સૌંદર્ય નિખારે યોગ .
શારીરિક અને માનસિક રીતે ફિટ એન્ડ ફાઈન રહેવામાં, યુવાની ટકાવી રાખવામાં યોગ મહત્વની ભૂમિકા ભજવે છે એ વાત સર્વવિદિત છે. પરંતુ યોગ સૌંદર્ય નિખારવામાં પણ એટલું જ કારગર નીવડે છે. જો તમે કોઈપણ જાતના સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કર્યા વિના કે કૉસ્મેટિક સર્જરીને શરણે ગયા વગર સુંદરતા વધારવા માગતા હો તો યોગને તમારી દિનચર્યાનો ભાગ બનાવી લો. યોગ નિષ્ણાતોના મતે દરરોજ ૨૦ મિનિટ યોગ કરવાથી ત્વચા કસાયેલી રહે છે. પૌષ્ટિક આહાર અને નિયમિત યોગ તમારી ત્વચાને ઢળતી વય સુધી લવચીક-કસાયેલી રાખવામાં મદદ કરશે. તેઓ આસાનીથી કરી શકાય એવાં કેટલાંક યોગની જાણકારી આપતાં કહે છે કે આ યોગ નિયમિત રીતે કરવાથી તમારી ત્વચા, કેશ, ફિગર આકર્ષક રહેશે. સાથે સાથે તમારી માનસિક તાણ પણ ઘટશે જે છેવટે તમારા સૌંદર્યને હણાતું રોકવામાં સહાયક બનશે.
- સુંવાળી-ચળકતી ત્વચા : રેશમ જેવી સુંવાળી અને ચળકતી ત્વચા તમારા વ્યક્તિત્વનો આઇનો બની રહે છે. ત્વચા અને યોગ વચ્ચે ગાઢ સંબંધ છે. માત્ર એક મહિના સુધી યોગ કરવાથી પણ તમારી ત્વચા નિખરી શકે છે. તેને માટે બંને પગ વચ્ચે એક ફૂટ જેટલું અંતર રાખીને સીધાં ઊભા રહો. હવે ચહેરાને હથેળીઓ વડે ઢાંકી રાખીને ૧૦ વખત ઝડપથી-ઊંડા શ્વાસ લો. ત્યાર પછી ચહેરા, આંખો અને કપાળને બેથી ત્રણ મિનિટ સુધી આંગળીઓ વડે ઘસો.
- કરચલીઓ : જો તમારા ચહેરા પર કરચલીઓ આવવાની શરૂ થઈ ગઈ છે તો જે ભાગમાં કરચલીઓ દેખાવા લાગી હોય ત્યાં હળવા હાથે ઘસો અને ઊંડા શ્વાસ લો. દરરોજ પાંચ મિનિટ સુધી આ પ્રક્રિયા કરવાથી પણ તમને ઘણો ફાયદો થશે.
- લાંબી-આકર્ષક ગરદન : ગરદનને લાંબી, આકર્ષક અને કરચલી રહિત બનાવવામાં પણ આસાનીથી કરી શકાય એવું યોગ ખપ લાગે છે. તેને માટે ટટ્ટાર ઊભા રહો. હવે ખભાને હલાવ્યા વિના ગરદનને ડાબી અને જમણી બાજુ વારાફરતી ફેરવો. આ પ્રક્રિયા ૧૦ વખત કરો. ત્યાર પછી માથું નીચેની તરફ એવી રીતે નમાવો કે તમારી હડપચી તમારી છાતીને સ્પર્શે. હવે માથું ધીમે ધીમે પાછળની તરફ લઈ જાઓ. આ ક્રિયા ફક્ત ત્રણ વખત કરો. તે તમારી ગરદન પર જામેલી ચરબી ઘટાડવામાં પણ મદદ કરશે.
- આંખો માટે : આકર્ષક નેણ તમારા સૌંદર્યનું દર્પણ બની રહે છે. સ્વાભાવિક રીતે જ નેત્રની કાળજી આપણા માટે અત્યાવશ્યક ગણાય. આંખોને સુંદર-સ્વસ્થ રાખવા જીભને વધુમાં વધુ બહાર કાઢો અને તેની સાથે સાથે આંખોને એક મિનિટ સુધી શક્ય એટલી પહોળી કરવાનો પ્રયાસ કરો. આ એકસસાઇઝ આંખોની ઘણી સમસ્યાઓમાં રાહત આપે છે અને નેત્રને આરામ પણ મળે છે. તેના સિવાય તમે અન્ય એક વ્યાયામ પણ કરી શકો. તેને માટે તમારી ત્રણ આંગળીઓને આંખો નીચે રાખો અને અત્યંત હળવેથી નીચે તરફ ખેંચો. દરમિયાન પાંપણ બંધ કરવાનો પ્રયાસ કરો. આમ કરવાથી આંખો નીચે આવેલા સોજા અને કરચલીઓ દૂર થશે.
- ધ્યાન : ખૂબસુરતી ટકાવી રાખવામાં દરરોજ માત્ર ૧૦ મિનિટ સુધી ધ્યાન કરો તોય ઘણું. ધ્યાન ધરવા માટે આંખો બંધ કરો અને તમારા સમગ્ર ધ્યાનને બંને આઈબ્રો વચ્ચે કેન્દ્રિત કરો. મેડિટેશન નર્વસ સિસ્ટમને રિલેક્સ કરે છે, એકાગ્રતા કેળવવામાં મદદ કરે છે અને આત્મવિશ્વાસ વધારે છે.
- કામણગારી કટિ : પાતળી કમર માનુનીની કાયાને કમનીય બનાવે છે. કટિને કામણગારી બનાવવા બંને પગ ભેગાં રાખીને સીધાં ઊભા રહો. હવે હથેળીઓને ઊંધી કરીને હાથ ઉપર લઈને સીધાં રાખો. ત્યાર પછી શ્વાસ લેતાં લેતાં કમરને ડાબી બાજુ જેટલી વળી શકે એટલી વાળો. આમ કરવાથી હાથ પણ આપોઆપ ડાબી તરફ વળશે. ત્રીસેક સેકન્ડ માટે આ સ્થિતિમાં રહ્યા પછી શ્વાસને સામાન્ય ગતિમાં લાવવા સાથે મૂળ સ્થિતિમાં પાછા ફરો. હવે આ પ્રક્રિયા જમણી તરફ કરો. આમ ડાબે-જમણે મળીને આઠથી ૧૦ વખત આ ક્રિયા કરો. આ યોગ કમર પર જામેલી ચરબી ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે સાથે કબજિયાત, ગેસની સમસ્યા દૂર કરે છે અને કિડની, લીવર, આંતરડા, પેન્ક્રિયાઝને સ્વસ્થ રાખે છે.
- વાળ માટે : કમર અને ગરદનને સીધા રાખીને હાથને જ્ઞાન મુદ્રામાં ઘૂંટણ પર ટેકવો. હવે આંખો બંધ કરીને નાકમાંથી ઉચ્છ્વાસ ફેંકો અને શ્વાસ લો. શ્વાસ લેતી વખતે પેટ ન ફૂલે તેનું ધ્યાન રાખો. આ યોગ વાળ માટે તા લાભકારક બને જ છે, સાથે સાથે ક્રોધ ઉદાસીનતા, અનિદ્રા અને અશાંતિને પણ અંકુશમાં રાખે છે.
યોગ નિષ્ણાતો સૌંદર્ય નિખારવા માટે યોગને લગતી આ જાણકારી આપવા ઉપરાંત અન્ય કેટલીક સરળ-ઉપયોગી ટિપ્સ પણ આપે છે.
* લીંબુના રસમાં ટામેટાંનો રસ ભેળવો. આ મિશ્રણ ચહેરા પર લગાવવાથી તડકાને કારણે હાનિ પામેલી ત્વચાને ફરીથી નિખારે છે.
* વિટામીન તેમ જ ખનિજ તત્વોથી ભરપૂર આહાર લો. લીલાં શાકભાજી અને મોસમી ફળો તેના મુખ્ય સ્રોત છે.
* તેલ અને ખાંડ મર્યાદિત માત્રામાં લો.
* ભરપેટ ખાવાને બદલે એકાદ-બે કોળિયા ઓછું ખાઓ.
* અઠવાડિયામાં એક વખત બૉડી મસાજ કરાવો.
* દરરોજ આઠ કલાકની ઊંઘ તન-મનને તરોતાજા રાખે છે.
- વૈશાલી ઠક્કર