કતલખાના અને વૅટરનરી ડૉકટરો વચ્ચે સાંઠ-ગાંઠ
- વૅટરનરી ડૉકટરોએ અનૈતિક પ્રેકટીસ છોડીને એનીમલ વેલ્ફેરનું વિચારવું જોઇએ
- કાયદો કહે છે કે કતલખાનામાં ૯૬ પશુઓ વચ્ચે એક વૅટરનરી ડૉકટર જોઇએ પરંતુ ક્યાંય કાયદાનો અમલ નથી થતો...
વિશ્વની ૭૦ ટકા એન્ટી બાયોટીક્સ પ્રાણીઓને અપાય છે; નથી તેમના આરોગ્યની ચકાસણી થતી કે નથી તો તેમને છૂટથી ફરવા દેવાતા..
મારી હોસ્પિટલમાં જોડાવવા દર અઠવાડીયે મને નવા-સવા તૈયાર થયેલા એકાદ વેટરનરી ડોકટરની અરજી અચૂક મળે છે. આ લોકો સાવ આવડત વિહોણા અને નિદાન કરવાની ક્ષમતા વીનાના હોય છે. કેટલાક મહિનાઓ તાલિમ લઇને આ લોકો સામાન્ય રીતે પગાર લઇને રાતોરાત છૂ થઈ જાય છે અથવા તો મારી મા બિમાર છે એમ કહીને એકવાર ગયા પછી ક્યારેય પાછા નથી ફરતા. આ લોકો ક્યાં ગયા તેની તપાસ કરીએ તો ખબર પડે કે તે સરકારી નોકરી માટે પસંદ થયા છે !!
આ લોકો વેટરનરી ડૉક્ટર તરીકે સરકારમાં શું કરશે ? શું આ લોકો પ્રાણીઓને સારા કરી શકે ? શું આ લોકો ગામડામાં જઇને ત્યાંના લોકોને પશુની સારવાર કેમ કરવી તે શીખવાડી શકે ખરા ? આ પ્રશ્નનો જવાબ 'ના'માં આપી શકાય.. જ્યારે આ લોકોને સરકાર દૂરના કોઈ ગામડામાં નિમણૂક આપે છે ત્યારે તે ઝાડ નીચે ખાટલો પાથરીને પત્તાં રમ્યા કરે છે. જો તેમને શહેરમાં નોકરી મળે તો તે ક્યાં તો કલેરીકલ કામ વધુ કરે છે નહીંતર સરકારની વેટરનરી કોલેજમાં શિક્ષક તરીકે જોડાઇ જાય છે.
રોડ પર રખડતા પશુઓની સારવાર કરવી અને તેમને એનીમલ આશ્રય સ્થાનમાં પહોંચાડવાની જવાબદારી તેમની હોય છે. જો કે આ ડોકટરો આવું કશું કરતા નથી. એનીમલ આશ્રય સ્થાનો 'કંજી હાઉસ' તરીકે ઓળખાય છે જે રાતના સમયે કસાઇઓનું પશુ ખરીદ કેન્દ્ર બની જાય છે. કેટલીક જગ્યાએ તેમની જોબ મૂંગા પ્રાણીઓને પ્રયોગ માટે લેબોરેટરીમાં મોકલવાની હોય છે. પ્રાણીઓને ત્યાં મોકલ્યા પછી તેમની સ્થિતિ કેવી છે તે જોવા માટેની ક્યારેય દરકાર નથી કરતા. પ્રયોગ દરમ્યાન કેટલા પશુ મૃત્યુ પામ્યા એવું પણ તેમને કોઇ પૂછતું નથી.
વેટરનરી ડૉક્ટરોનું સૌથી સારું પોસ્ટીંગ કતલખાના ખાતેનું હોય છે. કાયદા અનુસાર કતલખાનામાં દર ૯૬ પશુએ એક વેટરનરી ડૉક્ટર જોઈએ !! પરંતુ હકીકત એ છે કે રાજધાનીમાંના સરકારી કતલખાના સહિતના કતલખાનાઓમાં હજારો પશુઓની ગેરકાયદે રીતે કતલ થાય છે. આવા હજારો પશુઓના આરોગ્યની ચકાસણી કોઇ વેટરનરી ડૉક્ટર નથી કરતો. આ પશુઓના આંતરડામાં વોર્મ્સ (અળસીયા) હોય છે. તેમના પગ ઘૂંટણેથી તૂટેલા હોય છે.
તેમને ટ્રકમાં ઠાંસી-ઠાંસીને ભર્યા હોઈ તે ક્ષય રોગ, બૂ્રસીલોસીસ, ઉજરડા, વગેરેથી પીડાતા હોય છે. જે પશુઓ ચાલી શક્તા નથી તેમની પૂંછડી પકડીને કતલના સ્થળ સુધી લઇ જવામાં આવે છે. જે પશુ બિમાર છે તેની કતલ થઇ શકે નહીં. એ કાયદાનો છડેચોક ભંગ થાય છે. કતલ ખાનામાં લવાતા પશુઓ ખીચોખીચ ભરેલા હોઇ કેટલાકના પગમાં ગેગરીન થયેલું હોય છે. કોઇ વેટરનરી ડૉક્ટર આ ચેક નથી કરતો. આ ડોકટરો ઘેર બેસી રહે છે. કતલખાના બાજુ નહીં ફરકવાનો તેમને દર અઠવાડીયે હપ્તો મળી જાય છે. ભારતમાં આજ દિન સુધીનો ઇતિહાસ એવો છે કે કોઇપણ વેટરનરી ડૉક્ટરે કતલ માટે લઇ જવાતા બિમાર પશુને અટકાવ્યું નથી.
વેટરનરી ડૉક્ટરોનું બીજું એક કૌભાંડ એ છે કે માંસની નિકાસ કરતી કંપનીઓના મીટ ચેકિંગ કર્યા સિવાય મોકલાય છે. માંસની નિકાસ કરતી અનેક કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમ્યાન વેટરનરી ડૉક્ટરોએ આપેલા આગામી વર્ષોના એડવાન્સમાં સહીવાળા ડોકયુમેન્ટ મળી આવ્યા હતા.
જેમાં લખ્યું હતું કે ભેંસના માંસને ચેક કરવામાં આવ્યું છે, તે તંદુરસ્ત, તાજું અને કાયદા અનુસાર તૈયાર કરાયું છે. વેટરનરી ડૉક્ટરને આવા દરેક સર્ટીફીકેટ માટે પૈસા મળે છે. કાનપુરની મીટ-એક્સપોર્ટ કરતી કંપનીની દિલ્હીમાં એક રૃમમાં નાની ઓફિસ છે. જે હંમેશા બંધ રહે છે. કાનપુરની કંપનીને દિલ્હીમાં ઓફિસની શી જરૃર ? આ ઓફિસ એટલા માટે છે કે કાનપુરના પાર્સલ પર દિલ્હીનો વેટરનરી ડૉક્ટર સહી કરી શકે !!
દરેક કતલખાના ચેક કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. કાયદો પણ શું કરે ? જ્યારે વેટરનરી ડૉક્ટર એમ લખીને આપે કે કતલ માટે યોગ્ય પશુ છે. હકીકત એ છે કે ડોકટરે સ્થળ પર જઇને પ્રાણીઓને ચેક કર્યા પછી કતલ માટે સોંપવા જોઈએ. આ લોકોએ મીટ ઇન્સપેકટરને સાથે લઇ જઇને કતલખાનાની સ્વચ્છતા તેમજ પ્રાણીઓના હાડપિંજર રાખવાની જગ્યા વગેરે આરોગ્યની દ્રષ્ટિએ ચેક કરવા જોઈએ.
કોઇ વેટરનરી ડૉક્ટર ઇન્સપેકશન નથી કરતો અને કતલખાનામાં જંગલીયતભરી રીતે કતલ ચાલુ રહે છે. આ ડોકટરો એવી દલીલ કરે છે કે કતલખાનાવાળા લાંબા છરા બતાવીને ડરાવે છે, કતલખાનાના કસાઈઓ ચેકીંગનો ઉગ્ર વિરોધ કરતા હોય છે. ધીરે ધીરે વેટરનરી ડૉક્ટર કસાઇ ખાનાની સ્થિતિથી ટેવાઇ જાય છે.
શું આવું માત્ર ભારતમાં જ થાય છે ? આ પ્રશ્નનો જવાબ 'ના' માં છે. વિશ્વમાં વેટરનરી ડૉક્ટરોની કામગીરી બદલાઈ ગઈ છે. બહુ ઓછાને પ્રાણીઓના આરોગ્ય અને ઉત્કર્ષમાં રસ હોય છે. મોટાભાગના એમ માને છે કે પશુઓ એ નાણા કમાવવાનો ધંધો છે. મરઘા-બતકા ઉછેર ફાર્મમાંથી લોકો કમાણી કરી રહ્યા છે. તે ઇંડા, દૂધ આપે ત્યાં સુધી આવક કરી લે છે પછી તેમને કતલખાને મોકલીને પણ આવક રળી લે છે.
ખેતરોમાં પહેલાં લોકો જાતે મજૂરી કામ કરતા હતા, હવે ફાર્મીંગ મશીન આવી ગયા છે. તે માટેના ટેકનીશીયન હોય છે. જોકે પશુઓ માટે કોઇ સિસ્ટમ નથી હોતી. તેમનો દૂધ-ઇંડા માટે ઉપયોગ બાદ કતલખાને ધકેલી દેવાય છે. કોઇપણ સ્ટાફ તેનો બોસ નારાજ ના થાય એટલે પ્રાણીઓ પરની ક્રૂરતા અંગે વિરોધ નથી કરતો.
એટલે જ બ્રોઇલર ચીકન અને પાંજરામાં જ ભુંડના બચ્ચાને જન્મ વગેરે ચાલે છે. ફીમેલ ભૂંડ આઘી-પાછી ના થઇ શકે એ રીતે પાંજરામાં ફીટ કરવામાં આવે છે. વેટરનરી ડૉક્ટરો ક્યારેય મૂંગા પ્રાણીઓની સ્થિતિ અંગે વિચાર નથી કરતા કેમ કે પ્રાણીઓના ફાર્મ રાખનારા તેમના ગ્રાહકો હોય છે.
એન્ટીબાયોટીકસના વપરાશ અંગે પણ વેટરનરી ડૉક્ટર્સ બેદરકાર હોય છે. વિશ્વમાં બનતી ઍન્ટીબાયોટીક્સ પૈકી ૭૦ ટકા તો પશુધન પાછળ વપરાય છે. વેટરનરી ડૉક્ટરો ક્યારે પ્રાણીઓને પોતાના ક્લાયન્ટ નથી માનતા પણ તેમના પગારના ચેકમાં જે સહી કરે છે તેને કલાયન્ટ માને છે.
જે પ્રાણીઓ છૂટથી ફરવા અને ઓપનમાં ચરવા માટે ટેવાયેલા છે તેમને નાની જગ્યાઓ પર બાંધી રાખવામાં આવે છે એટલે તે રોગીષ્ટ બને છે. એન્ટીબાયોટીક્સનો ઉપયોગ રોગ મટાડવા તેમજ પ્રાણીઓના વિકાસ તેમજ તેમને જીવાડવા માટે કરાય છે.
વિશ્વભરમાં ખાસ કરીને ભારતમાં પશુઓને યાતના આપતી સિસ્ટમને ટેકો આપવામાં આવે છે. આધુનિક એનીમલ ફાર્મમાં પશુઓને તેમની સાઇઝ કરતા નાના પાંજરામાં રાખવામાં આવે છે. શા માટે આમ કરાય છે ? કેમ કે પાંજરા વીનાના વાતાવરણમાં તે ઓછા બિમાર પડે છે અને તંદુરસ્ત રહે છે. પરંતુ જો આમ કરવામાં આવે તો ૧૫૦૦ જેટલા વેટરનરી ડોકટર તેમની નોકરી ગુમાવે !!
જર્મનીમાં જે વૅટરનરી ડૉકટરો પ્રાણીઓને દવા આપવાના બદલે બારોબાર તે વેચી મારે છે તેમને દંડ કરાય છે. ફાર્માસ્યુટીકલ ઉદ્યોગ પોતાની દવાઓ ખરીદાય એટલે વૅટરનરી ડૉકટરોને પ્રલોભન આપતા હોય છે. ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગો પણ આવું જ કરે છે. જ્યારે વૅટરનરી ડૉકટરને એક મરઘી બિમાર લાગે છે ત્યારે તે સમગ્ર ૨૦ હજાર મરઘીઓને અગમચેતીના પગલાં રૃપે એન્ટી બાયોટીક આપી દે છે. સમગ્ર લૉટને દવા આપવી એ વાતને 'ફ્લોક' તરીકે ઓળખવામાં આવે છે.
ઘણીવાર ખોટું નિદાન થાય તો પણ મરઘીઓને એન્ટી બાયોટીક્સ આપવાને યોગ્ય ગણવામાં આવે છે. જર્મનના સત્તાવાળાઓએ ૧૮૨ 'ફ્લોક'ને ચેક કર્યા તે પૈકીના ૯૦ ટકા કિસ્સામાં પ્રાણીઓને ખોટી રીતે એન્ટીબાયોટીક્સ પર રાખવામાં આવતા હતા. ૨૦૧૦ના વર્ષમાં જર્મનીમાં ૯૦૦ ટન એન્ટીબાયોટીક્સ પશુઓને અપાઇ હતી.
આપણે વૅટરનરી ડૉકટરોને મેડીકલના મેઇન મીશન એનીમલ વેલફેર તરફ લઇ જવા જોઇએ. વૅટરનરી ડૉકટરો આ સિસ્ટમ શરૃ કરી શકે છે.
જે લોકોને પ્રાણીઓની સારવારનું કામ સોંપાયું છે. એજ લોકો તેમના પર ત્રાસ ગુજારી રહ્યા છે. ભારતમાં વૅટરનરી ડૉકટરોને બહુ માન નથી મળતું આ લોકોએ સન્માન મેળવવા પ્રાણીઓ અને તેના પગલે મનુષ્ય સામે ઊભા થતા જોખમોની અનૈતિક પ્રેકટીસ બંધ કરવી પડશે..
- સંવેદના મેનકા ગાંધી