Get The App

તમારી હથેળીનો બદલાવ તમારી હેલ્થની ચાડી ખાય છે

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
તમારી હથેળીનો બદલાવ તમારી હેલ્થની ચાડી ખાય છે 1 - image

અંગ્રેજીમાં આપણાં હાથને 'વિન્ડોઝ ટુ અવર હેલ્થ' કહેવાય છે. એટલા માટે કે હથેળીઓ જોઈને છુપા રોગના લક્ષણો જાણી શકાય છે. આપણે રોજિંદા કામો માટે સેંકડો વાર હાથનો ઉપયોગ કરીએ છીએ પરંતુ એ દરમિયાન મોટાભાગે હથેળીઓમાં રહેલી આપણી સુખાકારી વિશેની કડીઓને નજરઅંદાજ કરી દઈએ છીએ. યાદ રાખો કે હથેળીના દેખાવ કે એના સ્પર્શમાં આવેલો બદલાવ ક્યારેક ગંભીર બીમારીઓનું વહેલું ઇન્ડિકેટર બની જાય છે. આ ગૂઢ અને સૂક્ષ્મ ચિન્હો સમજી લેવાથી વ્યક્તિને રોગની વહેલાસર જાણ થઈ જાય છે અને એ એની સારવાર કરાવી શકે છે.

એટલે અહીં એવા પાંચ સૂક્ષ્મોની ચર્ચા કરીએ, જે આપણને આરોગ્યની ગંભીર સમસ્યાઓ વિશે ચેતવી દે છે :

નખનો રંગ બદલાઈ જવો : 

માનવીના નખ એના સ્વાસ્થ્યની કડી આપનાર પહેલો સ્પોટ છે. સ્વસ્થ નખ ગુલાબી અને સુંવાળા હોય છે પરંતુ એના કલરમાં આવેલો બદલાવ ગૂઢ શારીરિક સમસ્યાની ચેતવણી આપે છે. નખ પરની બ્લુ ઝાંય લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાનું સૂચવે છે, જે હૃદય અથવા ફેફસામાં તકલીફ થવાની શક્યતા દર્શાવે છે. જ્યારે નખ ફિક્કા અથવા ધોળા થઈ જાય અને ખાસ કરીને એની સાથે વધુ પડતો થાક લાગે અને મૂંઝારો થાય તો એ સ્થિતિ પાંડુરોગ (એનીમિયા) અને રક્તની બીજી વ્યાધિઓનું સિગ્નલ આપે છે. નખની નીચે ડાર્ક લાઈન્સ કે સ્પોટ્સ જોવા મળે તો એ મેલાનોમાનો નિર્દેશ કરે છે. મેલાનોમા એક પ્રકારનું ત્વચાનું કેન્સર છે. એટલે નખનો રંગ અવારનવાર જોતો રહેવો અને કલર અસામાન્ય પેટર્ન જોવા મળે તો તુરત ડોક્ટરને મળવું.

આંગળા ફુલી જવા : 

આપણને હાથની આંગળીઓ સોજેલી કે ફુલેલી લાગે તો એ સામાન્ય નહિ પણ સીરિયસ બીમારીનું સિગ્નલ આપે છે. આંગળીનો સોજો એકધારો યથાવત રહે તો એ સંધિવાનો નિર્દેશ હોઈ શકે છે અને એને લીધે અવારનવાર સાંધા દુખે છે અને અક્કડાઈ જાય છે. સાંધામાં સોજાની સાથોસાથ પીડા થાય, એમાં લાલાશ આવી જાય કે ગરમ લાગે તો એ કદાચ ઇન્ફલેમેશન અથવા ઓટોઈમ્યુન પ્રોબ્લેમનો સંકેત હોઈ શકે છે.

એટલે આંગળીનો સોજો કેટલો વખત રહે છે એની નોંધ રાખો અને એના યોગ્ય નિદાન માટે ડોક્ટર સાથે એ શેર કરો.

હાથમાં ચમચમાટ :

 હથેળીઓમાં ચમચમાટ લાગે કે એ સુન્ન પડી જાય ત્યારે એને બિલ્કુલ અવગણવું ન જોઈએ. એ જ્ઞાાનતંતુ સંબંધી રોગનો નિર્દેશ હોઈ શકે છે. જ્ઞાાનતંતુના દબાવાથી કે ડેમેજ થવાથી આવું સેન્સેશન ઊભું થાય છે. એ ડાયાબિટીસ અથવા સતત અનુભવાતા મેન્ટલ સ્ટ્રેસનું પરિણામ હોઈ શકે છે.

જો હથેળીમાં ઝમઝમાટ એકધારો ચાલુ રહે અથવા એ શરીરની એક બાજુને અસર કરે તો સ્ટ્રોક અથવા મલ્ટિપલ સેરોસિસ જેવી ગંભીર બીમારીથી બચવા તરત મેડિકલ ચેકઅપ કરાવી લેવો જોઈએ.

- રમેશ દવે