Get The App

બાકી રહેલો હું, બે વખત મોતના કેમ્પમાં જતો બચી ગયો

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
બાકી રહેલો હું, બે વખત મોતના કેમ્પમાં જતો બચી ગયો 1 - image

- મારા પરિવારના સભ્યોને બીજી છાવણીમાં લઈ જઈ મારી નંખાયા

- સારાંશ-વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-15

- યહૂદીઓને નજીવા બહાને ધડાધડ મારી નાંખવાનું કામ જર્મનો માટે રમત વાત હતી...

- બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન 30 લાખ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં ધકેલાયા હતા

(ઉલ્લેખનીય છે કે બીજા વિશ્વયુધ્ધ દરમિયાન લિથુએનિઆ દેશ પર નાઝી જર્મનોએ ૨૨ જૂન, ૧૯૪૧ થી  ૨૮ જાન્યુઆરી ૧૯૪૫ સુધી પોતાનું લશ્કરી શાસન જમાવ્યું હતું.). 

યહૂદી શ્રમજીવીઓ ચોક વિસ્તારમાંથી ચીજવસ્તુઓ ખરીદીને યહૂદી વસાહતમાં લઈ ઊંચા ભાવે વેચી નફો કમાતા હતા. પરંતુ લિથુએનિન્સ પોલીસોએ ચોકમાંથી ખરીદી બંધ કરાવી દીધી અને વસાહતમાં અમે પાછા જઈએ તે વખતે ગેટ પર બધાનું કડક ચેકિંગ શરૂ કરી યહૂદી મજૂરો કોઈ ચીજ-વસ્તુ વસાહતમાં સ્મગલ ન કરી જાય, તેનું ખાસ ધ્યાન રાખતા હતા.

એક બપોરે તો આ પોલીસોએ ભારે કરી. ગેટ પર એક જુવાન પોલીસવાળો બાંયો ચઢાવીને ઊભો રહ્યો અને લોટરી સિસ્ટમની જેમ, પોતાને ફાવે તે રીતે અમને બધાને બે ભાગમાં વહેંચવા માંડયો--કોઈને કહે જમણી બાજુ જા અને બીજાને કહે તું ડાબી બાજુના ગુ્રપમાં જા. જમણી બાજુવાળાને જીવતા રાખવાના હતા, ડાબી તરફના ગુ્રપવાળાનો ખાત્મો બોલાવી દેવાનો હતો. સદ્ભાગ્યે મને તેણે જમણી બાજુ મોકલ્યો...

ડાબી તરફવાળા બધાને તેણે ઊંધા માથે ભોંય પર સુઈ જવાનો હુકમ કર્યો, જેવા બધા સુઈ ગયા કે તુરત તેણે પોતાની રિવોલ્વરમાંથી ધડાધડ ગોળીઓ છોડવા માંડી. ગણત્રીની મિનિટોમાં ડાબી તરફના યહૂદીઓને તેણે યમદ્વારે પહોંચાડી દીધા.

એકાદ અઠવાડિયા પછી યહૂદી વસાહતની દીવાલો પર પોલીસો દ્વારા નવા પોસ્ટરો ચોંટાડાયા, જેમાં ઘોષણા કરાઈ હતી કે, વોર્સો શહેરમાં બાકી રહી ગયેલા બધા યહૂદીઓનું હવે Selection કરાશે.

(અહીં Selection નો અર્થ, પાટનગર વોર્સોમાં હવે જેટલા યહૂદીઓ રહે છે, તેમાંથી કેટલાકને બીજા કેમ્પમાં અર્થાત કોન્સન્ટ્રેશન કેમ્પના ગેસ ચેમ્બરોમાં યમના દ્વારે પહોંચાડવા માટેનું 'Selection થશે. ઈતિહાસકારોએ નોંધ્યું છે કે બીજા વિશ્વયુધ્ધ દરમિયાનના સમયગાળામાં જર્મનીના અતિ ક્રૂર તાનાશાહ હિટલરના પોલીસ અને લશ્કરી જવાનોએ ૬૦ લાખ યહૂદીઓને મોતને ઘાટ ઊતારી દીધા હતા, જે પૈકીના ૩૦ લાખ યહૂદીઓને ઝેરી ગેસ ચેમ્બરોમાં ધકેલી દઈ મારી નાંખવામાં આવ્યા હતા.

હિટલરના ગેસ ચેમ્બર્સનું પ્રકરણ વિશ્વના ઈતિહાસનું એક અત્યંત કલંકિત પ્રકરણ છે. અમેરિકાના મ્યુઝિયમમાં અને પોલેન્ડ તેમજ જર્મનીમાં હજી આજે પણ આ ગેસ ચેમ્બરના અવશેષો સચવાયા છે...)

વોર્સોના ૩ લાખ જેટલા યહૂદીઓનું અન્યત્ર ''પુનર્વસન '' કરી દેવાયું છે, હવે શહેરમાં એક લાખ યહૂદીઓ બાકી રહ્યા છે, તેમાંથી માત્ર ૨૫૦૦૦ યહૂદીઓને અહીં બાકી રખાશે, બાકીનાનું 'જીીનીર્બૌહ' થશે. અર્થાત તેમને બળજબરીથી કોન્સનન્ટ્રેશન કેમ્પોમાં રવાના કરી દેવાશેઃજે ૨૫,૦૦૦ યહૂદીઓને બાકી રખાશે, એ માનવતાના ધોરણે નહીં, પરંતુ જર્મનોને પ્રોફેશનલી સહાયરૂપ થઈ પડે તેવા યહૂદીઓ અને અન્ય હટ્ટાકટ્ટા જુવાનજોધ યહૂદીઓ કે જેઓ મજૂરીકામમાં જર્મનોને ઉપયોગી થઈ પડે તેવા હતા, એવા યહૂદીઓને વોર્સો શહેરમાં બાકી રખાશે.

વસાહતમાં જેમને રહેવા દેવાના છે, એ સદ્ભાગી યહૂદીઓને નંબર લખેલી ચબરખી અપાતી હતી. યહૂદી કાઉન્સિલને તેના સ્ટાફમાં ૫૦૦૦ યહૂદીઓ રાખવાની સત્તા અપાઈ હતી.

બીજે દિવસે સવારે અમને ચાર-ચારની હરોળમાં કાઉન્સિલના ગેટ પાસે ઊભા રહેવાનો હુકમ કરાયો, જ્યાંથી અમારે ગેસિઆ સ્ટ્રિટ જવાનું હતું. ત્યાં અમારા રહેવા-ખાવાની વ્યવસ્થા થનાર હતી.

અમારી પાછળ 'જીીનીર્બૌહ' થયેલા યહૂદીઓના ટોળેટોળા ઊભા હતા, જેમને બીજી છાવણીઓમાં લઈ જઈને જર્મનો પતાવી દેવાના હતા. ટોળામાંના ઘણાં બધા સ્ત્રી પુરૂષો અને બાળકોની રડારોળ ચાલુ થઈ ગઈ હતી. અમારા જેવા બચી ગયેલા પર એ યહૂદીઓ શ્રાપ વરસાવતા હતા.

ટોળામાં રડારોળની તીવ્રતા વધી જતા, મોટે -મોટેથી રડતા યહૂદીઓને શાંત કરી દેવા માટે લિથુએનિઅન્સ પોલીસોએ સીધી ટોળા પર જ ધડાધડ ગોળીઓ વરસાવવા માંડી...!

મને વધુ એકવાર જીવવાની તક મળી, મોતને વધુ એક વખત હાથતાળી આપીને હું બચી ગયો. પણ હવે હું ક્યાં સુધી ? કે કેટલો વખત મોતથી બચતો રહીશ ?

આ વેળા અમને અલગ ફલેટ ના અપાયા.એક રૂમમાં ત્રણ, ચાર કે પાંચ-પાંચ જણે રહેવાનું હતું. ઓરડામાં માત્ર અતિ જરૂરી ચીજવસ્તુઓ જ હતી અને સુવા માટે લાકડાના પાટિયા હતા.

મારી સાથે રૂમમાં પ્રોઝલ સ્કી પરિવારના ત્રણ સભ્યો અને અન્ય એક મહિલા શ્રીમતી એને રહેવાનું હતું. આ સ્ત્રી અત્યંત શાંત પ્રકૃતિની હતી. પહેલી રાતે જ મને એક ભયંકર સ્વપ્ન આવ્યું. મારા પરિવારના સભ્યોને મારી જ નંખાયા હશે, એવી અત્યાર સુધી હું માત્ર ધારણા જ રાખતો હતો, પણ એ સ્વપ્નાએ મારી ધારણાને જાણે પુષ્ટિ આપી દીધી--- સ્વપ્નામાં મને એવું દેખાયું કે મારો નાનો ભાઈ હેનરિક જાણે મારા ઓરડામાં આવ્યો અને હું જ્યાં સુતો' તો, ત્યાં મારી પર ઝુકીને કહે, અમે બધા હવે મરી ગયા છે...

અમારા ઓરડાની બહારના પેસેજમાં ઘણાં બધાની અવર-જવરના લીધે અમે સવારના છ વાગ્યામાં જ જાગી ગયા.

યહૂદી કાઉન્સિલની બિલ્ડિંગના પાછળના ભાગના કમ્પાઉન્ડમાં સાફસફાઈ કરવાની કામગીરી અમને સોંપાઈ હતી. અમને સવારમાં માંસનો સાવ પાણી જેવો પાતળો સૂપ અપાતો હતો. ખાલી પેટે અમારે સવાર-સવારમાં સાવરણાં લઈ સફાઈ કામ માટે જવું પડતું હતું.

બીજે દિવસે એ લોકોએ મને, પ્રોઝલ સ્કી અને તેના નાના છોકરાને બીજા બિલ્ડિંગની સફાઈ માટે મોકલ્યા. બપોરે બે વાગે અચાનક જર્મન સૈનિકની સિસોટીનો અવાજ સંભળાયો તે પછી તેની બૂમ પણ સંભળાઈ.

સફાઈ કરી રહેલા અમે બધા ગભરામણમાં ચોંકી ઊઠયા. માંડ બે દિવસ પહેલા અમારૃં Selection કરી અમને જીવતદાન અપાયું અને આજે વળી અચાનક આ બૂમ કેમ પડી ? બીજા ગુ્રપના યહૂદીઓને અલગ કરી તેમને ''પતાવી દેવા'' અલગ છાવણીમાં લઈ જવાયા હતા. તો શું આ ફરી વખત Selection કરવા અમને બોલાવાયા છે કે શું ...? બધાને બૂમ પાડી બિલ્ડિંગના વાડામાં કેમ બોલાવાયા હશે ?

સાફસફાઈનું કામ છોડી બધા યહૂદીઓ વાડામાં એકઠા થયા. બધાના ચહેરા પર મોતનો માતમ છવાયેલો સ્પષ્ટ નજરે પડતો હતો. અમને ખાતરી થઈ ગઈ કે ફરી Selection કરવા માટે જ તમામને અહીં બોલાવાયા છે.

(ક્રમશઃ)