Get The App

સુસ્તી ઉડાડવા કોફી સિવાયના સારા વિકલ્પો અજમાવી શકાય

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
સુસ્તી ઉડાડવા કોફી સિવાયના સારા વિકલ્પો અજમાવી શકાય 1 - image

ઓફિસમાં ક્યારેક કામના બોજને લીધે સુસ્તી લાગે કે આંખ ભારે થઈ જાય ત્યારે સામાન્યપણે લોકો તરત કડક કોફી મગાવે. કોફી પીને શરીર અને મગજમાં સ્ફુર્તિ આવી જાય એ વાત સાચી પણ એ તાત્પુરતી રાહત બની રહે છે. થોડા સમય બાદ ફરી સુસ્તી લાગવા માંડે છે અને વ્યક્તિ કામ પર ફોકસ નથી કરી શકતી. એટલે એ કોફીનો બીજો કપ લગાવે. પરંતુ સ્વાસ્થ્ય માટે એ સારું નથી. તમે કોફીના કપ પર કપ પેટમાં ઠાલવીને માત્ર ટેમ્પરરી રિલિફ મેળવો છો. વળી, કોફીમાંનું કેફીન સ્વાસ્થ્યને નુકસાન કરે છે.

અહીં એક વાત સમજી લઈએ કે બોડી અને માઇન્ડને ચુસ્ત-દુરસ્ત રાખવા એકલા કેફીન પર આધાર રાખવો જરૂરી નથી. બીજા પણ એવા ઘણાં ફુડ્સ (ખાદ્ય પદાર્થો) છે જે આપણને ઓફિસમાં તરોતાજા અને એલર્ટ રાખી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો શરીરમાં શક્તિ અને સ્ફુર્તિ જાળવવા આ પદાર્થો કોફીના સારા વિકલ્પો બની રહે છે. એમના વિશે ટૂંકમાં જાણીએ :

દહીં : અંગ્રેજીમાં દહીંને યોગર્ટ કહેવાય છે અને એ તમારો થાક ભગાવી તમને ચેતનવંતા રાખી શકે છે. એટલે ઓફિસમાં ક્યારેક સુસ્તી લાગે તો કોફીને બદલે એક કપ દહીં મગાવી લો. દહીં ખાવાથી તમને તુરત સારું લાગશે અને તમે તમારું કામ ચાલુ રાખી શકશો.

કેળા : સૌને પરવડાત સોંઘા કેળામાં ભરપુર પોટેશિયમ, વિટામિન બી૬ અને ફાઇબર હોય છે. એ બધા મળીને આપણને સ્લો અને સ્ટેડી એનર્જી આપે છે. એટલે જ વર્કિંગ અવર્સ દરમિયાન અધવચ્ચે કામમાં વિક્ષેપ પડતો રોકવા કેળાં ખાવાનું રાખો.

ગ્રીન ટી : કોઈને જો ચા કે કોફીની આદત હોય અને એના વિના સુસ્તીથી છુટકારો ન મળતો હોય તો ગ્રીન ટી સરસ પસંદગી છે. ગ્રીન ટીમાં પણ કેફીન હોય છે પણ બહુ અલ્પ માત્રામાં ગ્રીન ટીમાં એલ-થીમાઇન હોય છે જે શરીર અને મગજમાં એક પ્રકારની શાંત જાગૃતિનો સંચાર કરે છે. કોફી પીવાથી ઘણાંને બેચેની લાગી શકે, પણ ગ્રીન ટીમાં એવો અનુભવ નથી થતો.

પાનવાળા શાક : પાલક અને પત્તાગોબી જેવા લીલા પાનવાળા શાકભાજીમાં પુષ્કળ આયર્ન હોય છે, જે શરીરને વધુ પડતો થાક લાગતો રોકવા બહુ જરૂરી છે. એટલે ભોજનમાં અવારનવાર એમને સામેલ કરી તાજામાજા રહો.

અવોકાડો : ફેટ્સ અને ફાઇબરથી ભરપુર અવોકાડોસ શરીરમાં સ્ટેડી એનર્જી જાળવવામાં મદદરૂપ થાય છે. એ હાર્ટ અને બ્રેનની હેલ્થ માટે આશીર્વાદરૂપ છે.

સફરજન : સવારના બ્રેકફાસ્ટમાં રોજ એક સફરજન (એપલ) ખાઈને આખા દિવસની સ્ફુર્તિની વ્યવસ્થા કરી શકાય. એપલની સાથે થોડું પીનટ બટર પણ ખાવ. એપલ સહેલાઈથી પચી જશે અને પીનટ બટર શરીરને પ્રોટિન પુરું પાડશે. એ બંને મળીને તમને એનર્જીનો અનુભવ કરાવશે.

ફ્રુટ્સ : જાણીને નવાઈ લાગે કે ફળો ખાઈને પણ કેફીન જેટલી જ એનર્જી મેળવી શકાય છે. ફ્રુટ્સમાં નેચરલ સુગર હોય છે. જે શરીરમાં ઝડપથી શક્તિનો સંચાર કરે છે. બની શકે તો અવારનવાર ખાટા ફળો ખાવા કારણ કે એમાં ભરપુર વિટામિન સી હોય છે.

ઇંડા : ઇંડામાં પ્રોટિન હોવાથી એ શરીરમાં એનર્જી લેવલને જાળવી રાખે છે. અચાનક અશક્તિ લાગવાથી બચવા બ્રેકફાસ્ટ કે લંચમાં ઇંડા (એગ્સ) ખાઈ શકાય.

ડાર્ક ચોકલેટ : આબાલ-વૃદ્ધ  સૌને મોઢામાં પાણી લાવી દેતી ડાર્ક ચોકલેટનો એક ટુકડો પણ કોફીનો સારો વિકલ્પ બની રહે છે. એમાં થોડી માત્રામાં કેફીન ઉપરાંત થિયોબ્રોમાન હોવાથી એ આપણો મૂડ અને ફોકસ સુધારવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત, ડાર્ક ચોકલેટમાં સારા એવા એન્ટીઓખ્સિડંટસ પણ હોય છે.

સુકા મેવા : બદામ અને અખરોટ જેવા સુકા મેવા નાસ્તા માટે એક ઉત્તમ વિકલ્પ બની રહે છે. સુકા મેવામાં હેલ્ધી ફેટ્સ, પ્રોટિન અને મેગ્નેસિયમ હોય છે, જે શરીરમાં એનર્જી લેવલ જાળવવા ઉપરાંત મગજને એક્ટિવ રાખવા માટે એક પ્રકારની સપોર્ટ સિસ્ટમ બની રહે છે.

પાણી : બહુ ઓછા લોકો એ હકીકતથી વાકેફ હશે કે ડિહાઈડ્રેશન એટલે કે દેહમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી પણ સુસ્તી લાગી શકે અને ઘેનમાં હોઈએ એવો અનુભવ થાય. એટલે જ દિવસમાં કમસેકમ ૮-૧૦ ગ્લાસ પાણી પીવાનું રાખો તો સુસ્તીથી બચી શકશો.

કઠોળ : જુવાનિયાઓ સવારે બ્રેકફાસ્ટમાં પલાળેલા કઠોળ સલાડ તરીકે ખાય છે. એ એક સારી ટેવ છે કારણ કે મોટાભાગના કઠોળમાં પુષ્કળ પ્રોટિન્સ ઉપરાંત કોમપ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. એટલે જ કઠોળ શરીરને એકધારી ઉર્જા પાડતા ઉત્તમ ખાદ્ય પદાર્થ ગણાય છે.

- રમેશ દવે