For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જાપાન પર આક્રમણના મુદ્દે અમેરિકન જનરલોમાં વિવાદ

Updated: Mar 1st, 2023

Article Content Image

- બીજા વિશ્વયુધ્ધના આખરી સમયગાળા દરમિયાન

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-3

- લશ્કરી વડા હુમલાની તરફેણમાં, પણ નેવી અને એરફોર્સના વડા આક્રમણની વિરૂધ્ધમાં

- જાપાન પર હુમલો કરાય તો અમેરિકાના લાખ્ખો સૈનિકોનો ભોગ લેવાઇ જાય

અમેરિકન લશ્કર રોજે રોજ જાપાનીઝ મેઇનલેન્ડની નજીક આગળ વધી રહ્યું  છે. પણ અમેરિકન લશ્કરે તેની આ આગેકૂચ માટે ભારે કિંમત ચુકવવી પડી રહી છે. અમેરિકન નૌકાદળના સૈનિકોને આની પુરી જાણકારી હતી. (કહેવાનો મતલબ એ છે કે અમેરિકન નૌકાદળ ભલે જાપાનના પાટનગર ટોકિયો તરફ આગળ વધી રહ્યું હોય, પણ અમેરિકી નૌકાદળના સૈનિકોની ભારે ખુવારી થતી હતી. તેમનો મૃત્યુ આંક બહુ મોટો હતો, એટલે જ કહેવાય છે કે  ઓકિનાવા ટાપુ પર આગેકૂચ માટે અમેરિકનોએ ભારે કિંમત ચુકવવી પડી છે.)

જાપાન મેઇનલેન્ડ ટોકિયોને કબ્જે કરતા પહેલા અમેરિકાએ જાપાનના દૂરના ટાપુઓ પહેલા કબજે કરવા પડયા હતા. વર્ષ ૧૯૪૨માં અમેરિકાએ પહેલા ગુઆડાલકેનાલ ટાપુ પર કબ્જો જમાવ્યો. આ ટાપુ ટોકિયોથી ૩૦૦૦ માઇલ દૂર છે. એટલે અમેરિકાનું પહેલું લશ્કરી થાણું ટોકિયોથી ૩૦૦૦ માઇલ દૂરના ટાપુ પર સ્થપાયું. વર્ષ ૧૯૪૪ના પાછલા મહિનાઓમાં અમેરિકાએ પેલેલીઉ ટાપુ પર જીત મેળવી, જે ટોકિયોથી ૨૦૦૦ માઇલ દૂર છે તે પછી આઇવો જીમા ટાપુ અમેરિકાને શરણે આવી જતાં અમેરિકાએ ત્યાં પોતાનું લશ્કરી થાણું ઊભું કર્યૂં, જે ટોકિયોથી માત્ર ૭૫૦ માઇલની દૂરી પર જ છે.

અત્યારે ઓકિનાવા ટાપુ પર લડાઇ ચાલી રહી છે, તે ટાપુ ટોકિયોથી ફક્ત ૩૭૫ માઇલ જ દૂર છે, અર્થાત અમેરિકન નૌકાદળ હવે જાપાનની રાજધાની ટોકિયોથી કેવળ ૩૭૫ માઇલની દૂરી પર જ આવીને ઊભું છે, ટોકિયો હવે અમેરિકાની પહોંચની અંદર આવી ગયું છે.

અમેરિકન નૌકાદળ ટોકિયોની જેટલી નજીક જવા માટે આગળ વધતું હતું એટલા જ વધુ  પ્રમાણમાં યુધ્ધ વધારે ને વધારે હિંસક અને ઘાતકી બની રહ્યું હતું.

બીજા વિશ્વયુધ્ધ દરમિયાન અમેરિકાએ યુરોપ કે પેસિફિકમાં જેટલી ખુવારી વેઠી તેના કરતાં વધારે ખુવારી અમેરિકન લશ્કર, હવાઇ દળ અને નૌકાદળે ઓકિનાવા ટાપુ પરના આક્રમણમાં વેઠવી પડી હતી.

ઓકિનાવા ટાપુ પર મહદ અંશે ખેડૂતોની વસ્તી છે, ત્યાં જાપાની અને ચાઇનીઝ ખેડૂતો ખેતી કરે છે. આક્રમણખોર અમેરિકન સૈનિકોને શરણે જવા કરતાં ઓકિનાવા ટાપુના ઘણાં ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી હતી.

આ ટાપુ પરની ફળદ્રુપ જમીન વરસાદી પાણીના કારણે કાદવ બની ગઇ હતી. આ કાદવના કળણમાં ઘણી વખત અમેરિકન નૌકાદળના સૈનિકો ખૂંપી જતા ત્યારે તેમને કાદવમાં સડી ગયેલા જાપાની કે અમેરિકન સૈનિકોના મૃતદેહો જોવા મળતા હતા.

એક અમેરિકન લશ્કરી જનરલના કહેવા મુજબ ઓકિનાવા ટાપુ પર ભારે કાદવ-કિચ્ચડના કારણે સૈનિકોની મુવમેન્ટ  અત્યંત થકવી દેનારી બની ગઇ હતી અને વધારામાં પાછળના ભાગેથી જાપાની સૈનિકોના તોપગોળાનો સતત મારો થતો રહેતો હોવાથી  એનું મોટું જોખમ તો ઊભું જ હતું.

અમેરિકન  નેવીનો ડો.ડેસમોન્ડ ડોસ અત્યંત આસ્તિક અને શ્રધ્ધાળુ ક્રિશ્ચિયન હતો, તેણે  કમાન્ડિગ ઓફિસરને પૂછ્યું, સર, પ્રાર્થના  એક સૌથી મોટું જીવન રક્ષક બળ છે. પેલા ખડકની ઉપર પહોંચવા માટે દોરડાની જે સીડી બનાવાઇ છે, તેના પર ચઢતા પહેલા દરેક સૈનિકે પ્રાર્થના કરવી જોઇએ.

ડો. ડેસમોન્ડ ડોસ એટલો બધો ધર્મચુસ્ત હતો કે તે માંસ  નહોતો ખાતો અને ક્યારેય સિગારેટ કે દારૂ પણ પીતો  નહોતો.

ધાર્મિક પ્રકૃતિના આ ડોકટર રણમેદાનમાં તોપગગોળાના મારા વચ્ચે જઇને પણ અમેરિકન  ઇજાગ્રસ્ત સૈનિકને ઊંચકી લાવી તેની સારવાર કરતા હતા.

૨૬ વર્ષના આ યુવાન ડોકટરને ફિલિપાઇન્સના યુધ્ધમાં આવી શૂરવીરતા માટે બ્રોન્ઝ સ્ટાર્સ એવોર્ડ અપાયો હતો.

જો. ડેસમન્ડ ડોસ પોતાની સાથે કોઇ શસ્ત્ર રાખતા  નહોતા. તેમની  મ્- કંપની બટાલિયનના સૈનિકો ગ્રેનેડ અને કાર્બાઇન્ટાથી જાપાનની સૈનિકો પર આક્રમણ કરતા હતા અને લશ્કરના અન્ય  ડોકટર પોતાની પાસે પિસ્તોલ રાખતા હતા પણ ડો. ડોસ તો પિસ્તોલ પણ સાથે નહોતા રાખતા.

મોસ્કોમાં બેઠા બેઠા રશિયન નેતા જોસેફ સ્ટાલિન ઓકિનાવા જંગની રજે રજની માહિતી મેળવી રહ્યા હતા. શિયાળાનો બરફ ઓગળી જાય પછી રશિયાના ૧૦ લાખ સૈનિકો  ત્યાં મોકલવાનો પ્લાન તેઓ વિચારી રહ્યા હતા. નાઝી જર્મની સાથેના યુધ્ધનો અંત આવી ગયો હોવાથી સ્ટાલિન હવે જાપાની કબજા હેઠળના ઉત્તરીય ચીનના મંચુરિયન પ્રદેશ પર આક્રમણ કરવા ટાંપીને બેઠા હતા. 

અમેરિકન જનરલ જયોર્જ એસ. પટ્ટોને, અમેરિકન નેતાઓને ચેતવ્યા હતા કે રશિયાનો આ સરમુખત્યાર અમેરિકાનો હવે પછીનો બીજા નંબરનો દુશ્મન છે.

રશિયાનો આ સરમુખત્યાર અમેરિકા અને જાપાનની લડાઇ જેટલી વધારે લાંબી ચાલે, એટલી લાંબી ચાલુ  રહે તેમ ઇચ્છે છે, જેથી રશિયન લશ્કરને યુરોપથી એશિયામાં મોકલવાનો તેને પુરતો ટાઇમ મળી રહે. સ્ટાલિન તેનું સામ્રાજય શકય તેટલું વિસ્તારવા માટે વિચારી રહ્યો છે.

ત્રીજી બાજુ અમેરિકામાં પ્રમુખ હેરી ટ્રુમેન પણ રશિયન સરમુખત્યાર સ્ટાલિનની દરેક હિલચાલ પર બારીક નજર રાખી રહ્યા છે. તેમના પુરોગામી પ્રમુખ રૂઝવેલ્ટની જેમ તેઓ સરમુખત્યાર સ્ટાલિન પર વિશ્વાસ રાખતા નહોતા.

બીજી તરફ ફિલિપાઇન્સના પાટનગર મનીલામાં બેઠા બેઠા અમેરિકન લશ્કરના જનરલ ડગલાસ મેકઆર્થર અત્યંત ઉત્સુકતાથી જાપાન પર આક્રમણની તૈયારીઓ વિચારી રહ્યા હતા. તેમને પણ અમેરિકન વૈજ્ઞાાનિકો એટમબોમ્બ બનાવી રહ્યા હોવાની કોઇ જ ખબર નહોતી.

જનરલ મેકઆર્થર જાપાન પર આક્રમણનું વિચારી રહ્યા હતા, પરંતુ અમેરિકન નૌકાદળના વડા એડમિરલ અર્નેસ્ટ કિંગ અને એરફોર્સના વડા જનરલ હેપ આર્નોલ્ડ જાપાન પર આક્રમણની વિરૂધ્ધમાં હતા. આ બન્ને મહાશયની વિચારસરણી એવી હતી કે એક વખત જાપાનના આકાશ અને દરિયા પર આપણે કન્ટ્રોલ મેળવી લઇએ તો પછી જાપાન આર્થિકરીતે પુરેપુરૃં ભાંગી પડશ ે એટલે આપણે જાપાન પર લશ્કરી હુમલો કરી મોટા પાયે આપણા જવાનોનો ભોગ આપી દેવાની કોઇ જરૂર નથી.

જાપાન પર હુમલો કરવા માટે એક અંદાજ મુજબ અમેરિકન લશ્કર અને નૌકાદળના ૫૦ લાખ સૈનિકોની જરૂર પડે તેમજ બ્રિટનના ૧૦ લાખ સૈનિકોની આવશ્યકતા રહે, એ તો વધારામાં. જાપાન પર આક્રમણની નોબત આવી જ પડે તો બન્ને બાજુ થઇને લાખ્ખો સૈનિકોનો ભોગ લેવાઇ જાય.

(ક્રમશઃ)

Gujarat