Get The App

દુંદાળા ગણપતિના બદલે પાતળી કમરવાળી ગણેશિનીની આરાધના

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
દુંદાળા ગણપતિના બદલે પાતળી કમરવાળી ગણેશિનીની આરાધના 1 - image

- ભારતમાં કેટલાંક સ્થળે ગણેશજીનું નારી સ્વરૂપ પૂજાય છે!

ઘણાને ખબર નહોતી કે ભારતમાં એક સમાજ એવો છે જે નારી સ્વરૂપ ગણપતિની આરાધના કરે છે અને ''પતિ''નો નારી હોઇ શકે નહિં. એટલે પોતે જેની આરાધના કરે છે તેનું નામ 'ગણેશિની' રાખ્યું છે. જબલપુર નજીકના એક સ્થળે આ ગણેશિનીની મૂર્તિવાળું એક મંદિર પણ છે. સામાન્ય પ્રજા જે ગણેશની આરાધના કરે છે તે તો દુંદાળા - મહાકાય ગણપતિ છે.પણ આ ગણેશિનીની મૂર્તિ તો પતલી કમરવાળી નારીની મૂર્તિ છે. જબલપુર નજીકના મંદિરમાં એક પગ જાંઘ નીચે દાબીને અને એક પગ લટકતો રાખીને બેઠેલી ગણેશિનીની મૂર્તિ છે. પુરાણમાં ગણપતિના સ્ત્રી સ્વરૂપનો આધાર કોઇ ઠેકાણે મળતો નથી, છતાં જબલપુર નજીકનો એક સમાજ આ સ્ત્રીરૂપની આરાધના કરે છે. કેટલાક પુરાણ શાસ્ત્રોના વિદ્વાનો કહે છે કે ગણપતિની ઘણી મૂર્તિઓને એક જ દાંત હોય છે અને ઘણી મૂર્તિઓનો એક દાંત ભાંગેલો બતાવવામાં આવેલો હોય છે. તે નરહાથી નહિ, પણ હાથણીનું પ્રતીક ગણપતિની મૂર્તિમાં સમાવિષ્ટ કરવા માટે જ હોય છે. વળી વામન પુરાણમાં પાર્વતીજીએ શિવ સાથે સંપર્ક વિના જ ગણેશને જન્મ આપ્યો હતો એવી જે કથા છે તેનો કેટલાક અભ્યાસીઓ એવો અર્થ કરે છે કે ગણપતિ એ શક્તિ અથવા પ્રકૃતિમાંથી પેદા થાય છે. પુરુષ સાથેના સંપર્ક વિના! (પુરુષ અને પ્રકૃતિની આ વાત છે.)

ગણેશ શક્તિમાંથી ઉત્પન્ન થયા હોવાનું માનનારા ગણેશને શક્તિ સ્વરૂપ (નારી શક્તિ) માનવા લાગ્યા. એના દેહ અને આત્મા બંનેમાં તેમણે નારી શક્તિનું આરોપણ કર્યું અને એમાંથી જ ગણેશના ગણેશિની અને વિનાયકી જેવાં નારી સ્વરૂપોની કલ્પના જન્મી. આવા નારી સ્વરૂપમાંથી એકની જબલપુર નજીકના મંદિરમાં રીતસરની પૂજા થાય છે. પુરાતત્વ સંશોધકોએ ગણેશનું નારી સ્વરૂપ ધરાવતી ગણેશિની કે વિનાયકીની મૂર્તિઓ ગ્વાલિયરમાં ખજુરાહોમાં, કન્યાકુમારી નજીકના સુચિન્દ્રમાં અને મદુરાઇના સુંદરેશ્વર મંદિરમાં પણ શોધી કાઢી છે. આ ઉપરથી ગણપતિના નારી સ્વરૂપની પૂજા કરનારો સંપ્રદાય પણ ઠીક ઠીક વિસ્તારમાં પ્રસર્યો હતો એ સિધ્ધ થાય છે.

આથી ઉલટું ગણેશ અને એના પિતા લિંગસ્વરૂપી શંકર બંને પૌરુ શક્તિના સ્વરૂપો છે. એમ માનનારો સંપ્રદાય પણ છે જે ભારતના પશ્ચિમ કિનારા પર વસે છે. અને 'ગણત્યા' નામથી ઓળખાય છે. આ લોકો ગણપતિની પણ શંકરની માફક લિંગ સ્વરૂપે પૂજા કરે છે!

હિંદુ સમાજની ખૂબી એ છે કે એણે બુધ્ધને પણ દશ અવતારોમાંના એક અવતાર ગણી લીધા છે. ગણેશ કથાઓના અભ્યાસી શ્રી શિવરામ પ્રસાદ કહે છે કે બુધ્ધનું એક નામ વિનાયક પણ હતું એટલે કે સંપ્રદાય એવોપણ છે જેણે બુધ્ધ અને ગણેશને જોડી દીધા છે. અને બુધ્ધ સાથે જોડાયેલા ગણેશ જ્યાં જ્યાં બુધ્ધ ધર્મ પ્રસર્યો ત્યાં ગયા છે. ઇ.સ. પૂર્વે છઠ્ઠા સૈકામાં લંકામાં, ઇન્ડોનેશિયામાં તિબેટમાં બ્રહ્મદેશમાં અને કમ્બોડિયામાં ગણેશની આરાધના થતી. પ્રાચીન ભારત વિષે લખનારા ઇતિહાસકારોએ તો મધ્ય એશિયામાં એટલે કે ઇરાન, ઇરાક, ઇજિપ્ત અને મેસોપોટેમિયામાં પણ ગણેશપૂજક સંપ્રદાય હતો એમ નોંધ્યું છે. ગ્રીસમાં હરમિયસ નામનો એક શહેનશાહ થઇ ગયો. એણે ગણેશના મસ્તક જેવા હાથીની મુદ્રા ધરાવતા સોનાના સિક્કાઓ પડાવ્યા હતા. પશ્ચિમ ઇરાનમાં લ્યુરિસ્તાન ખાતે એક મંદિર છે. (હમણાં હશે કે કેમ તે કોણ જાણે?) ત્યાં યોધ્ધાના સ્વરૂપની ગણેશની મૂર્તિ હતી આ ઉપરથી ઉક્ત બધા દેશોમાં ગણપતિ સંપ્રદાય એકયા બીજે સમયે પ્રસર્યો હતો એમ જણાય છે. ''ગ'' એટલે બુધ્ધિ અને ''ણ'' એટલે જ્ઞાાન અથવા ડહાપણ. એટલે ગણપતિની પૂજા દ્વારા આ બન્ને પ્રાપ્ત થાય છે એમ મનાતું. ગણપતિનું એક નામ વિનાયક છે. વિનાયક એટલે જેનો કોઇ નેતા નથી. તે વિઘ્નેશ્વર સિધ્ધિવિનાયક, વિધાનન્દ અને નાટયાચાર્ય એ બધાં પણ ગણપતિનાં જ નામો છે.

પુરાણોમાંના ગણપતિની વાત કરીએ તો ગણપતિની ઉત્પતિ અંગે વિવિધ પુરાણોમાં ભિન્ન ભિન્ન પ્રકારની કથાઓ છે. આપણે એ કથાઓ ટુંકમાં જોઇશું.

વરાહપુરાણ : ગણેશ માત્ર એકલા શંકરમાંથી ઉત્પન્ન થયેલો પુત્ર હતો. એનું સૌંદર્ય અપૂર્વ હતું. એટલે ઉમાએ એને શાપ આપીને એનું માથું હાથીનું બનાવી દીધું હતું. સાથેસાથ એ મહાકાય પણ બની ગયો હતો.

પદમપુરાણ : ગણેશ શંકર અને પાર્વતીના સંયોગમાંથી જન્મ્યો હતો. એ ડહાપણનો ભંડાર હતો એટલે જ એનું માથું હાથીનું થઇ ગયું હતું. (પદમપુરાણના સમયમાં હાથીને ડહાપણનો ભંડાર માનવામાં આવતો હશે!)

બ્રહ્મવૈવર્ત પુરાણ : ગણેશનો જ્યારે જન્મ થયો ત્યારે શનિની વક્રદષ્ટિ એના પર પડી એથી એનું માથું ઊડી ગયું પણ દેવોએ આશીર્વાદ આપવાથી એને એનું માથું પાછું મળ્યું. આ પુરાણ ગણેશજી હાથીના માથાં સાથે જ જનમ્યા હતા એમ કહે છે.

મત્સ્યપુરાણ : પાર્વતીએ પોતાના શરીરના કચરામાંથી ગણપતિની મૂર્તિ ઘડીને એના પર ગંગાજળની અંજલિ મારીને પ્રાણ પૂર્યા હતાં.

શિવપુરાણ : પાર્વતીજીના અંત : પુરની બહાર દ્વારપાળનું કામ કરતા ગણેશને ન ઓળખનાર શિવજીએ ગણેશનો શિરચ્છેદ કરી નાખ્યો હતો. પાર્વતીજીને શાંત કરવા નજીકમાં હાથી જોવા મળ્યો તો તેનું માથું ગણેશજીના ધડ પર બેસાડી દેવામાં આવ્યું હતું.

બધાં જ પુરાણોમાં અલબત્ત બે મુદ્દાઓ સર્વ સમાન છે. હાથીનું માથું અને વિશાળ કાયા?

મુદગલ પુરાણમાં ગણપતિના ૩૨ (બત્રીસ) સ્વરૂપોનો ઉલ્લેખ છે. જ્યારે શારદાતિલક તંત્રમાં ગણપતિના ૫૧ (એકાવન) સ્વરૂપોનો ઉલ્લેખ છે. મહારાષ્ટ્રના અષ્ટવિનાયકમાં મંગલમૂર્તિની આરાધના થાય છે. ગણેશની જ્યારે સ્વયંભૂ સ્વરૂપે આરાધના થાય છે. ત્યારે કોઇ આકાર વિનાના લાલ કે પીળા રંગથી રંગાયેલા પાષાણને જ સ્વયંભૂ ગણપતિ તરીકે સ્વીકારી લેવાય છે.

ગણપતિનું ''જયંતી ગણપતિ'' તરીકે ઓળખાતું એક બીજું સ્વરૂપ પણ છે. આ સ્વરૂપની ગણપતિની મૂર્તિને બે માથા છે. એક માનવીનું અને બીજું હાથીનું (પ્રાચીન પશ્ચિમી દંતકથાઓમાં પણ બે માથાવાળાં મનુસની વાત આવે છે.) ''હેરબ ગણપતિ'' તરીકે ઓળખાતાં ગણપતિનાં સ્વરૂપની મૂર્તિને પાંચ માથાં છે. આમાંના ચાર માથા ચાર દિશાઓમાં દષ્ટિ કરે છે અને પાંચમું એ બધાની ઉપર ગોઠવાયેલું હોય છે. શારદાતિલક તંત્રોમાં આ ગણપતિની આરાધનાના શ્લોકો પણ છે. તામિલનાડુના નાગા પટ્ટિનમ ખાતેના નાગસ્વામી મંદિરમાં હેરબ ગણપતિની મૂર્તિ છે.

ગણપતિનું એક તાંત્રિક સ્વરૂપ પણ છે જેનું નામ ઉચ્છિષ્ટ ગણપતિ છે. વામપંથીઓ માને છે કે ઉચિછષ્ટ ગણપતિની આરાધના એ મોટામાં મોટી આરાધના છે.

ગણપતિનો એક દાંત કેમ છે તે અંગેની એક સંપ્રદાયની માન્યતાનો તો ઉપર ઉલ્લેખ કરેલો જ છે.બીજી એક કથા એવી છે કે પરશુરામ સાથેની લડાઇમાં પરશુરામે પોતાની પરશુનો ઘા કરવાથી ગણપતિનો એક દાંત તૂટી ગયો હતો. બીજી એક કથા વળી એમ કહે કે પાર્વતીના અંત:પુરની રક્ષા કરતી વખતે શિવ સાથેની લડાઇમાં એનો એક દાંત તૂટી ગયો હતો તો વળી દક્ષિણ ભારતમાં ગજમુખાસુર સાથેની લડાઇમાં ગણપતિનો એક દાંત તૂટી ગયો હતો એવી કથા પ્રચલિત છે.

શંકરના જેમ ત્રણ નેત્રો છે તેમ ગણપતિના ત્રણ નેત્રો દર્શાવતી કેટલીક મૂર્તિઓ પણ છે પરંતુ સામાન્ય:ત એની બે જ આંખ બતાવાય છે. ''ભાલચંદ્ર ગણપતિ'' તરીકે ઓળખાતું ગણપતિનું જે એક સ્વરૂપ છે તેનેમાથે શંકરની જેમ ચંદ્રને બેસાડવામાં આવેલો હોય છે!

ગણપતિની મૂર્તિઓ સામાન્યત એક પગવાળીને બેઠેલી દર્શાવાય છે પણ કેટલીક ઊભી મૂર્તિઓ પણ છે ઉભી મૂર્તિઓને આપવામાં આવેલી અંગભંગીઓ અનુસાર સમભંગ મૂર્તિ અથવા દ્વિભંગમૂર્તિ અથવા ત્રિભંગમૂર્તિ એવાં નામો આપવામાં આવ્યાં છે. નાટયાચાર્ય ગણપતિની મૂર્તિ ત્રિભંગ મૂર્તિ જ હોય છે. દક્ષિણના એક મંદિરમાં આવી એક મૂર્તિ છે જેને પ્રસન્ન ગણેશમૂર્તિ કહેવામાં આવેછે. દક્ષિણમાં તામિલનાડુનાં પિલ્લાયાર પત્રીનમ ખાતે ગણપતિનું જે મંદિર છે જ્યાં ગણપતિ ઉત્સવ દરમિયાન ત્રીસ પાલી ચોખાનો રાંધેલો ભાતકોપરૃં અને ગોળના લાડુનો પ્રસાદ ધરવામાં આવે છે તદુપરાંત ગામના બધા લોકો ભેગા થઇને ચોક્કસ મહિનાના દર શુક્રવારે ગણપતિને ૧૦૮ લાડુનો પ્રસાદ પણ ધરે છે. (મહારાષ્ટ્રમાં મંગળવારને ગણપતિનો વાર ગણવામાં આવ્યો છે.) ઉદર્વ ગણપતિને છ હાથ, હેરંબ ગણપતિને આઠ હાથ ભૂવનેશ ગણપતિને પણ આઠ હાથ અને વીર વિઘ્નેશ ગણપતિને સોળ હાથ હોય છે.

આ બધા હાથોમાં ભારતભરની મૂર્તિઓમાં પણ જુદી જુદી રીતે આયુધ્ધો હોવાનું કલ્પવામાં આવ્યું છે. ત્રિશૂળ, માળા, ગદા વગેરે આયુધો અને ચીજો, જુદા જુદા સંપ્રદાયની માન્યતા અનુસાર મૂકવામાં આપે છે. હેરંબ ગણપતિ સિવાય ગણપતિના બીજા બધા સ્વરૂપોનું વાહન ઉંદરનું કલ્પવામાં આવ્યું છે. માત્ર હેરંબ ગણપતિનું વાહન સિંહનું કલ્પવામાં આવ્યું છે.

ગણપતિને બ્રહ્મચારી ગણનારા સંપ્રદાયો પણ છે અને શક્તિ સંપ્રદાયની અસર હેઠળ ગણપતિની બે પત્નીઓ (જેને રિધ્ધિ અને સિધ્ધિ પણ કહે છે) હોવાની કલ્પના પણ કરવામાં આવી છે અને આ બે પત્નીઓથી ગણપતિને ''ક્ષેમ'' અને ''લાભ'' નામના બે પુત્રો થયા હોવાની કલ્પના પણકેટલાંક સંપ્રદાયોમાં પ્રચલિત છે. તાંત્રિકો ગણપતિને મૂલાધાર ચક્રના સ્વામી ગણે છે. મૂલાધાર ચક્રમાંથી કુંડલિની જાગ્રત થાય છે. એટલે ગણપતિને ચેતના જાગૃત કરનારા દેવ ગણવામાં આવે છે. શક્તિ સંપ્રદાય ગણપતિના પાંચ સ્વરૂપોની આરાધના કરે છે. મહા ગણપતિ, ઉદ્ધર્વ ગણપતિ, પિંગલ ગણપતિ, લક્ષ્મી ગણપતિ અને ઉચ્છિષ્ટ ગણપતિ! લક્ષ્મી ગણપતિનાં સ્વરૂપમાં તો લક્ષ્મીજી ગણપતિને આલિંગન કરતાં હોય એવું જણાવાયેલું છે. (શક્તિ સંપ્રદાય છેને!) આ ઉપરાંત કેટલાક ભક્તો હારીદ્ર ગણપતિ, નવનીત ગણપતિ, સ્વર્ણ ગણપતિ અને સંતાન ગણપતિની પણ આરાધના કરે છે. દક્ષિણ ભારતમાં ઘણા ભક્તો ગજાનંદના સ્ત્રી સ્વરૂપને પૂજે છે. તેમાંની એક વૈનાયકી દેવી તરીકે ઓળખાય છે.

વૈનાયકીની પ્રતિભાસંપન્ન મૂર્તિ સંપૂર્ણ વિકસિત અને ભરાવદાર વક્ષસ્થળ ધરાવે છે. તેમણે માથા પર મુકુટ ધારણ કર્યો છે.

અવગણિત માળાઓ કંઠમાં ધારણ કરી છે તથા તેમના મસ્તકની ફરતે કમળ આકારનું તેજોમય પ્રભામંડળ છે. ભક્તજનો તેમની આસપાસ એકત્ર થઇ તેમને પ્રસન્ન રાખવા કુમકુમ (કંકુ) અને હળદરથી તેમની પૂજા કરે છે.

વૈનાયકીની આ નયનરમ્ય, ચિત્તાકર્ષક, પ્રતિભા સંપન્ન મૂર્તિ રાજસ્થાનમાં સિકર નજીક હરશાથા ખાતેના શિવમંદિરમાં બિરાજે છે. આ મૂર્તિ ઇ.સ. ૧૦માં સૈકાની છે.

નર્મદા નદીને કાંઠે, જબલપુર નજીક ૬૪ જોગણીઓના મંદિરો માટે પ્રખ્યાત બનેલું ભેરા ઘાટ નામનું નાનકડું ગામ ૧૦માં સૈકા સાથે સંબંધ ધરાવે છે.

એક મંદિરમાં જોગણીઓના અત્રે આલેખાયેલા આલેખનોમાંની એક જૂજ અને રસપ્રદ પ્રતિભા વૈનાયકી છે. આ મૂર્તિને ભરાવદાર વક્ષ, ચાર ભુજાઓ, ત્રણ નેત્રો અને વિશાળ સુપડિયા કાનો છે. તેને પગની પાની સુધીની સાડી, મુકુટ, મેખલા, બાજુ બંધો, કંઠમાળા, આંગળીઓ પર મુદ્રિકાઓ ધારણ કર્યા છે અને કમળ પર આસાન પ્રાપ્ત કર્યું છે. તેમની નીચે તેમની ડાબા પગના ઘૂંટણ પાસે ડાબો હાથ, પકડેલા, ટુંકું ધોતીયું પહેરેલા ગણેશની મૂર્તિ છે. મધ્યકાલીન સમયની અનેક ધાર્મિક લોકવાયકાઓમાંની જોગણીઓની પણ એક લોકવાયકા છે. સંસ્કૃત સાહિત્યમાં જોગણીઓને પિશાચો સાથે યુધ્ધ ખેલી રહેલા દુર્ગાના જુદા જુદા સ્વરૂપોના પ્રતિનિધિ તરીકે રજૂ કરવામાં આવી છે. માતૃકા મુખ્ય જોગણી છે અને તેઓ ૭ અથવા ૮ની સંખ્યામાં છે. રુદ્ર ઉપનિષદમાં જણાવવામાં આવ્યું છે કે એક વખત જ્યારે શિવજી યુધ્ધ ભૂમિ પર હતા ત્યારે તેમણે જોગણીઓને સંદેશો મોકલાવી દૈત્યનો નાશ કરવા આદેશ આપ્યો હતો. તેમને પ્રસન્ન કરવામાં આવે તો લોકો ભૂત-પિશાચ અને અનિષ્ટ આત્માઓથી મુક્તિ મેળવે છે એમ મનાય છે. બીજી એક સુંદર પ્રતિભાશાળી મૂર્તિ નૃત્ય કરતા ગણેશ્વરીની છે. આ મૂર્તિ મધ્ય પ્રદેશના તિકમગઢમાંથી મળી આવી હતી. જ્યારે તામિળનાડુમાં ૧૬મી થી ૧૮મી સદીમાં મળી આવેલી મૂર્તિઓમાં તેમને તીક્ષ્ણ હથિયાર સાથે ચીતરવામાં આવ્યાં છે.

હાથીનું મસ્તક ધરાવતા વૈનાયકીની અનેક નાટયાત્મક માન્યતાઓએ શિલ્પકારો અને ચિત્રકારો માટે સુંદર તેમજ ભયાનક બંને પ્રકારની પ્રતિભા ઊભી કરી છે.

ગણેશનું સમોવડિયું નારી સ્વરૂપ હિન્દુ ધર્મકથાઓમાં અગત્યનું સ્થાન ભોગવે છે. અને આખાય ભારતમાં તે પ્રખ્યાત છે. સંપત્તિ અને વિધાના દેવના આ ગણેશના લોકપ્રિય બનેલા સ્વરૂપને તમામ માંગલિક પ્રસંગોમાં અગ્રસ્થાન અપાય છે અને તેમની સર્વત્ર પૂજા થાય છે. તેઓ વિઘ્નનો નાશ કરનારા વિઘ્નેશ્વર પણ કહેવાય છે. તેઓ સફળતાના ઘોતક સિધ્ધિ ગણેશવિનાયક કહેવાય છે. નવું સાહસ શરૂ કરતી વેળા તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે.

ગણેશ્વરી, ગણેરાણી, ગજાનના, વિઘ્નેશ્વરી, વૈનાયકી તેમની નારી શક્તિ, તેઓને બેઠેલા, ઉભેલા, નૃત્ય કરતાં એમ જુદી જુદી અવસ્થાઓમાં જોઇ શકાય છે.

વૈનાયકીની ઉદ્ગમની વાત પ્રાચીન કાળમાં લુપ્ત થઇ ગઇ. પરંતુ એમ માનવામાં આવે છે કે પાંચમી સદીમાં ગણેશ હિંદુ ધર્મમાં મુખ્ય આરાધ્ય દેવ બન્યા તેની સાથે જ શક્તિની આરાધનાએ પણ લોકપ્રિયતા પ્રાપ્ત કરી. આ ઘણું ખરું શક્તિવાદને કારણે બન્યું હતું. તેમાં જોગણીઓની પૂજા અને તંત્ર પ્રયોગના પ્રભાવનો સમાવેશ થતો હતો. આ માટે વૈનાયકી મુખ્ય આરાધ્ય દેવી ગણાવા લાગ્યાં અને ૬૪ જોગણીઓના મંદિરમાં તેમને અગ્રસ્થાન આપવામાં આવ્યું.

બૌધ્ધધર્મીઓ તેમને ગણપતિ હૃદયા તરીકે પૂજે છે તે નોંધવું અત્રે રસપ્રણ ગણાશે. જ્યારે ગણેશની સફળતાના દેવ તરીકેની માન્યતા બૌદ્ધોમાં પ્રસરી પ્રચાર પામી ત્યારે ગણેશની પ્રસન્નતા માટે વપરાતો પૌરાણિક મંત્ર બૌધ્ધોની જાણમાં હોવાનો દાવો બોધ્ધોએ કર્યો હતો. તેઓએ મંત્રને ગણપતિ હૃદયના વિષેષ મંત્ર તરીકે વિકસાવ્યો તેમને ગણેશની શક્તિ તરીકે માનવામાં આવે છે.

જૈન હસ્તપ્રતોમાં પણ ગણેશ્વરીને ૬૪ જોગણીઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગણપતિ હૃદયા મહારી અને નેપાળી ભાષાઓમાં પણ ચીતરવામાં આવ્યું.