FOLLOW US

પત્તાની ગેમ અને પ્રારબ્ધ-પુરૂષાર્થની જુગલબંધી

Updated: Feb 1st, 2023


- વ્યકિત કે દેશના ભવિષ્યની 'મૂળભૂત પેટર્ન' પહેલેથી લખાઇ ચૂકેલી હોય છે

- સારાંશ- વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-4

- એટર્ની જનરલ નહીં બનવાનો નિર્ણય પાલખીવાળાને અજ્ઞાાત શકિતએ લેવડાવ્યો

- Destiny અને Free Will- આ બન્નેનું આપણા જીવનમાં સ્થાન છે

પછી ચર્ચિલની કાર પર બોમ્બ એટેક થયો, પણ ચર્ચિલ બીજી તરફની સિટ પર બેઠા હોવાથી તેઓ આબાદ બચી ગયા..!

નાની પાલખીવાલાએ તેમના લેખમાં આવા બીજા સંખ્યાબંધ દાખલા ટાંકીને પ્રારબ્ધ કે નશીબ વિશે વ્યક્તિગતરીતે, પોતે શું માને છે તે પણ લખ્યું છે - પહેલી વાત તો એ કે વ્યક્તિ કે દેશના ભવિષ્યની ''મૂળભૂત પેટર્ન'' પહેલેથી લખાઇ ચૂકેલી હોય છે.

બીજું કે બહુ જ થોડા લોકોને પ્રારબ્ધ જોઇ શકવાની કે વાંચી શકવાની કુદરતી 'ગિફટ' મળેલી હોય છે. ત્રીજું કે કેટલાક લોકોને જીવનમાં અંદરથી કોઇ ગાઇડન્સ આપતો અવાજ સંભળાતો હોય છે. (કે કોઇક અદ્રશ્ય શક્તિ તરફથી અમુક નિર્ણય લેવા કે નહીં લેવાની સલાહ મળતી હોય છે. જેને ઘણાં લોકો અંતરાત્માનો અવાજ કહે છે. આપણા પૂર્વજો કહેતા કે દરેક વ્યક્તિએ પોતાના અંતરાત્માના અવાજને અનુસરીને જીવન જીવવું જોઈએ.) જો કે આ થવા પાછળનું કોઇ વૈજ્ઞાાનિક કારણ કે સ્પષ્ટતા મળતી નથી.

ચોથુ કે હું ''Free will'' માંય માનું છું, પરંતુ એ 'Free will પણ પૂર્વ નિશ્ચિત પેરામિટર્સની મર્યાદામાં જ હોય છે. (કહેવાનો મતલબ એ કે સાવ એવુંય નથી કે બધી બાબતો પ્રારબ્ધથી જ થાય છે.  માણસ પુરૂષાર્થ અને પ્રાર્થના સાથે ઝઝુમતો રહે તો પ્રારબ્ધમાં યોગ્ય માત્રામાં ફેરફાર કરી શકાય છે.)

આના સંદર્ભમા જ કોઇક ભાવિકજને અતિ સુંદર વાક્ય લખ્યું છે કે Destiny is pre written but with prayer it can be re-written  (પ્રારબ્ધ પહેલેથી જ લખાયેલું હોય છે પણ સાચા હૃદયની પ્રાર્થનાથી તેમાં ફેરફાર થઇ શકે છે.)

પાલખીવાલાએ આને અનુરૂપ, સામ્યતા ધરાવતો એક સાદો દાખલો આપીને સરળ સમજૂતિ આપી છે ઃ કુતરાના ગળે લાંબી દોરી બાંધેલી હોય તો એ કુતરો આમતેમ લાંબે સુધી હરીફરી શકે છે, પણ દોરીની લંબાઇ કરતા જરાય આગળ એ જઇ શકતો નથી...

અમેરિકાના એક વરિષ્ઠ પત્રકારે જવાહરલાલ નહેરૂને એક પ્રશ્ન પૂછ્યો હતો કે, ''Free will'' અને Destiny એ બે વિશે તમે શું માનો છો?

થોડો વિચાર કરીને પંડિત નહેરૂએ નીચે મુજબનો જવાબ આપ્યો હતો..

''Free will'' અને Destiny એ બન્નેનું આપણા જીવનમાં સ્થાન છે. આપણું જીવન પત્તાની રમત સાથે સરખાવી શકાય. પત્તાની રમતમાં તમને કેવા પત્તા મળશે, એ તમારા નિયંત્રણમાં નથી પણ તમને મળેલા પત્તાથી ગેમ કઇરીતે રમવી એ તમારા હાથની વાત છે, એટલે કે એ તમારી ''Free will'' છે. (તમે ઇચ્છો તો સાવચેતીપૂર્વક, હોંશિયારીથી ઓછી સારી બાજીને પણ જીતમાં પલટાવી શકો છો.) તમને સારા પત્તા મળ્યા હોય છતાં તમે બાજી હારી જાવ છો અથવા ખરાબ પત્તાથી પણ તમે બાજી જીતી શકો છો.

પાલખીવાલાએ વધુમાં એમ પણ લખ્યું છે કે કેટલાક એવા પણ વિનમ્ર માણસોના દાખલા છે કે  જેમણે સ્વીકાર્યૂં છે કે જીવનમાં તેઓ જે કોઇ ઊંચા હોદ્દે પહોંચ્યા છે તેના માટે તેઓ લાયક હતા એટલે નહીં પણ તેમના નસીબમાં આ ઊંચા  હોદ્દા લખાયા હોવાથી તેઓ આ સિધ્ધિ મેળવી શક્યા છે.

આ માટે તેમણે પૂર્વ વડાપ્રધાન દેવેગોવડાનો દાખલો ટાંક્યો છે.

બીજો દાખલો પાલખીવાલાએ ખુદ પોતાનો જ ટાંક્યો છે....

''વર્ષ ૧૯૬૮માં ગોવિંદ મેનન કોંગ્રેસી સરકારમાં કાયદા પ્રધાન હતા. તેમણે મને એટર્ની જનરલ બનવા માટે દબાણ કર્યૂં હતું. ઘણી આનાકાની અને ખચકાટ પછી એટર્ની જનરલનો હોદ્દો સ્વીકારવા છેવટે હું તૈયાર થયો. જ્યારે હું દિલ્હી ગયો ત્યારે કાયદામંત્રીને મેં આ માટે હા કહી.

મારી હા સાંભળીને ખુશ થયેલા કાયદામંત્રી ગોવિંદ મેનને કહ્યું આવતીકાલે એટર્ની જનરલ તરીકે તમારા નામની સત્તાવાર જાહેરાત કરી દેવાશે. એ રાત્રે મારા માથા પરનો ભાર પણ હળવો થઇ ગયો કારણ કે ઘણાં દિવસથી એટર્ની જનરલ બનું કે ના બનું એના હા-ના, હા-ના ના વિચારો પર હવે પૂર્ણ વિરામ મુકાઇ ગયું હતું. મેં હા કહી દીધા પછી એ રાતે હું શાંતિથી સુઇ ગયો.પણ મળસ્કે ત્રણ વાગે કોઇ કારણ વિના અચાનક જ મારી ઊંઘ ઉડી ગઇ.

મારા મનમાં એકાએક જાણે પ્રકાશનો ઝબકારો થયો કે એટર્ની જનરલ બનવાની મેં હા પાડી, એ  મારો નિર્ણય ખોટો છે, ભૂલ ભરેલો છે અને બહું મોડું થાય તે પહેલાં મારે નિર્ણય બદલી નાંખ્યાની જાણ કાયદામંત્રીને કરી દેવી જોઇએ.

વહેલી સવારે જ મેં કાયદામંત્રીની ક્ષમા માંગીને કહ્યું, માફ કરજો પણ હું એટર્ની જનરલ બનવા નથી માંગતો. મારો અગાઉ હા નો નિર્ણય મેં બદલ્યો તે બદલ હું ક્ષમા માંગું છું...!

તે પછીના વર્ષોમાં એ જ કોંગ્રેસ સરકાર વિરૂધ્ધ નાગરિકો વતી હું કેટલાક એવા કેસો લડયો, જેનાથી ભારતના બંધારણીય કાયદાને નવી દિશા સાંપડી, જે પૈકીના કેટલાક મહત્વના કેસો છે - બેન્કોના રાષ્ટ્રિયકરણનો કેસ (૧૯૬૯) પ્રિવિપર્સ કેસ (૧૯૭૦), ફન્ડામેન્ટલ રાઇટસ (૧૯૭૨-૭૩), કેશવાનંદ ભારતી કેસ, મિનરવા મિલ્સ કેસ (૧૯૮૦).

આમ એટર્ની જનરલ નહીં બનવાનો નિર્ણય મને કોઇ અજ્ઞાાત શક્તિએ લેવડાવ્યો.

પાલખીવાલા જો એટર્ની જનરલ બની ગયા હોત તો તેઓ સરકાર વિરૂધ્ધના ઉપરોક્ત પ્રજાહિતના  કેસો લડી શક્યા ના હોત.

અંતમાં નાની પાલખીવાલાએ લખ્યું છે કે જ્યારે તમે ડો. રેનોર જહોન્સનની 'The Imprisoned Splendour' અને ફ્રીટજોફ કાપ્રાની'The Tao of Physics'  પુસ્તક વાંચશો ત્યારે તમને પુરેપુરી સમજ  આવી જશે કે ભવિષ્યમાં ભારત વિશ્વગુરૂ બનશે એવું મહર્ષિ અરવિંદ અને રવિન્દ્રનાથ ટાગોર ખાતરીપૂર્વક કેમ કહી ગયા છે..

ફ્રાન્સના વિખ્યાત ફિલોસોફર વોલ્ટેરની એક બહુ જાણીતી ઉકત પાલખીવાલાએ તેમના પુસ્તકમાં ટાંકી છે. વોલ્ટેર કહે છે, જિન્દગીમાં બે વખત  સિવાય હું ક્યારેય બરબાદ નથી થયો- એક વખત હું જ્યારે મુકદ્દમો હારી ગયો, અને એક વખત હું જ્યારે મુકદ્દમો જીતી ગયો.

(કહેવાનો મતલબ એ કે તમે મુકદ્દમો/ કેસ જીતો કે હારો, તમારે ખર્ચના મોટા ખાડામાં ઉતરીને બરબાદ જ થવાનું છે..!) નાની પાલખીવાલાના મતે વિશ્વના બીજા દેશોની તુલનામાં અમેરિકામાં લીગલ પ્રોફેશનનું સૌથી વધારે વ્યાપારીકરણ થઇ ગયું છે. અને બીજો નંબર ભારતનો છે. બધાને યાદ છે કે અમેરિકાના સંખ્યાબંધ વકીલો યુનિયન કાર્બાઇડ દુર્ઘટનામાં માર્યા ગયેલા ગરીબ કામદારોના કેસો લડી પૈસા કમાવા માટે ભોપાલ દોડી આવ્યા હતા.

(સંપૂર્ણ)

Gujarat
News
News
News
Magazines