Get The App

બીમાર કૂતરાની સારવાર માટે ફોસ્ટર(પાલક) પેરન્ટસ બનો

- આ બચ્ચાઓ પાસે રોગ પ્રતિકારક શક્તિ નથી હોતી. તેમને તરત જ વાયરસ લાગી જાય છે

Updated: Feb 19th, 2018

GS TEAM


Google News
Google News

- કલકત્તા અને મુંબઇ જેવા મોટા શહેરોમાં પણ માંડ એકાદ ઍનીમલ શેલ્ટર્સ જોવા મળે છે.

- જો કે આ મોટા શહેરોમાં પ્રાણીઓને છોડી દેવાની કે તેમના બચ્ચાને તરછોડી દેનારાની સંખ્યા ખૂબ મોટા પાયે છે

ઍનીમલ શેલ્ટર્સ એટલે પ્રાણીઓને રહેવાના, આરામ કરવાના, પાણી પીવાની સવલતવાળી જગ્યાઓ. ભારતમાં બહુ ઓછા ઍનીમલ સેલ્ટર્સ છે. કલકત્તા અને મુંબઇ જેવા મોટા શહેરોમાં પણ માંડ એકાદ ઍનીમલ શેલ્ટર્સ જોવા મળે છે. જો કે આ મોટા શહેરોમાં પ્રાણીઓને છોડી દેવાની કે તેમના બચ્ચાને તરછોડી દેનારાની સંખ્યા ખૂબ મોટા પાયે છે.

મારું ઍનીમલ શેલ્ટર્સ 'સંજય ગાંધી ઍનીમલ કેર સેન્ટર' દિલ્હીમાં છે. મારા સેન્ટર પર પ્રાણીઓથી ત્રાસેલા ૧૦ લોકોના કોલ રોજ આવે છે. કોલ કરનારા અપંગ અને વૃધ્ધ થઇ રહેલા પ્રાણીઓથી ત્રસ્ત હોય છે. નાના બચ્ચાં અને ગલુડીયાં છાપામાં વીંટાળીને સંજય ગાંધી ઍનીમલ સેન્ટરની બહાર લોકો રાત્રે નાખી જાય છે.

આવી રીતે દરવાજા બહાર નાખી ગયેલા પ્રાણીઓ ખાસ કરીને ગલુડીયાંઓના બચવાના ચાન્સ નહિવત હોય છે. અમારી પાસે ૧૦૦ લોકોનો સ્ટાફ હોવા છતાં આ તરછોડાયેલા ગલુડીયાંને દર બે કલાકે ખાવાનું આપવું કે તેમના ઝાડા સાફ કરવા વગેરે બહુ અઘરું કામ બની જાય છે. કેટલાંક લોકો ગલુડીયાં અને નવજાત બચ્ચાંઓને ખુલ્લા ફલોર પર છોડી જાય છે તેમને હૂંફ આપતા કપડાં પણ ઓઢાડવા પડે છે. આવા ગલુડીયાંની સંભાળ અઠવાડીયા સુધી રાખવી પડે છે. માંદલા અને મોટી ઉંમરના કૂતરાને પ્રેમ અને દવા બંનેની જરૃર પડે છે. તેમને ફેંકી દેવા પાછળનું એક કારણ એ પણ હોય છે કે તે મરી જાય તો સારું એવી ઇચ્છા રખાય છે. દર વર્ષે હજારો કૂતરાં ઍનીમલ શેલ્ટર્સમાં મોતને ભેટે છે, હકીકત તો એ છે કે તેમાંના કેટલાંકને તો ઘરમાં રાખીને બચાવી શકાતા હોય છે.

એક અઠવાડીયા પહેલાં બે છોકરા એક ત્રણ મહિનાના લેબ્રાડોને કપડામાં વીંટાળીને મારા શૅલ્ટર પર આવ્યા હતા. તેના શરીર પર અન્ય કૂતરાએ બચકાં ભર્યાના નિશાન હતા.એક કુટુંબે તેને તરછોડી દેતા રોડ પરના અન્ય કૂતરાં તેના પર તૂટી પડયા હતા. મેં આ બચ્ચાંને જોઇને તરત તેને હોસ્પિટલમાં સારવાર આપી હતી. તેને અલગ રાખીને સારવાર અપાઇ છતાં તેનામાં રોગ પ્રસરી ગયો હતો. આ ડોગને બચાવી શકાત પણ તેના રોગ માટે સતત સારવાર અને દેખરેખની જરૃર હતી. આ બચ્ચાંને બચકાં ભરાયા પછી તરત સારવાર આપવી જોઈતી હતી પણ તે શેલ્ટર પર બહુ મોડું લવાયું હતું. શેલ્ટરમાં ૩૦૦૦ કૂતરાં છે. લેબ્રાડોરનું આ બિમાર બચ્ચું અઠવાડીયા બાદ સખત આંચકાઓ બાદ મોતને ભેટયું હતું. જો તેને ઘરમાંથી બહાર ના કઢાયું હોત તો તે બચી જાત !!

નવ જાત બચ્ચાં જ્યારે અમારે ત્યાં તરછોડી દેવાય છે ત્યારે તેમની આંખો બંધ હોય છે અને તેમને હૂંફાળી સ્થિતિ આપીને તેમનો ખ્યાલ રાખીએ છીએ. આ નાનકડા જીવને તેની મા પાસેથી લઇને દુર એટલા માટે લઇ જવાય છે કે તેમના સ્ટૂલ અને યુરીનથી ઘરનો બહારના બગડે !!

આ બચ્ચાંઓ પાસે રોગ પ્રતિકારક શક્તિ નથી હોતી. તેમને તરત જ વાયરસ લાગી જાય છે. તેમને બોટલથી દૂધ અપાય છે તે કયાં તો બહુ વધારે હોય છે કે બહુ ઓછું હોય છે. તે બહુ ઠંડુ પણ ના હોવું જોઈએ. મારો સ્ટાફ આ બચ્ચાંને મરતા નિરાશ વદને જોયા કરે છે. શું આપણે તેમને સ્વીકારી ના લઈ શકીએ ? કેટલાક દિવસમાં તે રમતાં થઈ જાય છે. તેમનામાં રોગ પ્રતિકારક શક્તિ પણ આવી જાય છે. તેમની ગંભીર સ્થિતિમાં તેમને આશરો આપવો જોઈએ. દરેક એનીમલ સેન્ટરમાં ગલુડીયાના મોતનો આંક ઉંચો હોય છે.

મારી બહેન અંબિકા પણ તરછોડાયેલા પ્રાણીઓનું સેન્ટર ચલાવે છે. જે સ્કીનના રોગવાળા, લકવો થયેલા તરછોડાયેલા પ્રાણીઓને સેન્ટર પર લઇ આવે છે. આજકાલ તેની પાસે ૧૧ કૂતરાં એવા છે કે જે સારવાર બાદ સ્વસ્થ છે અને તેને દત્તક લઈ શકાય છે. તેની પાસે એક લકવાગ્રસ્ત કૂતરું હતું. તેણે આ કૂતરાને 'ગુફી' નામ આપ્યું હતું. તે હસતું-રમતું થયું પછી હું તેને મારે ત્યાં લઇ આવી હતી. જો તેને સારવાર ના મળી હોત તો તેનું મોત થયું હોત.

ત્યારે ફોસ્ટર પેરન્ટ (પાલક પેરન્ટ) આવે છે. ફોસ્ટર કેર એટલે પ્રાણીને દત્તક લેવાની તેમજ તેની સારવાર માટેની તૈયારી બતાવવી. આ લોકો પ્રાણી પ્રેમીઓની એક વૈકલ્પિક સવલત આપે છે. આ લોકોનો મૂળ હેતુ પ્રાણીઓને બચાવવાનો હોય છે.
જે પ્રાણીઓને એનીમલ ફોસ્ટરમાં પોતાના ઘર જેવું નથી લાગતું તેમને ફોસ્ટર પેરન્ટ મદદરૃપ બની જાય છે. જે પ્રાણીઓ પર સર્જરી કરાઈ હોય, જે વૃધ્ધ હોય અને જેમને આરામની જરૃર હોય કે જે શેલ્ટર્સને ઘરના સમજી શકે એવા પ્રાણીઓને દત્તક તરીકે લેનારની જરૃર હોય છે.

ઘર વીના શેલ્ટર્સમાં ઉછરતા ઘણાં કૂતરાં અને ઘરમાં ઉછરતા કૂતરાંના વર્તનમાં પણ ફર્ક જોવા મળે છે. જે લોકો કોઇના ઘરમાં ઉછર્યા હોય છે એવા કૂતરાં શેલ્ટર્સમાં એકલા પડી જાય છે. આવા ઘરમાં રહેતા કૂતરાને દિવસ ભર પ્રેમભરેલો આવકાર મળે છે. જ્યારે શેલ્ટર્સમાં તે ઘોંઘાટ અને અજાણ્યા કૂતરાઓ વચ્ચે ઘેરાઈ જાય છે. ત્યાં તે સ્ટ્રેસનો ભોગ બને છે અનેબીજા કૂતરાને કરડવા લાગે છે. ફોસ્ટર કેર સાથે સંકળાયેલા કાર્યકરો. પ્રાણીઓને સવલત મળી રહે તેવા ઘરોમાં પહોંચાડે છે.

ખાસ સવલતો ઝંખતા કૂતરા માટે ફોસ્ટર હોમ બહુ ઉપયોગી બને છે. પ્રાણી પ્રેમીઓની જેમજ આ ફોસ્ટર પેરન્ટ કામમાં આવે છે... ફોસ્ટર પેરન્ટ પ્રાણીને જીવવાનો ચાન્સ આપે છે. જો તમારા ઘરમાં જગ્યા હોય અને દિલમાં પ્રાણી પ્રેમ હોય તો તમારા વિસ્તારમાંના ફોસ્ટરમાં ફોસ્ટર પેરન્ટ બનવા નામ નોંધાવવું જોઇએ.

જો તમારે ત્યાં કોઈ એનીમલ કેર ફોસ્ટર ના હોય તો ફેસબુક પર પ્રાણી પ્રેમીઓનું એક જૂથ ઊભુંકરો અને તેમને ફોસ્ટર પેરન્ટ બનવા માટે સમજાઓ. આ લોકો ઇજાગ્રસ્ત પ્રાણીઓની સારવાર કરીને તેમના માટે યોગ્ય ઘર શોધી આપશે. ફોસ્ટર પેરન્ટસનું સેવાભાવી જૂથ પ્રાણીઓના જીવ બચાવવા માટે મહત્ત્વનું બની જાય છે. ફોસ્ટર્સ પોતાની ભૂલો અને અનુભવો એકબીજા સાથે આપ-લે કરતા હોય છે.

પેટ ફાઈન્ડર્સ (WWW.petfinders.com) નામની સંસ્થા અમેરિકામાં એક મહિલાએ શરૃ કરી હતી. આ સંસ્થાએ તાજેતરમાં ૨૫ લાખ પ્રાણીઓને દત્તક લીધા હોવાનું જણાવી તે સેલિબ્રેટ કર્યું હતું. આવી સફળતાની અને ઇર્ષા આવે છે. દર વર્ષે હજારો ગલુડીયાં અને બિલાડીના બચ્ચાં અનાથની રીતે જન્મે છે. તેમની સંભાળ લેનાર કોઈ નથી હોતું. તે ૮થી ૧૦ અઠવાડીયાના થાય ત્યાં સુધી તેમની સંભાળ લેનાર કોઇની જરૃર રહે છે.

ફોસ્ટર કેર એક અઠવાડીયાથી કેટલાક મહિનાઓ સુધી હોય છે, તે પ્રાણીની જરૃરીયાત આધારીત હોય છે. એનીમલ કેર શેલ્ટરમાં નબળા પ્રાણીઓ ફોસ્ટર કેર માટે આવતા હોય છે. તમારે ફોસ્ટરવાળાને કહેવું પડે કે તે કેટલા સમય માટે પ્રાણીને રાખવા માગો છો. શેલ્ટરવાળા તમને બાઉલ, બેબી બોટલ, વેટરનરી ટ્રીટમેન્ટની વિગતો, સલાહ, પાંજરૃ વગેરે આપશે. આ કામ માટે કોઈ ક્વોલીફીકેશન, તાલિમ કે અનુભવની જરૃર નથી રહેતી માત્ર તમારે શીખવા માટેની જિગ્નાશા રાખવી જરૃરી છે.

જો તમારે ફુલટાઈમ કામ કરવું હોય તો તમારા ઘરમાં પ્રાણી રાખવાની ચોક્કસ જગ્યા રાખો. કુતરાની સંભાળ રાખનારનું ઘર બાળકો કે બિલાડીઓ વિનાનું હોવું જોઇએ.તમે મોટો કે નાનો ડોગ ફોસ્ટર તરીકે લેવા માંગો કે ગલુડીયાને લેવા માગો પરંતુ તમારે તેના વર્તન સાથે ડીલીંગ કરવાનું યાદ રાખવાનું હોય છે. આવા કૂતરા તમારાથી દૂર રહેશે, સતત ભસ્યા કરશે. તેને આરોગ્યના કેવા પ્રોબ્લેમ થાય છે તે પણ જાણવું જોઇએ. ગલુડીયા ગમે ત્યાં નખથી ઉઝરડા પાડે છે. કેટલાંક કૂતરાને શ્વાસોચ્છવાસની તકલીફ હોય છે. તેમને સાજા થતા વાર લાગે છે. ગુલુડીયાંને લોકો રમાડતા હોય છે. થોડા સમય પછી ગલુડીયાં સ્ટાફને પણ ઓળખી જાય છે.

ફોસ્ટર હોમ્સ પ્રાણીઓને તેમને અનુકુળ વાતાવરણ પૂરું પાડે છે. ફોસ્ટર કાર્યકરો બોટલથી દૂધ પીવડાવવાથી માંડીને ગલુડીયાને પ્રેમ કરવા સુધીની કામગીરી કરે છે.કયા પ્રકારના પ્રાણીઓને ફોસ્ટરીંગની જરૃર પડે છે ? ભૂંડ, ડુક્કર, મરઘાં, કૂતરા, બિલાડી, પક્ષીઓ વગેરેને ફોસ્ટરીંગની જરૃર પડે છે.

તમારી પાસે પોતાનું ડોગ હોય તો પણ તમે ફોસ્ટર પેરન્ટ બની શકો છો.
પ્રાણીઓ માટે પ્રેમ રાખો. તેમના માટે તમારું હૃદય મોટું રાખો. જો તમે તેમના માટે કાયમી ઘર શોધી શકો તો તે ઉત્તમ છે.
જો તમે ફોસ્ટર કેર બનવા ઇચ્છતા હો તો મને મેલ કરો.  (gandhim@ nic.in) અથવા તો તમારી નજીક આવેલા કોઈ એનિમલ શેલ્ટરનો સંપર્ક કરો.

-સંવેદના મેનકા ગાંધી

Tags :