બાળકોમાં કૃમિ સમસ્યા અને સમાધાન
- આરોગ્ય સંજીવની - જ્હાનવીબેન ભટ્ટ
આજ-કાલ બાળકોમા કૃમિ રોગ ખૂબ જ સામાન્ય જોવા મળે છે. આ રોગ વિશે પ્રત્યેક માતા-પિતાને પૂરતી જાણકારી હોવી જરૂરી છે. પ્રત્યેક માતા-પિતા ઇચ્છે કે, તેમનું બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે. બાળકોનાં બાળરોગોમાં 'કૃમિ' વિશેષ પ્રમાણમાં જોવામાં આવતો રોગ છે. આ કૃમિઓ ઘણાં પ્રકારનાં હોય છે. જેવાં કે, (૧) લાંબા અને ગોળ (૨) પાતળાં દોરાં જેવાં (૩) સૂક્ષ્મ હૂક જેવા (૪) ચપટા પટ્ટી જેવાં. અમુક પ્રકારનાં કૃમિઓ નરી આંખે જોઈ શકાતાં નથી પણ સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાતાં હોય છે.
સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે, જે બાળકો વધારે પડતું ગળ્યું ખાતા હોય તેમને કૃમિની તકલીફ થતી જોવા મળતી હોય છે. કૃમિરોગનો યોગ્ય ઉપચાર કરવામાં ના આવે તો તે બાળકની પાચનક્રિયા પર તેનાં પોષણ અને વિકાસ પર દુષ્પ્રભાવ પડે છે.
કૃમિ થવાનાં કારણો: કૃમિ થવાનાં અનેક કારણો છે. જેમાં મુખ્યત્વે મીઠી ચીજ, ગળપણનું વધુ પડતું સેવન, માટીમાં રમવું, માટી ખાવી, દુષિત વાસી શાકભાજી ખાવા, ગંદકીમાં રમવું, વધુ પીસેલાં મેંદા વગેરેનાં તથા ગોળનાં પદાર્થો ખાધા કરવા તથા બાળકની હાથ-પગ ધોયા વિના જ માટીવાળા હાથે જમવા બેસી જવાની રીત પણ કૃમિરોગ ઉત્પન્ન કરે છે.
લક્ષણો: કૃમિનાં કારણે પાંડુતા, અરૂચિ, શરીરમાં ફીકાશ થઇ જવી, ચીડીયો સ્વભાવ થવો, ઊંઘમાં દાંત કચકચાવવાં, પેટમાં વારંવાર દુખાવાની ફરિયાદ કરવી, પથારીમાં મૂત્ર-ત્યાગ, શીળસ, ક્યારેક ખૂબ ખાવું તો ક્યારેક ખોરાક લેવાની ઇચ્છા ન થવી વગેરે કૃમિનાં સામાન્ય લક્ષણો છે.
સારવાર: (૧) કૃમિ થાય તેવાં કૃમિકારક પદાર્થો જેવા કે ગોળ મેંદો બંધ કરીને આયુર્વેદમાં દર્શાવેલ કૃમિઘ્ન ઔષધોનું નિષ્ણાંતની સલાહ પ્રમાણે સેવન કરવાથી કૃમિરોગ મટી શકે છે.
કૃમિઘ્ન ઔષધોમાં ખુરસાની અજમો વિશેષ પ્રમાણમાં વપરાય છે.
(૨) આ ઉપરાંત, વિડંગચૂર્ણ, કૃમિમુદાર, કૃમિમુદગર રસ, કૃમિકલ્યાણ રસ, વિડંગારિષ્ટ, ખદિરા દિ ક્વાથ,નિમ્બાષ્ટક ચૂર્ણ વિગેરેમાંથી કોઈ એક યોગનું ચિકિત્સકની સલાહ મુજબ સેવન કરવું.
(૩) ઉકાળેલું, ગળેલું પાણી જ પીવું, આહારની બાબતમાં પણ સાવચેતી રાખવી જરૂરી છે. શાકભાજી, ફળફળાદી ધોઇને જ આપવા જોઇએ. બાળકોને ગમે તે જગ્યાએ ગંદકીમા રમવા દેવા જોઇએ નહીં. સંડાસ જઇ આવ્યા બાદ હાથ-પગ સાબુથી બરાબર ધોઈ નાખવા જોઇએ. જમવા બેસતા પહેલાં હાથ-પગ ધોઈને જમવા બેસવાની આદત પાડવી જોઇએ.
(૪) કૃમિરોગીએ દૂધ, દહીં, માંસ, ઘી, પાંદડાવાળા શાક, ખટાશ તથા ગળ્યા-પદાર્થો ખાવા નહીં.
ઉપરોક્ત ઉપાયો કરવાથી કૃમિરોગમાં અવશ્ય લાભ થાય છે.
આ ઉપરાંત આજે અહીં થોડી વાત બાળકોને થતી ખાંસીની પણ કરી રહી છું. ઘણીવાર બાળકોમાં ઋતુ પરિવર્તન સમયે એલર્જીક ખાંસી કે ગળપણ વધારે ખાવાથી શરદી-ખાંસી થતી જોવા મળતી હોય છે.
આ ઉપરાંત જ્યારે બાળકો, આઈસ્ક્રીમ જેવા ઠંડા પદાર્થો, ચીકણા તથા ચપ્પટા ખોરાક, કેળાં, દહીં, વગેરે વધારે લે ત્યારે ખાંસીનો ઉપદ્રવ થતો જોવા મળે છે.
આ રોગમાં,
(૧) જેઠીમધ, અને બહેડા પાવડર સરખા ભાગે મેળવીને મધ સાથે લેવાથી ફાયદો થાય છે.
(૨) દૂધમાં હળદર નાખીને ઉકાળીને પીવું.
(૩) ગંઠોડાનું ચૂર્ણ દૂધમાં નાખીને ઉકાળો પીવાથી ખાંસીમાં રાહત થાય છે.
(૪) અરડૂસી અને તુલસીનાં પાનનો રસ મધ સાથે પીવાથી ઉધરસમાં આરામ મળે છે.
(૫) લવિંગાદી વટી, એલાદિવટી અને ખદીરાદિવટી આમાંથી કોઈ એકનું નિષ્ણાતની સલાહ મુજબ સેવન કરાવવાથી ઉધરસ ખાંસીનો વેગ ઓછો થઇ જાય છે.
પથ્ય: આ રોગમાં પૌષ્ટિક, હલકું અને ગરમ ભોજન કરવું. જૂના ચોખા, ભાજી, સુવા, કળથી, મેથી, પરવળ અને સૂંઠનું પાણી હિતકર છે.
અપથ્ય: ઠંડા પદાર્થો, ભેજવાળી જગ્યા, દહીં, છાશ, આઈસક્રીમ, ફ્રીઝમાં મુકેલા પદાર્થો ન ખાવાં પંખા કે એ.સી.ની સીધી હવા નુકશાનકારક છે.
હળદરવાળું દૂધ, કાળામરીવાળું દૂધ પીવાથી ખાંસીમાં ખૂબ જ સારો ફાયદો થાય છે. નિયમિત ત્રણ મહીના સુધી ૫ કાળાં મરીનો પાવડર કરીને દૂધમાં નાખીને પીવાથી ખાંસીમાં સારો ફાયદો થાયછે.
નિષ્ણાંતની સલાહમાં શરૂ કરવામાં આવેલો કોઈ પણ આયુર્વેદીક ઉપચાર બાળકોનાં આવા રોગોને ઝડપથી કાબૂમાં લઇ લે છે, તેમાં શંકાને સ્થાન નથી.