- રિલેશનના રિ-લેસન - રવિ ઇલા ભટ્ટ
- સંબંધ હોય, સંપત્તિ હોય, સંતતી હોય, વસ્તુ હોય કે પછી કંઈ પણ હોય... સમયે તેને સાધતા ન આવડે, સાચવતા ન આવડે, અનુભવતા ન આવડે તો તેને ગુમાવવું જ પડે છે. આપણી કઠણાઈ ગણો કે મુર્ખામી પણ આપણે ગુમાવ્યા પછી જ તેનું મૂલ્ય સમજીએ છીએ અને વધારે પીડા ભોગવીએ છીએ.
ઘણા સમય પહેલાં સંજય દત્તની બાયોપિક આવી હતી. આ સંજુ નામની બાયોપિકને આમ તો ગ્લોરિફાય કરવામાં આવી હતી છતાં તેમાં કેટલીક બાબતો એવી હતી જે સંબંધો ઉપર ચોક્કસ પ્રકાશ પાડતી હતી. આ ફિલ્મમાં એક સિન છે જેમાં સુનિલ દત્તના અવસાનની આગલી રાત્રે સંજય દત્ત એક પત્ર લખે છે અને જાતે જ વાંચે છે પણ તેના મનમાં રહેલી લાગણી તે પોતાના પિતાને કહી શકતો નથી. બીજા દિવસે સુનિલ દત્તનું અવસાન થાય છે. સંજય દત્ત વલોપાત કરે છે, આક્રંદ કરે છે પણ પોતાની લાગણીઓને રજૂ કરી શકતો નથી. આ સિન ખૂબ જ નાનો હતો પણ તમારી અને મારી જિંદગીનો મહત્ત્વનો સંદેશ પૂરો પાડનારો હતો. આપણે મોટાભાગે ભૂતકાળની સ્મૃતિઓમાં રહીએ છીએ અથવા તો ભવિષ્યની ચિંતાઓમાં. વર્તમાનમાં જે પાસે છે, સાથે છે તેને ભોગવવાનું કે આનંદ માણવાનું આપણને ફાવતું જ નથી.
જીવતાને જશ આપવાનું આપણને ગમતું નથી અને કદાચ ફાવતું પણ નથી. અરે આપણે તો ત્યાં સુધી સ્વાર્થી છીએ કે જે માણસ સજ્જન હોય, સારો હોય સમાજને ઉપયોગી હોય, પરગજુ હોય તેના વખાણ આપણે તેના બેસણામાં કરતા હોઈએ છીએ. આપણને ભૂતકાળની ગ્લોરિફાઈ લાઈફમાંથી બહાર આવવાનું ગમતું જ નથી અથવા તો આપણે ઈચ્છતા જ નથી.
મહાભારતમાં તેની એક સરસ વાત આવે છે. એક વખત ધર્મરાજ યુધિરિે રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે, તેઓ એકાદશીના દિવસે દરેક જરૂરિયાતમંદ લોકોને દિવસના ચોક્કસ સમયમાં દાન આપશે. જે વ્યક્તિને જેની જરૂર હોય તેણે આવીને લઈ જવી. યુધિરિની જાહેરાત થયા પછી પ્રજામાં આનંદ હતો. જે લોકોને જરૂર હતી તે બધા જ એકાદશીના દિવસે સવારથી મહેલની બહાર લાઈનો લગાવીને ગોઠવાઈ ગયા હતા. સમય શરૂ થતાં યુધિરિ બધાને અનાજ, કપડાં, ભોજન, ધન બધું જ આપતા હતા. આમ લગભગ ત્રણ કલાક પસાર થઈ ગયા. નક્કી કરેલો સમય પણ પૂરો થઈ ગયો અને યુધિરિ દરબારમાંથી ઊભા થઈને જતા હતા ત્યાં જ એક વ્યક્તિ દોડતી દોડતી દરબારમાં આવી.
તેણે યુધિરિને વિનંતી કરી કે તે બહુ જ દૂરથી આવે છે અને તેને ગઈકાલે રાત્રે જ આ જાહેરાતની ખબર પડી હતી. તેને આવતા થોડું મોડું થઈ ગયું. યુધિરિે તેને કહ્યું કે, હવે દરબારનું કામ પૂરું થઈ ગયું છે, દાન આપવાના પાત્રો પણ ખાલી થઈ ગયા છે. તેણે દાન જોઈતું હોય તો તે બીજા દિવસે આવે. પેલી વ્યક્તિએ આજીજી કરી કે રાજા મારે ખૂબ જ જરૂર છે અને હું અહીંયા રાત રોકાઈ શકું તેમ પણ નથી. યુધિરિે તેની વાત માની નહીં અને તેને બીજા દિવસે જ આવવાનો આદેશ આપ્યો. પેલી માણસ દરબારમાંથી નીકળીને મહેલની નજીક મંદિર પાસે બેઠો. મંદિરે ભીમ લોકોને ભોજન કરાવતો હતો. તેણે પેલા આગંતુકને ભોજન કરવા કહ્યું. તે વ્યક્તિ નિરાશ ચહેરે ભોજન માટે પંગતમાં ગોઠવાઈ ગયો. ભીમને થોડું અજૂગતું લાગ્યું. તેણે એ વ્યક્તિને કારણ પૂછયું. પેલા માણસે દરબારની બધી જ વાત કરી.
ભીમ તેને ત્યાં બેસાડીને બજાર તરફ ગયો. ભીમે બજારમાં વચ્ચોવચ આવેલો વિજયઘંટ વગાડવાની શરૂઆત કરી દીધી. વિજયઘંટ સાંભળીને લોકો ભેગા થવા લાગ્યા. વાત મહેલ સુધી પહોંચી. યુધિરિે પૂછાવ્યું કે, કોણે વિજયઘંટ વગાડયો છે. સૈનિકોએ સમાચાર આપ્યા કે, ભીમ વગાડે છે. યુધિરિે ભીમને દરબારમાં બોલાવ્યો. ભીમ આવ્યો એટલે તેને કારણ પુછવામાં આવ્યું. ભીમે જણાવ્યું કે, તમે મૃત્યુ ઉપર વિજય મેળવી લીધો છે એટલા માટે હું આ વિજયઘંટ વગાડતો હતો. યુધિરિને અજૂગતું લાગ્યું. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું ત્યારે ભીમે કહ્યું કે, તમે મૃત્યુ ઉપર વિજય મેળવી લીધો હોય તો જ તમને ખ્યાલ હોય કે બીજા દિવસે તમે જીવતા હશો. તેના કારણે જ તમે આગંતૂકને બીજા દિવસે દાન લેવા બોલાવ્યો. યુધિરિ તરત જ મર્મ સમજી ગયા અને તેમણે પેલા માણસને બોલાવવાની વાત કરી. ભીમે સમજાવ્યું કે, તમે એ ચુકી ગયા. તમે તક અને તક દરમિયાન મળતું માન અને પેલી વ્યક્તિનો સંતોષ બધું જ ગુમાવી દીધું. હવે તેને બોલાવીને આપશો તો પણ ખાસ ફરક નહીં પડે.
આ સમજવા જેવી વાત એટલે છે કે, આપણી પાસે જે છે તે અત્યારની જ ઘડી છે, આ જ ક્ષણ છે અને આપણે જો તેને ચૂકી ગયા તો પછી ભૂતકાળની વાતો કરવાનો કે પછી ભવિષ્યના સપનાં જોવાનો આપણને કોઈ અધિકાર જ રહેતો નથી. દુનિયામાં એવા ઘણા માણસો છે જેમને બીજાની સાથે સ્નેહના સંબંધ છે, લાગણીના સંબંધ છે, કંઈક કામ કરી આપવાના સંબંધ છે પણ તે માત્ર સમય આવ્યે. સમય આવ્યે મનના મેલા અને પાંગળા લોકો આવા માણસોને ફોન કરે, યાદ કરે, મળવા જાય અને પોતાનું કામ કઢાવી લે. સીધા અને સરળ માણસો કરી પણ આપે. તેમના મનમાં એટલું જ હોય કે, મરશે કરી આપો ને... આપણું શું જાય છે. ધીમે ધીમે હવે લોકો બદલાવા માંડયા છે અથવા તો આવા સારા લોકોએ બદલાવું જોઈએ. તેમણે આવા સ્વાર્થીઓને, નફ્ફટોને ના પાડતા શીખવું પડશે. તેમને અનુભવ કરાવવો પડશે કે હું તારા માટે જ્યારે અવેઈલેબલ હતો ત્યારે સાથે સાથે વેલ્યુએબલ પણ હતો. હવે તે બંને ગુમાવી દીધું છે.
અત્યારના સમયે જો મિત્રોની વાતો કરીએ તો પણ બાળપણના જે મિત્રો હશે તેમાંથી મોટાભાગના સાથે આપણો સંપર્ક નહીં હોય. હાલમાં જે મિત્રો હશે તેમાંથી મોટાભાગના આપણા કામ, લાભ અને ઈચ્છાઓને આધારે નક્કી થયેલા હશે. નિ:સ્વાર્થ મિત્રો તો આંગણીના વેઢે ગણાય એટલા પણ નહીં હોય. તેનું એક જ કારણ છે કે, આપણને વર્તમાનમાં જીવતા જ નથી આવડતું. હાથમાંથી સરકી ગયેલા સમયને યાદ કરીને આપણે રોદણા રોવામાં આનંદ અનુભવીએ છીએ. સમય જ્યારે હાથમાં હોય ત્યારે તેને માણતા નથી, સરકી જાય પછી વિલાપ કરીએ છીએ. આપણને માણસ સાચવતા નથી આવડતું. આપણને સંબંધ જાળવતા નથી આવડતું.
આપણે એકદમ કેઝયુઅલ થઈ ગયા છીએ. સંબંધોને જીવવા અને માણવા કરતા તેનો ઉપયોગ કરવામાં આપણને વધારે આનંદ આવે છે. કોઈ સ્વજન હોસ્પિટલમાં જીવલેણ બીમારી સામે ઝઝુમે અથવા તો મૃત્યુ પામે ત્યારે આપણને એમ થાય છે કે, હવે મારું જીવન અટકી જશે. મારા અસ્તિત્વનો મહત્ત્વનો ભાગ ક્યાંક ખોટકાઈ જશે. આ જ વ્યક્તિ સાજીસમી આપણી સાથે હોય ત્યારે દસ મિનિટ તેની સાથે બેસવાનો આપણને વિચાર નહીં આવે. ભૌતિકતાના માધ્યમથી આપણે શક્ય એટલા સજ્જ થવા માગીએ છીએ. સ્વજનને સુખ આપીને છટકી જવા માગીએ છીએ. તેનામાં રહેલી સાથે બેસવાની કે બે-ચાર વાતો કરવાની ભુખ આપણે સંતોષતા જ નથી. તેના શ્વાસ ચાલતા હોય, નસોમાં લોહી દોડાદોડ કરતું હોય, તેની લાગણીના ધોધ વહેતા હોય ત્યારે આપણે પથ્થર બનીને ઊભા રહીએ છીએ. આપણે દિલ ખોલીને આઈ લવ યુ કહેવામાં પણ ખચકાઈએ છીએ.
કોઈ વ્યક્તિ અથવા તો સંબંધ કેવો હોય અને તેનો અનુભવ આપણે વર્તમાનમાં કરતા જ નથી. આપણે જે-તે વ્યક્તિના ગયા પછી જ તેના હોવાપણાની વાતો કરીએ છીએ. આજે સમાજમાં એવા ઘણા લોકો છે જે મા-બાપના ગુજરી ગયા પછી તેમના સંતાનોની તરફ મોઢું ફેરવીને પણ જોવા ગયા નહીં હોય પણ તેમને ગરજ પડે ત્યારે આ જ સંતાનોને સમજાવવા જશે કે તમે તો તમારા મા-બાપની જગ્યાએ ગણાવો. તમારે મન મોટું રાખવું જોઈએ. તમારે જતું કરવું જોઈએ. આ લોકોને ત્યારે સમજ પાડવી પડશે કે ખરેખર જતું જ કર્યું છે. જે દિવસે તમે હાથ છોડયો તે દિવસથી અમે પણ બધું છૂટું જ મુકી દીધું છે. હવે ચિંથરેહાલ સંબંધમાં થિગડાં મારવાનો વખત જ નથી રહ્યો.
સ્વાર્થી લોકોને એકલતાની સ્થિતિનો કદાચ અંદાજ હોય છે પણ તેનો સ્વીકાર તે કરતા નથી. ઘણી વખત અહંકાર તેમને આ સ્વીકારવા દેતો નથી અને મોટાભાગે અજ્ઞાાન તેમને આમ કરતા રોકે છે. પૈસા, પાવર, સંપત્તિ, સંતતી, ગાડી, બંગલા વગેરેના મિજાજમાં રાચતા લોકો ધીમે ધીમે સ્વજન ગુમાવે છે. ભૌતિકતાની આંધળી દોટમાં લાગણીઓની મૂડી ખાલી થતી જાય છે. અભિમાનનું એટીએમ એક્ટિવ થાય છે અને સંબંધો ડેબિટ થવા લાગે છે. માણસ છેલ્લે એવા સંજોગોમાં આવી જાય છે જ્યારે તેને માણસની જરૂર હોય છે પણ મળતા નથી. તેની પાસે પૈસા, પાવર, પોઝિશન બધું જ હોય છે પણ ખભો મુકીને રડાય કે પછી કોઈ ખભે હાથ મુકે તેવું બાજુમાં કોઈ જ હોતું નથી.
કોઈ સંબંધ અથવા તો વ્યક્તિ આપણી સાથે રોકાવા માટે, જીવવા માટે રાહ જૂએ ત્યાં સુધી આપણે તેને ભાવ આપતા નથી. એ સંબંધ કે સંબંધી દૂર થવા લાગે ત્યારે તેને રોકવા અનેક મથામણો કરીએ છીએ, ધમપછાડા કરીએ છીએ. આવેલું સુખ સરખી રીતે ભોગવી શકતા નથી પણ તે જતું ન રહે તે માટે ઘણી મહેનત કરીએ છીએ.
સંબંધ હોય, સંપત્તિ હોય, સંતતી હોય, સન્માન હોય, સ્વમાન હોય, સેવા હોય, વસ્તુ હોય કે પછી કંઈ પણ હોય... સમયે તેને સાધતા ન આવડે, સાચવતા ન આવડે, અનુભવતા ન આવડે તો તેને ગુમાવવું જ પડે છે. આપણી કઠણાઈ ગણો કે મુર્ખામી પણ આપણે ગુમાવ્યા પછી જ તેનું મૂલ્ય સમજીએ છીએ અને વધારે પીડા ભોગવીએ છીએ.


