Get The App

તાપના સંતાપમાં 'શાતા' આપતી યોગમુદ્રાઓ

Updated: May 11th, 2026

GS TEAM

Google News
Google News
તાપના સંતાપમાં 'શાતા' આપતી યોગમુદ્રાઓ 1 - image

આ વર્ષે ઉનાળો તો પોતાની 'ગરમી' બતાવવા ઝટપટ આવી પહોંચ્યો. સખત તાપ અને ગરમીએ હમણાંથી જ લોકોને હેરાનપરેશાન કરી મુક્યાં છે, એવામાં બધાના મોઢે એક જ વાત છે કે ગ્રીષ્મનો આરંભ આવો આકરો છે. તો પછી કેવી ગરમી પડશે? ખેર..., ગરમીને તો આપણે રોકી શકીએ તેમ નથી. પણ કેટલાંક એવા યોગાસનો છે  જે આપણા શરીરને ઠંડુ રાખીને ગરમીમાં રાહતનો અનુભવ કરાવે.

જેમ કે પૃથ્વી મુદ્રા. રીંગ ફિંગરની ટીપને અંગુઠાની ટીપ પર રાખો. આમ બન્ને હાથે કરો. ત્યાર બાદ આ મુદ્રા સાથે જ હાથ થાપા પર મુકીને આંખ મીંચી પાંચ મિનિટ સુધી બેસો. આ મુદ્રા તમે વારંવાર અજમાવી શકો. પૃથ્વી મુદ્રાથી તાવમાંથી છૂટકારો મળે છે. ગરમીને કારણે લાગતા થાક અને કંટાળામાંથી મુક્તિ મળે છે. સ્ટેમીના વધે છે. સુકી ત્વચા અને ફાટેલા હોઠ સુંવાળા બનવામાં સહાય મળે છે. ગરમીને કારણે થતી ત્વચાની એલર્જીથી બચી શકાય છે. શરીરની અંદર રહેલા ટિશ્યુ મજબૂત બને છે. અલ્સર, સાંધાની પીડા અને આર્થરાઈટીસમાં આરામ મળે છે. તેવી જ રીતે હોર્મોન સંતુલિત થાય છે. 

શંખ મુદ્રા પણ તડકાને કારણે આવતા તાવ અને ત્વચાની એલર્જીમાં રાહત આપે છે. તેવી જ રીતે ગરમીને કારણે ગળામાં પડતો શોષ અટકાવે છે. ગરમીને કારણે સ્વભાવમાં આવતું ચીડિયાપણું કાબૂમાં રાખીને મગજ શાંત રાખવામાં અને તાણ દૂર કરવામાં સહાયક બને છે. આને માટે ડાબા હાથના અંગુઠાને જમણા હાથથી પકડો. ડાબા હાથના અંગુઠાને ઉપરની તરફ લઈ જાઓ. ત્યાર બાદ આ અંગુઠાને જમણા હાથની વચ્ચેની આંગળી પર રાખો. આ મુદ્રા સાથેના હાથ છાતી પાસે લઈ જાઓ. આંખો બંધ કરી આ સ્થિતિમાં ઓછામાં ઓછી ત્રણ મિનિટ સુધી બેસો. થોડી જ વારમાં તમને તાજગી અને ઠંડકનો અનુભવ થશે.

આવી જ અન્ય એક તદ્દન સરળ મુદ્રા તમારા દેહમાં રહેલા ઝેરી તત્ત્વો બહાર ફેંકવામાં મદદ કરશે, પરિણામે તમારા તનને આંતરિક ઠંડક મળશે. આ મુદ્રાનું નામ છે અપાન મુદ્રા. મધ્યમા અને તર્જનીની ટીપને અંગુઠાની ટીપથી દબાવો. આમ બન્ને હાથે ત્રણથી પાંચ મિનિટ સુધી કરો. આંખો બંધ કરીને ધ્યાનની મુદ્રામાં બેસો. દિવસ દરમિયાન વારંવાર પ્રાણાયમ અથવા ધ્યાન સાથે આ મુદ્રા કરવાથી તનને ટાઢક મળે છે. એટલું જ નહીં, યુરિન ઇન્ફેકશનમાં રાહત મળે છે. ડિહાઈડ્રેશન થતું અટકે છે અને કબજિયાત પણ દૂર થાય છે.

ગરમીથી તોબા પોકારવાને બદલે કે અકળામણ અનુભવવાને બદલે યોગની આ સાવ સરળ મુદ્રાઓની મદદથી તમે ગ્રીષ્મ ઋતુમાં રાહતનો અનુભવ કરી શકો છો.