કીડીખાઉ પેંગોલીનનો મોટા પાયે સફાયો
- પેંગોલીનના શરીર પરના ભીંગડા દવા બનાવવામાં વપરાતા હોવાથી મોટા પાયે દાણચોરી
- બિલાડી કરતા થોડું મોટું પેેંગોલીન સસ્તન પ્રાણી છે; વિદેશમાં તેના શરીરના ભાગો દવા બનાવવામાં વપરાય છ
- વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બોર્ડ 'ઓપરેશન પેંગોલીન' શરૃ કર્યું હતું ઃ મોટા પાયે દાણચોરી થાય છે, સરકારને પડી નથી...
પશુઓને બચાવવા માટેની ઝુંબેશ એ લોહીના ખાબોચીયામાં આંગળી બોળવા જેવું છે. આંગળી પર લોહી ચોંટેલું જ રહે છે. તમે એક છીંડુ બંધ કરો જ્યારે બીજે ક્યાંક બમણા છીંડા ઊભા થઇ ગયા હોય છે.
આપણે ક્યારેય વિચાર્યું હતું કે ઈન્ડિયન પંગોલીયન સામે ખતરો ઊભો થશે. જેમ મોનીટર પ્રકારનો મોટો નોળીયો શહેરમાં લાવીને જીવતો શેકવામાં આવતો એવું પેંગોલીનના કિસ્સામાં તો સહેજ પણ થયું નથી. આપણે ત્યાં કોઇ પેંગોલીયન ખાતું હોય કે તેની દવા બનતી હોય એવું મેં ક્યાંય સાંભળ્યું નથી.
એટલે જ મેં જ્યારે સાંભળ્યું કે એશિયામાંથી પેંગોલીયન કે સ્કેલી એન્ટઇટરની વસ્તી નામશેષ થઇ રહી છે ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયું હતું. પ્રાણીની આ જાતિ સાવ નષ્ટ થઇ ગયાનું જાણી વર્લ્ડલાઇફ કંટ્રોલ બ્યુરો ૧૦ વર્ષ બાદ મોડે મોડે જાગ્યું હતું અને ઈન્ટર પોલની મદદથી 'ઓપરેશન પેંગોલીયન' શરૃ કર્યું હતું. વર્લ્ડ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોના ડાયરેક્ટર એ માનવા તૈયાર નહોતા કે તેમનો બ્યુરો કોઇ પ્રાણી બચાવની ઝુંબેશમાં જોડાયો છે.
(પેંગોલીયન એટલે બિલાડીથી થોડું ઊંચુ અને દાંત વિહોણું સસ્તન પ્રાણી).
ચાર વર્ષ પહેલાં મે આ લોકોને એક સિસ્ટમ ગોઠવી આપી હતી જેમાં ૨૦૦૦ જેટલા માહિતી આપનારા હતા અને શિકાર વિરોધી ટોળકીઓ હતી. આ ગોઠવણીને માંડ ત્રણ મહિના થયા ત્યાં તો જયંતી નટરાજને સિસ્ટમ બંધ કરી દીધી હતી. એટલે બ્યુરો પાસે ઓપરેશન ચાલુ રાખવા માટે કોઇ સ્ટાફ નહોતો. બ્યુરોના સ્ટાફમાં એક આસિસ્ટન્ટ અને એક ટાઈપીસ્ટ હતા.
એટલે હું અને તમે વાચકો મળીને પ્રાણીની આ જાત પેંગોલીયનને બચાવી શકીએ. દર વર્ષે ૨૫,૦૦૦ જેટલા પેંગોલીયનની કતલ કરીને કોલકત્તા કે ચેન્નાઇના માર્ગે ચીન મોકલી આપવામાં આવે છે. જંગલી પશુઓના અંગોના ધંધા માટે કોલકત્તા 'હબ' બની ગયું છે. કોલકત્તાથી ગેરકાયદે પક્ષીઓ, કાચબા તેમજ નાના પ્રાણીઓને દેશભરમાંથી લાવીને વેચાય છે.
તેમને કન્ટેનરમાં મોકલાય છે અને કસ્ટમ ઓફિસરને લાંચ આપીને કન્ટેનર ક્લીયર કરાય છે. સ્ટાર અને ફ્રેશ પાણીમાં રહેતી માછલી, કાચબાને પણ આ માર્ગથી જ બહાર મોકલાય છે. પ્રાણીઓના અંગો મોકલતું એક હબ ચેન્નાઇ પોર્ટ પણ છે જ્યાંથી દરિયાઇ પ્રાણીઓ જેવાં કે સી હોર્સ, શાર્ક ફીન્સ સહિતના જીવો લાખોની સંખ્યામાં સિંગાપુર, ચીન અને હોંગકોંગ મોકલાય છે.
અહીં પ્રશ્ન એ છે કે પેંગોલીયન એટલે શું ? મોટા ભાગના વાચકોએ તે જોયા નહીં હોય !! આ સસ્તન પ્રાણી બિલાડી કરતા થોડું મોટું હોય છે. તે કોઇને નુકસાન નથી કરતું અને મિત્રો બનાવી શકે છે. ઈન્ડીયન પેંગોલીયનને દાંત નથી હોતા. તે કીડાખાઉ જાનવર છે. તે ભારત, શ્રીલંકા, નેપાળ, ભૂતાનના પર્વતીય વિસ્તારોમાં મળી આવે છે. કીડી અને ઉધઇ ખાતો આ જીવ કોઇનો સામનો કરી શકતું નથી.
તેના પર હુમલો થાય એવો સંકેત મળતાં જ તે બોલની જેમ ગોળ આકારનું બની જાય છે. જ્યારે તે પોતાના પગ પર ઊભું થાય ત્યારે ચાર ફૂટ લંબાઇનું લાગે છે. તે આગળ વધવા આગલા બે પગનો ઉપયોગ કરે છે. તે કાદવમાંથી કે કચરા કે માટીના ઢગલામાંથી પોતાના લાંબા જડબા મારફતે શિકાર શોધી લે છે. તે પર્વતોની પાસે અને કીડના દર કે ઉધઇના રાફડા પાસે રહે છે.
પેંગોલીયનનું મોઢું કોન આકારનું હોય છે. તેની નાની કાળી આંખો હોય છે. તેને લાંબુ નાક પણ હોય છે. લાંબી ચીકણી જીભથી તે શિકારને પકડીને ગળી જાય છે. શિકાર કરવાનો ના હોય ત્યારે તેની જીભ શરીરની અંદર ચેસ્ટના ભાગમાં પડી રહે છે.
પેંગોલીયનના શરીરની બીજી ખાસીયત એ છે કે તેના શરીર પરનું વધુ એક આવરણ તેનો ફેસ તેમજ આગળનો ભાગ ઢંકાઇ જાય છે. જોકે પેટનો ભાગ ઢંકાતો નથી. તેલુગુમાં તેને આલાવા, વોલુસુ પંડી કે નેલા છેપા કહે છે. કેરળમાં તેને એનાપછી કહે છે. તમિળમાં અલનાગુ, ઓહિયામા બમ્સગવતા કહે છે. કન્નડમાં આલાવી કે છીટયુ હંડી કહે છે. બંગીલામાં બામ્રા કીટ, બામ્રા કપ્તા, સૂરજ મુખી, સીસુ, લાલ સાલા કહે છે. સિંહાલામાં તેને કાબેલવા કહે છે.
ચામડાના બુટ તેમજ ફેશનની ચીજો બનાવવા શિકારીઓ છેલ્લા ૨૦ વર્ષથી પેંગોલીયનનો શિકાર કરતા આવ્યા છે. કેન્સર, સોરાઇસીસ, વજન ઘટવું, દમ જેવી બિમારી માટે તેના અંગોમાંથી દવા બનાવાય છે એટલે ચીન તેમજ વિયેટનામ મોકલી અપાય છે.
તેના સ્કેલ્સ (ભીંગડા)માંથી ઔષધી બનાવાય છે. તમિળનાડુ, ઓરિસા, કેરળના આદિવાસીઓ દવા બનાવી જાણે છે. ઈન્ડીયન પેંગોલીયનની ભારતમાંથી મોટાપાયે હેરાફેરી થાય છે એમ વિશ્વમાં પણ તેનું નામ ટોપ પર છે. ભારતમાં તેના શિકારીઓ તેમને માટીના કાદવમાંથી શોધી કાઢે છે. આ માટે ખાસ શિકારીઓ હોય છે.
ચીન દેશની અંદર દાણચોરી પર પ્રતિબંધ મૂક્યો છે પણ પેંગોલીયન તેમાંથી બાકાત છે. બુંદા પ્રકારના પેંગોલીયન જાતિ અદ્રશ્ય થઈ રહી છે. આફ્રિકામાં પણ પેંગોલીનની મોટી ડિમાન્ડ છે. છેલ્લા ૨૧ મહિનામાં ગુનેગારોએ ૨૨,૦૦૦ જેટલો પેંગોલીયનને મારી નાખ્યા હતા એમ ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વાઇલ્ડ લાઇફ રીસર્ચના અહેવાલમાં જણાવ્યું છે.
પોસ્ટના પાર્સલ મારફતે પ્રાણીઓના અંગો મોકલનાર પકડાયા ત્યારે પાર્સલમાંથી એક ટન જેટલા ભીંગડા (પ્રાણીઓના શરીર પરના સ્કેલ્સ) મળી આવ્યા હતા. એક ટન ભીંગડા મેળવવા ૧૬૬૦ પ્રાણીઓનો ખાત્મો બોલાવાયો હશે એમ મનાય છે.
૨૦૧૩ના વર્ષમાં ૮,૧૨૫ પેંગોલીનને ગેરકાયદે રીતે ૧૩ દેશોમાં મોકલાયા હતા. ગેરકાયદે થતી પ્રાણીઓની હેરાફેરીમાં તો માત્ર ૧૦ ટકા પ્રાણીઓ જ પકડાય છે. એક વર્ષમાં ૮૧,૨૫૦ જેટલા પેંગોલીનને મારી નખાયા હતા. હોંગકોંગમાં પકડાયેેેલા ત્રણ પાર્સલમાં ત્રણ ટન જેટલા આફ્રિકન પેંગોલીયનના અવશેષો મળ્યા હતા.
વિએટનામ લઈ જવાતા પેંગોલીઅનના ભીંગડાનો ૫૦ કિલોનો જથ્થો મળી આવ્યો હતો. પેરિસના એરપોર્ટ પરથી ૧૬ ટન પેંગોલીયન અને એક ટન ભીંગડા મળી આવ્યા હતા. ૨૦૦૯-૨૦૧૬ના રીપોર્ટમાં જણાવાયું છે કે, દેશભરમાં ૩૩૫૦ પેંગોલીયનની હત્યા થઈ છે. ૨૦૦૨માં ઇન્ડોનેશિયાથી ૪૯,૬૬૨ પેંગોલીયનની દાણચોરી થઈ છે.
દર કલાકે પેંગોલીયન મરાઈ રહ્યા છે એટલે આ જાતિ નામશેષ થવા તરફ આગળ વધી રહી છે. જો ચીન અને થાઇલેન્ડ તેમને મારવાનું બંધ નહિ કરે તો પણ આ જીવો માંડ દસ વર્ષ સુધી જોવા મળશે. ભારતમાંથી પેંગોલીન મોટા પાયે સ્મગલ થાય છે.
ઓગસ્ટ ૨૦૧૪માં કોલકત્તાના હવાઈ મથક પર ૭૦ કિલોગ્રામ પેંગોલીયનના ભીંગડા મળી આવ્યા હતા.
પેંગોલીન એ જમીન માટેનું કુદરતી ખાતર અને ઉધઈ નિયંત્રણ કરનાર છે તે કીડી ઉધઈ સહિતની જીવાત ખાય છે. તેની જાળવણી કરવાના બદલે તેનો ખાત્મો બોલાવાય છે. પુખ્ત વયનું એક પેંગોલીયન એક વર્ષમાં ૭૦ મીલીયન જેટલા જીવાણુ જાપટી જાય છે.
સંવેદના મેનકા ગાંધી