સંવેદના - મેનકા ગાંધી
- મનુષ્યને આરામ મલે, પ્રાણીઓને ઝઝૂમતા રહેવું પડે છે
- જે પ્રાણીઓને મનુષ્ય ખોરાક માટે ઉછેરે છે તેવા પ્રાણીઓ મરી જવાનું વધુ પસંદ કરે છે
- યાદ રાખજો કે મનુષ્યને વેકેશન, ઓફ કે સીકલીવ મળે છે જ્યારે પૃથ્વી પરના અન્ય જીવોને કોઈ રજા નથી મળતી, અસ્તિત્વ ટકાવી રાખવા પણ કામ કરવું પડે છે
- મધમાખી દિવસના દસ કલાક ઉડીને મધ ભેગું કરે છે : કીડીઓ પોતાના વજન કરતાં ૧૦ ગણું વધુ વજન ઉપાડે છે : સિંહણ પોતાની સાઇઝથી મોટા પ્રાણીનો શિકાર કરે છે
કામ કરવું કે ના કરવું તે અંગે માનવ પસંદગી કરી શકે છે પણ પ્રાણીઓએ તો અસ્તિત્વ ટકાવી રાખવા મહેનત ફરજીયાત પણે કરવી પડે છે. પાળેલ પ્રાણીઓની વાત અલગ છે. તે પોતાના માલિકની આસપાસ ફર્યા કરે છે તેમ છતાં કૂતરા-બિલાડીઓ પર યાતના ગુજારાય છે. મરઘા, બતકાં, ભૂંડ, ઘેટાં, બકરાં જેવા પ્રાણીઓને ખાવા માટે ઉછેરાય છે. વિશ્વભરમાં આવા પ્રાણીઓની હાલત ખુબ દયાજનક હોય છે. તેમને પૂછાય તો મને ખાત્રી છે કે આવા પ્રાણીઓ જીવવાના બદલે મોત વધુ પસંદ કરશે.
આ બધાની વચ્ચે જંગલી પ્રાણીઓ, જીવાણુઓ, પક્ષીઓ વગેરે મુક્ત છે પરંતુ તેમની જીંદગીનો ભાર તેમને પોતે જ ઉઠાવવો પડે છે. જો કે કેટલાંક પ્રાણીઓ બીજા કરતાં વધુ મહેનત કરે છે.પ્રાણીઓના સામ્રાજ્યમાં સૌથી વધુ મહેનત કરતા પ્રાણીઓની યાદી નેશનલ વાઇલ્ડ લાઇફ ફેડરેશને બનાવી છે.
(૧) સેમન : સેમન એ ગુલાબી-લાલ રંગની મોટી માછલી છે. પુખ્તવયની સેમન વર્ષમાં એકવાર દરિયામાંથી પ્રવાસ કરીને પોતે જ્યાં જન્મી હોય છે તે નદીમાં જાય છે. એટલે કે તે સામા વ્હેણમાં તરે છે; હુમલાખોરોથી બચીને આગળ વધે છે; મોટા દરિયાઈ મોજાનો સામનો કરે છે, માછીમારો અને મોટા ધોધથી બચીને આગળ વધે છે. આટલું તરતા તેની એનર્જી ખલાસ થઇ જાય છે અંતે તે મોતને ભેટે છે.
કીડીઓ : કીડીઓ કામગરી હોય છે. વર્કર્સ અને સૈનિકો બહારથી ફૂડ ખેંચી લાવે છે. માળો-દર ચોખ્ખો રાખે છે અને દુશ્મનો સાથે લડે છે. કેટલીક કીડીઓ પોતે કરેલ શિકાર દરમાં લઇ આવે છે. કેટલીક કીડીઓ બીયાં ભેગા કરીને દરમાં ખેંચી લાવે છે. કીડીની દરેક જાતને તેના પોતાના વજન કરતાં ૧૦થી ૧૫ ગણું વજન ઉપાડવું પડે છે.
મધમાખી : ફૂલો શોધવાના અને પછી તેમાંનું મધ ખેંચી લેવું એ તેની કામગીરી હોય છે. ફૂલ શોધવું અને પછી તેમાંથી મધ ખેંચવું એ મુશ્કેલ છે. આવું મધ મોટાભાગે પાણી જેવું હોય છે. એક મધમાખી દિવસના ૧૦ કલાક ઉડીને ફુલ શોધે છે અને મધ લાવે છે. મધમાખીની રાણી એક દિવસમાં ૧૫૦૦ ઇંડા મુકી શકે છે.
હમીંગ બર્ડસ : સ્કાય કલરનું ગળું ધરાવતું પીંછાવાળું હમીંગ બર્ડ દર સેકન્ડે ૪૦-૮૦ વાર પાંખો ફફડાવે છે. આમ કરીને તે હવામાં રહી શકે છે. તેમના હૃદયના ધબકારા દર મિનિટે ૧૨૬૦ જેટલા હોય છે.
એર્સેટીક સૅસ : લાંબી પાંખોવાળું આ દરિયાઈ પક્ષી સૌથી લાંબુ માઇગ્રેશન કરે છે. તે એન્ટાર્ટીકાથી ઉડીને ૩૫ હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડીને ૯૦ દિવસમાં નદીના પાણી સુધી પહોંચે છે તેમની ૩૦ વર્ષની જીંદગીમાં એક પક્ષી ૧૦,૫૦,૦૦૦ કિ.મીટર કાપે છે.
છછુંદર : ઉંદર જેવું દેખાતું આ સસ્તન છછુંદર જીવાત, અળસીયાં, સાપ વગેરે ખાઈને જીવે છે. તેમની પાચનની પ્રક્રિયા એટલી ઝડપી હોય છે કે તે સતત ખાયા કરે છે તે સતત ખોરાક પણ શોધે છે કેમ કે તેમના શરીરના વજન કરતાં બે થી ત્રણ ગણું તેમને ખાવું પડે છે.
બીવર્સ (ટૂંકી પૂંછડીવાળું જળચર) ૧૮ કિલોનું બીવર્સ મોટા ઝાડની ઉપર માળો બાંધે છે. તે મોટા ધોધની બાજુ પર પડતી દિવાલોની બખોલમાં ઘર બનાવે છે. તે પોતાના ઘરને સતત રીપેર કર્યા કરવું તેમજ ખોરાક શોધવા જવું એ ખરેખર મુશ્કેલી ઉભી કરે એવા કામ છે.
હેમર કોપ : આ આફ્રિકન પક્ષી છે. તે પોતાનો માળો બાંધવા અને બચ્ચાંને સાચવવાં આખો દિવસ કામ કર્યા કરે છે. માળો બાંધવાનું મટીરીયલ મેલ લઇ આવે છે અને ફીમેલ તેમાંથી માળો બનાવે છે. બંને માળા કાદવથી ઢાંકી દે છે. તે માળો પાંચ ફૂટ લાંબો અને પાંચ ફૂટ પહોળો હોય છે. પ્રાણીઓની કેટલીક જાતોમાં માત્ર ફીમેલ જ કામ કરતી હોય છે.
સસલાં : એક સસલાની ફીમેલ, સાતવાર પ્રેગનન્ટ થાય છે અને દરેક પ્રેગનન્સી વખતે તે ચારથી છ બચ્ચાં મુકે છે.
સિંહણ : સિંહ પરિવારમાં સૌથી વધુ શિકાર સિંહણ કરે છે. બચ્ચાંનો ઉછેર પણ સિંહણ જ કરે છે. સિંહણ પોતાની સાઇઝ કરતા મોટા પ્રાણીઓ જેવાં કે ભેંસ, હાથી કે જીરાફનો શિકાર કરે છે.
જાયન્ટ પેસીફીક ઓક્ટોપસ : આ ઓક્ટોપસની ફીમેલ એક લાખ ઇંડા મુકેછે અને મહિનાઓ સુધી તેને સાચવે છે. તે ખોરાક લેવા પણ નથી જતી અને ઇંડા સાચવે છે. જ્યારે કોઈ ઇંડા ખાવા તરાપ મારે તો તે મૃત્યુ સુધી લડીને ઇંડા બચાવે છે.
એમ્પરર પેંગ્વીન : આ પ્રાણીની ફીમેલ મોટું ઇંડુ મુકે છે. તેનું સેવન તેના પિતાને સોંપીને તે ૫૦ કિ.મી. દુર દરિયા કિનારે જઇને ફીશ શોધે છે પછી તે લઇને પાછી ફરે છે. ત્યારે માતા-પિતા અને બચ્ચું સાથે મળીને ખાય છે. આમ તે પિતા-બાળકને ખવડાવે છે.
સ્ટ્રોબેરી પોઇઝન ડાર્ટ ફ્રોગ : આ દેડકો પોતાના બચ્ચાં માટે ઉંચાઈવાળી દિવાલ કુદી જાય છે. જંગલોમાં વરસાદ પડે ત્યારે તે ગ્રાઉન્ડમાં ઇંડા મુકે છે. જ્યારે ઇંડામાંથી બચ્ચાં નીકળે છે ત્યારે એક પછી એક વિવિધ ખાબોચીયામાં મુકે છે. જ્યાં સુધી આ બચ્ચાં મોટા ના થાય ત્યાં સુધી તેની મા તેમનું ધ્યાન રાખે છે. આ ઉપરાંત જે ઇંડામાંથી બચ્ચા ના નીકળ્યાં હોય તે ઇંડામાંથી બચ્ચાં ના નીકળે ત્યાં સુધી તેનું ધ્યાન રાખે છે.
પોલર બીયર : આ જાતિ લુપ્ત થઇ રહી છે. જેની ફીમેલ પ્રેગનન્સી પહેલાં પોતાના વજનમાં બમણો વધારો કરે છે. ત્યારબાદ તે કોઈ ગુફામાં છુપાઈ જાય છે. ત્યાં તે ખાધા-પીધા વગર રહીને બચ્ચાંને જન્મ આપે છે. બે વર્ષ સુધી તે પીગળતા બરફ વચ્ચે ખોરાક પણ શોધે છે અને બચ્ચાંને ખવડાવીને મોટા કરે છે.
ઉરાંગ-ઉટાંગ : બચ્ચાં ઉરાંગ-ઉટાંગનું ધ્યાન તેમની માતા રાખે છે. આ વાનર બચ્ચાંની મા પાંચ વર્ષ ધ્યાન રાખે છે. નવવર્ષ સુધી તે માતા પર આધાર રાખે છે. માતા તેને ખવડાવતી નથી પણ તેના માટે ખાવાનું શોધી લાવે છે. તેમનું રક્ષણ કરે છે. તેમના માટે ઝાડની ટોચે પથારી કરી આપે છે. જીવનયાત્રા દરમ્યાન તેમના માટે માતા ૩૦ હજાર જેટલાં ઘર બાંધે છે.
હવે જ્યારે તમે કોઈ કામ માટે ફરીયાદ કરો ત્યારે યાદ રાખજો કે તમને વેકેશન મળે છે, ધાર્મિક પ્રવાસ કે માંદગીની રજા મળે છે, અઠવાડીક રજા મળે છે ત્યારે યાદ રાખજો કે પૃથ્વી પરના અન્ય જીવોને કોઈ રજા નથી મળતી !!