Get The App

શિયાળામાં પેચવર્કના વિન્ટર વસ્ત્રોની ફેશન

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
શિયાળામાં પેચવર્કના વિન્ટર વસ્ત્રોની ફેશન 1 - image

ચીંદીના થીગડાં સાંધીને બનાવેલા પોશાકને અપાયું 'પેચવર્ક'નું રૂપકડું નામજો કોઈ ગરીબ માણસે થીગડાં મારેલા વસ્ત્રો પહેર્યાં હોય તો તે સતત એમ વિચારીને સંકોચ અનુભવતો રહે કે ક્યાંક કોઈ તેની ઠેકડી ઉડાડશે તો? પરંતુ સંખ્યાબંધ થીગડાં મારેલા, એટલે કે વધી પડેલા કંઈ કેટલાય કપડાંને સાંધીને કોઈક નવા જ પ્રકારનો પોશાક બનાવી દેવામાં આવે અને તેને 'પેચ વર્ક' ડ્રેસ જેવું મઝાનું નામ આપી દેવામાં આવે તો દેશ વિદેશના શ્રીમંતો પણ તે હોંશે હોંશે પહેરે. ત્યારબાદ પેચવર્ક કરેલો પોશાક ફેશન ટ્રેન્ડ બની જાય. હમણાં શિયાળુ વસ્ત્રોમાં આ ચલણ જોવા મળી રહ્યું છે, ચાહે તે સ્વેટર હોય, કાર્ડિગન (ઊનનું ગૂંથેલું જાકીટ) હોય કે સ્કાર્ફ અને આ ફેશન ટ્રેન્ડનો મોટાભાગનો યશ સોશ્યલ મીડિયાના ફાળે જાય છે. હોલીવૂડ ગાયક- ગીતકાર- અભિનેતા હેરી એડવર્ડ સ્ટાઈલસે લાલ, લીલા, પીળા, કાળા જેવા રંગોના થીગડાં એકઠા કરીને ડિઝાઈન કરેલું કાર્ડિગન પહેરેલો ફોટો સોશ્યલ મીડિયા પર મૂક્યો એટલે તે આ શિયાળાનો ફેશન ટ્રેન્ડ બની ગયો.

ફેશન ડિઝાઈનરો કહે છે કે ૭૦ના દશકમાં પેચવર્કના પોશાકની ફેશન પૂરબહારમાં ખીલી હતી. પછીથી તે શિયાળુ વસ્ત્રોમાં પણ એટલી જ માનીતી બની અને હમણાં હેરી સ્ટાઈલે આપણને ફરીથી ૭૦ના દાયકાની સ્મૃતિ તાજી કરાવી દીધી. વળી કોવિડ-૧૯ને કારણે લાગૂ કરવામાં આવેલા લોકડાઉને માત્ર ગરીબો કે મધ્યમ વર્ગના લોકોને જ નહીં, તવંગરોને પણ નાનામાં નાની વસ્તુની કિંમત સમજાવી દીધી. તેથી ફેશન ડિઝાઈનરો અગાઉ પોશાક બનાવ્યા પછી વધેલા કપડાના નાના નાના ટુકડા ચીંદીમાં નાખી દેતા હતા તેનો ઉપયોગ કરીને પેચવર્કવાળા વસ્ત્રો બનાવવાનું શરૂ કર્યું અને જો કાપડાના ટુકડાઓ એકઠાં કરીને ડિઝાઈનર પોશાક બનાવી શકાયતો વિન્ટરવેઅર કેમ નહીં? વધેલા ઊનને ગૂંથીને પેચવર્કના કાર્ડિગન, સ્વેટર કે સ્કાર્ફ પણ એટલા જ સુંદર લાગે.

મહત્ત્વની વાત એ છે કે પેચવર્કના સ્વેટર કે કાર્ડિગન કોઈપણ પેન્ટ સાથે પહેરી શકાય. તમે હેરી સ્ટાઈલ જેવું લાલ- લીલા- પીળા- કાળા રંગના પેચથી બનાવેલું કાર્ડિગન કે સ્વેટર ભૂરા, કાળા, સફેદ પેન્ટ પર પહેરી શકો. ચાહે તે ડેનિમ કેમ ન હોય. જ્યારે શ્વેત- શ્યામ અથવા ગ્રે- વાઈટ વિન્ટરવેઅર, ડાર્ક કલરની પેન્ટ સાથે સુંદર દેખાશે. ખાસ કરીને સ્ટ્રીટ ફેશનમાં આ કોમ્બિનેશન વધુ પસંદ કરવામાં આવે છે.

ઘણી બ્રાન્ડ વૂલનના પેચવર્ક ડ્રેસ બનાવે છે. બૂટ સાથે પહેરાતા આ ડ્રેસ સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની રહ્યાં છે.

રેટ્રો સ્ટાઈલ માટે પેચવર્કવાળા ટ્રેન્ચ કોટ અને એસેમેટ્રિકલ જેકેટ ખૂબ પસંદ કરાય છે. આવા કોટ અને જેકેટ બૂટ કટ ડેનિમ સાથે ખૂબ જચે છે.

ઘણાં લોકો ઘેરા રંગના ઊનાળુ વસ્ત્રો ઉપર પેચવર્ક કરેલા શિયાળુ પોશાક પહેરીને નવી જ સ્ટાઈલ બનાવે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે પેચવર્કવાળા વિન્ટરવેઅર બનાવવા જૂના થઈ ગયેલા કે કાણાં પડી ગયેલા સ્વેટરોના સારા હિસ્સાને કાપી લઈ તેને અન્ય જૂના કપડાં, મોજાં, ટી-શર્ટ ઈત્યાદિના ટુકડા કાપીને ડિઝાઈન કરવામાં આવે છે. કદાચ એવી રીતે જે રીતે આજે પણ આપણા ગ્રામ્ય વિસ્તારોમાં પાથરવા કે ઓઢવા માટે ગોદડીઓ તૈયાર કરાય છે. ફરક માત્ર એટલો કે તેના ઉપર ગરીબીની છાપ હોય છે જ્યારે પેચવર્કના વસ્ત્રો પર ફેશનનું લેબલ લાગે છે.