો.
એક માઇલની દોડ સ્પર્ધામાં તો એ દોડતો ત્યારે દર્શકોને એમ લાગતું કે કર્નિંગહામ દોડતો નથી, પણ હવામાં ઉડી રહ્યો છે. તેના પગ જમીન પર જાણે ટકતા જ નહોતા. હરિફોને બહું પાછળ રાખીને તે ફિનિશ લાઇન ક્રોસ કરી જતો હતો.
વર્ષ ૧૯૩૨ સુધીમાં તો સૌમ્ય સ્વભાવના અને બન્ને પગે તેમજ બરડા પર રાખ્તરીતે દાઝેલાના નિશાનવાળા કર્નિંગહામનું નામ આખા અમેરિકામાં જાણીતું થઇ ગયું, હવે પછીના થોડા જ વર્ષોમાં તે એક માઇલની દોડમાં અમેરિકાનો સૌથી ઝડપી રનર બની જવાનો હતો.
એ હતો લુઇ ઝમ્પેરિનિનો રોલ મોડેલ, એનો પ્રેરણામૂર્તિ, એનો મેન્ટર કે એનો આરાધ્યદેવ, જે ગણો તે કનિંગહામ હતો. બીજીબાજુ વર્ષ ૧૯૩૨માં લુઇના મોટાભાઇ પીટેએે ક્રોમ્પ્ટન ખાતે નિઃશુલ્ક શિક્ષણ આપતી એક જુનિયર કોલેજમાં પ્રવેશ લઇને અભ્યાસ શરૂ કર્યો, જ્યાં એ કોલેજની ટ્રેક સ્પર્ધામાં સ્ટાર રનર બની ગયો.
કોલેજના સ્ટાર રનર બની ગયેલા પીટેને તો પોતાના નાનાભાઇ લુઇને પણ સ્ટાર રનર બનાવવાની તાલાવેલી હતી. તેથી તે કોલેજમાંથી છૂટીને લગભગ રોજ બપોરે લુઇને તેજ રનર બનાવવાની તાલીમ આપવા ઘેર જતો હતો, જ્યાં તે લુઇને પોતાની સાથે દોડાવતો હતો, અને ઝડપી રનર બનવા માટે કઇ કઇ બાબતોનો ખ્યાલ રાખવાનો તેમજ ખાસ તો કઇરીતે દોડવું તેની ટેકનિક તે લુઇને શીખવતો હતો.
તાલીમ દરમિયાન પીટેને લાગ્યું કે ટૂંકા અંતરની દોડ તો લુઇ બરાબર દોડે છે, પણ તેણે તો ગ્લેન કનિંગહામની જેમ એક માઇલની દોડમાં લુઇને અવ્વલ નંબરે લાવવો હતો.
પીટે, લુઇને જુદી જુદી દોડ સ્પર્ધાઓમાં ભાગ લેવડાવતો હતો અને સંખ્યાબંધ સ્પર્ધામાં તેની જીત થતા ટોરન્સમાં અને તેની આસપાસના વિસ્તારોમાં ઝડપી દોડવીર તરીકે લુઇનું નામ જાણીતું થવા લાગ્યું. સ્કૂલની કોમ્પિટિશનમાં પણ તેને મેડલ્સ મળતા છોકરીઓમાં પણ તેની લોકપ્રિયતા વધતી ગઇ. તેની ૧૬મી વર્ષગાંઠે તો સંખ્યાબંધ છોકરીઓ જન્મદિનની શુભેચ્છા આપવા ચોતરફ તેને વીંટળાઇ વળી હતી.
ફેબુ્રઆરીમાં સ્કૂલમાં ટ્રેક સીઝન શરૂ થઇ. લુઇ ૮૮૦ યાર્ડની રેસ જીતી ગયો. મઝાની વાત એ છે કે અગાઉ ૮૮૦ યાર્ડની રેસ જીતવાનો તેના મોટાભાઇ પીટેનો જ રેકોર્ડ હતો. પણ લુઇ તેનાથી બે સેકન્ડ ઓછા સમયમાં ૮૮૦ યાર્ડ દોડીને મોટાભાઇનો જ રેકોર્ડ તોડતા બધાએ તેને તાળીઓના જોરદાર ગડગડાટથી વધાવી લીધો.
અઠવાડિયા પછી એક માઇલની ટ્રેક કોમ્પિટિશનમાં પણ ઇતિહાસનું પુનરાવર્તન થયું. લુઇ એટલી તેજ ગતિએ દોડયો કે મોટાભાઇ પીટેનો ૫ઃ૦૬નો રેકોર્ડ ૩ સેકન્ડસથી તોડી ૫ઃ૦૩નો નવો વિક્રમ સર્જ્યો હતો. ઝડપી દોડમાં લુઇ એક પછી એક પોતાના જ રેકોર્ડ તોડતો ગયો. થોડા સપ્તાહ પછી એક માઇલની બીજી એક દોડ સ્પર્ધામાં તેણે એક માઇલ દોડ ૪ઃ૫૮માં પુરી કરી હતી.
ત્રણ અઠવાડિયા પછી એક માઈલની ટ્રેક રેસમાં તેણે ૪ઃ૫૦.૬ નો નવો સ્ટેટ લેવલનો રેકોર્ડ નોંધાવ્યો.
અમેરિકાના તે સમયના અત્યંત ઝડપી રનર ગ્લેન કનિંગહામને સતત નજર સામે રાખતા લુઇને પોતાના ખુદના જ રેકોર્ડ તોડવાની જાણે ઘેલછા જાગી હતી. એપ્રિલમાં તેણે ૪ઃ૪૬ નો રેકોર્ડ કર્યો અને એપ્રિલના અંતમાં ૧ માઇલની દોડ સ્પર્ધામાં તેણે પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડી ૪ઃ૪૨ નો નવો વિક્રમ નોંધાવતા અખબારોમાં તેની વાહવાહ થઇ ગઇ. એક અખબારે લખ્યું ; 'આ છોકરો દોડે છે કે ઉડે છે?'
ટ્રેક રનમાં લુઇએ હવે બે ડગ આગળ માંડયા. સ્કૂલના વિદ્યાર્થીઓને બદલે તેણે હવે કોલેજના વિદ્યાર્થીઓ સાથેની દોડ સ્પર્ધામાં ભાગ લેવાનું વિચાર્યૂ. ક્રોમ્પ્ટન ખાતે તેના મોટાભાઇ પીટે તેમજ બીજા ૧૩ કોલેજીયન રનર સાથે બે માઇલની સ્પર્ધામાં તે જોડાયો, એ વખતે લુઇની ઉંમર માત્ર ૧૬ વર્ષની હતી અને અગત્યની હકીકત તો એ હતી કે બે માઇલ લાંબી દોડ સ્પર્ધામાં અગાઉ તેણે ક્યારેય ભાગ લીધો નહોતો.
પીટે અને તેની કોલેજના બીજા ૧૩ વિદ્યાર્થીઓ સાથેની દોડમાં પણ લુઇની જીત થઇ. તેના હરીફ કરતાં તે ૫૦ યાર્ડ આગળ નીકળી ગયો હતો. (ક્રમશઃ)