Get The App

કામિનીઓ કામના કરે છે સુડોળ નિતંબની

Updated: Dec 1st, 2025

GS TEAM

Google News
Google News
કામિનીઓ કામના કરે છે સુડોળ નિતંબની 1 - image

ફેશન અને સુંદરતા ઘેલી નારીઓની ઘેલછા ક્યાં જઈને અટકશે એ કહેવું મુશ્કેલ છે. બોલીવુડની અભિનેત્રીઓને પોતાનો આદર્શ માનતી નારીઓ હવે ફેશન અને ફીગર માટે હોલીવુડની નટીઓની બરોબરી કરવા માંડી છે. જો કે બોલીવુડ સુંદરીઓ પણ આમાથી બાકાત નથી. આજે મુંબઈ જેવા મહાનગરોની ૧૫ થી ૫૦ વર્ષની નારીના મગજમાં જેનિફર લોપેઝ જેવા સુડોળ નિતંબના સ્વામિની થવાની ધૂન સવાર થઈ ગઈ છે. અને આ અભિલાષા પૂરી કરવા માટે તેઓ જાતજાતના ઉપાયો અજમાવે છે. આમાનો એક ઉપાય છે. 'જેનિફર લોપેઝના પૃષ્ઠભાગનું રહસ્ય' તરીકે ઓળખાતો વ્યાયામ. વ્યાયામ નિષ્ણાતોએ જણાવ્યા પ્રમાણે, ''સપ્તાહમાં ત્રણ દિવસ દરમિયાન બે મહિના સુધી નિયમિત વ્યાયામ કરવામાં આવે તો ધાર્યું પરિણામ મળતા વાર નથી લાગતી.

ઘણી મહિલાઓના નિતંબનો ભાગ જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં વિસ્તરેલો હોય છે. આખા શરીરમાં નિતંબના માપને દેહાકૃતિની સુંદરતા સાથે સીધો સંબંધ રહેલો છે. ઊંચાઈ અને વજનના પ્રમાણમાં નિતંબ પણ ચોક્કસ આકારમાં હોય તો આકર્ષક સુડોળ અને સુંદર લાગે છે પણ ઘણી સ્ત્રીઓમાં આ માપ ૪૦ ઈંચથી પણ વધારે મોટું હોય છે અને તેને શારીરિક રીતે પણ અજંપો કરાવે છે ને સુંદરતાની દ્રષ્ટિએ પણ વધુ વજનના સાક્ષી બને છે. આવી યુવતી ઉંમર નાની હોવા છતાં મોટી બૈરી જેવી દેખાય છે. આવી યુવતી પંજાબી ડ્રેસ પહેરે કે સાડી એ પાછળથી બદસૂરત જ લાગે છે. મીની સ્કર્ટ, જિન્સ કે સ્કર્ટ પહેરે તો વધુ હાસ્યાસ્પદ ઠરે છે. નિતંબના ભાગની વધારાની ચરબી ઓછી કરવાનો એક ઉપાય વ્યાયામમાં રહેલો છે. નીચે મુજબની કસરત નિયમીત રીતે કરવાથી થોડા વખતમાં ફેર થઈ શકશે.

સીધા ઊભા રહો બન્ને પગ વચ્ચે અડધા ફૂટ જેટલું અંતર રાખો. હાથ કમર પર અને હિપ્સ પર આવે તે રીતે ટેકવો હવે ઊંડો શ્વાસ લઈ પેટ અંદર ખેંચો હવે કમરને ઘડિયાળની દિશામાં ફેરવો પછી ઘડિયાળથી ઊંધી દિશામાં ફેરવો. (વીસ વખત શરૂઆતમાં)  વ્યાયામ વખતે સામાન્ય નિયમથી જ શ્વાસ લો. આ સિવાય ખૂબ સાયકલ ચલાવવી, જોગિંગ કરો અથવા રોજ બે-ચાર કિલોમીટર ચાલોે જેથી  સાથળની ચરબી ઓગળ્યા પછી નિતંબ પરનો ભાર પણ આપોઆપ ઓછો થશે.

સૌંદર્યના માપદંડો સમયાંતરે બદલાતા રહે છે. ભરાવદાર  વક્ષ:સ્થળો ધીમે ધીમે આઉટ થઈ રહ્યાં છે. જમાનો હૃષ્ટપુષ્ટ પૃષ્ઠપ્રદેશનો એટલે કે નિતંબોનો આવ્યો છે. અચાનક જ ભારતીય સન્નારીઓને જાણે કે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવવાની ચાનક ચડી છે.

સઘળો વાંક પેલી-જે-લોનો છે. જે-લો એટલે લેટિન અમેરિકન પૉપસ્ટાર જેનિફર લોપેઝ. લોકો પામેલા એન્ડરસનને ભૂલી ગયા છે. જેનિફર લોપેઝના માંસલ પૃષ્ઠપ્રદેશની દુનિયાભરમાં ચર્ચા છે. ભારતીય સ્ત્રીઓના નિતબનું સરેરાશ કદ આમેય દુનિયાના અન્ય દેશોની માનુનીઓ કરતાં મોટું છે. હજુ હમણાં સુધી સુખીસંપન્ન ભારતીય સ્ત્રીઓ આ વિશે સભાન રહેતી હતી અને સર્જરી કરાવીને નિતંબ પર વધારાની ચરબી દૂર કરાવી નાખતી હતી, પણ ભલું થજો લેડી લોપેઝનું  કે જેના કારણે ભારતીય સન્નારીઓ વિશાળ નિતંબને લઈને લઘુતાગ્રંથિ છોડી ઊલટાની ગર્વ લેતી થઈ ગઈ છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં પ્લાસ્ટિક સર્જરી કરતા નિષ્ણાતોને ત્યાં બટ્ટ સર્જરી વિશે પૂછપરછ કરનારાઓની સંખ્યામાં નોંધપાત્રો ઉછાળો આવ્યો છે. નિષ્ણાતો શી રીતે નિતંબપ્રદેશને વધારે ભરાવદાર બનાવે છે?

સામાન્યપણે મહિલાઓને ઈમ્પ્લાન્ટને બદલે ચરબીના ઈન્જેક્શનની ટેક્નિક વધારે પસંદ પડે છે. આ પ્રક્રિયામાં પેટ પરથી વધારાની ચરબી અલગ તારવીને  એને પૃષ્ઠભાગમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે. ફેટ-ઈન્જેક્શનની એક સેશન રૂપિયા૧,૫૦૦ થી ૧,૮૦૦માં પડે. આ ટ્રીટમેન્ટ થોડા મહિનાઓ સુધી ચાલે. સામે પક્ષે ઈમ્પ્લાન્ટવિધિ માત્ર એક જ બેઠકમાં પૂરી થઈ જાય. આ બન્ને વિધિઓના પોતપોતાના પ્લસ-માઈનસ પોઈન્ટ્સ છે. જો કે સો ટકા સલામત આ બેમાંથી એકેય વિધિ નથી. 

કોલેજમાં ભણતી એક યુવતીના જણાવ્યા મુજબ, ''હું નિયમિત રીતે વ્યાયામ કરું છું. એક પણ દિવસ હું મારો આ ક્રમ ચૂકતી નથી. આફટર ઓલ જેનિફર જેવા આકર્ષક નિતંબ મારા આકર્ષણમાં વધારો તો કરશે જ પરંતુ મારો આત્મવિશ્વાસ પણ વધારશે.'' આ ઉપરાંત સેક્સી ઈમેજ ઊભી કરતા કમરની નીચેથી પહેરાતા મીની સ્કર્ટ પહેરવા માટે પણ સુડોળ નિતંબ હોવા જરૂરી છે એવો મત આ યુવતી કરે છે. જ્યારે ૫૦ વર્ષની રીટાએ એકધારા અને કંટાળાજનક વ્યાયામથી બચવા માટે 'જેનિફર લોપેઝના પૃષ્ઠ ભાગનું રહસ્ય' અથવા 'કેપોઈરા' નામે ઓળખાતા આ વ્યાયામ કરવાનું પસંદ કર્યું છે.

'કેપોઈરા' તરીકે ઓળખાતા આ આફ્રોબ્રાઝેલિયન વ્યાયામમાં માર્શિયલ આર્ટ્સ, એરોબિક્સ અને બ્રાઝિલિયન બીટ્સ પર ડાન્સ સ્ટેપ્સનું સમન્વય કરવામાં આવ્યું છે. આ વ્યાયામ તમારા પેટના સ્નાયુઓને અસર કરે છે.

આ વ્યાયામનું પ્રથમ ચરણ જીન્ગા કહેવાય છે જેમાં ઉભડક બેસી એક ખૂણેથી બીજે ખૂણે સરકવું પડે છે. મૂળભૂત સ્ટેપ્સ પછી બીજી અંગસ્થિતિમાં વ્યાયામ કરવાનું શીખવવામાં આવે છે.

આ વ્યાયામ કરવાથી નારીઓની મહેચ્છા પૂરી થાય છે કે નહીં એ પ્રશ્ન ચર્ચાને પાત્ર બને તેવો છે પણ યુવતીઓની આ ઘેલછાને કારણે વ્યાયામ પ્રશિક્ષકો અને જિમ્નેશિયમના માલિકોને બખ્યાં થઈ ગયા છે એ એક હકીકત છે.