સર્વ સામાન્ય માન્યતા એવી છે કે મહિલાઓ મોટા ભાગે પોતાના આરોગ્યની બાબતમાં તદ્ન બેદરકાર હોય છે. એ ઘણે અંશે એ સાચું છે. ફાવે તેવું ખાવાની કુટેવ અને પતિ, બાળકો તેમ જ ઘરનાં કામકાજમાં જોતરાયા પછી એ પોતાની સામે તો કદી જોતી જ નથી. કદાચ આના લીધે જ આપણા દેશમાં કાં તો સ્ત્રીઓ ચરબીના થરથી લથબથ હોય છે અને નહીંતર લોહીની ઊણપથી પીડાતી પાંડુરોગનો ભોેગ બનેલી હોય છે.
ઘણી મહિલાઓ તો નહાવાધોવામાં, ખાવા-પીવામાં અને ટાપટીપમાં ટીવી જોવામાં એટલો બધો સમય વેડફી નાખે છે કે વાત ન પૂછો. બહુ બહુ તો પાડોશણ જોડે બેસીને ગપ્પાં મારી લીધાં કે કે બજારમાં ફરી આવ્યાં એટલે વાત પૂરી. કેટલીક મહિલાઓ વળી સવારમાં ઊઠે જ મોડી, એટલે બ્રશ કર્યું ન કર્યું ને સસવારનો ચા-નાસ્તો, બાળકોને તૈયાર કરી સ્કૂલે મોકલવા, રસોઈ, પતિને જમાડી ઓફિસે રવાના કરવા, નહાવું ધોવું, જમવું, ઘરની સાફસફાઈ વગેરેમાં જ સમય પસાર થઈ જાય છે. એમાંય જો નોકરી કરતી મહિલા હોય તો તો પોતાની ઓફિસે અને સાંજે ફરી ઘરનાં કામ કરીને રાત પડતાં તો થાકીને લોથપોથ થઈ જાય છે. પછી ઊંઘવા સિવાય બીજું કંઈ દેખાતું જ નથી.
તક ગુમાવો નહીં
શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે. કહેવાય છે કે તંદુરસ્તી સુધારવા માટે શિયાળો સૌથી સારી ઋતુ છે. આ તક ગુમાવવા જેવી નથી. બસ, આજથી જ લાગી પડો તંદુરસ્તી સુધારવામાં. જરૂર હોય તો માત્ર દ્રઢ સંકલ્પ કરવાની અને આરોગ્ય પ્રત્યે સાવધાની રાખવાની જ છે. આરોગ્ય સુધારવા બીજાં બધા કામ વચ્ચે પણ સમય કાઢવો જ રહ્યો.
અહીં જણાવેલા કેટલાક નુસખા અજમાવો અને જુઓ કે શિયાળો તમારી તંદુરસ્તી પર કેવી જાદુઈ અસર કરે છે.
૦ બીજી ઋતુઓની સરખામણીમાં શિયાળામાં ખોરાક કંઈક વધારે લેવાય છે. તળેલી વાનગીઓ પણ આરામથી પચી જતી હોય છે એટલે વારેવારે એ ખાવાનું મન થતું હોય છે. આના પરિણામે દુબળા-પાતળા લોકોને તો શિયાળો વરદાનરૂપ સાબિત થાય છે, પણ ભારે શરીરવાળા લોકોને તો વજન ઓર વધવાનું કારણ બની જાય છે. તેથી જ, શિયાળામાં શું ખાવું અને શું ન ખાવું તે તમારા કદ અને બંધારણ મુજબ તેમ જ બને તો ડોક્ટરની સલાહ લઈને જ નક્કી કરો. આરોગ્ય માટે ખોરાક જરૂરી છે, પણ શરીર ભારે હોય તો તળેલી કે ગળી ચીજવસ્તુઓ ઓછી ખાવ. રાબેતા મુજબનું જ ભોજન કરો, પરંતુ જો શરીર નબળું હોય કે લોહીની ઊણપ હોય તો શિયાળામાં ફળ, શાકભાજી, સૂકા મેવા, મીઠાઈ અને ઘી-તેલવાળી વાનગીઓ પણ ખાઈ શકાય છે.
૦ દિવસમાં બે વાર ઠાંસી ઠાંસીને ખાવા કરતાં થોડો થોડા સમયના અંતરે માફક આવે એટલો સમતોલ આહાર લો. મોટાભાગની સ્ત્રીઓ સમતોલ આહારનું નામ સાંભળીને જ ભડકે છે. એમને મન સમતોલ આહાર એટલે જાતજાતની પરેજી અને દવાવાળો ખોરાક, પણ એવું નથી. સમતોલ આહારનો અર્થ ખોરાકમાં દાળ, ભાત, શાક, કઠોળ, દૂધ, દહીં, સલાડ, ફળો, માંસ વગેરેનો સમાવેશ કરવો એવો થાય છે. ટૂંકમાં શરીર માટે જરૂરી વિટામિન, પ્રોટીન, શર્કરા, ક્ષારો અને ચરબી સમતોલ પ્રમાણમાં મળી રહે એ જોવું જોઈએ. અસમતોલ ખોરાકથી કાં તો ચરબી વધી જાય છે અથવા નબળાઈ આવી જાય છે.
* ખાવા-પીવાની સાથોસાથ તંદુરસ્તી માટે કસરત પણ બહુ જરૂરી છે. મોટા ભાગની મહિલાઓ એવું જ માનતી હોય છે કે કસરત તો ચરબી ઊતારવા માટે જ કરવી પડે. પાતળા શરીરવાળાને કસરત કરવાની કોઈ જરૂર નથી, પણ આ માન્યતા ભ્રામક છે. કસરતનો સંબંધ ફક્ત ચરબી ઘટાડવા કે સ્થૂળતા સાથે નથી, પણ કસરતથી શરીરમાં ચુસ્તી-સ્ફુર્તિ આવે છે અને નવી ઊર્જા મળે છે. તમે પાતળાં હો કે જાડાં, તંદુરસ્તી માટે કસરત ખૂબ જરૂરી છે.
* ઉનાળામાં કે ચોમાસામાં જરાસરખી કસરત કરવાથી પણ પરસેવે રેબઝેબ થઈ જવાય છે અને થાકી જવાય છે, પરંતુ શિયાળામાં લાંબા સમય સુધી સતત કામ પણ કરી શકાય છે. આ બધા વચ્ચે પણ કસરત માટે થોડો સમય ચોક્કસ કાઢવો જોઈએ. જો શિયાળામાં નિયમિત કસરત કરીને તંદુરસ્તી કેળવી લીધી હશે તો ઉનાળામાં કે ચોમાસામાં થોડી અમથી કસરત કરીને કે માત્ર ચાલવા જઈને જ એ તંદુરસ્તી જાળવી શકીશું.
* એવું જરૂરી નથી કે કસરત સવારે જ કરવી. સવારે સમય ન મળતો હોય તો સાંજે કરો. બસ, એટલું જ ધ્યાન રાખવાનું કે કસરત નિયમિત થાય અને પરસેવો વળે ત્યાં સુધી કસરત થાય તો જ શરીરમાં સ્ફૂર્તિ આવશે.
* તમને જો સવારે કે સાંજે કસરત માટે સમય ન જ મળતો હોય તો દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક પગે ચાલતાં ફરવા જાવ. તાજી હવામાં ફરીને મન તો પ્રફુલ્લિત થશે જ, સાથે શરીરના સ્નાયુ છૂટા પડશે અને નવી શક્તિ પેદા થશે. એમાંય જો વધારે ખવાઈ ગયું હશે તો ચાલવાથી એ ભોજન સહેલાઈથી પચી જશે.
* સવારે વહેલાં ઊઠીને તરત કામે ન વળગો, પણ પ્રફુલ્લિત મનથી ધીરે ધીરે ઊઠીને ઓછામાં ઓછા પાંચેક મિનિટ સુધી ટટ્ટાર થઈને ઘરમાં આમતેમ ફરો. જેથી રુધિરાભિસરણ વ્યવસ્થિત થશે. ત્યાર પછી જ કામે વળગો.
* શિયાળામાં સવારે કલાક બે કલાક કુમળા તડકામાં બેસો. તેનાથી વિટામિન 'ડી' મળશે. નાનાં-મોટાં કામ તડકામાં બેઠાં બેઠાં જ કરો. બસ, આટલી સવાચેતી રાખો. પછી જુઓ તમારી તંદુરસ્તી માટે કોઈ ફરિયાદ ઊભી નહીં થાય.
- ઈશિતા


