- આરોગ્ય સંજીવની
આજે આપણે એક એવા વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે, કે જેનો અનુભવ મોટા ભાગે દરેક માતાએ પોતાનાં બાળકની બાલ્યાવસ્થા વખતે કર્યો જ હતો. આ રોગનું નામ છે, 'કૃમિરોગ'.
બાળપણમાં મોટાભાગના બાળકો કોઈ ને કોઈ વાર આ સમસ્યાનો સામનો કરી ચૂકયા હોય છે.
પરંતુ દરેક માતા-પિતા ઈચ્છે છે કે, તેમનું બાળક સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત રહે, એ માટે બાળકોને થતા રોગોમાં વિશેષ પ્રમાણમાં જોવા મળતો 'કૃમિરોગ' વિશે જાણકારી હોવી ખૂબ જરૂરી છે.
આ ઉર્સિજ એટલે કે કૃમિઓ ઘણા બધા પ્રકારના જોવા મળે છે. જેમ કે (૧) ગોળ (૨) લાંબા (૩) પાતળા દોરા જેવા (૪) ચપટી પટ્ટી જેવા (૫) સૂક્ષ્મ હુક જેવા.
જેમાંથી અમુક પ્રકારના કૃમિઓ નરી આંખે જોઈ શકાતા નથી. પરંતુ આ કૃમિઓ સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવશ્ય જોઈ શકાય છે. કૃમિરોગની યોગ્ય સારવાર ના કરવામાં આવે તો તે બાળકની પાચન ક્રિયા પર વિપરીત અસર પાડે છે.
કૃમિરોગનાં કારણોની વાત કરીએ તો :-
જેમાં મુખ્યત્વે મીઠી ચીજ, ગળપણનું વધુ પડતુ સેવન, દૂષિત વાસી શાકભાજી ખાવા, મેદાની આઈટમો વધારે ખાવી, માટીમાં રમવું, કેક, આઇસક્રીમ, ચોકલેટ વગેરેનું અત્યાધિક સેવન ગોળના તથા ખાંડના પદાર્થો અત્યાધિક ખાવા, તથા બાળકની હાથ-પગ ધોયા વિના જ માટીવાળા હાથે જમવા બેસી જવાની રીત પણ કૃમિરોગ ઉત્પન્ન કરે છે.
* કૃમિરોગના લક્ષણો વિશે જો વાત કરીએ તો નીચેના લક્ષણો કૃમિરોગમાં જોવા મળે છે :-
૧. કૃમિના કારણે બાળકમાં ફીકાશ કે પાંડુતા લાગે છે.
૨. બાળકને જમવામાં અરુચિ ઉત્પન્ન થાય છે.
૩. બાળકનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે.
૪. બાળક ઉંઘમાં દાંત કચ-કચાવે છે.
૫. બાળક વારંવાર પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરે છે.
૬. બાળકને ગુદાના ભાગમાં ખંજવાળ આવે છે.
૭. ઘણીવાર બાળકો પથારીમાં મૂત્રત્યાગ કરી નાખે છે.
૮. કેટલાક બાળકોમાં શીળસના લક્ષણો પણ જોવા મળે છે.
૯. ક્યારેક ખૂબ ખાવું તો ક્યારેક ખોરાક લેવાની બિલકુલ ઇચ્છા ન થવી, વગેરે કૃમિનાં સામાન્ય લક્ષણો છે.
સારવાર :
૧. બાળકોને ગળપણવાળા પદાર્થો, ખાંડ, ગોળ, મેંદો વગેરે બંધ કરીને કૃમિઘ્ન ઔષધોનું સેવન શરૂ કરાવવું જોઈએ.
૨. અજમાનું ચૂર્ણ વાટીને સવાર-સાંજ આપવું જોઈએ.
૩. વિહંગારીષ્ટ ૧-૧ ચમચી સવાર-સાંજ આપી શકાય છે.
૪. કૃમિમુદ્ગર રસ, કૃમિકલ્યાણ રસ કે નિમ્બાષક ચૂર્ણમાંથી કોઈ પણ એક યોગનું ચિકિત્સકની સલાહ મુજબ સેવન કરવું જોઈએ.
જરૂર લાગે તો સ્ટુલનો રીપોર્ટ પણ કરાવવો જોઈએ.
આહારની બાબતમાં પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ઉકાળેલું અને ગાળેલુ પાણી જ પીવું, શાકભાજી, ફળફળાદિ ધોઇને જ આપવા જોઈએ. આ ઉપરાંત બાળકોને ગંદકીમાં રમવા દેવા જોઈએ નહીં. સંડાસ-બાથરૂમમાં જઈને આવ્યા બાદ હાથ-પગ સાબુથી બરાબર ધોઈ નાંખવા જોઈએ. જમવા બેસતા પહેલા પણ હાથ-પગ ધોઈને જમવા બેસવું જોઈએ.
કૃમિરોગમાં દૂધ, દહીં, ઘી, પાંદડાવાળા શાક, ખટાશ, માંસ, ચોકલેટ, આઇસક્રીમ, બ્રેડ, પીઝા, બર્ગર આ બધી જ વસ્તુથી પરેજ રાખવો જરૂરી છે.
આટલી સાવધાની આપના બાળકને કૃમિરોગથી જોજનો દૂર રાખે છે.
- જ્હાનવીબેન ભટ્ટ


