TSMC આખી દુનિયામાં ચિપ ઉત્પાદનમાં અગ્રેસર છે
- તાઈવાનના એક મિનિસ્ટર કે.ટી.લિ.ની દીર્ધદ્રષ્ટિથી આજે
- સારાંશ- વિનોદ ડી. ભટ્ટ
- ભાગ-4
- '80ના દાયકાથી આ મિનિસ્ટર સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં તાઈવાનને આગળ લાવવા મથતા હતા
- અમેરિકામાં ચિપ ક્ષેત્રના એક માંધાતાને મિનિસ્ટરે બ્લેન્ક ચેક આપીને ઓફર મુકી
જાપાનની ચિપ્સ માર્કેટમાં સિલિકોન વેલિની કંપનીઓનો હિસ્સો બહુ ઓછો હોવાના કારણે અમેરિકાની કંપનીઓને જાપાનમાં ચિપ્સના વેચાણમાંથી કરોડો ડોલરની આવક થવી જોઇએ તે નથી થતી.
'૮૦ના દાયતાની શરૂઆતના વર્ષોમાં જાપાનની ચિપ્સ ઉત્પાદક કંપનીઓ જેવી કે તોશીબા, ફુજીત્સુ, હિટાચી વિગેરેએ તેની અમેરિકન પ્રતિસ્પર્ધી કંપનીઓની સરખામણીમાં પ્રોડકશન ઇક્વીપમેન્ટ પાછળ ૬૦ ટકા વધારે ઇન્વેસ્ટ કર્યા હતા.
જાપાનની ચિપ્સ કંપનીઓ વધારે ને વધારે ઇન્વેસ્ટ કરતી ગઇ અને તેની સાથે તેમનું ચિપ્સ ઉત્પાદન પણ વધતું ગયું, પરિણામે ચિપ્સ માર્કેટમાં તેમનો હિસ્સો પણ વધતો ગયો.
આનો આખરી નતીજો એ આવ્યો કે બજારમાં 64K DRAM ચિપ આવી તેના પાંચ વર્ષ પછી DRAM ચિપના વૈશ્વિક બજારમાં અમેરિકાની ઇન્ટેલ કંપનીનો હિસ્સો માત્ર ૧.૭ ટકા જ્યારે હરિફ જાપાની કંપનીઓનો હિસ્સો ઇન્ટેલ કરતાં ઘણો વધી ગયો. અહીં આશ્ચર્ય અને આઘાતની હકીકત એ છે કે આ DRAM ચિપનો આવિષ્કાર એકાદ દશકા અગાઉ અમેરિકાની ઇન્ટેલ કંપનીએ જ કર્યો હતો..! જે કંપનીએ DRAM ચિપનું સંશોધન કાર્ય કર્યૂં એ કંપનીનો માર્કેટ હિસ્સો જાપાની કંપનીઓ કરતાં કેટલાય ઘણો ઓછો થઇ ગયો..
જાપાનની કંપનીઓનું DRAM ચિપ્સનું ઉત્પાદન સિલિકોન વેલિની કંપનીઓ કરતાં લગભગ ડબલ થઇ ગયું.
દીર્ધદર્શી શાસકો દેશને આવશ્યક ક્ષેત્રમાં અગ્રેસર બનાવી દેવા માટે દાયકાઓ સુધી કેવી કૂનેહપૂર્વક સતત મંડેલા રહે છે, તેનો એક જવલંત દાખલો તાઇવાનમાં જોવા મળે છે.
તાઇવાન આજે સેમિકન્ડકટર્સ ક્ષેત્રે દુનિયામાં ટોપ પર હોવા પાછળનું કારણ ત્યાંના ઉદ્યોગ સંશોધન વિભાગના એ સમયગાળાના એક તેજસ્વી અને ગંજાવર મિનિસ્ટર કે.ટી.લિ. હતા.
આ વાત છે '૮૦ના દાયકાની. કે.ટી.લિ. ત્યારે તાઇવાનની સરકારમાં મહત્વના સ્થાને પ્રધાનપદ પર હતા. એ સમયગાળાથી જ કે.ટી.લિ.ને સેમિકન્ડકટર્સ ભવિષ્યમાં કેટલા ઉપયોગી અને અતિ આવશ્યક બની રહેશે તેનો અણસાર શાયદ આવી ગયો હતો.
એટલે કે.ટી.લિ. અમેરિકાના સેમિકન્ડકટર્સ ક્ષેત્રની ટોચની અમેરિકન કંપનીઓના સિનિયર એક્ઝિક્યૂટિવ્સ સાથે સંપર્કમાં રહી તાઇવાનમાં સેમિકન્ડકટર્સ કંપની સ્થાપવા માટે તેમની સાથે ચર્ચા-વિચારણા કરતા હતા. કે.ટી.લિ. જ્યારે જ્યારે તાઇવાનથી અમેરિકાની મુલાકાતે જાય, ત્યારે અચૂક ચિપ ક્ષેત્રના જુદા જુદા માંધાતાઓ સાથે મીટિંગો કરતા હતા.
આ પૈકીના એકનું નામ છે: મોરિસ ચાન્ગ. કે.ટી.લિ.ની વાત આગળ વધારતા અગાઉ મોરિસ ચાન્ગનો પરિચય મેળવી લઈએ.
આ મોરિસ ચાન્ગ મૂળે ચાઇનીસ છે. તેમનો જન્મ ચીનમાં થયો હતો પરંતુ તે પછી કોલેજ અભ્યાસ માટે તેઓ અમેરિકા સ્થળાંતર કરી ગયા હતા. મોરિસની ઇચ્છા તો લેખક બનવાની હતી પરંતુ તેમના પિતાએ તેમને લેખક બનતા અટકાવ્યા હતા.
વર્ષ ૧૯૪૯માં મોરિસે અમેરિકાની હાર્વર્ડ યુનિ.માં એડમિશન લીધું, પરંતુ તે પછી તેઓ હાર્વર્ડ છોડીને એમ.આઇ.ટી.માં જોડાયા, જ્યાં ૧૯૫૩માં તેમણે મિકેનીકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી.
અભ્યાસ પછી તેઓ ટેકસાસ ઇન્સ્ટ્રુમેન્ટસ (T.I.) નામની ચિપ બનાવતી કંપનીમાં જોડાયા, એ દરમિયાન તેમણે અભ્યાસ પણ સાથોસાથ ચાલુ રાખ્યો અને ૧૯૬૪માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.ની પદવી મેળવી.
કે.ટી.લિ. મોરિસ ચાન્ગને અમેરિકામાં અવારનવાર મળતા અને ટેકસાસ ઇન્ટ્રુમેન્ટસની એક ફેકટરી તાઇવાનમાં ખોલવા માટેની વાત તેમના ગળે ઊતારવાનો પ્રયાસ કરતા રહેતા હતા.
કે.ટી.લિ. માત્ર મોરિસને જ મળતા એવું નહોતું, તેઓ અમેરિકામાં ઇલેકટ્રોનિક્સ ક્ષેત્રની અન્ય નામાંકિત કંપનીઓના સિનિયરોને પણ મળતા હતા, અને તાઇવાનમાં તેમની ફેકટરીઓ ખોલવા ચર્ચા કરતા રહેતા હતા.
વર્ષ ૧૯૮૫માં કે.ટી.લિ.ના પ્રયાસોનું છેવટે સુખદ પરિણામ પ્રાપ્ત થયું. કે.ટી.લિ.એ મોરિસ ચાન્ગને (તાઇવાનના પાટનગર) તાઇપેઇની ઓફિસમાં આમંત્રિત કર્યા.
કે.ટી. એ ચાન્ગને કહ્યું, અમે તાઇવાનમાં સેમિકન્ડકટર્સ ઉદ્યોગને પ્રમોટ કરવા ઇચ્છીએ છીએ. બોલો, તમને કેટલા નાણાંની જરૂર છે...?
કે.ટી.એ મોરિસ ચાન્ગને તાઇવાની સરકારના, ''ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટયૂટ'' ના વડા બનાવવાની ઓફર કરતા કહ્યું, તમે આ 'પોસ્ટ' સ્વીકારો, તાઇવાન સરકાર વતી હું તમને આ બ્લેન્ક ચેક, કોરો ચેક આપું છું.
તાઇવાનમાં સેમિકન્ડકટર્સ ઉદ્યોગને વિકસાવવામાં તમારે જેટલા નાણાંની જરૂર પડે, એટલા નાણાં તમને મળી જશે. તમારે રકમ બોલવાની, સરકાર તમને આપી દેશે.
મોરિસ ચાન્ગ તો છેક સિત્તેરના દાયકામાં જ્યારે તેઓ ટેકસાસ ઇન્સ્ટ્રુમેન્ટસમાં સિનિયર પોઝીશનમાં નોકરી કરતા હતા, ત્યારથી તેમને એક એવી સેમિકન્ડકટર કંપની સ્થાપવાનો વિચાર આવતો હતો કે જે કંપની કસ્ટમરની ડિઝાઇન મુજબની ચિપ્સનું ઉત્પાદન કરતી હોય. એટલે તાઇવાનના મિનિસ્ટરે કરેલી ઓફર મોરિસ ચાન્ગને બહુ જ ગમી ગઇ.
ટેકસાસ ઇન્સ્ટ્રુમેન્ટસ (T.I.) માં ૨૫ વર્ષની કારકિર્દી પછી મોરિસ ચાન્ગ સ્વાભાવિક રીતે જ મનોમન ઇચ્છતા હતા કે T.I. સંચાલકો તેમને કંપનીના C.E.O બનાવશે. જો આમ થાય તો બોબ નોસે અને ગોર્ડન મુરેની જેમ તેઓ ચિપ ઇન્ડસ્ટ્રીની ટોપ પોસ્ટ પર આવી જાય. પરંતુ T.I. કંપનીના સંચાલકોએ મોરિસને C.E.O નહીં બનાવતા તેમણે T.I. કંપની છોડી દીધી હતી. એટલે ૫૪ વર્ષની વયના મોરિસ ચાન્ગને તાઇવાનના મિનિસ્ટરે જ્યારે બ્લેન્ક ચેક ઓફર કરી તાઇવાનની ચિપ ઇન્ડસ્ટ્રીના બોસ બનાવી દેવાની ઓફર કરી એટલે મોરિસ ચાન્ગે તુરત એ ઓફર સ્વીકારી લીધી.
ટેકસાસ ઇન્સ્ટ્રુમેન્ટસે ક્યારેય મોરિસ ચાન્ગને આટલી બધી છૂટ આપી બ્લેન્ક ચેક આપ્યો નહોતો. ચિપ ઇન્ડસ્ટ્રીમાં મોરિસ ચાન્ગનો આઇડિયા તદ્દન ક્રાંતિકારી હતો અને તે માટે બહુ બધા નાણાંની જરૂર તેમને પડવાની હતી.
મોરિસ ચાન્ગે તાઇવાનમાં સેમિકન્ડકટર ઇન્ડસ્ટ્રી સ્થાપવાનો પ્લાન બનાવીને મિનિસ્ટર કે.ટી.લિ.ને આપ્યો એટલે કે.ટી.એ. લિ.એ આ પ્લાનને સત્વરે અમલમાં મુકવા ઝડપી ગતિએ કાર્યવાહી શરૂ કરી દીધી.
ભવિષ્યમાં જે, વિશ્વની અગ્રેસર ચિપ ઉત્પાદક કંપની બનવાની હતી તે , તાઇવાન સેમિકન્ડકટર મેન્યુફેકચરિંગ કંપની (TSMC) શરૂ કરવા માટે તાઇવાન સરકારે પોતે પ્રારંભિક કેપિટલના ૪૮ ટકા રકમ મોરિસ ચાન્ગને આપી.
(ક્રમશઃ)