Get The App

વિન્ટર સીઝનનો ફેશન ટ્રેન્ડ .

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
વિન્ટર સીઝનનો ફેશન ટ્રેન્ડ                         . 1 - image

શિયાળાના આગમન સાથે વોર્ડરોબમાં પણ બદલાવ આવે છે અને ગરમ વસ્ત્રો પણ તે સાથે જ કબાટમાંથી બહાર નીકળે છે. ઠંડી ઋતુમાં રંગીન અને ટાઈટ ફિટિંગના પોશાકની ફેશન જોવા મળે છે. વરસના આ મહિનાઓમાં રેટ્રો સ્ટાઈલને મિક્સ-મેચ કરીને પહેરવાથી વ્યક્તિત્વને આગવો દેખાવ મળે છે. ૬૦'ના દાયકાથી પ્રેરિત સ્ટાઈલ, મિલિટરી કોટ તથા લેસના સમન્વય દ્વારા આગવી ફેશન કરી શકાય છે.

છેલ્લા એક વર્ષથી લેગિંગ્સની ફેશન ચાલે છે અને હજુ પણ તે ચાલુ જ રહેશે. જોકે અત્યાર સુધી પ્લેન લેગિંગ્સનો ટ્રેન્ડ જોવા મળે છે પણ ડિઝાઈનરોના મતે ટ્વીસ્ટ-ગ્રાફિક્સ, બોલ્ડ પ્રિન્ટસ, સ્ટ્રાઇપ્સ અને એનિમલ પ્રિન્ટસના બ્રાઈટ અને મ્યુટેડ શેડસમાં મલ્ટીકલર લેગિંગ્સની ફેશન શરૂ થઈ શકે છે. વુલન, નેટ, નાયલોન, લાયકા અને બ્રોકેડના લેગિંગ્સ પણ સુંદર દેખાય છે.

લેગિંગ્સ શોભી ઊઠે તે માટે તેના પર ઢીલું ફિટિંગ ધરાવતું ટૉપ પહેરવું. લેગિંગ્સ અને ફલોઇંગ ટૉપ સાથે બેલ્ટેડ સ્વેટર અથવા મિલિટરી સ્ટાઈલનો કૉટ સુંદર દેખાશે. લેગિંગ્સ પર શોર્ટ સ્કર્ટ પણ પહેરી શકાય છે. લેગિંગ્સ સાથે હંમેશા ઊંચી એડીના સેન્ડલ અથવા બૂટ પહેરવા. ફલેટ ચંપલ પહેરવાની ભૂલ કરવી નહિ. તે જ પ્રમાણે લેગિંગ્સની સાથે શોર્ટ કે ટાઈટ ફિટિંગના ટૉપને પહેરવું નહિ. 

સ્વેટરના ફેન્સી અવતારને નીટ્સ કહેવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષોથી આઉટ ઓફ ફેશન ગણાતાં નીટ્સને હવે કબાટના અંદરના ભાગમાંથી બહાર કાઢવાનો સમય આવી ગયો છે. નીટેડ ડ્રેસ (શોર્ટ-લોંગ, ટાઈટ-લુઝ), લેગિંગ્સ, કોટ્સ અને સ્કર્ટ પણ અત્યારે ઇન-ફેશન ગણાય છે. મોટા ભાગના ઘેરા રંગમાં નીટેડ ડ્રેસ મળે છે. જોકે નીટ્સને કેઝ્યુઅલ વૅર તરીકે જ પહેરી શકાય છે. નીટ્સની સાથે નીટ્સનું કોમ્બિનેશન વધુ પડતું કેઝ્યુઅલ લાગશે. આથી નીટ્સની સાથે કૉટન, લાયક્રા, જીન્સનું કોમ્બિનેશન પહેરવું હિતાવહ છે. ડેનિમ અને નીટ્સનું કોમ્બિનેશન સૌથી સુંદર દેખાય છે. નીટના સ્વેટર્સ, સ્કર્ટ અને કોટ બેઝ, ગ્રે, વ્હાઈટ અથવા બ્લુ જેવા રંગમાં લેવા અને નીટના ડ્રેસમાં મનગમતા ઘેરા રંગને પસંદ કરવો.

આ વરસે શિયાળામાં કોઈ ચોક્કસ ડ્રેસની ફેશન નથી પરંતુ વિવિધતામાં એકતા જેવું કોમ્બિનેશન પસંદ કરવામાં આવે છે. ઢીલા ટ્રેન્ચકોટ સાથે ટૂંકા, ફોર્મ-ફિટિંગના એવિએટર જેકેટનો અખતરો પણ કરી શકાય છે. વિશ્વની પહેલી મહિલા પાઈલટ એમિલિયા ઇઅરહર્ટે નાભિ સુધીની લંબાઈ ધરાવતું એવિએટર જેકેટ પહેર્યું હતું. સામાન્ય રીતે તેને સોફટ લેધરમાંથી બનાવવામાં આવે છે અને ડાર્ક બ્રાઉન રંગનું જ હોય છે. આ જેકેટના કોલરમાં ફર હોય છે. જોકે હવે ફર, વીડ, વુલ, પોલિએસ્ટર જેવા જુદા જુદા   ફેબ્રિકમાંથી એવિએટર જેકેટ બનાવવામાં આવે છે. સ્ટ્રેઇટ પેન્ટ, ડેનીમ, ઘેરવાળા ડ્રેસ અને પ્લીટેડ સ્કર્ટસ સાથે આ જેકેટ શોભે છે. ફેશનમાં પ્રયોગ કરવા ઇચ્છતી માનુની કોકેટલ ગાઉન સાથે પણ તેને પહેરી શકે છે. જોકે ટાઈટ ડેનિમ, ટાઈટ ફિટિંગના સ્કર્ટ અને ફોર્મ  - ફિટિંગ ડ્રેસ સાથે આ જેકેટ વધુ સરસ લાગે છે.

જોકે જે માનુનીના દેહનો ઉપરનો ભાગ પુષ્ટ હોય તેમણે ફરવાળું એવિએટર જેકેટ કદાપિ પહેરવું નહિ. આનાથી શરીર વધુ ભારે દેખાશે. તે જ પ્રમાણે જેકેટની નીચે જાડા ઊની કપડાં પણ પહેરવા નહિ.

જ્યારે ફેશન સામયિકો મિલિટરી ફેશન કહે ત્યારે તેઓ સૈનિકોના ગણવેશ જેવા બ્લેઝર, જેકેટ અને પેન્ટની વાત કરતાં હોય છે. મિલિટરી ફેશનમાં બટન, કોલર અને બકલ્સ મોટા હોય છે. અને જેકેટ સ્ટ્રેઈટ ફિટિંગના હોય છે. આવો પરિધાન લુકને સ્માર્ટ બનાવે છે. જોકે મિલિટરી કોટ્સ અને મિલિટરી સ્ટાઈલના ટ્રાઉઝર્સ થોડા ઢીલા ફિટિંગના હોય છે એટલે તેની નીચે ફિટિંગવાળું ટૉપ કે શર્ટ પહેરવું. 

વસ્ત્રોમાં લેસ મૂકવાથી તે વધુ સુંદર અને સોહામણા દેખાય છે. લેસ લગાડેલા ડ્રેસ પ્રત્યે ઝડપથી બધાનું ધ્યાન ખેંચાય છે. એવીએટર જેકેટ કે મિલિટરી સ્ટાઈલના કોટની સાથે લેસવાળું ટૉપ સુંદર દેખાશે. આ જ કારણે શિયાળામાં લેસવાળા ડ્રેસનું ચલણ વધી જાય છે. જોકે 'અતિ સર્વત્ર વર્જયેત્'ને ધ્યાનમાં રાખી માત્ર લેસવાળા જ ડ્રેસ પહેરવા નહિ.

ફરસની ઠંડકથી પગને રક્ષણ આપવા આપણે પગમાં મોજાં પહેરીએ છીએ. જોકે હવે રંગબેરંગી ટૂંકા મોજાં પેહરવાની ફેશન છે. આ મોજાંમાં ફુલની ડિઝાઈન, પોલકાં ડોટસ કે નેટ હોય છે. પેરિસ, ન્યુ યોર્ક, અને લંડનના ફેશન-શોમાં પણ મોડેલ્સ સ્કીન ફિટિંગ જીન્સ, શોર્ટ સ્કર્ટ અને ડ્રેસ સાથે સ્ટીલેટો અને રંગીન મોજાં પહેરેલી જોવા મળે છે. 

જોકે ફેશનપરસ્ત માનુની નેટ કે વુલનના કાળા અથવા રંગીન, પ્લેન અથવા પ્રેન્ટેડ ઘૂંટી સુધીની કે ગોઠણ સુધીની લંબાઈ ધરાવતાં મોજાં પહેરીને સ્ટાઈલીશ દેખાઈ શકે છે. જોકે આ મોજાં પોશાક સાથે મેચ થતાં હોવા જરૂરી છે. શક્ય હોય તો સ્કર્ટ અથવા શોર્ટ ડ્રેસ સાથે પગમાં મોજાં પહેરવા. અહીં મહત્ત્વની વાત  એ યાદ રાખવી કે પાર્ટીમાં જતી વખતે મોજાં પહેરવા નહિ.